Raj Mistry's world

Me,my stories and world around….


BAPS રવિસભા-01/12/2019

આપણા ઉદ્ધવ સંપ્રદાયને વિષે જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને ભગવાનની ભક્તિ એ ચાર વાનાં જેમાં હોય તે એકાંતિક ભક્ત કહેવાય; અને આપણા સત્સંગમાં મોટો કરવા યોગ્ય પણ તે જ છે….

….અતિશય માહાત્મ્ય સહિત ભક્તિ ભગવાનને વિષે હોય તો એક ભક્તિને વિષે ત્રણે આવી જાય અને સામાન્ય ભક્તિ હોય તો એકમાં ત્રણ ન આવે. માટે, ‘ચાર વાનાંએ સહિત જે ભક્તિ તે જેમાં હોય તે એકાંતિક ભક્ત કહેવાય…….

ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે, “એવી અસાધારણ ભક્તિ શે ઉપાયે કરીને આવે?”

ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “મોટાપુરુષની સેવા થકી આવે છે. તે મોટાપુરુષ પણ ચાર પ્રકારના છે: એક તો દીવા જેવા ને બીજા મશાલ જેવા ને ત્રીજા વીજળી જેવા ને ચોથા વડવાનળ અગ્નિ જેવા
…….

…..એવી રીતે એ ચાર પ્રકારના જે મોટાપુરુષ કહ્યા તેમાં જે વીજળીના અગ્નિ જેવા તથા સમુદ્રના અગ્નિ જેવા મોટાપુરુષ છે, તેમની સેવા જો પોતપોતાના ધર્મમાં રહીને મન-કર્મ-વચને કરે તો તે જીવના હૃદયમાં માહાત્મ્ય સહિત ભક્તિ આવે છે. તે વીજળીના અગ્નિ જેવા તો સાધનદશાવાળા ભગવાનના એકાંતિક સાધુ છે અને …..

વડવાનળ અગ્નિ જેવા તો સિદ્ધદશાવાળા ભગવાનના પરમ એકાંતિક સાધુ છે…. એમ જાણવું.
———————–
ભગવાન શ્રી સ્વામિનારાયણ- વચનામૃત-વરતાલ-3


…..આજે પહેલી ડિસેમ્બર…..અને આવા વડવાનલ સમાન એકાંતિક સિદ્ધ પુરુષ……બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ની 98 મી જન્મજયંતિ ઉત્સવ ની ભવ્ય ઉજવણી , નવી મુંબઇ ખાતે 4/12 ના રોજ થવાની છે…..એનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે….પ્રગટ સત્પુરુષ મહંત સ્વામી મહારાજ ત્યાં બિરાજમાન છે…….યોગીબાપા કહેતા કે આવા સમૈયા ધામધૂમ થી કરવા …લાખો માણસ ભેગા થાય….એ સૌના દર્શન થાય…ભીડા ભક્તિ નો લાભ મળે….દેહ ના સ્વભાવ..વિષય ઘસાય…..સત્સંગ કથા વાર્તા ની છોળો ઉછળે…!!!! બસ, આ ઉત્સવ આટલા માટે જ છે….સત્પુરુષ જે આપણ ને પ્રાપ્ત થયા છે…તેનો મહિમા જો જીવ માં 1% એ ઘૂસશે તો ય જીવ નું રૂડું થશે….પછી આખેઆખી પ્રાપ્તિ ની વાત જ શી કરવી??

તો આજની સભા એના પર હતી….સૌપ્રથમ મારા વ્હાલા ના દર્શન…..


સભાની શરૂઆત પૂ. શુભકિર્તન સ્વામી ના બુલંદ સ્વરે ” જય અક્ષરપતિ પુરુષોત્તમ …..જય જય સ્વામી સહજાનંદ…” રજૂ થયું….ત્યારબાદ એમના જ સ્વરે….” આવો રે વ્હાલા…હું તો તમારા મોળીડા પર મોહી…..” પ્રેમાનંદ સ્વામી રચિત કીર્તન રજૂ થયું…..અદભુત કીર્તન…!! શ્રીજી નું રૂપ..એની મોહકતા….કેવી હશે?? એનો વિચાર કરો…..! ત્યારબાદ એક યુવક ના કંઠે ” થાય છે જય જયકાર….” રજૂ થયું…….! એ પછી, પૂ.કૃષ્ણ સ્વરૂપ સ્વામી એ જોશીલું પદ ” મૂર્તિ મનોહર તારી..સુંદરવર શામળિયા….” દાસ છગન રચિત રજૂ થયું…..શ્રીજી ના વિવિધ અંગો ના અતુલ્ય શણગાર….એ પણ … પદ્ય સ્વરૂપે…..પછી બાકી શુ રહે??

ત્યારબાદ તા.22 થી 24 નવેમ્બર ના સ્વામીશ્રી ના દિવ્ય વિચરણ ના વિડીયો દર્શન નો સરસ લાભ મળ્યો…..

https://youtu.be/rrj451dy1Dc

અદભુત વિડીયો…..!!

એ પછી, પૂ. દિવ્ય કિશોર સ્વામી એ પ્રગટ ગુરુહરી મહંત સ્વામી મહારાજ ના દિવ્ય ગુણો વિશે રસપ્રદ વિવેચન કર્યું…જોઈએ એનો સાર માત્ર…

 • ગ.પ્ર.67 માં શ્રીજી એ કહ્યું કે મોટા પુરુષ ને આ લોક ને વિશે પ્રીતિ ..વાસના જ નથી…એ તો માત્ર  એક ભગવાન માં જ લિન છે…મહંત સ્વામી મહારાજ માં આ જ દેખાય છે…
 • એક પળ પણ શ્રીજી ના વગર જતી નથી….ભલે નિર્જળા ઉપવાસ હોય કે મોટી ઉમર ને હિસાબે શારીરિક અશક્તિ….પણ શ્રીજી દર્શન વગર એક ક્ષણ ચાલતું નથી…
 • જેવી ભગવાન પ્રત્યે એમની તાલાવેલી છે…એવી જ પોતાના ગુરુ પ્રત્યે પણ છે….બાપા ના દર્શન સતત કરતા રહેતા….પોતાના ગુરુ ની જય પ્રથમ બોલાય…એ જ એમની અંતર ની આજ્ઞા…..પ્રાર્થના…! ગુરુ ના એક બોલે ..જીવન ના રસાસ્વાદ બદલી નાખ્યા….ગુરુ ને ગમે એ જ આપણ ને ગમે- એ જ મહંત સ્વામી ના જીવન ની ગુરુ ભક્તિ…દાસત્વ પણુ…!
 • આપણે પણ ગુરુ ના આ જ અક્ષર ગુણો ને આપણા જીવન માં ઉતારી બ્રહ્મરૂપ થવા નું છે…..

