Raj Mistry's world

Me,my stories and world around….


1 Comment

બબૂચક…..

બબૂચક…..શબ્દ સાંભળેલો લાગે છે?? કોઈ ગુજરાતી ને આ પ્રશ્ન પુછો તો તેનો ઉત્તર મોટેભાગે હકાર માં મળે……..પણ બિન ગુજરાતી ને આ પુછો તો એને એમ જ લાગે કે આ કોઈ પુરાતન નગરી ના રાજા નું નામ હશે…!! હાહાહા…….પણ આપણે ગુજરાતીઓ એ બાળપણ માં જ આ ઉપાધિ નો લાભ લઈ લીધો હોય જ છે……! અમને તો બાળપણમાં આનો અઢળક લાભ મળેલો છે અને અમારા હરિ ને પણ ક્યારેક ક્યારેક આનો લાભ મળી જાય છે…….

પણ આજે સવારે અમારા હરિકૃષ્ણ મહારાજ ના અળવીતરા પણા ને લીધે મે એને બબૂચક કહ્યો તો તરત જ એના એવેઞ્જર્સ માતુશ્રી રીનાબેને એક આદર્શ શિક્ષક ની જેમ મને પ્રશ્નાવલી માં લીધો……

રીના ઉવાચ- તમે હરિ ને બબૂચક કહો છો……પણ તમને એનો અર્થ ખબર છે??

મે કહ્યું- ખબર છે હવે…!! એમાં શું નવું છે??..બબૂચક એટ્લે તોફાની……..!!

રીના ઉવાચ- પહેલા તપાસ કરો…પછી બોલો…..!!

અને શિક્ષક પત્ની ની આ આજ્ઞા એ શરૂ કરી મારી “શબ્દ ખોજ યાત્રા” ……પ્રશ્ન થયો કે બબૂચક શબ્દ નો અર્થ શું?? એની ઉત્પત્તિ કઈ રીતે થઈ હશે…….અને હમેંશ ની જેમ મે સહારો લીધો ભગવદ્ગોમંડલ નો……આ શબ્દ વિષે તે શું કહે છે તે જોઈએ….

બબૂચક  એટલે

૧ કમઅક્કલ; મૂર્ખ; ભોટ; બોથડ; જડ; મંદ; બેવકૂફ; બોતડું; ગમાર.
૨ ખાઉધરૂં; ખાવા માટે આતુર રહેતું.
૩ બેઢંગું; અડબંગ; ઢંગધડા વિનાનું.
૪ લાલચુ.
૫ સ્તબ્ધ; દિગ્મૂઢ.

ઓહ…..આ શબ્દ નો અર્થ વાંચ્યા પછી વિચારમાં પડી ગયો કે – ઉપર ના આ અર્થમાં થી ક્યો અર્થ આપણ ને લાગુ પડ્યો હશે?? બાળપણ માં અમારા તોફાનો અને ચરિત્ર એવા હતા કે કદાચ – ઉપર ના બધા જ અર્થ અને એના થી વિશેષ કોઈ હોય તો- બધા જ અમને લાગુ પડતાં…!! હાહાહા……..શું મજા ની લાઈફ હતી…!!!

ખોળંખોળા કરતાં સમજાયું કે આ શબ્દ- બબૂચક ના નામે તો ગુજરાતી માં મૂવી પણ બનેલા છે…..ટી શર્ટ પણ છપાયેલા છે…..નાટક..કવિતાઓ…બનેલી છે….

જે હોય તે…પણ બબૂચક શબ્દ નો આ “મહિમા” વાંચ્યા પછી લાગ્યું કે – આનો ગમે તેમ ઉપયોગ ન કરાય…..શબ્દ માં બહુ તાકાત હોય છે- આથી હવે થી એનો સમજી વિચારી ને ઉપયોગ કરવામાં આવશે એ નક્કી….!! આપણે ગમે તેવા વિદ્વાન હોઈએ પણ ક્યારેક ને ક્યારેક તો -એક ક્ષણ માટે પણ આપણે બબૂચક હોઈશું જ……છેવટે એની પણ મજા છે…….!! આખી જિંદગી હોંશિયાર થઈ ને -સોગિયું મોઢું કરી ને જીવવામાં મજા નથી જ……ક્યારેક જીવન માં કરેલી મૂર્ખામી ના કિસ્સા પણ મન ને તરબતર કરવા જરૂરી હોય છે…..રોજરોજ પકવાન ન ખવાય…….!!!! હસતાં રહો….જીવન ને મનભરી માણતા રહો……….

ત્યાં સુધી બબૂચક શબ્દ નો લાભ લઈએ…….જીવન માં બહુ સિરિયસ ન થાવું……

રાજ….


Leave a comment

હરિની પૂજા અને એવેનજર્સ…

હરિકૃષ્ણ અને હું લગભગ સાથે જ નિત્ય પૂજા કરવા બેસીએ…..આજે પૂજામાં બેઠા તો ધ્યાન થી જોયું તો હરિ ની પૂજા આસપાસ તેના પ્રિય ( લગભગ બધા ના પ્રિય) સુપરહીરોઝ ગોઠવાયેલા દેખાયા…..

મને આશ્ચર્ય થયું….મેં હરિ ને પૂછ્યું….

“બેટા….. આ તારા સુપર હીરોઝ અહીં શુ કરે છે??

હરિ ઉવાચ- પાપા…એ પૂજા કરે છે……

હું….પૂજા કરે છે?? કેમ ? એમને શુ જરૂર પડી ભઈ???

હરિ- પાપા…..સુપર હીરો ને ય તાકાત ની જરૂર પડે ને…..!!!એટલે ભગવાન પાસે માંગવી તો પડે ને…….

હું….” હા…હો…એ વાત સાચી…….માણસ ગમે તેટલો શક્તિશાળી કેમ ન હોય…પણ ભગવાન આગળ તો એ વામણો જ છે……ભગવાન ની મરજી હોય તો જ એ ડગલું ય માંડી શકે…..બાકી એની કોઈ તાકાત જ નથી કે એ કઈ કરી શકે…..

હરિ- પાપા…આપણે સુપર હીરો બની શકીએ??

હું…”કેમ નહિ…..?? આપણી બધાની અંદર સુપર હીરો છે જ…..તમે કોઈને મદદ કરો….કોઈના ભલા માટે કાર્ય કરો…તો એ સુપરહીરો જ કામ કરે છે……હરિ તું કંઈ ક સારું કરે તો તું પણ સુપરહીરો જ છે…….

