Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

જોવા જેવી દુનિયા

ખરેખર……આ દુનિયા..આ જગત…..આ ધરા…જોવા જેવી..માણવા જેવી અને એનાથી વિશેષ સમજવા જેવી જ છે…..! માત્ર જોવા થી કે અનુભવવા થી ન ચાલે એવી આ વાત છે…..કારણ કે- આ જગત એથી કૈંક અધિક છે. પેલું જૂનું હિન્દી ગીત છે ને કે….” યે કૌન ચિત્રકાર હૈ…..” જેવી આ વાત છે…..રંગ તો દેખાય છે પણ એની પાછળ નો ચિત્રકાર સમજાતો નથી……જગત તો દેખાય છે પણ એની પાછળ – એનો કર્તાહર્તા દેખાતો નથી….સમજાતો નથી……એના હેતુ સમજાતા નથી…..! 

અને એટલા માટે જ બુધ્ધિ ના..તર્કના..વિજ્ઞાન ના  સીમાડા લાંઘી ને આધ્યાત્મ ના સીમાડા સુધી પહોંચવું પડે અને ત્યાં પહોંચ્યા પછી હર ડગલે ને પગલે સત્પુરુષ ની જરૂર પડે છે…કારણ કે- અધ્યાત્મ નો માર્ગ અતિ કઠિન છે ….સત્પુરુષ ના માર્ગ દર્શન..એમની કૃપા …એમના જ્ઞાન વગર આ માર્ગ પર આગળ વધાતુ જ નથી…….બ્રહ્મ વડે જ બ્રહ્મ થવાય……જેમ હીરા વડે જ હીરો વીંધાય છે  તેમ..! માટે જ આત્મજ્ઞાન મેળવવું હોય તો- આત્મજ્ઞાની પાસે જવું પડે…..અને “જોવા જેવી દુનિયા” ના સર્જક..પ્રેરક દાદા ભગવાન, નીરુમા અને એમના અધ્યાત્મિક વારસદાર પૂ.દીપકભાઈ દ્વારા આ કાર્ય થઈ રહ્યું છે…..મને સ્વામિનારાયણ સત્સંગી હોવા ને નાતે – અધ્યાત્મિક માર્ગે થતાં આવા  વિશાળ કાર્યો નો હેતુ..મહિમા અને પરિણામ નું જ્ઞાન છે…….આથી જ હું આવા કોઈ પણ કાર્યો ને – કે જેનો હેતુ જીવ નું કલ્યાણ છે- તેને સમર્થન આપું છુ…..

તો- તારીખ 15 થી 25 નવેમ્બર સુધી – ત્રિમંદિર અડાલજ સુધી ચાલનારા આ ભવ્ય આયોજન વિષે સાંભળ્યુ હતું અને સમય મળતા જ હરિ ને લઈને અમે ત્યાં રૂબરૂ જઈ આવ્યા…….કારણ કે જાત અનુભવ જ શ્રેષ્ઠ શિક્ષક છે -એ ન્યાયે ત્યાં જવું અનિવાર્ય હતું…….તો મારા અનુભવ કેવા રહ્યા…………એનો ગુલાલ કરી એ …..પણ એ પહેલા – આ આયોજન ની વધુ માહિતી મેળવવા નીચેની લિન્ક પર જાઓ…..

જોવા જેવી દુનિયા 

તો- મારા અનુભવ કેવા રહ્યા….?

પ્રથમ સારા અનુભવ….