ત્યારબાદ પૂ. શ્રીહરિ સ્વામી જેવા વિદ્વાન અને અનુભવી સંત દ્વારા વચનામૃત અને સ્વામી ની વાતો ને આધારે ભક્તિ રીત વિશે રસપ્રદ પ્રવચન થયું….જોઈએ એનો સારાંશ માત્ર…

 • આપણો સંપ્રદાય શુષ્ક નથી….અહીં ભક્તિ એટલે ભગવાન ની પ્રીતિ એ સહિત…નિયમ ધર્મ સહિત ભક્તિ….! કારણ શરીર…સ્વભાવ ટાળી ને થતી ભક્તિ…

 • શ્રીજી આ નિયમ ધર્મ પોતાની સાથે અક્ષરધામ થી લઈને આવ્યા છે….જ્યાં ધર્મ હોય ત્યાં ભક્તિ હોય….અને જ્યાં ધર્મ ભક્તિ બંને હોય ત્યાં જ ભગવાન હોય…..
 • નવધા ભક્તિ માં પ્રથમ ભક્તિ – શ્રવણ ભક્તિ છે….સ્વામી કહેતા કે આ વાતું થી બ્રહ્મરૂપ થવાશે…..માટે જ કથા વાર્તા નો ઇશક અવશ્ય રાખવો….માત્ર શ્રવણ જ નહીં….એકાગ્રતા..મહિમા થી….જિજ્ઞાસુ થઈ..પ્રીતિએ સહિત શ્રવણ કરવું….જે શ્રવણ કરીએ તેનો નિદીદ્યાસ.. મનન કરવું….એ પ્રમાણે જીવવું.
 • મહિમા એ સહિત ભક્તિ કરવા થી હૃદય માં વૈરાગ્ય સહેજે આવે છે….પતિવ્રતા જેવી દ્રઢતા આવે છે….એક શ્રીજી માં જ દ્રઢ પ્રીતિ થાય….એમના સિવાય બીજો મન ભટકે જ નહીં…ચોંટે જ નહીં…….ભગવાન ના કોઈ ચરિત્ર માં મનુષ્ય ભાવ આવે જ નહીં..બધું દિવ્ય જ લાગે…..વરતાલ-૩ ના..19 માં વચનામૃત માં આ જ વાત કહી છે…
 • મોટા પુરુષ ઓળખાય…એમનો મહિમા સમજાય….દ્રઢ પ્રીતિ થાય…એમના ભક્તો ના દાસના દાસ થઈ ને રહે……હરિભક્તો નો મહિમા સમજે… સર્વે દિવ્ય લાગે….તો ભક્તિ સફળ…
 • આપણ ને આવા મોટા પુરુષ ની પ્રાપ્તિ થઇ છે…બસ હવે તેની પ્રતીતિ કરવા ની છે…..આવી સર્વોપરી ભક્તિ યુકતે થઈ બ્રહ્મરૂપ થવા નું છે….
અદભુત પ્રવચન………!! આવા હરીભક્ત થવાય તેવી શ્રીજી ને પ્રાર્થના……અંતે અમુક જાહેરાત થઈ……


શાહીબાગ મંદિરે, પણ આનું લાઈવ ટેલિકાસ્ટ થશે…..આવતા રવિવારે તેનો પ્રતીક ઉત્સવ, આ જ સભામાં ઉજવાશે…..

બસ, તો મળીએ મુંબઇ માં…….

સદાયે પ્રથમ શ્રી હરિ ને રે……

જય સ્વામિનારાયણ

રાજ


Leave a comment

આજકાલ-28/11/2019

……??? શુ કહું?? જીવન માં અમુક પ્રશ્ન એવા હોય છે કે…ઘડીકવાર થાય કે આ પ્રશ્ન ઉભો જ કઇ રીતે થયો? ખરેખર …આવા પ્રશ્ન ની જરૂર હતી??? વગેરે…વગેરે……ચાલ્યા કરે….!આખરે જીવન ની વ્યાખ્યા જ એ છે કે…..જે અનિશ્ચિત છે..તે જીવન છે……! અને પ્રશ્ન ની માયાજાળ પર તો પ્રશ્નોપનિષદ  રચાયું છે…તો આપણે કઈ વાડી ના મૂળા??? 😊

છોડો હરિકથા…..અને ચાલો જોઈએ શુ ચાલે છે આજકાલ???

 • આજે દિવ્ય ભાસ્કર માં આવ્યું છે કે…” ઇન્ડોનેશિયા માં લગ્ન પહેલા 3 મહિના નો કોર્સ ફરજીયાત….ફેલ થાય તો લગ્ન નહીં કરી શકે…” 😊😊 હાહાહા….. મને વિચાર આવે છે કે ભારત માં આવું કર્યું હોય તો?? સાલું..પ્રશ્ન જ એવો છે કે ઊંધા થઈ જવાય…!! લગ્ન પહેલા બધે જ સારી સારી સ્કીમ ચાલતી હોય છે….અને જેમ જેમ લગ્ન માં સમય પસાર થતો જાય તેમ તેમ ચળકાટ ઉતરતો જાય અને બરછટ સપાટી ઉપર આવે અને તમને છોલી નાખે…!! ભારત માં લગ્ન ખાલી બે વ્યક્તિ વચ્ચે નથી થતો…પણ આખું ગામ એમાં ભળેલું હોય છે….આથી પ્રશ્નો એક તરફ થી નહિ પણ અણધારી દિશામાં થી યે આવી શકે….!! એમાં આવા કોર્સ ની શુ હાલત થાય…?? મારો હરિ જાણે….🙄🙄🙄
 • મહારાષ્ટ્ર માં ભવાઈ ની ભાંજઘડ– ખરેખર મહારાષ્ટ્ર ના લોકો ને જોઈ ને દયા પણ આવે છે ‘ને હસવું પણ…..!! બધા પક્ષ પોતપોતાની ચડ્ડી ઓ ધોવા મંડ્યા છે….ને બિચારી જનતા વિચારે છે કે મારા વોટ ની કિંમત શુ?? સૌથી મોટો પક્ષ જેની સાથે ચૂંટણી લડ્યો તે તેની સામે જ આજે ઉભી છે…..ચોથા ક્રમે ધકેલાયેલી પાર્ટી આજે જનતા ના માથે બેસી રહી નાચી રહી છે…..અને જનતા….???? હશે…. ઘણીવાર જનતા પણ પદાર્થ પાઠ ને લાયક જ હોય છે……ઠેબે ચડે તો જ લોકશાહી માં શુ કરવું..ન કરવું સમજાય…!!
 • ખેડુતો ની રામાયણ- સાલું….એક તર્ક શાસ્ત્ર સમજાતું નથી કે…..ઓછો વરસાદ પડે તો યે સરકારે વળતર આપવા નું……ને વધારે વરસાદ પડે તો યે ખેડૂતો ને વળતર આપવા નું…!! અલ્યા…જેમાં તમને નફો ન મળતો હોય તો એવો ધંધો બંધ કરી..બીજું કૈક કરો ને……જનતાના મફત ના પૈસે જલસા કરવા ને બદલે..!! પાછી દાદાગીરી કેવી…….કે અમારી મગફળી ભીની હોય કે સડેલી…….સરકારે તેને નિશ્ચિત ભાવે ખરીદવી જ પડશે…..નહીંતર આંદોલન કરશું…! ઓત્તા રી……કુદરતી આફત આવે કે તમારી અજ્ઞાનતા….પાક નિષ્ફળ જાય તો સરકાર જવાબદાર?? અને જો વળતર ન આપે તો સરકાર સામે દાદાગીરી થી બાંયો ચડાવવા ની??? ખેતી સિવાય ના કયા ધંધા માં આટલા બધા જલસા છે??? જનતા અહીં ટેક્સ ભરી ભરી ને મરી જાય ને…ખેતી નામે વેપલો કરતા ખેડૂતો એક પાઈ પણ ટેક્સ ચૂકવ્યા વગર……મફત નો વીમો….મફત નો લઘુતમ ભાવ….મફત નું વળતર…..ચાઉ થઈ જાય તેવી વગર વ્યાજ ની લૉન……મફત વીજળી…..વગેરે..વગેરે…..મેળવે છતાં ઉણા ને ઉણા….. રોતા ને રોતા…!! ખરેખર …ખેડૂતો ને આવી ટેવો પાડી….. વોટબેંક ની રાજનીતિ કરનાર પીંઢારાઓ ને છડેચોક લટકાવવા જોઈએ….!! ખેતી કરવી કોઈ સેવા નથી…..એ એક ધંધો છે…ધંધામાં નફો પણ હોય અને નુકશાન પણ હોય…..ખેડૂતો એ આ વાત સમજવી જોઈએ….જવાબદારી સ્વીકારવી જોઈએ….અને દેશ ને લૂંટવામાં નહિ…..એના ઘડતર માં યોગદાન આપવું જોઈએ…! ઘણા ખેડૂતો આજે વૈજ્ઞાનિક પદ્ધતિ થી ખેતી કરી લાખો રૂપિયા કમાય છે….દેશ નું નામ ઊંચું કરે છે……
 • અત્યારે ન્યુઝ ચાલે છે……ડુંગળી ના ભાવ આસમાને….!! ન્યૂઝચેનલ છેલ્લા અડધો કલાક થી આ ફાલતુ મુદ્દા પર ચર્ચાઓ કરી રહી છે…..શુ આટલું હલકું લેવલ છે આપણા મીડિયા નું??? દેશમાં બીજા અનેકો મુદ્દા છે ચર્ચા કરવા…પણ ડુંગળી….!!! ?? હદ થાય છે….એક ડુંગળી ના ભાવ વધારા ને લીધે જે દેશ ની સરકારો ને હલાવવા માં આવતી હોય…તે દેશ..તે દેશ ની જનતા નો…બસ ભગવાન જ મલિક છે….!!! 😢😢😢
 • ઠંડી…..ડિસેમ્બર શરૂ થવા નો છે…ને હજુ પંખા ચાલુ કરવા પડતા હોય તો શું વિચારવું??? મિત્રો કહેતા હતા કે…આ વખતે છેક માર્ચ સુધી ઠંડી પડશે……!! જો એવું થાય તો …કેરીઓ ક્યારે આવશે?? …હાહાહા…….જે હોય તે…..અત્યારે તો હરિ…ઠંડી નું બહાનું કાઢી….સવારે વહેલા ઉઠવા માં ચરિત્ર કરે છે…..!!!