હરિ- તો પછી…કેપ્ટન અમેરિકા જેવો શિલ્ડ….માસ્ક…કપડાં લઇ આપો ……હું ય દુનિયા ને બચાવીશ………

હું….બેટા….. કેપ્ટન અમેરિકા એમ ને એમ ન બનાય…..ભણો… શક્તિશાળી બનો…પછી બધું થાય….

હરિ……” પપ્પા…તમે કદી કેપ્ટન અમેરિકા ને ભણતાં કે સ્કૂલ માં જતો જોયો?????”

હું….”…….🤔🤔🤔😑😑😑” ….ચૂપચાપ પૂજા કરી લે ને ભઈ……!!

હે શ્રીજી……..!!! આ કોરોના ક્યારે જશે????

રાજ


Leave a comment

છગનભાઇ અને આજ ના તાજા સમાચાર….

સવારે ચાલી ને આવી ઘરે બેઠો અને થોડોક પ્રાણાયામ કર્યો…બાબા રામદેવ અને એલોપથિક ડોક્ટરો વચ્ચે ના વિવાદ પછી મનેય લાગવા માંડ્યું છે કે કોરોના લોકો ના ઘરમાં ય કંકાસ ઘાલશે… ત્યારે મૂઆ ને શાંતિ થાશે…..!! સાલો કોરોના કોઈને નથી ગાંઠતો….રસી ના બે બે ડોઝ લીધેલા ય ઉકલી જાય છે ને સો સો વર્ષ ના વડીલો ય લાકડી ફૂટી ને કોરોના ને હરાવી દે છે….!!

આપણે તો એ ય લીંબુ નું ગરમ પાણી સારું….એમ વિચારી આજનું છાપું ખોલ્યું તો ત્યાં જ અમારા પડોશી છગનલાલ ની પધરામણી થઈ….આવતા વત બોલ્યા…

“રાજભાઈ……મેલાં ન આ છાપાં…. ન લાવો ચા….. જરાક મૂડ ફ્રેશ થાય….”

હું બોલ્યો……પણ થયું શુ…?? કેમ આટલા રઘવાયા થયા છો…??

છગનકાકા બોલ્યા….” શુ કરીએ..?? કોરોના ની લહેરે લહેર આવતી જાય છે ‘ને આપણી લહેર ધૂળ ધાણી થઈ ગઈ છે……તારી કાકી જ્યારે જુઓ ત્યારે સેનીટાઈઝર ની બોટલ લઈ ને મારી પાછળ પાછળ ફરે છે…..આખો દાડો મુઢે માસ્ક બાંધી ને ઘર માં બેસાડી રાખે છે…..ને તમે છાપાં પકડી ને ચા ની ચૂસકીઓ ભરો છો….!!! લાવો છાપું હું ય જોઉં કે મૂઆ કોરોના સિવાય પણ કાઈ લખે છે કે નહીં??

એમ કહી કાકા એ છાપું ખેંચી વાંચવા નું શરૂ કર્યું….જોઈએ એમના મુખે બે ત્રણ સમાચાર નું રસપ્રદ વિશ્લેષણ….

છગનકાકા ઉવાચ- નિતીનકાકા ય હવ લાઇન પર આયા સ….ઇમન ય કોરોનું પેહી ગ્યું… એટલે રેલો આયો ન બધા જાગ્યા….. ત્રીજી લહેર ન આવે એટલે બાધા રાખવા ન સ….ભલ રાખતા..પણ સાથે સાથે બેડ,ઓક્સિજન,દવાઓ પણ રાખ..અ… તો સાચું…!!

છગનકાકા ઉવાચ….”રાજભાઈ….મારુ બેટુ આ ખરું થયુ…. રસી લીધા પસી લોકો ચુંબક થઈ ગ્યા…. ને છાપે ચડી ગયા….મારુ હારુ મેં ય રસી લીધી સ…મારે તો આવું ન થયું…ચ્યમ આવો ભેદભાવ?? મ’ન તો શંકા થાય સ ક…ડોકટરો એ રસી ના બદલે પાણી તો નથી ઠોકયું ન…!! સાલું….તપાસ કરાવવી જ પડશે….!! રાજભાઈ….રસી લીધા પસી આ લોકો ન ચમચા ચોંટ શ…તો તારી કાકી નું મોઢું ન ચોંટ અ..??? …

છગનભાઇ ઉવાચ…..રાજભઈ…. અલ્યા પાકિસ્તાન ની વસ્તી ચેટલી?? મેં કહ્યું….22 કરોડ તો ખરા…. છગનકાકા કહે……તો ચ્યમ ખાલી ત્રણ લાખ જ ગધેડા મોકલ્યા??? બાકીના 21 કરોડ 97 લાખ ચ્યમ બાકી રાખ્યા??? હારા ઓ ગધેડા વેચી ન પેટ ભર શ…ન ભારત હામે લડવા નું જોર કર શ…!! ગધેડાઓ….તમારી ચડ્ડી ય વેચાઈ જસ….એવા દા’ડા આ મોદી કાકા લાવવા ન શ…..!!!

હાહાહા…….હું હસી પડ્યો ને લીંબુ પાણી નો કપ રોષે ભરાયેલા છગનકાકા ના હાથમાં ટીંગાડ્યો….!!

છે ને મજ્જા ની લાઈફ…..! બસ પળ મળે ને માણતા રહો….સુખ ની એ પળો નો ગુલાલ કરતા રહો……..દુઃખ તો આજે છે ને કાલે નથી……

રાજ


Leave a comment

ધન્ય ધન્ય ધરા ગુજરાત….