  • ….અદ્ભુત મેનેજમેંટ – પાર્કિંગ થી લઈને રસોડા સુધી ની અદ્ભુત વ્યવસ્થા……લગભગ  35 લાખ ચોરસ ફૂટ માં ફેલાયેલું આ આયોજન -હજારો સ્વયંસેવકો અને ચારેતરફ  CCTV કેમેરા..ડ્રોન કેમેરા  – સારી સ્વચ્છતા થી શોભતું હતું……પાર્કિંગ માં થી જ બસ મૂકેલી- જેમાં બેસી ને – રોડ ની સામે જ રહેલા આ સ્થળ પર જઈ ને -પરત પણ આવી શકાય………..ત્યાં પહોંચો એટ્લે 1 થી 12 વર્ષ સુધી ના બાળકો માટે ફરજિયાત ઓળખપત્ર બનાવી એમને બાળકો ને લગાવી દેવાનું….! ખરેખર સારી સિસ્ટમ લાગી…! પાસે જ વ્હીલચેર અને જનરલ એનાઉન્સ્મેંટ રૂમ…જેથી સતત જાહેરાત-સૂચનો થતાં રહે…….અરે સમગ્ર કાર્પેટ એરિયા ને ગ્રીન નેટ થી -પેવર્સ થી ઢાંકી દેવામાં આવ્યો હતો – જેથી વ્હીલચેર અને સાઇકલ લઈને પણ અહી ફરી શકાય..ધૂળ નું નામોનિશાન નહીં…..ઠેર ઠેર કચરાપેટી ઑ- અને સ્વયંસેવકો -કચરો સાફ કરતાં જ રહે……!
  • પ્રોગ્રામ ની થીમ- વિવિધ પ્રદર્શન ખંડ  નું આયોજન પણ સારું હતું………….તમામ ઉમર ની વ્યક્તિઓ માટે – ઉમર ને આધારે પ્રદર્શન ખંડ હતા…….હરિ એ તેની  ઉમર ના હિસાબે ત્રણ પ્રદર્શન ખંડ- નો લાભ ઉઠાવ્યો……કાર્ટૂન કેરેક્ટર્સ – પાંડા-શિફું -ટોમ અને જેરી જેવા પાત્રો ને આધારે – બાળકો ના આચાર-વિચાર નો સુધારો સહજ માં કરી શકાય એ અહી જાણવા મળ્યું……! તો- દાદા ભગવાન અને તેમના અક્રમ વિજ્ઞાન નો ખ્યાલ આપતા પ્રદર્શન ખંડ પણ અદ્ભુત હતા…….સાથે સાથે પૂ.દીપકભાઈ ની લાઈવ સભા પણ સમાંતર – નિયત સમયે ચાલતી હતી……..ટૂંકમાં આયોજન અદ્ભુત હતું….
  • જમવાનું- આપણાં લોકો નું ધ્યેય- પહેલા ભોજન અને પછી ભજન – જ હોય છે- અને તેથી જ જીવ ને ભોજન ની સાથે ભજન સુધી લઈ જવા- ઠેર ઠેર અંબા ફૂડ્સ ના સ્ટોલ અને ભોજન શાળા નો પ્રબંધ મને ગમ્યો…..30 રૂપિયા ના નજીવા ચાર્જ માં સ્વાદિષ્ટ ભોજન નો આસ્વાદ કોઈ પણ લઈ શકે તેવી વ્યવસ્થા પણ હતી…..પીરસવા નું….ડિશ વોશર મશીન ની વ્યવસ્થા…..ઠેર ઠેર પાણી માટે ની ટેન્ક ની વ્યવસ્થા અદ્ભુત હતી…….જેને ફૂલ ડિશ ન જમવી હોય તેમના માટે વિશાળ ફાસ્ટ ફૂડ ના સ્ટોલ હતા..જેમાં ગુજરાતી-પંજાબી-દક્ષિણ ભારતીય- આફ્રિકન-મેક્ષિકન-ચાઇનિજ …તમામ પ્રકાર ના વ્યંજન હતા……ટૂંક માં કોઈ ભૂખ્યો ન જવો જોઈએ…..!!! ભોજન શાળા માં શિસ્ત અદ્ભુત હતી………….! હરિ ને તો આઇસ્ક્રીમ- કુલફી અને ચોકલેટ માં મજા પડી ગઈ……..
  • ત્સંગ- મુખ્ય વાત- પૂ. દિપક ભાઈ ની સભાઓ ને મે ટીવી પર- અને રૂબરૂ પણ અલપજલપ નિહાળી છે…….એમની રીત- સહજ છે-પ્રશ્નોત્તર થી ભરપૂર છે- અને એ માટે સવાર સાંજ બે સમય અહી- એનું વિશાળ ખુલ્લા પણ 6-8 LED સ્ક્રીન – આસ્થા ટીવી પર લાઈવ ટેલિકાસ્ટ થી સત્સંગ નો લાભ મળે છે…..તમને યોગ્ય લાગે ત્યાં બેસી ને તેનો લાભ લઈ શકો એ માટે વિશાળ બેસવા ની જગ્યા છે…….સ્ટેજ અદ્ભુત બનાવ્યું છે – અમારા બેપ્સ ના પ્રોગ્રામ ની જેમ જ……તેના પર રોજ સાંજે સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ થાય……ડ્રોન થી પ્રસારણ અને કંટ્રોલ બંને થાય -તેનું આયોજન અહી દેખાયું………….