બજાર માં મેથી ની ભાજી સરસ મળતી થઈ ગઈ છે………………તો શું??? શું એટલે…?? યાર…..ગરમાગરમ ગોટા બનાવવા ના….ને મસ્ત મજા ની કેપેચીનો કોફી….!!! મજ્જા ની લાઈફ….!!

કેફ માં રહેવું….કેફ માં રહેવું…..!

રાજ


1 Comment

ચાલ ને જરાક…….

મારુ કવિ હૃદય જાગી ઉઠ્યું છે…..ચાલો સાથે વહીએ…..

ચાલ ને ભાઈ….કૈક વાત કરી લઈએ,
હાથ ખિસ્સામાં થી બહાર કાઢી, થેંક્યું કરી લઈએ….0


બુમાબુમ શુ કામ નાહક ની કરવી,
ચાલ ને કૈક વિવાદ વચ્ચે થોડોક સંવાદ કરી લઈએ….0


હું કરું ..હું જ કરું….એમ મિથ્યા રટણ છોડી,
ચાલ ને થોડોક નિમિત્ત ભાવ ભજવી લઈએ…..0


જગત પાછળ તો ઘણું ભાગ્યા હો “રાજ”
ચાલ ને જરાક અંતર માંહી હરિ ને શોધી લઈએ…..0

હરિ …”હરિ” ની શોધમાં..

રાજ


2 Comments

BAPS રવિસભા- 10/11/2019

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

“વાસનાની નિવૃત્તિ થયાનો એવો શો જબરો ઉપાય છે જે એક ઉપાયને વિષે સર્વે સાધન આવી જાય?”

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,“જેને

–શ્રદ્ધા તથા

–હરિ અને હરિજનનાં વચનને વિષે વિશ્વાસ તથા

–ભગવાનને વિષે પ્રીતિ તથા

—ભગવાનના સ્વરૂપનું માહાત્મ્ય

એ ચાર વાનાં જેના હૃદયમાં હોય તેની વાસના નિવૃત્ત થઈ જાય છે……તેમાં પણ જો એક માહાત્મ્ય અતિશય દ્રઢ હોય, તો શ્રદ્ધા તથા વિશ્વાસ તથા પ્રીતિ એ ત્રણ દૂબળાં હોય તો પણ મહાબળવાન થાય છે….; અને માહાત્મ્ય વિનાની ભક્તિ જો ઝાઝી જણાતી હોય તો પણ અંતે નાશ થઈ જાય છે. જેમ દસ-બાર વર્ષની કન્યા હોય ને તેને ક્ષયરોગ થાય, પછી તે કન્યા યુવાન થયા મોર જ મરી જાય પણ યુવાન થાય નહીં; તેમ જેને માહાત્મ્ય વિનાની ભક્તિ હોય તે પણ પરિપક્વ થતી થતી નાશ થઈ જાય છે.અને જેના હૃદયમાં માહાત્મ્યે સહિત ભગવાનની ભક્તિ હોય તો બીજા કલ્યાણકારી ગુણ ન હોય તો પણ તેના હૃદયમાં સર્વે આવે છે….. અને જો માહાત્મ્યે સહિત ભક્તિ જેના હૃદયમાં નથી, તો શમ-દમાદિક જે કલ્યાણકારી રૂડા ગુણ તે તેના હૃદયમાં છે તોય પણ નહીં જેવા જ છે; કેમ જે, અંતે નાશ પામી જશે. માટે એક માહાત્મ્યે સહિત ભક્તિ હોય તો તેની વાસના પણ નિવૃત્ત થઈ જાય અને કલ્યાણકારી જે ગુણ તે સર્વે આવીને હૃદયને વિષે નિવાસ કરીને રહે…

…..તે માટે …..માહાત્મ્યે સહિત ભગવાનની ભક્તિ એ જ વાસના ટાળ્યાનું મહામોટું અચળ સાધન છે.”

————————

વચનામૃત- સારંગપુર-૫

સર્વને સૌપ્રથમ તો વિક્રમ સંવત ૨૦૭૬ ના નવા વર્ષ ની અઢળક શુભેચ્છાઓ……! કારણ કે મારા માટે નવા વર્ષ ની પ્રથમ સભા આજે હતી…..અને એનો ઉત્સાહ પણ બેવડો હતો…..સત્સંગ સભા માં અનેક મિત્રો ને નવા વર્ષ માં પ્રથમવાર મળવા નો ઉત્સાહ….અને સભામાં જીવ ને સત્સંગ સાથે જોડવા નો ઉત્સાહ…..!આથી જ સમયસર સભામાં પહોંચી ને સૌપ્રથમ મારા વ્હાલા ના અદભુત દર્શન….!