આજે ૧ મેં ૨૦૨૧…..આજથી ૬૧ વર્ષ પહેલાં , ૧ લી મેં ,૧૯૬૦ ના રોજ ગુજરાત સ્વબળે…પોતાના શાંત ગર્વિલા મિજાજ ને સહારે બૃહદ મુંબઇ થી અલગ થયું અને લગભગ 7000 વર્ષ જૂની પોતાની ઓળખાણ ને તરોતાજા કરી….સ્થિર થયું……

જે ધરા ને હજારો વર્ષો નો ભૂકંપ…દુષ્કાળ….જળ પ્રલય…કે વિદેશી આક્રંતા ઓ ના સતત હુમલાઓ ડગાવી ન શક્યા…..તેને આ કાલમુખો કોરોના શુ ડગાવી શકશે??? જે ધન્ય ધરા ને સ્વયં શ્રીકૃષ્ણ ભગવાન….ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા પોતાનું કર્મક્ષેત્ર બનાવ્યું હોય….તેને વિપત્તિ ઓ ની શી ફિકર…!! મહાજાતિ ગુજરાતી ..પોતાના ધર્મનિષ્ઠ શાણપણ ને સથવારે….વેપારી કુનેહ થી નવા દરિયા ખેડી ને આજે દુનિયાના ખૂણેખૂણે પહોંચી છે……અને જગત ને શીખવ્યું છે કે ધર્મ સહિત ધંધો કઇ રીતે થાય……સંસ્કાર સાથે સમૃદ્ધ કઇ રીતે થવાય…!!

સંતો..મહાત્માઓ…ઓલિયા ….વિશ્વનેતાઓ ની ભેટ જગત ને દેનાર ગુજરાત માટે કોઈ અજ્ઞાત મહાત્મા એ લખ્યું છે કે…..ગુજરાત એટલે…

 
ગુ- ગુણવાન… અહીં લોકો ગુણવાન છે..
જ- જવાબદારી…લોકો અહીં જવાબદારી સમજે છે અને જવાબદારી પૂર્વક વર્તે છે…
રા- રાહ દેખાડનારા….ગુજરાતે દુનિયાને રાહ દેખાડી છે ..પોતાના નીતિ-ધર્મ છોડ્યા વગર કઈ રીતે ,કોઈ પણ દેશકાળમાં જીવવું એ ગુજરાતે શીખવાડ્યું છે…
ત- તપશ્ચર્યા ….ગુજરાતી ઓ પોત-પોતાના ક્ષેત્ર માં “તપશ્ચર્યા” કરી જાણે છે…કર્મ કરે છે અને ઈચ્છિત ફળ મેળવે છે..અને પોતાની જવાબદારી સમજી એ ફળ નો અમુક હિસ્સો ધર્મ-નિયમ ,સમાજ માટે ખર્ચે છે…”પોતાના વિકાસની સાથે અન્યનો પણ વિકાસ” એ આપણો મંત્ર રહ્યો છે અને કદાચ આથી જ ગુજરાત માત્ર વિકાસ નથી કરતુ…વિકાસ કઈ રીતે કરવો એ શીખવાડે પણ છે…..નરેન્દ્ર મોદી વિષે ચાહે કોઈ ગમે તે કહે પણ એ “ગુજરાતી” ઓ નો સાચો ચહેરો છે…એ બધા સમજી ચુક્યા છે….

ચાલો માણીએ એક સુંદર સ્વરચિત પદ….

ધન્ય ધન્ય આ ગુર્જર ધરા..સ્વર્ણિમ ધરા

________________________________________


“ જય જય ગુણવંતી ગુજરાત, અમારી ગુણવંતી ગુજરાત….૦
ચમકતી,છલકતી, નાજુક નમણી નાર શી..મિજાજ મહેકાવતી..
જગ જીત્યાની ખેવ એવી, થઇ પ્રવાહિત સમગ્ર શ્રુષ્ટિ મહી..૦.
છાપ એવી રૂડી છાપી કે ,એના નામ કેરું નાણું, જગે વખાણ્યું…
મહેતા નરસૈયાનો નાથ આવી વસ્યો હોંશે એના રુદિયા માહી…૦
સહજાનંદ કેરી કાર્ય ભૂમિ , આજ ગુંજતી ગાજતી ચતુર્દીસ વહી..
ધર્મ-સંસ્કારના વાવટા ખોડ્યા એવા ,ડગે ધરા,મનડા કદી નાહિ…૦
નર્મદ,દુલા,અખાના ચાબખા ચમકાવતી, પળેપળ ધબકતી અતિ,
કવિ દલપત, ઝવેર મેઘાણી ના કસુંબી રંગે રાગતી ,ઝમકતી..૦
ગાંધી ,સરદારે સિધ્ધાંત થકી અંગ્રેજોની નાક લીટી એવી તો તાણી…
રચ્યો સ્વર્ણિમ ઇતિહાસ,રચી ધન્ય ધરા ભારતની સરવાણી….૦
દાંડીથી શરુ ગાંધી ની કથા , લોક રાગમાં એવી તો સમાણી…
પહોંચી અમુલ કેરી શ્વેત ક્રાંતિ ભણી, બની એ ઘર ઘર થી જગ-વાણી..૦
અહીં ધર્મ સંસ્કાર સંગ વ્યવહાર સહજ સમજાતો,જીવાતો..
મુલ્ય લક્ષ્મી કેરું રગે રગ ઘોળાતું, પણ હરિ પળે ન વિસરાતો..૦
અહીં જીવન મનાતુ એક ઉત્સવ પળે પળ અને ઉમળકે ઉજવાતું,
ઉતરાણ, દિવાળી, ગરબે ઘૂમતું સઘળું વિશ્વ એક સમજાતું….૦
સમજો,માનો આ ગુજરાતી મિજાજના દરિયા ને હો “રાજ”
જન્મ માત્ર સફળ લેખાતો હર કોઈનો  ,આ ધન્ય ધરા નો જો રંગ લાગતો…..૦.

મને સદાયે ગર્વ રહેશે ….કે હું ધન્ય ધરા નું સંતાન છું….હું નખશિખ ગર્વિલો …સવાયો ગુજરાતી છું…..મહાજાતિ ગુજરાતી નું રક્ત છું……એનો મિજાજ છું…

જન્મદિવસ અતિ શુભ હો….સ્વર્ણિમ ગુજરાત ..!! કોરોના સામે પણ જીત તારી જ હશે….તું જ અક્ષર છે…તું જ સદાય છે…..

રાજ


Leave a comment

કોરોના મહાકાળ….