તો- હવે વાત – મારી દ્રષ્ટિ એ શું સુધારો -સૂચન થઈ શકે?? જો કે મારી કોઈ પાત્રતા નથી છતાં – મારા અનુભવ ને આધારે શું વધુ સારું થઈ શકે?? 

  • સ્થળ – લોકો ( સર્વ ને અહી બધા સ્વયંસેવક મહાત્મા તરીકે જ બોલાવે છે….અદ્ભુત વાત) અર્થાત મહાત્મા ઑ ની ભીડ- સ્થળના વ્યાપ થી અધિક હોય છે..આથી આયોજન માટે હજુ મોટું સ્થળ હોત…..તો સારું થાત…….! બે પ્રદર્શન ખંડ – વચ્ચે ની જગ્યા..ગાળો નાનો હતો…આથી ભીડ ને લીધે થોડીક ગૂંગળામણ જેવુ થાય છે……એમાં સુધારો થઈ શકે…..
  • પ્રદર્શન- આયોજન હજુ વધુ સારું થઈ શકે- terrific terry નામના બાળકો ના શો માં અમે ગયા તો- એક ક્લિપ પૂરી થઈ અને લોકો ઉઠી ને ચાલવા લાગ્યા……આયોજકો- લોકો ને રોકી શકે એવું રહ્યું નહીં…..ઉલ્ટા નું લાઇટ ચાલુ કરી તો બધા જ બહાર ચાલ્યા ગયા……તો આની એક શો માં- ચાલુ શો એ લાઇટ જતી રહી- તો ગૂંગળામણ ને લીધે- ઘણા માતાપિતા બાળકો ને લઈને – બહાર નીકળી ગયા….!!! તો આમાં સુધારો થઈ શકે…..
  • એ જ રીતે – જો પ્રદર્શન ખંડ – આપણે બેપ્સ માં હોય છે તેમ એક બીજા ને સમાંતર- સામસામે રાખ્યા હોત……તો ભીડ ને મહદઅંશે નિવારી શકાય……વળી- પ્રદર્શન માત્ર ……સાંજે 4 થી 10 વચ્ચે જ હોય છે…એના બદલે આખો દિવસ ચાલુ રખાય તો- આટલી બધી ભીડ કદાચ એક જ સમયે ન આવે……! બધા ને સુખ આવે……
  • સુરક્ષા- જો કે આ મુદ્દો બધા જ વિશાળ આયોજનો માં એક સમસ્યા જ છે…….આટલી બધી વિશાળ જનસંખ્યા ને સુરક્ષા ની દ્રષ્ટિ એ સાચવવી અઘરી છે- છતાં આજકાલ નું વાતાવરણ જોતાં- આવું જોખમ ન લેવાય……- દરેક દર્શનાર્થી ને ચેક કર્યા સિવાય પ્રવેશ આપવો- જોખમી જ છે……..આમાં કૈંક થવું જોઈએ……
  • સ્વયં સેવકો- દરેક ને આઈ કાર્ડ આપેલા હતા…છતાં – જો એક યુનિફોર્મ જ રાખ્યો હોત તો- તે બધા થી અલગ જ તરી આવત – અને વધુ સારું કામ થઈ શકે……

છતાં- આવું અદ્ભુત આયોજન – ધન્યવાદ ને પાત્ર છે- મુલાકાતીઓ નો ઉત્સાહ- સ્વયં સેવકો નો દાખડો- મોટા પુરુષ ની પ્રેરણા અને આયોજકો ની મહેનત રંગ લાવી છે……! જો આવનારા મુલાકાતીઓ ના જીવન માં અહી મુલાકાત થી – સહેજ પણ સુધારો આવે- સત્સંગ નો મહિમા સમજાય તો યે – આ આયોજન સફળ છે તેમ કહેવાય…!!! 