અદભુત દર્શન…..!સભાની શરૂઆત પૂ.કૃષ્ણ સ્વરૂપ સ્વામી ના મધુર કંઠે “સ્વામિનારાયણ સ્વામી…..” ધૂન થી થઈ…..બધા એકતાર થઈ ગયા….ત્યારબાદ એમના જ મુખે..પ્રેમાનંદ સ્વામી રચિત પ્રેમ ભર્યું પદ ..” શ્યામલળા ચાલો ધીરા….” રજૂ થયું…! ખરેખર, પ્રેમાનંદ સ્વામી ના એક એક પદ માં શ્રીજી માટે નો તેમનો અનન્ય પ્રેમ….અતુલ્ય સ્નેહ….અમૂલ્ય ભાવ ટપકે છે…..! આજે ભગતજી મહારાજ ની અંતર્ધ્યાન તિથિ છે તેથી સ્વામી ના જ સ્વરે…” માંગો માંગો ભગતજી આજ…જે માંગો તે દઈએ…” રજૂ થયું…..આ પદ માં ભગતજી મહારાજ ના વૃતાંત થી એ સમજવા નું છે કે….મોટા પુરુષ પાસે શુ માંગવા નું છે??? જીવ નું કલ્યાણ મોટું કે દેહ નું ??? ભગતજી એ અનાદિ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી પાસે ત્રણ વર માંગ્યા….એમાં એક વર હતું….મારા જીવ ને સત્સંગી કરો…!! આપણે પણ જીવ માં એ સમજવા નું છે…દ્રઢ કરવા નું છે….સત્સંગ જીવ નો કરવા નો છે…! ત્યારબાદ રણછોડ ભક્ત રચિત અત્યંત બળ ભર્યું કીર્તન…” જે દુઃખ થાય તે થાજો રે…રૂડા સ્વામીને ભજતાં….” રજૂ થયું….! વચનામૃત માં સ્વયં શ્રીજી એ કહ્યું છે કે જે જીવ ને કલ્યાણ નો ખપ છે….એના થી શુ ન થાય?? બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના કઠિન સમય માં , કેવળ સ્વામી શ્રીજી ને રાજી કરવા અસંખ્ય હરિભક્તો એ પોતાનું સર્વસ્વ સ્વામી ના ચરણે અર્પી દીધું….અને કલ્યાણ ના અધિકારી થઈ ગયા…!!

ત્યારબાદ પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ભાઈબીજ ના દિવસે રાજકોટ પધાર્યા તેના ભવ્ય દર્શન નો લાભ સર્વે ને મળ્યો…

ત્યારબાદ પૂ. અધ્યાત્મ પ્રિય સ્વામી દ્વારા ” પ.પૂ.મહંત સ્વામી મહારાજે નૂતન વર્ષે આપેલી અણમોલ ભેટ…” વિષય પર વાત કરતા કહ્યું કે…એક અદભુત પત્ર ની ભેટ સ્વામીશ્રી સર્વ ને આપી છે…

સ્વામીશ્રી એ અનેક વાર…વારંવાર…એક જ વાત સર્વે ને આજ્ઞા રૂપે કરી છે….એ છે સંપ….! સંપ તો ભગવાન નું દૈવત છે….સત્પુરુષ નો આરામ…..સ્વાસ્થ્ય…..રાજીપો છે….સંદેશ છે…! સંપ માટે તો સત્પુરુષ ત્રણ ત્રણ માળ ચડી ને હરિભક્તો પર રાજીપો વરસાવી શકે છે…!!! કોઈ અબોલા તોડી ભેગા થાય તો સત્પુરુષ સ્વયં તેને પગે લાગે છે….!! સંપ થી એ રીઝે છે…અને અક્ષરધામ આપે છે….! તો હવે આપણે વિચારવું કે..સત્પુરુષ ને રાજી કઈ રીતે કરવા??અદભુત પ્રવચન…!

ત્યારબાદ કોઠારી પૂ. આત્મકીર્તિ સ્વામી એ સારંગપુર ૫ ના વચનામૃત પર અદભુત પ્રવચન કર્યું…જોઈએ એનો સારાંશ માત્ર…

 • આપણા માં અઢળક વાસના સ્વભાવો પડ્યા છે…પણ મહારાજ નો નીર્ધાર છે કે મારા ભક્ત માં તલમાત્ર કસર રાખવી નથી….સર્વ ને નિર્વાસનીક કરી પોતાના ધામ માં લઇ જાવા છે. જીવે બસ દાખડો કરવા નો છે…
 • ગ.પ્ર.18, ગ.મ.50, ગ.મ.45 વગેરે વચનામૃત માં આ જ વાત શ્રીજી કહે છે…અને જીવ કેમ સુખીયો થાય..એના માર્ગ વચનામૃત માં બતાવ્યા છે….
 • પ્રગટ સત્પુરુષ ને પોતાનો આત્મા માનવો એ દશમી ભક્તિ છે….એમ યોગી બાપા કહેતા…સત્પુરુષ જ નિર્વાસનીક થવા નો માર્ગ બતાવી શકે…ભગવાન નો યથાર્થ મહિમા કહી શકે……લોકોને લૌકિક પદાર્થો નો મહિમા સમજાય છે, પણ ભગવાન નો મહિમા નથી જણાતો……માટે જ જો આત્યંતિક કલ્યાણ નો ખપ હોય તો સત્પુરુષ થકી શ્રીજી નો સર્વોપરી મહિમા સમજી લેવો…..
 • સત્સંગ માં જેને ભગવાન નો…સંતો હરિભક્તો નો મહિમા જેટલો મોટો જણાય તેટલો તે મોટો…..એમ મહંત સ્વામી મહારાજ કહે છે…..અને એક વાર જો આવો મહિમા સમજાય પછી કશું બાકી ન રહે….
 • સત્પુરુષ નો મહિમા જ્ઞાને સહિત સમજાય પછી એમના માટે શું ન થાય?? અબ્દુલ કલામ સાહેબ પ્રમુખ સ્વામી મહારાજ નો મહિમા સમજ્યા તો લખ્યું કે….હવે મારે કશું કરવા નું બાકી નથી….!!
 • આજે ભગતજી મહારાજ ની અંતર્ધ્યાન તિથિ છે….એમના જીવન થી આપણે એ સમજવા નું છે કે….ભગતજી એ સ્વામી ને ઓળખ્યા…એમનો મહિમા જીવ માં દ્રઢ કર્યો…અને એમના વચને જીવ ને ..દેહ ને સ્વામી ને સમર્પિત કરી, સ્વામી ને રાજી કરી લીધા…..પરિણામે સ્વામી એ એમને બ્રહ્મત્વ બક્ષ્યું…એમના માં અખંડ રહ્યા….

માટે જ મોટા પુરુષ ને રાજી કરી નિર્વાસનીક થઈએ….મહારાજ સ્વામી ને રાજી કરી લઈએ…

ત્યારબાદ આજકાલ ખૂબ જ ગંભીર રીતે ફેલાતા ડેન્ગ્યુ – રોગ વિશે AMC માં સેવા આપતા ડો.મેહુલ આચાર્ય એ….આ રોગ ને ફેલાતો અટકાવવા ખૂબજ અગત્ય ની માહિતી બધા ને આપી….! થોડીક સાવધાની, જ્ઞાન, માહિતી અને સ્વચ્છતા રાખીએ તો ડેન્ગ્યુ ને મહાત કરી શકાય….અંતે અમુક જાહેરાત થઈ….

 • દેવદિવાળી ના રોજ અમદાવાદ ના વિવિધ વિસ્તારો માં ..સંસ્કારધામ માં…અન્નકૂટ યોજાશે…વધુ જાણકારી માટે જે તે મંદિર નો સંપર્ક કરવો..

આમ આજની સભા….અદભુત જ્ઞાન થી સભર હતી…..જીવ જો સત્પુરુષ ના સંગે મહિમા સભર જ્ઞાન થી યુક્ત થાય તો જરૂર એ બ્રહ્મરૂપ થઈ શકે….શ્રીજી ને ભજવા લાયક થઈ શકે…અને આપણે જો જન્મ મરણ ના ચક્ર માં થી છુંટવું હોય…અખંડ સુખ શાંતિ જોઈતી હોય તો….આમ કર્યા સિવાય છૂટકો જ નથી……

બ્રહ્મ નો આ રાજમાર્ગ આપણી સામે જ છે……એના પર ચાલવું કે ન ચાલવું? એ આપણે નક્કી કરવા નું છે….

