Raj Mistry's world

Me,my stories and world around….

વૈરાગ્ય મૂર્તિ સદ.નિષ્કુળાનંદ સ્વામી…

1 Comment

“ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના ..કરીએ કોટી ઉપાય જી….

અંતર ઊંડી જે ઈચ્છા રહે , તે તો કેમ તજાય જી……

વેશ લીધો વૈરાગ્ય નો , દેશ રહી ગયો દુર જી….

ઉપર વેશ અચ્છો બન્યો, માહીં મોહ ભરપુર જી….

પલ માં જોગી પલ માં ભોગી, પલ માં ગૃહી ને ત્યાગી જી….

નિષ્કુળાનંદ કે’એ નર નો , વનસમજ્યો વૈરાગ્ય જી…”

ઉપરોક્ત પદ – એ મહાત્મા ગાંધી ની પ્રાર્થના સભા માં- સાબરમતી આશ્રમ ખાતે રોજ ગવાતું……અને  આ પદ કોઈ પણ સત્સંગ કે અધ્યાત્મ નો પાયો છે…..એક દમ સો ટકા શુદ્ધ સોના જેવી ચમકતી વાત…..કે કોઈ પણ ત્યાગ -વૈરાગ્ય વિના ટકતો નથી….કારણ કે ત્યાગ એ બાહ્ય છુટકારો છે જયારે વૈરાગ્ય એ અંતર ની …માંહ્યલી વાત છે…જો મન માં મણ મોહ ભર્યો હોય તો….ભાગવા કામ નથી લગતા….ત્યાગી નથી થવાતું…! આ બ્રહ્મવચનો ઉદગારનાર છે- સ્વામિનારાયણ સંપ્રદાય નું ઝળહળતું રતન…વૈરાગ્ય ની સાક્ષાત મૂર્તિ- સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી……! એમને આજે યાદ કરવાનું ખાસ કારણ એ છે કે – આજ ના દિવસે જ…બરોબર ૧૬૫ વર્ષ પહેલા અર્થાત ઈસ્વીસન ૧૮૪૮ માં( એટલે કે શ્રીજી મહારાજ ના સ્વધામ ગમન ના ૧૮ વર્ષ બાદ…) આજની તિથી – કૃષ્ણ પક્ષ ની નોમ- અષાઢ માસ ના દિવસે- ધોલેરા મુકામે- ૮૨ વર્ષ ની ઉમરે અક્ષરધામ વાસી થયા હતા……..આવા મહા અદ્ભુત- સંત-વૈરાગ્ય ની મૂર્તિ- અને મહાકવિ- નિષ્કુળાનંદ ને જો યાદ ન કરી એ તો -સ્વામીનારાયણ સત્સંગ અધુરો લેખાય……..સર્વોપરી અક્ષર પુરુષોત્તમ  સિધ્ધાંત અધુરો લેખાય…….!

તમને આશ્ચર્ય થશે કે પૂર્વાશ્રમ ના નિષ્કુળાનંદ સ્વામી- શેખપાટ ગામના  લાલજી સુથાર તરીકે ઓળખાતા અને કંકુ નામ ની સ્ત્રી ને પરણેલા….એમના બે દીકરા પણ હતા..અને એક દમ સીધુંસાદું ગૃહસ્થ જીવન જીવતા હતા…..શાસ્ત્રો ની રચના એટલે શું? એમણે લેશ માત્ર પણ જાણકારી ન હતી, પણ સ્વામિનારાયણ ભગવાન ની કૃપા થી એમણે નાના-મોટા ૨૪  ગ્રંથો રચ્યા..! પુરુષોત્તમ પ્રકાશ, સારસિદ્ધિ, વચનવિધિ, હરિબળ ગીતા, ધીરજાખ્યાન, સ્નેહગીતા, ભક્તિનિધિ, હૃદયપ્રકાશ, કલ્યાણનિર્ણય, મનગંજન, ગુણગ્રાહક, હરિવિચરણ, હરિસ્મૃતિ, અરજીવિનય, અવતાર-ચિંતામણિ, ચિહ્ûનચિંતામણિ, પુષ્પચિંતામણિ, લગ્નશુકનાવલિ, વૃત્તિવિવાહ, શિક્ષાપત્રી પદ્યરૂપા, ચોસઠપદી અને ભક્તચિંતામણિ……અને યમદંડ …..!!