એક સ્વામિનારાયણ સત્સંગ તરીકે- બેપ્સ ના એક કાર્યકર તરીકે – જેમ મને મારી સંસ્થા ના અદ્ભુત ..આનાથી પણ વિશાળ આયોજનો પર ગર્વ છે તેમ ખુલ્લા મને – આવા અન્ય આયોજનો માં થી પણ અઢળક શીખવા મળે તેનો આનંદ છે……..ખાસ કરી ને રસોડાનું મેનેજમેંટ – માં થી આપણે ઘણું શીખી શકીએ તેમ છે……!  

બસ- સર્વ દિશાઓ માં થી શુભ વિચારો- સૌનું કલ્યાણ કરતાં રહો……..જીવન માં પ્રતિક્રમણ ને આધારે – અંતરદ્રષ્ટિ નું બળ વધે- ગુરુ નો રાજીપો મળે- સ્વભાવો ટાળી ને- બ્રહમરૂપ થઈ – પરબ્રહ્મ ની સેવા માં રહેવાય – એટ્લે ભયો ભયો…!!

25 તારીખ ને હજુ વાર છે- અચૂક મુલાકાત લો………!! કારણ કે ….આ દુનિયા જોવા જેવી છે- સમજવા જેવી છે….

રાજ 


Leave a comment

હિમાલય ડાયરીઝ-૨૦૧૮

“સાધુ તો ચલતા ભલા…..” ….જીવન એ માત્ર ચાલવા નું નામ નથી….પણ ચાલતા ચાલતા સ્થિર થવું એ – આ નિરંતર યાત્રા ની ફલશ્રુતિ છે. અને યાત્રા એ સૃષ્ટિ ના કણેકણ માં વ્યાપ્ત એક એવી પ્રક્રિયા છે જે જીવંતતા નું પ્રતિક છે……બોસોન પાર્ટીકલ્સ થી માંડી ને અનંત બ્રહ્માંડ સુધી ના દરેક તત્વ સતત ગતિ કરતા રહે છે…એક નિશ્ચિત માર્ગ પર સતત..નિરંતર..અસ્ખલિત યાત્રા કરતા રહે છે ..અને આપણ ને સંદેશો આપતા રહે છે……ચાલવું એ જીવન છે…અને અટકવું એ મોત…! ..અને શ્રીજી ની પરમ કૃપા કહો કે દયા….હું સતત ચાલતો- ભાગતો રહ્યો છું…અને જયારે જયારે હું મનેકમને અટક્યો છું..ત્યારે દુખી દુખી થઇ ગયો છું……માટે જ વિચરણ..યાત્રા….દોડવું એ મારું જીવન…સ્વભાવ રહ્યો છે……અને એટલે જ કદાચ અટકી ને પણ હું સતત દોડતો રહ્યો છું……બસ હવે “સ્થિર” થવા માં પડ્યો છું……!

તો અત્યાર સુધી મારી નોકરી એવી હતી કે- મને લગભગ સમગ્ર ભારત દર્શન નો લાભ મળ્યો છે…પણ એકલા એકલા…..રીના અને મારો સમય એકસાથે નહોતો ચાલતો..પણ હવે આ શક્ય બન્યું અને પત્ની-પુત્ર સાથે ફરવા નો મોકો મળી ગયો…..અનેક મનોમંથન પછી ફરવા ક્યાં જવું…..કઈ રીતે જવું…..કેટલા દિવસ માટે જવું?? એ બધા પ્રશ્નો ના ઉત્તર શોધવામાં આવ્યા…..ઉત્તર મળ્યા પછી બધું આયોજન રીના ના હાથમાં આવ્યું…..તૈયારી શરુ થઇ અને અમારો ધમાલિયો પરિવાર- હિમાલય ની ગોદમાં- અર્થાત હિમાચલ પ્રદેશ ના પ્રખ્યાત યાત્રી સ્થળ- શિમલા..કુલ્લુ..મનાલી….રોહતાંગ પાસ….ચમ્બા..ડેલહાઉસી…ખજિયાર….અમૃતસર…દિલ્હી ની મુલાકાતે ઉપડ્યા……૧૦ દિવસ ના પ્રવાસ માં કેવા અનુભવ થયા…..કેવું રહ્યું…..શું ધ્યાન રાખવું…..શું કરવું/શું ન કરવું…..એની જાણકારી- મારી દ્રષ્ટિ થી માણીએ……