સદાયે…..પ્રથમ શ્રીહરિ ને રે….

જય સ્વામિનારાયણ

રાજ


Leave a comment

BAPS રવિસભા- ૨૦/૧૦/૨૦૧૯

“…અને વળી જેને પરમેશ્વરને વિષે પ્રીતિ હોય, તેને તો પરમેશ્વર વિના બીજા કોઈ પદાર્થમાં પ્રીતિ ન હોય. અને પરમેશ્વર વિના બીજું જે જે પદાર્થ અધિક જણાય તેનો જે અતિશય ત્યાગ કરે તે ત્યાગ ખરો છે; અને તે પદાર્થ નાનું હોય અથવા મોટું હોય, પણ તેનો જે ત્યાગ કરવો તેનું જ નામ ત્યાગ કહેવાય. અને જે પદાર્થ ભગવાનના ભજનમાં આડું આવતું હોય તેને તો ન તજી શકે ને બીજો ઉપરથી તો ઘણો ત્યાગ કરે પણ તેનો તે ત્યાગ વૃથા છે. અને એમ કાંઈ જાણવું નહીં જે, ‘સારું પદાર્થ હોય તે જ ભગવાનના ભજનમાં આડ્ય કરે ને નરસું પદાર્થ હોય તે ન કરે.’ એ તો જીવનો એવો સ્વભાવ છે જે, જેમ કોઈકને ગળ્યું ભાવે, કોઈકને ખારું ભાવે, કોઈકને ખાટું ભાવે, કોઈકને કડવું ભાવે; તેમ જીવની તો એવી તુચ્છ બુદ્ધિ છે, તે અલ્પ પદાર્થ હોય તેને પણ ભગવાન કરતાં અધિક વહાલું કરી રાખે છે. અને જ્યારે ભગવાનની મોટ્યપ સામું જોઈએ ત્યારે તો એવું કોઈ પદાર્થ છે નહીં જે, તેની કોટિમા ભાગના પાશંગમાં પણ આવે. એવા ભગવાનને યથાર્થ જાણીને જો હેત કર્યું હોય તો માયિક પદાર્થ જે પિંડ-બ્રહ્માંડાદિક તેમાં ક્યાંય પણ પ્રીતિ રહે નહીં, માયિક પદાર્થ સર્વે તુચ્છ થઈ જાય……

“અને એવા જે ભગવાન તે વિના જે બીજા પદાર્થને વિષે પ્રીતિ કરે છે તે તો અતિશય તુચ્છ બુદ્ધિવાળો છે. જેમ કૂતરું હોય તે સૂકા હાડકાને એકાંતે લઈ જઈને કરડે ને તેમાં સુખ માને છે, તેમ મૂર્ખ જીવ છે તે દુઃખને વિષે સુખને માનીને તુચ્છ પદાર્થને વિષે પ્રીતિને કરે છે. અને જે ભગવાનનો ભક્ત કહેવાતો હોય ને તેને ભગવાન થકી બીજા પદાર્થમાં તો હેત વધુ હોય, તે તો કેવળ મિનડિયો ભક્ત છે; અને જે યથાર્થ ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનથી બીજું કોઈ પદાર્થ અધિક હોય જ નહીં. અને જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને ધર્મ તેણે યુક્ત એવો જે તે ભગવાનનો ભક્ત તે તો એમ જાણે જે, ‘શૂરવીર હોય તે લડવા સમે શત્રુ સન્મુખ ચાલે પણ બીએ નહીં તે શૂરવીર સાચો. અને શૂરવીર હોય ને લડાઈમાં કામ ન આવ્યો અને ગાંઠે ધન હોય ને તે ખરચ્યા-વાવર્યામાં કામ ન આવ્યું તે વૃથા છે. તેમ મને ભગવાન મળ્યા છે, તે જે જીવ મારો સંગ કરે તેને આગળ હું કલ્યાણની વાત ન કરું ત્યારે મારું જ્ઞાન તે શા કામમાં આવ્યું?’ એમ વિચારીને ઉપદેશ કર્યા નિમિત્ત કાંઈક થોડી-ઘણી ઉપાધિ રહે તો પણ પરમેશ્વરની વાત કર્યામાં કાયરપણું રાખે નહીં.….

——————————

ભગવાન શ્રી સ્વામિનારાયણ- વચનામૃત-ગઢડા મધ્ય 57

ગયા એક બે રવિવાર પાછો સત્સંગ નો લાભ લઇ ન શક્યો…..કારણ?? એ જ લૌકિક જવાબદારી ઓ…..સંસાર માં છીએ તો આવી ભાગમભાગી રહેવા ની જ….અને એ અસ્થિરતા વચ્ચે સ્થિર થવા માટે સત્પુરુષ નો હાથ પકડી સત્સંગ ની કેડી એ ચાલવા નું છે અને પુરુષોત્તમ ને પામી “મુક્ત” થવાનું છે….

આ રવિવારે આવો જ પ્રશ્ન હતો કારણ કે દિવાળી ઉંબરે ઉભી છે અને બાળકો માટે આજે મંદિરે ઉત્સવ હતો….હરિ ની હાજરી ફરજીયાત હોય જ…આથી અમે પણ એની સાથે જોડાયા….

નસીબ એટલું સારું કે ધાર્યા કરતાં જલ્દી થી ઉત્સવ નો લાભ લેવાઈ ગયો અને સભા નો – કીર્તન ને બાદ કરતાં – સારો એવો લાભ મળ્યો…જીવ ને શાંતિ થઇ…. સભા માં સ્થાન ગ્રહણ કર્યું ત્યારે કીર્તન પૂર્ણતા ને આરે હતા….એ પહેલાં મારા વ્હાલા ના…આ સભા સાથે ના દિવાળી પહેલા ના …છેલ્લા દર્શન….

ત્યારબાદ સભા માં પધારેલા પૂ. જ્ઞાનેશ્વર સ્વામી ના વચનામૃત ગઢડા મધ્ય 57 આધારિત પ્રવચન નો લાભ મળ્યો…..જોઈએ એનો સારાંશ માત્ર…

 • આ જીવ નો ચોંટવા નો સ્વભાવ છે…એ મોટેભાગે લોક ના સુખ માં સહેજે ચોંટે છે…..કાં તો ભગવાન માં ચોંટે છે….પણ તે જીવ માટે અઘરૂં છે….દા. ત. ભગવાન ભજવા નીકળેલા ભરતજી મૃગલા માં ચોંટ્યા….
 • જીવ વૃત્તિ થી બંધાય છે….સંકલ્પ વિકલ્પ થયા કરે છે…અને બીજો જન્મ લેવો પડે છે…..એવું ન થાય તે માટે જીવ બાંધવો તો સત્પુરુષ અને શ્રીજી માં બાંધવો…
 • ભગવાન અને સંત ના મહિમા ની વાત નિરંતર કરવી….તેમના માં દ્રઢ હેત પ્રીતિ કરવી …એમના રાજીપા નો વિચાર સતત કરે તો જીવ બ્રહ્મરૂપ થઈ જાય….
 • જો અહીં જ મોક્ષ મનાય…સત્સંગ નો ખુબ જ ખપ રહે તો …જીવ ના કલ્યાણ માટે શું ન થાય?? જગત માં સુખ જ ન લાગે….સાચી વાત સમજાય….
 • ભગવાન ને જ એક સર્વ કર્તાહર્તા સમજીએ તો જીવ સ્થિર રહે…..મોટા પુરુષ નો મહિમા દ્રઢ કરયો હોય તો બીજા ને એ વાત કરી શકીશું….અને દ્રઢતા વધુ દ્રઢ થશે….સુખિયા થવાશે….