નિષ્કુળાનંદ સ્વામી

નિષ્કુળાનંદ સ્વામી

( ફોટો – અજ્ઞાત)

અદ્ભુત…અદ્ભુત………! ‘ભક્તચિંતામણિ’ શ્રીજીમહારાજની લીલાનો અદ્‌ભુત ગ્રંથ છે. ‘પુરુષોત્તમ પ્રકાશ’માં શ્રીજીમહારાજને પરબ્રહ્મ-અવતારી તરીકે તેમણે સુપેરે નિરૂપ્યા છે. ‘ચોસઠપદી’માં તો સંત-અસંતનાં લક્ષણ, ભગવાનની પ્રાપ્તિની મહત્તા, પંચવિષય, દોષો-વિકારોને ટાળવાનો કીમિયો, અક્ષરધામનું સુખ-વર્ણન વગેરે સ્વાનુભૂતિની નીપજ છે.  એવો પણ ઇતિહાસ છે કે તેમણે ચોસઠપદી પાંચવાર રચેલી. પોતે રચીને તૈયાર કરે ને કોઈ દ્વૈષી તેની ઉઠાંતરી કરી ફાડી નાખે. છેવટે એક એક પાનું વાંસની ભૂંગળીમાં સંતાડતા એમ, ચોસઠપદી જળવાઈ, ને ગ્રંથસ્થ થઈ. આ ઉપરાંત તેમણે બે હજાર જેટલાં ઉપદેશપદો અને મૂર્તિનાં પદો રચ્યાં છે.  નિષ્કુળાનંદ સ્વામીએ રચેલાં આ ગ્રંથો તેમજ કાવ્યોનું પરિશીલન કરતાં ખ્યાલ આવે છે કે એમનું શાસ્ત્રજ્ઞાન, સંસ્કૃત શબ્દોનું જ્ઞાન, જનજીવનનો બહોળો અનુભવ, ભૌગોલિક ખ્યાલ, ઇતિહાસ-પુરાણનાં દૃષ્ટાંતો રજૂ કરવાની હાથવગી ફાવટ, કડવો ઉપદેશ પણ મધુરતાનો પુટ ચઢાવીને આપવાની કુશળતા, સંત-અસંતની સદૃષ્ટાંત ઓળખ, અંતર્દૃષ્ટિ-આતમખોજની સૂઝ , ભગવાનના સુખનું અધિકાધિક પરપણું પરખાવવાની શક્તિ, શ્રીજીમહારાજના હૃદગત સિદ્ધાંતને નિરૂપતી સચોટ, નિઃશંક, સ્વાનુભૂત રજૂઆત… કેટકેટલું એમના દ્વારા સત્સંગને પ્રાપ્ત થયું છે ! અને ધોલેરા મંદિર ની અત્યંત કલામય તોરણ કળા આજે પણ એમની વિદ્વતા નો પુરાવો છે……..!

એમના જીવન ના બધા જ પ્રસંગો- જેવા કે શેખપાટ માં જન્મ….ગુણાતીતાનંદ સ્વામી ( પૂર્વાશ્રમ માં મુલજી શર્મા) સાથે રાતો-રાતો જાગી ને કરેલો મહા- સત્સંગ……કે શ્રીજી મહારાજ દ્વારા એમણે કચ્છ ના રણ માં ભોમિયા તરીકે લઇ જઈ ને- પોતાનું સ્વરૂપ ઓળખાવવું……ગૃહસ્થ માં થી ત્યાગી બનાવવા….અદ્ભુત અદ્ભુત છે……..! અરે…શ્રીજી મહારાજે જયારે એમની પરીક્ષા કરવા…..અલ્ફી પહેરાવી અને ભીક્ષા માંગવા- એમની સાસરી -અધોઈ ગામ માં જ મોકલ્યા…પત્ની કંકુ- ૪ વર્ષ ના માધવજી અને ૧ વર્ષ ના કાનજી ને લઇ ને- પિયર માં જ હતી….અને નિષ્કુળાનંદ સ્વામી નો આવો ભેખ જોઇને- રડી પડી……સંસાર ન ત્યજવા ઘણાયે કાલાવાલા કર્યા પણ- હરિપ્રેમ આગળ આ સંસાર ઓગળી ગયો……અને “નિષ્કુળાનંદ ” આપણ ને સાક્ષાત મળ્યા…..પછી તો પાછું વળી ને જોયું નથી……અધોઈ ગામ માં જ- શ્રીજી એ એમને યમદંડ ગ્રંથ રચવાની આજ્ઞા કરી……અને સીધાસાદા નિષ્કુળાનંદ દ્વારા જગ ને – સાહિત્ય ની દ્રષ્ટિ એ અત્યંત અમુલ્ય ગ્રંથ મળ્યો…જે આજે પણ અનેક યુનીવર્સીટી ઓ માં સાહિત્ય સંશોધન માં વપરાય છે…..એમની કળા કારીગરી ની વાત કરીએ તો….ધોલેરાનું મંદિર બાંધવામાં નિષ્કુળાનંદ સ્વામીની સેવા મુખ્ય છે. આ મંદિરની તમામ કલાકૃતિઓનાં રેખાંકનો એમણે કર્યાં હતા એટલું જ નહીં તેમણે જાતે ઘડેલ પત્થરનું તોરણ આજે પણ તેમની શિલ્પ તથા સ્થાપત્યની પ્રીતિ કરાવતું ઝૂલી રહ્યું છે.