આજકાલ સમગ્ર જગત કોરોના નામના અદ્રશ્ય…રહસ્યમય વિષાણુ દૈત્ય ના સકંજામાં ફસાયું છે..આ કોવિડ 19 વાઇરસ ની ઉત્પત્તિ ચીનમાં થઈ અને ઘણા માને છે કે તે લેબોરેટરી માં બનાવેલો છે…જે ચીંકા ઓ દ્વારા ભૂલ થી કે કોઈ હેતુસર લીક કરવામાં આવ્યા અને એક બે વર્ષના ટૂંકા ગાળા માં સમગ્ર દુનિયાના લોકો માં તે ફેલાઈ ગયો….તેની લહેરો જેમ જેમ આવતી જાય છે તેમ તેમ થોડોક ઘણો ઠેકાણે પડેલો મનુષ્ય પુનઃ તેના ઝપાટા થી ઊંધે માથે પટકાય છે……અબજો રૂપિયા ના નુકસાન….કરોડો નિર્દોષ લોકો ના મૃત્યુ….ગરીબી…ભૂખમરો….દવાઓ ની અછત અને બિન અસરકારકતા…..વગેરે આજે આ ને લીધે જ પ્રત્યક્ષ દેખી શકાય છે……! આપણી આ પેઢી કદાચ ભવિષ્ય માં આ રોગ ની ભયાનકતા વિશે ફુરસત થી …નવી પેઢી ને સમજાવી શકશે કે કુદરત ની આ વિષમતા આગળ મનુષ્ય કેટલો પામર અને લાચાર છે…..!!

કોરોના ની પ્રથમ લહેર માં તો આપણો દેશ સહેજ માં ઉગરી ગયો હોયવતેમ લાગતું હતું….દિવાળી..ઉત્તરાયણ..હોળી સુધીમાં તો જનજીવન સામાન્ય થવા લાગ્યું હતું…..અને મોતા ભાગ ના લોકો ને તો એવું જ લાગતું હતું કે..હવે તો કોરોના ગયો…!! એમ માની false confidence માં આવી…સરકાર દ્વારા નિયત કરેલા માસ્ક અને સોશીયલ ડિસ્ટનસ ના નિયમો ભૂલી ને મનસ્વી પણે જીવવા લાગ્યા હતા…..અને અચાનક જ મહારાષ્ટ્ર માં કેસ માં રાતોરાત વધારો આવ્યો….અને એ પણ વાઇરસ ના નવા સ્વરૂપ સાથે….ડબલ મ્યુટેન્ટ સ્વરૂપ સાથે કે જે વધુ ઝડપી સંક્રમણ શક્તિ સાથેનો…વધુ ઘાતક હતો……જે જોતજોતામાં સમગ્ર દેશમાં પ્રસરી ગયો…..હોસ્પિટલો ઉભરાઈ ગયા….ઓક્સિજન સપ્લાય પણ ખૂટી ગયો….બેડ ખૂટી ગયા…દવાઓ ની ભયંકર અછત છવાઈ ગઈ અને લોકો ટપોટપ મરવા લાગ્યા…..સવારે તો હોસ્પિટલમાં એડમિટ થયા હોય અને સાંજે તો સ્મશાન ભેગા થવા લાગ્યા…..!! વાઇરસ ના આ નવા સ્ટ્રેન આગળ દવાઓ પણ બેઅસર સાબિત થઈ…રસીકરણ ની ધીમી ગતિ એ સંક્રમણ માં પેટ્રોલ નાખ્યું…..ભડકા થયા અને અનેક જિંદગી ઓ રાખ થઈ ગઈ……

મારા તમારા ..બધાના અનેક સ્નેહી સ્વજનો હોસ્પિટલ થી સીધા સ્મશાન જવા લાગ્યા….છેલ્લા દર્શન પણ દુર્લભ થઈ ગયા…..અબાલ વૃદ્ધ….અને બાળકો પણ આનો ભોગ બન્યા…….એમ્બ્યુલન્સ… હોસ્પિટલ….બેડ…ઓક્સિજન…બધું જ ખૂટી ગયું અને જીવન પળભર માં મૃત્યુ થઈ ગયું……કોને દોષ દેવો??? સરકાર ને? દેશના નબળા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ને?? લોકો ની બાલિશતા ને?? કે કુદરત ને???

કુદરત અત્યારે વિપરીત છે……અને મનુષ્ય સ્વભાવ એના થી ય વધુ વિપરીત…..પોતાના ટૂંકા સ્વાર્થ માટે કુદરત ના નિયમો સાથે છેડછાડ કરે અને પરિણામ ભયંકર આવે….જે ઓક્સિજન વૃક્ષો આપણ ને મફત માં આપતા હતા….તે વૃક્ષો ને કાપી નાખ્યા….સુખ સગવડો વધી ગઈ પરિણામે બેઠાડુ…આળસુ જીવન કરી દીધું જેથી દેહ ની રોગ પ્રતિકારક શક્તિ ઘટી ગઈ……અને સતત આવતા નવા મ્યુટેન્ટ વિષાણુ સામે એ લડવા અસમર્થ બની ગયો……

ટૂંકમાં આ બધા માટે હું તો આપણી જાત ને જ જવાબદાર ગણું છું…….અને સર્વને હાથ જોડી ને વિનંતી કરું છું કે હજુ સમય છે….સુધરી જઈએ…..કુદરત ના નિયમ ને અનુસરીએ…..એની સાથે ચાલીએ…દેહ ને એના અનુરૂપ કરીએ….તો આવા વિપરીત સંજોગો માં ટકી શકાય….! મેં આ છેલ્લા એક બે વર્ષના કોરોના કાળ માં અનેક મિત્રો…સહકર્મીઓ…પડોશીઓ…સગા ગુમાવ્યા છે…..આથી મારા અનુભવ પ્રમાણે સર્વને વિનંતી કરું છું કે…