અદ્દભૂત….! જીવ જો આટલું સમજે તો યે જીવ નું કલ્યાણ હાથ વગુ છે…..

ત્યારબાદ દિવાળી ઉત્સવે સર્વે ને આશીર્વાદ આપવા પધારેલા પ.પૂ. ડોક્ટર સ્વામી એ સભા ને પોતાની વાણી નો લાભ આપતા કહ્યું કે….આપણ ને જે પ્રાપ્તિ થઇ છે….એના મહિમા નો પાર નથી….અધ્યાત્મ માર્ગે ચાલેલા બધા આગળ આવ્યા છે….આપણે આ માર્ગે ચાલવા નું છે…સમજણ કેળવવા ની છે. જીવન માં સારા ખરાબ નો વિવેક કેળવવા નો છે…..એ સત્સંગ થી જ આવશે (બીનું સત્સંગ ..વિવેક ન હોઈ….) અને પ્રાપ્તિ ની આ વાત બીજા ને પણ કરી શકાશે….

ત્યાર બાદ આવતા રવિવારે આવતા દિવાળી ઉત્સવ આયોજન અંગે જાહેરાત થઇ….

આજ ની સભા એ વિક્રમ સંવત ૨૦૭૬ ની અંતિમ સભા હતી….અને જીવ બસ એક હરિ માં જ સ્થિર રહે…એક એમના માં જ બંધાયેલો રહે તે માટે સ્વામી શ્રીજી ને પ્રાર્થના….!

જય સ્વામિનારાયણ….સર્વનુ કલ્યાણ હો…સર્વનુ જીવન હરિમય હો…..

સદાયે…સર્વ પ્રથમ હરિ ને રે…..

રાજ


Leave a comment

રેવા ને કિનારે કિનારે…..

ઘણીવાર આપણે અતિ કઠિન એવી રેવા નદી કે નર્મદા ની પરિક્રમા વિષે સાંભળીએ છીએ….સાક્ષર અમૃતલાલ વેગડ ના પુસ્તકમાં વાંચીએ છીએ….પણ અહી નર્મદા મૈયા ની પરિક્રમા ની વાત નથી….કારણ કે આપણે એ લાયક નથી….છેક પુરાણો માં પોતાની હાજરી પુરાવી ચૂકેલી આ એકમાત્ર નદી ની પરિક્રમા એના મહિમા જેટલી જ સર્વોપરી છે…..છતાં સંસાર ના ખડકાળ સ્થિતિ ઓ માં ફસાયેલા આ જીવ માટે લગભગ 1312 કિમી ની ત્રણ વર્ષ થી વધુ સમય માં પાર થતી આ પરિક્રમા આ જીવન માં તો શક્ય નથી જ ….! છતાં અમદાવાદ ની સરહદ પર લહેરાતી વિશાળ કેનાલો જોઈને – નર્મદા મૈયા ના ખોળામાં કમસેક્મ ડૂબકી લગાવવા ની ઈચ્છા તો થઈ જ જાય છે……..

જીવન માં આ શુભ ઘડી ક્યારે આવે? તેની પ્રતિક્ષા હતી અને હરિ દયા એ ઘડી આ શરદ પુર્ણિમા એ…ગુણાતીત પ્રાગટ્ય દિવસે ગોઠવાઈ……પરિવાર ના વડીલ બંધુઓ એ આયોજન કર્યું અને અમે સૌ રાત્રિ ના અંધારા ને ચીરી ને બસ ના ખોળા માં ગોઠવાઈ ગયા……હેતુ હતો માં રેવા ને કિનારે ભારત ના ગૌરવ એવા સરદાર પટેલ ની જગ વિખ્યાત સૌથી ઊંચી પ્રતિમા ના દર્શન મુલાકાત કરવી…..એની નજીક આવેલા ધરખડી અભયારણ્ય અને ઝરવાણી ધોધ ની મુલાકાત લેવી….સમય વધે તો નીલકંઠ ધામ પોઇચા અને કુબેર ભંડારી મંદિર ની પણ દર્શન મુલાકાત લેવી…..

સમય નક્કી થયો રાત્રી ના બે વાગ્યા નો…..થોડોક વહેલો હતો પણ જરૂરી હતો….કારણ કે પરિવાર ને અલગ અલગ સ્થળો થી એકત્રિત કરવા નો હતો….તો છેવટે અમારી સવારી ઉપડી….રોડ સારો હતો….અને સૌપ્રથમ અમે પહોંચ્યા ઝરવાણી ધોધ ..જે ધરખડી અભયારણ્ય માં સ્થિત છે….તમે કાર ,બસ છેક અંદર લઈ ને જઇ શકો છો….એન્ટ્રી ચાર્જ લાગે, પણ અંદર નો માહોલ જોઈ ખુશ થઈ જવાય એવું છે…..ચોમાસા માં જ સક્રિય થતા આ ધોધ નું અત્યારે રી ડેવલોપમેન્ટ ચાલી રહ્યું છે, આથી ધોધ સુધી પહોંચવા ચાલવું પડે….નાના ઝરણાં ને ઓળંગવા પડે….અને લગભગ 15 મિનિટ પછી તમે તયાં પહોંચી શકો…..ત્યાં પહોન્ચો એટલે મહેનત વસૂલ થઈ જાય….! અદભુત નજારો….અને અમે સસવારે 8 વાગ્યા ની આસપાસ ત્યાં પહોંચ્યા હતા એઆથી અમારા સિવાય ત્યાં કોઈ જ ન હતું…એક આઆદિવાસી છોકરી અમને ધોધ સુધી દોરી ગઈ …બધા એ ખૂબ જ મજા માણી….હરિ તો કપડાં બદલ્યા વગર જ કુદી પડ્યો….હાહાહા….!!

અમારા ટુર ઓપરેટરે ગરમાગરમ નાસ્તો બનાવી રરાખ્યો હતો…બધા ને ખૂબ ભૂખ લાગી હતી આથી મન મૂકી ને તૂટી પડ્યા….! હું ગયા પ્રવાસ ની જેમ આ વખતે પણ, હરી ના ચપ્પલ ને લેવા જતા લપસી પડ્યો અને એક ધારદાર પથ્થર મારા હાથ માં ઘૂસી ગયો… લોહી ચાલુ થઈ ગયું પણ જાણે શ્રીજી એ સહાય મોકલી હોય તેમ એક 108 એમ્બ્યુલન્સ ત્યાં થી પસાર થતી હતી અને મને પ્રાથમિક સારવાર મળી ગઈ…!!

છેવટે નાસ્તો કરી અમારું ગ્રૂપ Statue of Unity પહોંચ્યું… એડવાંસ માં ટિકિટ બુક થાય છે આથી અમને રવિવાર હોવા છતાં બહું ભીડ નો સામનો કરવો ન પડ્યો અને પાર્કિંગ માં થી જ દુનિયા ની સૌથી ઊંચી પ્રતિમા જોઈ મસ્તક ગર્વ થી ઊંચું થઈ ગયું…..!! નરેન્દ્ર મોદી ની દૂરંદેશી… રાષ્ટ્ર ભક્તિ… દેશ ને જગતગુરુ બનાવવા ના સર્વોપરી પ્રયાસ ને કોટી દંડવત કરવા ઘટે….!!! થોડુક ચાલવું પડે પણ એ પછી ઠેર ઠેર સલામતી વ્યવસ્થા… વ્હીલચેર અને એસ્કેલેટર ની સુવિધા… એક્દમ સ્વચ્છ અને આધુનિક વોશરૂમ અને પીવાના પાણી ની વ્યવસ્થા… ખૂબ જ સહયોગી કર્મચારીઓ અને ઠેર ઠેર ફ્રિ બસ સેવા….!!! ખરેખર અદ્ભુત હતા… બાકી સરકારી તંત્ર પાસે આટલી બધી અપેક્ષા ન રખાય…. 😀બસ એક વાત ખૂંચી…. સ્ટોર માં ટી શર્ટ ખૂબ જ મોંઘી હતી….!