  • અમે ઉત્તર ભારત માં પ્રથમ વાર જ આવો પ્રવાસ કરી રહ્યા હતા…આથી અનેક પ્રશ્નો અમારી સામે હતા…અને ખાસ કરી ને- રહેવા- જમવાનો પ્રશ્ન…..કારણ કે- ધર્મ નિયમ છોડી ને જલસા ન થાય….એ છે તો આપણે છીએ…એ અમારી પ્રાથમિકતા હતી…છે અને સદાયે રહેશે…! આથી એક જ વિકલ્પ બચ્યો- ટુરિસ્ટ એજન્સી થકી જ જવું..કે જેમાં – બધું આવી જાય..આપણા નિયમ ધર્મ ને અનુકુળ આવે એવું થાય….આથી અમારા સ્વામિનારાયણ સત્સંગી ની ટુર એજન્સી નું જ પેકેજ લેવામાં આવ્યું….જેના પેકેજ માં- અમદાવાદ થી દિલ્હી- ફ્લાઈટ..અને દિલ્હી થી એસી બસ માં- બધા સ્થળો એ- રહેવાનું- જમવાનું- બધું આવી ગયું…લોકલ ટ્રાવેલ ખર્ચો અલગ થી….! તો અમારી સવારી ઉપડી…!
  • દિલ્હી સુધી તો શાંતિ રહી….પણ અમારા ટુર ગ્રુપ ના ૬ સભ્યો અમદાવાદ એરપોર્ટ પર ફસાઈ ગયા…એમને દિલ્હી બીજી ફ્લાઈટ માં લાવવા માં આવ્યા…એ આવ્યા પછી અમે ઉપડ્યા શિમલા…! રસ્તા માં બસે દગો દીધો….હેરાન થયા….અને છેક સાંજે શિમલા પહોંચ્યા….ત્યાં હોટલ સારી હતી….સ્નાન કરી-પૂજા કરી પાણી પીધું..અને જીવમાં જીવ આવ્યો….બીજા દિવસે સવારે શિમલા લોકલ સાઈટ જોવા જવામાં આવ્યું…..ખુબ મજા આવી….કુફરી માં – ઘોડે સવારી ની મદદ થી પર્વત પર જીવન નું સૌથી કપરું ચઢાણ..અને ઉતરાણ કરવામાં આવ્યું…..યાદગાર અનુભવ રહ્યો…..હરિ તો – સૈનિક ના રોલ માં આવી ગયો….કાઠી દરબાર નો આત્મા જાગી ઉઠ્યો અને હોંકારા પડકારા-સ્વામિનારાયણ ..સ્વામિનારાયણ ની ગુંજ થી શિમલા ધ્રુજી ઉઠ્યું… 🙂 હહાહા…..!