  • ડોક્ટર્સ-આરોગ્યવિભાગ-સરકાર દ્વારા આપેલા નિયમો નું અતિ દ્રઢ પણે પાલન કરો….બહુ ફાંકા માં ન રહેવું કે ..મને કંઈ ન થાય……આ તો કોરોના છે…રેશનકાર્ડ માં થી નામ નીકળી જશે…
  • માસ્ક, વારંવાર હાથ ધોવા, ચોખ્ખાઈ, અમુક અંતર ને દુરી, બિનજરૂરી પ્રવાસ ટાળવો..બહાર ન ખાન પાન બંધ કરવા….રોજિંદી શારીરિક કસરત, શ્રમ,પ્રાણાયામ,શુદ્ધ આહાર ,સકારાત્મક વિચાર ધારા અને વર્તન….અનિવાર્ય જ છે….
  • જાન બચી તો લાખો પાયે……જીવન થી મોંઘુ કઈ નથી …માટે એને સાચવી ને જ વર્તો…..લગ્ન,મરણ, વ્યવહાર એ તો સાદાઈ થી અને નિયમ માં રહી ને પણ થાય……
  • સૌથી અગત્ય નું- રસી અવશ્ય લેવી જ……રીના ની સ્કૂલ ના પ્રિન્સિપાલ …રસી ન લેવાને લીધે, કોરોના થી બચી ન શક્યા…!! રસી ને બે ડોઝ પછી પણ કોરોના સંક્રમિત થાઓ તો બીવા ની જરૂર નથી…..રસી ને લીધે જ તમારે ઘરે બેઠા જ કોરોના સંક્રમણ દૂર થઈ જશે…..હોસ્પિટલમાં જવાની જરૂર નહીં પડે.
  • વૃદ્ધ…બાળકો એ તો ભીડભાડ માં જવું જ નહીં…..કો મોરબિડ હોય તેમણે તો અવશ્ય સાચવવું જ…..અમારે ઘરે મારી મમ્મી અને હરિ…અને બધા જ રોજ સવારે લીંબુ નું ગરમ પાણી જ પીવામાં લઈ એ છીએ….ફ્રીજ કોલ્ડ વસ્તુ કે પાણી નહિ જ પીવાનું…..એસી પણ 27-28 પર જ રાખવાનું….હવા ઉજાસ માં જ રહેવાનું……અને રોજ રાત્રે સૂતી વખતે હળદર મીઠું લેવા નું જ……

બસ…આટલું કરશો તો ય આપણો જીવ સલામત રહેશે….સરકાર, ડોક્ટર્સ..પેરામેડીકલ સ્ટાફ ની મહેનત બચશે……! અને હા…યાદ રાખો….ભૂતકાળ માં પણ ભયાનક વિષાણુ સંક્રમણ માં મનુષ્ય જાતિ ટકી રહી હતી….અને આગળ પણ આ કોરોના ..ભલે ને ગમે તેટલા સ્વરૂપ બદલે…..ભોગ લે….પણ જીવન ટકી રહેશે….

આવનારી કાલ આપણી જ છે….અને એટલે જ ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે…

“…..સુખ દુઃખ આવે સર્વે ભેળું, એમા રાખજો સ્થિર મતી.
જળવીશ મારા જનને, વળી કરીશ જતન અતિ…

એમ કરતા પંડ(દેહ) પડશે, તો આગળ સુખ છે અતિ ઘણું.
પણ વ્રત ટેક ટાળશો, તો ભોગવશો સહુ સહુ તણું….

નહીં તો તમે નિચિંત રહેજો, કરવું તમારે કાંઈ નથી.
જે મળ્યા છે તમને, તે પર છે અક્ષર થી…”


ભગવાન શ્રી સ્વામિનારાયણ

બસ….વિપરીત દેશકાળ માં શ્વાસ જોડે ધીરજ પણ ન ખૂટી જાય તે જોજો…..શ્રદ્ધા અડગ રાખજો…..સુખ દુઃખ તો આવે ‘ને જાય પણ મન બુદ્ધિ ચિત્ત એક શ્રીજી સ્વામી માં જ સ્થિર રાખજો…..એ આટલે સુધી લાવ્યો છે તો ઠેઠ લગી લઇ જાશે….જીવ ને બ્રહ્મરૂપ કરી પોતાની સેવામાં અચૂક રાખશે જ…..

બસ…વિશ્વાસ રાખજો….આ સમય પણ વીતી જાશે….

હરિજન સાચા રે….જે ઉરમાં હિંમત રાખે…

જય સ્વામિનારાયણ


Leave a comment

સદગુરુ પૂ. મંજુકેશાનંદ સ્વામી

ભગવાન શ્રી સ્વામિનારાયણ આજથી 240 વર્ષ પહેલા છપૈયા, અયોધ્યા ગામે પ્રગટ્યા અને માત્ર 11 વર્ષની ઉમરે ગૃહત્યાગ કરી, મનુષ્ય ઇતિહાસ માં સુવર્ણ અક્ષરે અંકિત થયેલી અતિ કઠિન યાત્રા કરી….. ભારત ની પુણ્ય ભૂમિ ને પાવન કરતાં ગુજરાત ની પુણ્ય ધરા પર સ્થાયી થયા ….ગુરુ રામાનંદ સ્વામી ની આજ્ઞા અનુસાર 21 વર્ષની ઉમરે ધર્મધુરા સંભાળી અને એકાંતિક ધર્મ સ્થાપન ના ……મંડાણ શરૂ કર્યા…..નિયમ ધર્મ થી દ્રઢ….તેજસ્વી-ઓજસ્વી એવો લાખો મનુષ્યો નો સતસંગ સમાજ તૈયાર કર્યો……અતિ વિધવાન..એશ્વર્ય વાન…સંત સમાજ ઊભો કર્યો……..કોઈ સંસ્કૃત ના પ્રકાંડ વિદ્વાન હતા તો કોઈ સાહિત્ય-સંગીત ના શિરમોર….કોઈ યોગનિષ્ઠ યોગી હતા તો કોઈ મહંત…..કોઈ રાજા હતા તો કોઈ ગરીબ બ્રાહ્મણ…….આવા અનેકો સિધ્ધ આત્મા ઑ ને ત્યાગ ના કઠિન માર્ગે પ્રેર્યા અને સમગ્ર સમાજ ના..ધર્મ નું….જીવમાત્ર ના “શુધ્ધિકરણ” નું અખંડ કાર્ય શરૂ કર્યું અને પરિણામ એવું આવ્યું કે – સાવ સામાન્ય એવા સગરામ વાઘ્રરી પણ પોતાના શુધ્ધ જીવન અને દ્રઢ નિયમ ધર્મ-ભક્તિ ને આધારે એકાંતિક કલ્યાણ ના વાવટા પકડી- શિવરામ ભટ્ટ જેવા વેદો ના જ્ઞાતા સામે અડીખમ ઊભો રહી શકતો……..!!!

અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી….યોગી રાજ ગોપાળાનંદ સ્વામી….કવિરાજ બ્રહ્માનંદ સ્વામી….પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી…..મહાન પ્રકાંડચાર્ય નિત્યાનંદ સ્વામી ….વૈરાગ્ય મુર્તિ નિષ્કુળાનંદ સ્વામી…..સ્નેહમુર્તિ મુક્તાનંદ સ્વામી વગેરે જેવા લગભગ 3500 થી વધુ સર્વોપરી નંદ સાધુ ઑ ને જીવમાત્ર ને બ્રહમરૂપ થવાનો માર્ગ બતાવવા સમાજ ને ભેટ આપી……

આવા સર્વોપરી નંદ સંતો ની ગાથા લખવા બેસીએ તો કદાચ આ આયખું ખૂટી પડે…..પણ આજે એ નંદ સંતો પૈકી એક એવા સદગુરુ મંજુકેશાનંદ સ્વામી વિષે ટૂંક માં જાણીશું……

સોરઠની શૌર્યવાન પુણ્ય ભૂમિમાં માણાવદર નામે એક ગામ છે…… એ ગામ માં રહેતા…અને સદગુરુ રામાનંદ સ્વામી ના સમય થી જ સતસંગે રંગાયેલા મહામુક્તરાજ શ્રી વાલાભાઈના પરિવારમાં એક એકથી ચડિયાતા સત્સંગ રત્નો થયા. વાલાભાઈ અને જેતબાઈના જ પુત્ર ઈવા મંજુકેશાનંદ સ્વામી બાળપણ થી જ સત્સંગ અને ભક્તિભાવ થી રંગાયેલા હતા….

માતા જેતબાઈને પૂર્વ ના સંસ્કારને લીધે પોતાના આ પુત્રને શ્રીજીના ચરણોમાં સમર્પિત કરવાની પ્રબળ ભાવના હતી….તેમણે પોતાના વહાલસોયા બાળકનું ઘડતર સત્સંગના સંસ્કારો રેડીને કર્યુ….માતાના ઘડતરથી પુત્રરત્નના હૃદયમાં ધીમે ધીમે વૈરાગ્ય અને ત્યાગનો રંગ ચડવા લાગ્યો..

એ અરસામાં શ્રીજી ના સદગુરુ સંત સ્વયંપ્રકાશાનંદ સ્વામી માણાવદર પધાર્યા ત્યારે આ નવયુવકે સંસારને તિલાંજલિ આપી સંતમંડળ સાથે ગઢપુર આવ્યા. ત્યાગના થનગનાટથી નાચતા નવયુવકને જોઈ સ્વયં શ્રીહરિ અતિપ્રસન્ન થઈ દિક્ષા આપીને મંજુકેશાનંદ નામ ધરાવ્યુ.શ્રીહરિએ તેને સંગીતનું ઉચ્ચ શિક્ષણ આપ્યું.નિત્યાનંદ સ્વામી પાસે વ્યાકરણ,કાવ્ય, ઈતિહાસ વગેરેની સાથે આધ્યાત્મિક શાસ્ત્રોનું ગહન અધ્યયન કર્યુ.સંસ્કૃતની સાથે હિન્દી ભક્તિપદોનો ઉંડો અભ્યાસ કરીને તેમણે હિન્દી ભાષા ઉપર સારું એવું પ્રભુત્વ પ્રાપ્ત કર્યુ.મરાઠી ભાષામાં પણ નિપુણ થયા.શ્રીહરિના ઉદ્દેશ અને ચરિત્રો તેમના કાવ્યના વર્ણ્ય વિષય બન્યા.

એક ઉપદેશક સંતકવિ અને શ્રીહરિની આજ્ઞા ઉપાસનાના છડીદાર તરીકે જીવનભર સત્સંગના કથાવાર્તાના પડછંદા ગુંજવનાર સ્વામી મંજુકેશાનંદજીની વક્તૃત્વશક્તિ અતિમોહક હતી.તેમની વાણી સાંભળવા ભક્ત મેદની ઉમટી પડતી. સ્વામી એ પોતાના જ્ઞાન…સાહિત્ય…અને વૈદક જ્ઞાન થી કાનમ,વાકળ,ચરોતર,અને ખાસ કરીને પૂર્વખાનદેશમાં વિશેષ સત્સંગનો પ્રચાર કર્યો હતો.વાણીની સાથે સાધુતાનું લાક્ષણિક શાંત તેજ ભક્તજનોના મનમયૂરને આંજી દેતુ.સંસ્કૃત,સંગીત,કવિત્વ,સાધુત્વની ગાથા સાથે સ્વામીશ્રી પાસે એક વધારાની જ્ઞાનશક્તિ હતી.અને એ હતું ઔષધ જ્ઞાન……..ઉતમ ચિકિત્સકને જોઈએ એટલુ વૈદ્યકિય જ્ઞાન સ્વામીને સહજ હતુ.સ્વામી જાતે દવા બનાવતા અને નિઃસ્વાર્થભાવે જનમસમાજમાં વહેંચતા.

મંજુકેશાનંદ સ્વામીએ ‘ઐશ્વર્ય પ્રકાશ,ધર્મપ્રકાશ,હરિગીતાભાષા,એકાદશી મહાત્મ્ય,નંદમાલા’જેવા ગ્રંથો લખ્યા છે.તેમણે રચેલ પ્રાપ્ય પદો “મંજુકેશાનંદ કાવ્ય”નામથી પ્રસિદ્ધ થયા છે….મંજુકેશાનંદ સ્વામીના કાવ્ય માટે બૃહત્-કાવ્યદોહનકારનો અભિપ્રાય છે કે, ‘દુઃખિયાને દુઃખ વેળા ધૈર્ય પ્રેરવામાં તેમનાં પદોની શક્તિ અજબ છે.’……સ્વામી મોટેભાગે વડતાલ જ રહેતા અને વિક્રમ સંવત 1911 માં અક્ષરધામ ગમન પામ્યા…..

ચાલો માણીએ શ્રીજી મહારાજ ના અદ્ભુત સ્વરૂપ ને વર્ણવતું …એમનું એક અદ્ભુત પદ…….