મે ફ્રિ બસ સર્વિસ માં સરદાર સરોવર ડેમ અને ફ્લાવર વેલી જોવા ગયા.. જ્યાં હજુ કામ ચાલુ છે અને મારું માનવું છે કે, બે વર્ષ પછી આ સમગ્ર વિસ્તાર ધમધમતો હશે… નવું પ્રાણી સંગ્રહાલય પણ બને છે… હેલિકોપ્ટર સેવા બંધ છે….rafting ચાલુ છે…..સાંજે અદ્ભુત લેસર શો થાય છે પણ એ અમારા પ્લાન માં ન હતું એથી છોડવું પડયું…

એક સજેશન… SOU આવવું હોય તો ચોમાસા પછી ઠંડક થાય ત્યારે જ આવવું… બાકી ગરમી અહીં જાલીમ પડે છે….!!

જમવા નુ તૈયાર હતું… આથી પેટપુજા કરી થોડોક આરામ કરી પોઈચા નિલકંઠ ધામ જવા નીકળ્યા… ત્યાં થી બે એક કલાક નો રસ્તો છે….. નર્મદા નદી ના વિશાળ પટ ને કિનારે સ્થિત આ વિશાળ મંદિર પરિસર ખૂબ જ સુંદર છે… અમે પહોંચ્યા ત્યારે શ્રીજી ની ઢોલ નગારા સાથે હાથી ની સવારી નીકળી હતી…. અદ્ભુત સવારી….!! સર્વ દેવો.. અવતારો ની સ્થાપના અહીં થઇ છે…. શ્રીજી ની મૂર્તિ દક્ષિણ ભારત પદ્ધતિ થી અલંકૃત છે …. બેઠેલી મુદ્રા અદ્ભુત છે…

દર્શન, કોફી નાસ્તો કરી મા નર્મદા ને પાર કરવા બોટ ભાડે કરી….. નિલકંઠ ધામ ના સામે ના કિનારે જ કુબેરેશ્વર મહાદેવ નું પ્રાચીન મંદિર છે… એની નજીક માં જ નારાયણ બલી માટે જાણીતું ચાંણોદ છે….. નદી નો પટ એટલો વિશાળ કે બોટ માં એક કિનારે થી બીજે કિનારે પહોંચતા 15 થી 20 મિનિટ થાય…. કુબેર ભંડારી નો કિનારો ઉંચો છે અને સીડી ઓ સીધી છે… જેના પગે પ્રશ્ન હોય.. તેના માટે આ સ્થળ નથી…. ત્યાં થી નિલકંઠ ધામ પરત આવવા નીકળ્યા ત્યારે અંધારું નદી ના પટ ને ઘેરી વળ્યું હતું અને ક્ષિતિજ પર શરદ પુનમ નો પૂર્ણ ચંદ્ર ખીલી ઊઠ્યો હતો…. મા રેવા ના પ્રવાહ પર એનું ચમકતું પ્રતિબિંબ મને અક્ષરબ્રહમ ગુણાતીંતાનંદ સ્વામી ના મહિમા ની સ્મૃતિ કરાવતી ગઈ….. આજે એ ધન્ય ઘડી ની સ્મૃતિ સભા હતી અને હું એમાં ન હતો…!!

છેવટે નિલકંઠ ધામ પરત આવ્યા અને જમવાનું તૈયાર હતું… ઉજાગરો અને થાક જોડે હતા આથી બધું ફટાફટ પુરુ કરી બસ ને ઘર તરફ ભગાવી…!

તો અમે મા રેવા ને કિનારે યાત્રા ને માણી…. એ પર થી કોઈને અમારા અનુભવ ને આધારે આવી યાત્રા કરવી હોય તો મારા સુચન.. વણ માગી સલાહો… 🤓

 • Planning – એવી રીતે કરવું કે ઉજાગરા ન થાય…. ઉજાગરા યાત્રા ની મજા ને મારી નાખે છે…. SOU અમદાવાદ થી 200-220 કીમી થાય આથી ત્રણ ચાર કલાક થાય… સવારે 9 વાગ્યે તમે ત્યાં પહોંચો તો પૂરતું છે….. સાથે સૂકો નાસ્તો, ભરપૂર પાણી, પ્રાથમિક સારવાર (જો નદી, ધોધ જવા ના હો) તો સાથે રાખવા…. ધરખડી અભ્યારણ્ય માં એંટ્રી ચાર્જ 400 રૂપિયા થી શરૂ થઈ 3000 સુધી છે….. નર્મદા નદી માં બોટીંગ ના 1200-1500 થાય છે……. જેવી જેવી સંખ્યા…! સાંજનો લેસર શો સારો હોય છે…. એ પ્રમાણે આયોજન થઈ શકે…. અમદાવાદ રાણીપ બસ સ્ટોપ થી રોજ એસી બસ સવારે 6 વાગે ઉપડે છે…. તેનો લાભ લઈ શકાય….
 • Food – SOU માં કેફેટેરિયા છે…. ભાવ એ મુજબ છે…. પોઈચા માં તો જલસા છે…. કોઈ ચિંતા નહી…. કોઈ સારી હોટલ ત્યાં નથી… આથી આયોજન એ મુજબ કરવુ.
 • Expenses – સસ્તું ભાડું… અને સિદ્ધપુર ની યાત્રા જેવું છે….. અમારે 1500 રૂપિયા પ્રતિ વ્યક્તિ નો ખર્ચ હતો જેમાં – સવારે નાસ્તો, બપોરે સાંજે જમવાનું,પ્રદર્શન ટિકિટ (380rs) અને ઉપરોકત ચાર સ્થળ… બધુ આવી ગયું….. ધરખડી અભ્યારણ્ય નો ખર્ચ, બોટીંગ, rafting બધું આપણા માથે હોય… માટે ખર્ચ એ મુજબ પ્લાન કરવું.

તો… હૈયા માં હામ ભરી, હરિ ને જીવમાં રાખી નીકળી પડવું….. એની રચેલી સૃષ્ટિ અદભુત છે…. મન ભરી ને માણવા જેવી છે…… જીવન ને બંધિયાર ન કરવું…. છેવટે સાધુ હો કે સંસારી…. સબ ચલતા હી ભલા…!!!

રાજી રહેજો….

રાજ


Leave a comment

BAPS રવિસભા-૨૯/૦૯/૨૦૧૯

છેલ્લી બે ત્રણ સભા હું સંસાર ની દોડાદોડ વચ્ચે ચુકી ગયો….એની ખોટ તો ભરપાઈ થાય તેમ નથી કારણ કે એ સમય મારા નાથ..મારા ધણી માટે હતો અને એને ચૂકવો એટલે એની ખોટ એક એક પળ લાખ ની હોય અને એને ચુક્યા ની જે ખોટ થાય…તેટલી છે….!!!! જે હોય તે ..હરિ ઈચ્છા…!

તો આજે સવારે જ નિશ્ચય કર્યો કે સમય પહેલા જ સભા માં પહોંચી જાઉં…..અને મારા નાથ ના આજના પ્રથમ નોરતા ના અદભુત દર્શન કરવા…..!

ચાલો તેનો ગુલાલ કરીએ….હરિ તો વહેંચવા થી વધે છે…..એ જ તો એનો જાદુ છે….