ધોલેરા મંદિર

ધોલેરા મંદિર

નિષ્કુળાનંદ સ્વામીની સર્વોત્તમ કલા એમણે વડતાલમાં બનાવેલા બાર દરવાજાવાળા હિંડોળામાં વ્યક્ત થઈ છે. આ હિંડોળામાં બેસીને શ્રીજીમહારાજ ઝૂલ્યા હતા ત્યારે તેના બારેય દરવાજામાંથી તેમણે પોતાના સ્વરૂપનાં દર્શન ભક્તજનોને કરાવી આશ્ચર્યમુગ્ધ કર્યા હતા. સ્વામીએ પોતાની કલા-કારીગીરી ગઢડા તથા જૂનાગઢમાં પણ દર્શાવી છે.

આ ત્યાગ અને વૈરાગ્ય ની મૂર્તિ નો પ્રભાવ એવો હતો કે…….સં. ૧૮૭૪માં નિષ્કુળાનંદ સ્વામીના પુત્ર માધવજી ૧૮ વર્ષના થયા ત્યારે તે તેમનાં દર્શન માટે આવ્યા. એક માસ સુધી તે મંદિરમાં રહ્યા. ગોપાળાનંદ સ્વામીએ એમને પિતાને પ્રણામ કરી પછી ઘેર જવા જણાવ્યું. પિતા પાસે પુત્ર ગયો ત્યારે પિતાએ વૈરાગ્યનો ઉપદેશ આપ્યો અને પુત્ર માધવજીએ સંસારનો ત્યાગ કર્યો, અને ગોપાળાનંદ સ્વામીએ એમને સાધુની દીક્ષા આપી ગોવિંદાનંદ નામ પાડ્યું. તેઓ શ્રીજીમહારાજનાં દર્શન કરવા ગયા ત્યારે મહારાજે પ્રસન્ન થઈને કહ્યું કે ‘સિંહનાં સંતાન સિંહ જ હોય!’
ગોવિંદાનંદ સ્વામી નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળતા. આથી ગોપાળાનંદ સ્વામીએ સારંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી પધરાવ્યા ત્યારે પ્રતિષ્ઠા-આરતી ગોવિંદાનંદ સ્વામી પાસે ઉતરાવી હતી…….!

સ્વયમ શ્રીજી મહારાજ ના આ અવની પર અવતરણ ના મુખ્ય ૬ હેતુ- પોતાના ગ્રંથો માં વર્ણવ્યા….ગુણાતીત સંતો નો મહિમા પણ એમણે છડેચોક ગાયો….જોઈએ એક પદ….

“ધન્ય ધન્ય એ સંત સુજાણને, 
જેનું ઊલટી પલટ્યું આપ, સંત તે સ્વયં હરિ.’
એવા શ્રીહરિના અખંડ ધારક સંતને ઓળખવા ગાયું: 
‘તમે અંતરની આંખે ઓળખી, 
કરો સદ્‌ગુરુ સંતનો સંગ, ઓળખવું અંતરે…”

આવા વૈરાગ્ય ના સાક્ષાત સ્વરૂપ એવા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ના ચરણો માં કોટી કોટી વંદન……..કે જેની ચોસઠ પદી  ના આધારે- એવું જ વૈરાગ્ય પૂર્ણ જીવન જીવતા સંતો ની પ્રાપ્તિ આજે સદેહે થઇ………ભગવદગો મંડળ -ગુજરાતી ભાષા કોશ -નિષ્કુળાનંદ સ્વામી માટે લખે છે કે…..”માત્ર વૈરાગ્યનો વિષય જ નિષ્કુળાનંદના કાવ્યની વસ્તુ નથી; શૃંગાર, વીર અને કરુણ રસની પણ તેમના કાવ્યમાં ઉત્તમ જમાવટ થઈ છે. તેમની વાણી વધારે સંસ્કારી છે. તેમનું વાચન વધારે વિશાળ છે. તેમનું મનુષ્ય-સ્વભાવનું જ્ઞાન વધારે સંગીન છે. તેમની દૃષ્ટાંત આપવાની ચમત્કૃતિ વધારે હૃદયંગમ છે. તેમનું પદબંધન વધારે શાસ્ત્રીય છે અને તેમનું કાવ્યવસ્તુ વધારે વિસ્તૃત છે.”

બસ સાથે રહેજો…..અને નિષ્કુળાનંદ સ્વામી ના વૈરાગ્ય ને…એમના પદો ને માણતા રેજો……….

જય સ્વામિનારાયણ

રાજ

Advertisements

One thought on “વૈરાગ્ય મૂર્તિ સદ.નિષ્કુળાનંદ સ્વામી…

  1. Pingback: BAPS રવિસભા-૫/૨/૨૦૧૭ | Raj Mistry's world

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s