IMG_20180521_110643

  • પછી તો- શિમલામાં જ અતિ પ્રાચીન..સૌથી વધુ ઉંચાઈ પર રહેલા – જાખું ના હનુમાનજી મંદિર ના દર્શને જવામાં આવ્યું…..રસ્તા એવા ભયાનક કે- આપણે તો ગાડી ચલાવવા ની જ ના પડી દઈએ..પણ ત્યાના ડ્રાઈવર માટે તો આ એક રમત માત્ર હતું….! બધા ને જીવન ની ક્ષણ ભંગુરતા નો અનુભવ થયો……પછી તો- મોલ રોડ- ચર્ચ- સ્કેન્ડલ પોઈન્ટ પર – ચાલતા જવાનો- આઈસ્ક્રીમ-જ્યુસ-ખરીદી- ફોટો ગ્રાફી નો આનંદ ઉઠાવવા માં આવ્યો…..! ખુબ મજા ની જગ્યા છે..અચૂક આનંદ લેવો…..
  • મોડી રાત્રે – મનાલી જવા નીકળ્યા……રોજીંદો રસ્તો બંધ હતો તો ડ્રાઈવર રસ્તો ભૂલી ગયો…અને આખી રાત ના ખુબ જ જોખમી- રસ્તા-પહાડ-જંગલ ની મુસાફરી પછી પણ સવારે GPS માં જોયું તો – શિમલા થી અમે માત્ર ૪૦ કિમી જ દુર હતા…!! ઓત્તારી……! હહાહાહા……..અને મનાલી હજુ ૩૦૦ કિમી દુર હતું……રાત બગડી…મૂડ બગડ્યો…….પણ શું થાય…?? હરી કરે સો હોઈ…!!! પછી તો રસ્તો પૂછતાં પૂછતાં છેક કુલ્લુ ૫ વાગ્યે સાંજે પહોંચ્યા…મહારાજે જમવાનું બનાવ્યું..ત્યાં સુધી માં બધા બિયાસ નદી ના અતિ ઠંડા પાણી માં રીવર રાફટીંગ કરી આવ્યા……અમે તો નદી માં છબછબીયા કરી ભરપુર આનંદ લીધો….હરિ તો પાણી જોઈ ગાંડો થયો અને ડૂબકા લગાવી ખુબ ન્હાયો……!! ખુબ મજા આવી..આખા દિવસ નો થાક ઉતરી ગયો…..અને જમી- મનાલી ના ભારે ટ્રાફિક વચ્ચે રાત્રે ૧૧ વાગ્યે હોટલે પહોંચ્યા……
  • બીજા દિવસે મનાલી માં – અતિ પ્રાચીન એવા હિડમ્બા મંદિર..ના દર્શને ગયા…..ખુબ જ અદ્ભુત સ્થળ…..મનાલી માં ઘણા સારા સારા સ્થળ છે પણ અમારી પાસે પુરતો સમય ન હતો…આથી હિડિંબા મંદિર…તેની સામે ઘટોત્કચ મંદિર…એની સામે હિમાચલ મ્યુઝીયમ અને મનાલી ના મોલ રોડ નો લાભ લેવામાં આવ્યો…ગરમ કપડા ખુબ સસ્તા ..સારા મળે છે..ખરીદી કરી…..હરિ ભાઈ એ રમકડા ની દુકાન જોઈ- એમના ચરિત્ર ચાલુ કર્યા…અને માંડ માંડ હોટલે પાછા આવ્યા……! મનાલીનો આનંદ લેવો હોય તો- ૩-૪ દિવસ તો ઓછામાં ઓછું રોકાવું….! બીજા દિવસે- સવારે ૨ વાગ્યે રોહતાંગ પાસ જવા નીકળ્યા…લેહ મનાલી નો હાઇવે છે…..જે લગભગ ૨૫૦-૩૦૦ કિમી નો એક સાહસિક પ્રવાસ છે…..રોહતાંગ પાસ – માત્ર ૬૦ કિમી દુર છે છતાં અમને ભારે ટ્રાફિક ના કારણે ત્યાં પહોંચતા લગભગ ૭ કલાક થયા….!!!! પણ એકવાર ઉપર પહોંચ્યા પછી સૃષ્ટિ ની જે ભવ્યતા છે તેનું અહી વર્ણન ન થઇ શકે..!!! પર્વત ની ટોચ ઉપર બર્ફીલા મેદાન..એમાંથી નીકળતી નદી….એકદમ શુદ્ધ બરફ…..આજુબાજુ હિમાલય ની વિશાળતા અને ચમકતા શિખરો…..!! અદ્ભુત…અદ્ભુત……! મેં નીલકંઠ વરણી ની હિમાલય યાત્રા…..બરફ ના તોફાનો ને યાદ કર્યા……..રોહતાંગ ના નામ નો અર્થ પૂછ્યો તો લોકલ ગાઈડે કહ્યું કે- રોહતાંગ એટલે મૃતદેહો નો ઢગલો…! કારણ કે ત્યાં વાતાવરણ એટલું ભયાનક છે કે- ગમે ત્યારે બદલાઈ જાય….અને ભૂતકાળ માં અનેક લોકો – પોતાના જીવન થી હાથ ધોઈ બેઠા છે…..!! અમને પણ એનો અનુભવ થયો…..જેવા નીચે ઉતર્યા કે- વાદળો ઘેરાવા લાગ્યા…..!!! જે હોય તે- ત્યાં બરફમાં બધાએ ખુબ મજા કરી…..બરફ માં નાસ્તો કર્યો…..નાચ્યા…હરિ એ – સ્નો મેન બનાવવા નો પ્રયત્ન કર્યો પણ ઠંડી એટલી કે – સ્નો મેન બનતા પહેલા જ અમે થીજી ગયા….!!! મેં તો કપડા કાઢી ને ઠંડી નો પ્રત્યક્ષ અનુભવ કર્યો…….બાપ રે..શું ઠંડી…!!!! માઈનસ ૨૦ ની આસપાસ હશે જ…!! છેવટે નીચે આવ્યા….એ પણ ૫ કલાક બાદ અને જમ્યા…..!