સભા ની શરૂઆત ધૂન અને પ્રાર્થના પુ.સંતો અને યુવકો દ્વારા થઈ…..ત્યારબાદ પુ. કૃષ્ણ સ્વરૂપ સ્વામી એ ” વૈષ્ણવ નથી થયો …શીદ ગુમાન માં ઘૂમે”…કીર્તન રજૂ કર્યું અને આજથી 500 વર્ષ પહેલાં નરસૈંયા એ રચેલું ” વૈષ્ણવ જન તો તેને કહીએ…” પદ અંતર સમક્ષ છવાઈ ગયું….આપણે ખરેખર આ પ્રશ્ન આપણી જાત ને પૂછવા નો છે કે આપણે સાચા વૈષ્ણવ….સાચા હરિભક્ત થયા છીએ??? સત્સંગ દેહ નો છે કે જીવ નો?? સત્સંગ માં આવ્યા પછી સ્વભાવ બદલાયા છે??

ત્યાર બાદ એક યુવકે આજના પ્રથમ નોરતા ને અનુરૂપ ” મન મોહન માની તારી મૂર્તિ રે….” બ્રહ્માનંદ સ્વામી રચિત કીર્તન રજુ કર્યુ અને સમગ્ર સભા ગરબા મોડ માં આવી ગઇ…..અને સોનામાં સુગંધ ભળે તેમ પુ. શુભ કીર્તન સ્વામી ના બુલંદ અવાજ માં પછી રાસ ની રમઝટ જામી…..” જુઓ જુઓ ને સાહેલી આજ રસિયો રાસ રમે…..” “તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે…..” “મોહન ફુલ ની માળા…..” “મને પ્યારી લાગે મુરતિ તમારી……” સ્વામી ગુણાતીતાનંદ આજ આવી ને અઢળ ઢળ્યા…..” “વાતલડી….પુછો ને વ્હાલા એક વાતલડી…” “એ શ્રીજી તારી લીલા અતિ ન્યારી….” ……” આ અવનીમાં …..”….અહો..અહો….!!

અદ્ભુત……!! બહાર વરસાદ……અને અંદર આવા જોશીલા પદો થી તરબોળ થતા હરિભકતો….!! માહોલ ખરેખર અદભુત હતો….!!

ત્યારબાદ પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ના આફ્રિકા ખાતે ના ૨૦-૨૨ તારીખ ના દિવ્ય વિચરણ ના વિડીયો દર્શન નો લાભ મળ્યો….

આટલી ઉંમરે…કેવળ હરિભકતો ના સુખાકારી માટે આટઆટલો ભીડા વેઠતા સત્પુરુષ ને માટે આપણા થી શુ ન થાય?? એક એમની આજ્ઞા…અનુવૃતિ માં સારધાર રહીએ એટલે આ જન્મારો સફળ…!!!

હાલમાં જ પુલહાશ્રમ ની યાત્રા…નીલકંઠ યાત્રા નો લાભ લઇ ને પરત ફરેલા સંતો એ પોતાના અનુભવ કહ્યા…..વર્ણવ્યા…! તારીખ ૧૧ થી ૨૭ સપ્ટેમ્બર વચ્ચે અમદાવાદ…ઉત્તર ગુજરાત ના 68 સંતો છપૈયા…પુલહાશ્રમ વગેરે મહાતીર્થ સ્થાનો ની પવિત્ર યાત્રા કરી આવ્યા…..પુ. ભગવત સેતુ સ્વામી, પુ.શ્રીજી ચરણ સ્વામી..પુ.વિવેક જીવન સ્વામી..પુ નિર્મલ ચરિત સ્વામી….એ તમામ પ્રસાદી ના સ્થાન અને એનો મહિમા જણાવ્યો….7 વર્ષ ની વન વિચરણ ની યાત્રા માં નીલકંઠ વરણી મહારાજ લગભગ અઢી વર્ષ નેપાળ માં રહી ને સર્વે સ્થાનો ને તીર્થત્વ બક્ષ્યું છે…! પુ.વિવેકજીવન સ્વામી એ આ તીર્થ યાત્રા દરમ્યાન મળેલ વિવિધ ગુણભાવી, મુમુક્ષુ ઓ…હરિજન સાથે થયેલા અનુભવ વહેંચ્યા….. આપણા સંતો , ગુરુઓ ની સાધુતા નો દિવ્ય અનુભવ એ સૌને થયો….પુ.નિર્મલ ચરિત સ્વામી એ કહ્યુ કે આ કોઈ પ્રવાસ નહોતો…પણ મહિમા સભર તિર્થ યાત્રા હતી….યાત્રા પહેલા જ શ્રીજી મહારાજ…બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ના પુલ્હાશ્રમ યાત્રા ની સ્મૃતિ ઓ નું લિસ્ટ બનાવી તે પ્રમાણે સ્થળ સાથે સ્મૃતિ ને સાંકળી મહિમા સહિત યાત્રા કરવા માં આવી…અમુક સંતો બીમાર થઈ ગયા …અમુક સંતો ની અવસ્થા હતી છતાં ત્યાંના ઠંડા..ભેજ વાળા વરસાદી વાતાવરણ ની પરવા કર્યા વગર સૌએ ભક્તિ…મહિમા સાથે યાત્રા નો લાભ લીઘો….સૌએ એકબીજા નો મહિમા પણ જાણ્યો……સંપ સાથે સ્થળોનો મહિમા સમજ્યા…આ એક સંપ યાત્રા…ભક્તિ યાત્રા….મહીમા યાત્રા હતી….

અદ્ભૂત……!! સમગ્ર સભા ને સાક્ષાત પુલ્હાશ્રમ યાત્રા નો …એનો મહિમા…કેવી રીતે યાત્રા કરવી…એનો અનુભવ થયો….

છેલ્લે સર્વે સંતો પૈકી..એમના વતી વડીલ સંતો જે આ યાત્રા નો લાભ લઈ ને આવ્યા હતા તેમનું પુ.ઈશ્વર ચરણ સ્વામી દ્વારા સ્વાગત સન્માન થયું…

ત્યાર બાદ પુ. ઈશ્વર ચરણ સ્વામી એ પોતાના આશીરવચન માં કહ્યું કે આ બધા પ્રસાદી ના સ્થાન ની અચુક યાત્રા કરવી…મહિમા સાથે કરવી…જોગી બાપા એ પણ આ રીતે અનેક કષ્ટો વેઠી ને યાત્રા ઓ કરી છે …આંબલી વાળી પોળ નું અત્યારે નવીની કરણ ચાલી રહ્યું છે…તેની યાત્રા પણ એક નવધા ભક્તિ જ છે….માટે જીવ ભગવાન માં આ સ્થિર રહે….તેમ એમની સ્મૃતિ સાથે…. મહિમા સાથે કરવી…..

સભા ને અંતે હાલ માં જ જાહેર થયેલા સત્સંગ શિક્ષણ પરીક્ષા ના પરિણામ માં અમદાવાદ ના તેજસ્વી તારલા ઓ નું જાહેર માં સન્માન થયું…અમદાવાદ નું 55% રિઝલ્ટ આવ્યું છે….!!

તો આજની સભા જીવન ને સત્સંગ…ભગવદ સ્મૃતિ..મહિમા ની યાત્રા સાથે સફળ બનાવીએ….છેવટે જીવ ની અનંત યાત્રા નું ધ્યેય…ગંતવ્ય….ફળ આ જ છે…! હરિ સાથે જ છે…

જય સ્વામિનારાયણ….. રાજી રહેજો…

રાજ