તારી મૂરતિ લાગે છે મને પ્યારી રે… શ્રી ઘનશ્યામ હરિ

રૂડી ચાલ જગતથી ન્યારી રે… શ્રી ઘનશ્યામ હરિ꠶ ટેક

ઊંડી નાભી છે ગોળ ગંભીર રે… શ્રી ઘનશ્યામ હરિ

રૂડા લાગો છો શ્યામ શરીર રે… શ્રી ઘનશ્યામ હરિ꠶ ૧

તારી છાતી ઉપડતી શ્યામ રે… શ્રી ઘનશ્યામ હરિ

છે જો અક્ષર કેરું ધામ રે… શ્રી ઘનશ્યામ હરિ꠶ ૨

તારા મુખની શોભા જોઈ રે… શ્રી ઘનશ્યામ હરિ

રાખું અંતરમાં પ્રોઈ રે… શ્રી ઘનશ્યામ હરિ꠶ ૩

તારાં નેણાં કમળ પર વારી રે… શ્રી ઘનશ્યામ હરિ

મંજુકેશાનંદ બલિહારી રે… શ્રી ઘનશ્યામ હરિ꠶ ૪

તો સમજવાનું આટલું જ કે- પૂર્વના અનંત પુણ્ય ફળે તો જ આ સર્વોપરી સત્સંગ ની પ્રાપ્તિ થાય….એનો મહિમા સમજાય અને બ્રહ્મભાવ ને પામવાનો માર્ગ મોકળો થાય……..! એ સમય ના નંદ સંતો ના જીવન કવન નો કદાચ આ જ સંદેશ છે…અક્ષરમહં પુરુષોત્તમદાસોસ્મિ..!

રાજ


Leave a comment

વૈરાગ્ય…….

વૈરાગ્ય શબ્દ બહુ જ ગહન છે…..ભગવદ્ગોમંડળ કહે છે કે વૈરાગ્ય એટલે કે- બ્રહ્મલોક સુધીના ભોગને કાકવિષ્ટાવત્ ગણી તેમાં ઉદાસીનતા રાખવી તે; આ લોકના તેમજ પરલોકના પણ સુખની ઇચ્છા ન હોવી તે…… જૈન પરંપરા માં વપરાતા વીતરાગ શબ્દ નો અર્થ પણ આવો જ છે….ગીતા નો અનાસક્તિ યોગ પણ વૈરાગ્ય નો જ રણકાર સંભળાવે છે…….અને જ્યારે વૈરાગ્ય અને ત્યાગ ની સરખામણી ની વાત થાય ત્યારે એ જ સમજવાનું કે….જીવ જ્યારે અનાસક્ત થાય છે….પોતાના અંતર માં થી કોઈ વસ્તુ નો ત્યાગ કરે છે ત્યારે વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. આમ ત્યાગ એ બાહ્ય વધારે અને વૈરાગ્ય એ આંતરિક વધારે છે. માટે જ પહેલા ત્યાગી થવાય …..અને પછી આંતરિક સાધના પંથે આગળ વધતા જવાય તેમ તેમ વૈરાગી થવાય…!!

આથી સૌપ્રથમ તો- કોટી કોટી દંડવત આ ત્યાગી ઓ ને..સંતો ને….એમની જનેતા ઓ ને…કે કેવળ શ્રીજી ની પ્રસન્નતા ને કાજ- દુનિયા ના સુખો ને ઠોકર મારી…

સ્વામીનારાયણ સંપ્રદાય ના ત્યાગી-સંતો નો “ત્યાગ વૈભવ” અલગ જ હતો….૧૦૦- ૧૦૦ ગામો ના અધિપતિ નું સુખ છોડી ને લાડુ દાન ગઢવી – બ્રહ્માનંદ સ્વામી બન્યા તો ઉત્તર ગુંજરાત ના અષ્ટાંગ યોગી- મહાન સિદ્ધ પુરુષ ખુશાલ ભટ્ટ -વૈરાગ્ય સ્વીકારી ગોપાળાનંદ સ્વામી બન્યા……આવા તો એક બે નહિ પણ અસંખ્ય મનુષ્યો -કે જે એક એક અવતાર સમાન ચરિત્રો ધરાવતા હતા..એ શ્રીજી મહારાજ ના એક ઈશારે કંચન-કામિની નો ત્યાગ કરી- પૂર્ણ વૈરાગ્ય વાન સાધુ બન્યા….! એવું તે કયું આકર્ષણ હશે શ્રીજી માં…કે એમના એક પત્ર માત્ર થી…દર્શન માત્ર થી મુમુક્ષુ આ વિષયો નો ત્યાગ કરી શ્રીજી એ આપેલા 108 કઠીનતમ પ્રકરણ ને જીવી ગયા…..! કહેવાય છે કે એ જમાના માં આજ થી લગભગ 200 વર્ષ પહેલાં સ્વામિનારાયણ ભગવાને 3500 થી વધુ સંતો ને દીક્ષા આપી હતી….!!!!

શ્રીજી મહારાજ ના સર્વોપરી પણા ના ૧૩ લક્ષણો માં થી એક લક્ષણ- આ પણ હતું- એમ સદગુરુ ગોપાળાનંદ સ્વામી એ કહેલું….!

તો- આ જ વૈરાગ્ય ના મહિમા ને સ્વયમ વૈરાગ્ય મૂર્તિ કહેવાતા નિષ્કુળાનંદ સ્વામી એ પોતાના પદો માં આબાદ નોંધી છે….

” જનની જીવો રે ગોપીચંદ ની, પુત્ર ને પ્રેર્યો વૈરાગ્ય જી…..
ઉપદેશ આપ્યો એણી પેરે …લાગ્યો સંસારીડો આગ જી….”

આ બધું તો નશ્વર જ છે…..નાશવંત જ છે..અને છોડવા નું જ છે….

” સમજી મુકો તો સારું ઘણું, જરૂર મુકાવશે જમ જી;
નિષ્કુળાનંદ કહે નહિ મટે , સાચું કહું ખાઈ સમ જી……”
_______

આજે આ સત્ય આપની સામે જ છે- કે અત્યંત ઉચ્ચ ડીગ્રીઓ ધરાવતા – સુખ સાહ્યબી માં ઉછરેલા -પરિવાર ના એક ના એક દીકરાઓ- અક્ષરબ્રહ્મ પ્રમુખ સ્વામી મહારાજ ના……પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજના…. સ્નેહલ સથવારે- સંસાર છોડી ને વૈરાગી થઇ જાય છે…..

શ્રીકૃષ્ણ ભગવાન ના પરમ ભક્ત અને કવિ એવા હરિન્દ્રભાઈ દવે જ્યારે પ્રમુખ સ્વામી ના સહજ સંપર્કમાં આવ્યા…એમનું કાર્ય, એમની સાધુતા…એમનો ગુણાતીત સ્નેહ જોયો…અનુભવ્યો ત્યારે એમની આંગળી ઓ માં થી બસ એમ જ વૈરાગ્ય શબ્દો બની કાગળ પર છવાઈ ગયો અને એ પદ ..સંપ્રદાય ના ઇતિહાસ માં વૈરાગ્ય પદ તરીકે સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગયા….માણી એ ચારુકેશી રાગ માં ગવાતા અતિ મધુરા પદ ને…

તારી ઊતરેલી પાઘ, મને આપ મારા સ્વામી

 મને ભગવા તે રંગ તણા ઓરતા;

મારા મૃગજળના ભાગ્યથી છોડાવ મારા સ્વામી,

 મને ભગવા તે રંગ તણા ઓરતા… ꠶ટેક

કહે તો હું વીજનો ઝબકાર થાય એટલામાં,

 છોડી દઉં દોર ને દમામ,

વેણ તારું રાખવા હું રાજપંથ છોડીને,

 કાંટાળી કેડી ચહું આમ,

થાળી લઈ રામ પાતર આપ મારા સ્વામી,

 મને ભગવા તે રંગ તણા ઓરતા… ૧

ફૂલ ફૂલ ભમતી આ આંખોને એકવાર,

 ઓળખાવ તારું પારિજાત,

ઠેર ઠેર ભમતાં આ ચરણોને ક્યાંક જઈ,

 પહોંચવાનું ઠેકાણું આપ,

ભવના જાળાને હવે તોડ મારા સ્વામી,

 મને ભગવા તે રંગ તણા ઓરતા… ૨

બસ- આ જ વિચાર પોતાના અંતર માં લખી રાખો કે- પૂર્વ ના પુણ્ય જ્યારે પ્રગટ થાય છે….સત્પુરુષ ની કરુણા જયારે મેહ બની વરશે છે ત્યારે જ -આ “વૈરાગ્ય” નો રાજપંથ એ પુણ્યાત્મા ઓ ને પ્રાપ્ત થાય છે….!

મનુષ્ય નો અવતાર લખ ચોરાસી માં એક વાર મળે છે, એવું શાસ્ત્રો કહે છે…માટે જ તેનો મહિમા સમજીને…લોકના વિષયો..ઉપભોગ પાછળ તેને વેડફી ન દઈ એ….બસ આ દેહ ને સાધન બનાવી, સત્પુરુષ ને નાવિક બનાવી, જીવ ને તેના ધ્યેય….એક હરિ સુધી પહોંચાડીએ… એટલે ભયો ભયો…!! આ મનુષ્ય જીવતર સફળ…સુફળ…!!

રાજ


Leave a comment

કોરોના કાળ ના ગતકડાં….

આજે વાંચેલા સમાચાર….વાંચો અને હસો…..

(સૌજન્ય -વોટ્સએપ)

If you read and speak English, you don’t need to wear Mask
પણ જો ગુજરાતી જ આવડતું હોય તો માસ્ક પહેરવું ફરજીયાત છે 😂😄👆

બોલો…હવે આમાં શુ સમજવું??? જે હોય તે …આપણે તો માસ્ક પહેરી જ રાખવો…એમાં જ સુખ છે….

હાહાહા………હસતા રહો…..આવા તો અનેક ગતકડાં આવતા જ રહેશે….

રાજ


Leave a comment

આજ ના તાજા સમાચાર….

શાસ્ત્રો મુજબ સમાચાર એટલે જે નિષ્પક્ષ રીતે સર્વ સાથે સમાન આચરણ કરે તે……અને સમાચાર ની આ વ્યાખ્યા માં આજકાલ ના સમાચાર પત્રો કદાચ બંધ બેસતા નથી…કરણ કે ચહેરો મહોરા કરતા અલગ છે….સમાચાર પત્રો ની શાહી નો રંગ દેખાય છે તેટલો કાળો નથી….છપાયેલા શબ્દો ની કાર્બન પ્રિન્ટ છપાય છે તેટલી ઘાટી નથી……!

જો કે સમાચાર પત્રો ને આસમાની તડકા નીચે, બે ઘૂંટ ગરમાગરમ ચા ની લહેજત સાથે માણવા ની મજા કૈક ઓર જ હોય છે……આજનું સમાચાર પત્ર પણ કંઈક આવું જ હતું….જોઈએ સમાચાર અને એનો આચાર વિચાર….અલબત્ત આપણા દ્રષ્ટિકોણ થી….

ઇસવીસન નું 2020 મુ વર્ષ સમગ્ર દુનિયા…સમગ્ર માનવજાત માટે કપરું રહ્યું…કૈક રહ્યું અને ઘણું છૂટી ગયું….જગત કાજી બની ને ફરતો મનુષ્ય પોતાની જ પામરતા આગળ વિવશ થઈ ગયો અને જગત કોણ ચલાવે છે?? એનું ભાન જરૂર થઈ ગયું…..માટે જ જે હજુ કસોટી માં સો ટકા કારગર નથી નીવડ્યું તે પણ હવે તારણહાર લાગે છે….જુઓ આપણા ડે. મુખ્ય મંત્રી ….કોવિડ ની રસીનું આગમન થયું અને એના વધામણાં પૂજા સાથે થયા….!! ગર્વ છે આપણી સંસ્કૃતિ પર કે દરેક ક્રિયા માં ભગવાન નો આધાર જ કેન્દ્ર માં હોય છે…..ચાલો આપણે પણ એ પ્રાર્થનામાં જોડાઈએ…..

ખરેખર કોરોના એ તો જીવન ની રીત રસમ બદલી નાખી અને આપણ ને “જીવન જીવતા” શીખવાડી દીધું……હાહાહા….

ચાલો જોઈએ ત્રીજા સમાચાર….

બોલો…..હવે તો કદાચ મંગળ ને ય “મંગળ” નડ્યો લાગે છે….!!! 😊😊😊😊

તમને શું લાગે છે????

તો ચાલો સમાચાર પત્રો ના પીળા પડી ગયેલા સમાચારો વચ્ચે સત્ય ને …સમજદારી ને….શાંતિ અને સુખ ના રંગો ને શોધતા રહીએ….

રાજ


Leave a comment

સાપોડિયો……??

ટીવી રસિક હરિ: “પપ્પા….સાપોડિયો…..”

હું….આશ્ચર્ય થી.: સાપોડીયો??? એ વળી શુ ???

હરિ ઉવાચ..: સાપોડીયો….. એટલે પેલો સાપ નથી પકડતો …એ…!!!

હું…: બેટા… એને તો મદારી કહેવાય……

હરિ ઉવાચ…: હા…એ જ…..સાપ પકડે એટલે સાપોડીયો…!!

😎😎🤔😂😂😂😂😂😂