  • પુનઃ સાંજે ચમ્બા જવા નીકળ્યા…….! લગભગ અહી બધા સ્થળ રાત્રી મુસાફરી કરો તો જ પહોંચી શકાય તેમ છે….આથી રાત્રી મુસાફરી મજબૂરી હતી…..બીજા દિવસે રાવી નદી ને કિનારે કિનારે -હિમાચલ ના પ્રાચીન નગર ચમ્બા માં પહોંચ્યા…..ફ્રેશ થઇ….એકાદશી હતી આથી ફરાળી ભોજન કરી ને ત્યાના સ્થાનિક સ્થળો ની મુલાકાતે જવામાં આવ્યું. ચાલતા જવાની મજા જ અલગ છે…..ભુરીસિંગ મ્યુઝીયમ ગયા પણ એ બંધ થઇ ગયું હતું..લક્ષ્મીનારાયણ મંદિર..હરિરાય મંદિર ના દર્શન કર્યા….બીજા સ્થળ છૂટી ગયા….પણ બીજા દિવસે- ત્યાંથી જ લોકલ ટેક્ષી કરી- નજીક ના સ્થળ- ડેલહાઉસી અને ખજિયાર જઈ આવ્યા……રસ્તા માં ભેલાઇ માતાજી ગયા …ચમેરા ડેમ માં બોટિંગ કર્યું……ડેલહાઉસી -ચમ્બા કરતા ઘણું ઠંડુ અને આહ્લાદક છે…….અંગ્રેજો ના સમય ના મકાનો..ચર્ચ..માર્કેટ જોવા લાયક છે અને શાંતિ થી રહેવા માટે આનાથી ઉત્તમ જગ્યા બીજી કોઈ ન હોઈ શકે……!!! ખજિયાર તો યાત્રીઓ માટે ખુબ જ પ્રખ્યાત છે…..ભારતીય સ્વીત્ઝર્લેન્ડ કહેવાય છે…….એકદમ ખુલ્લું ગ્રાઉન્ડ….ઠંડી હવા….લીલુછમ મેદાન અને ઢગલાબંધ રાઈડ્ઝ…..!! હરિ ને તો ડિસ્ક રમવાની મજા પડી ગઈ…..દોડધામ…..ફ્રુટ ડીશ ની મજા…ઢગલાબંધ નાસ્તો….પછી પૂછવાનું જ શું??? ચમ્બા પરત ફરતી વખતે – રસ્તામાં થી લાલ મૂળા લીધા…..પહાડ માં થી વહેતા ઝરણા નું કુદરતી મિનરલ પાણી પીધું…અને દિલ બાગ બાગ થઇ ગયું…….!
  • પુનઃ રાત્રે…..હા જી રાત્રે…..જ અમૃતસર જવા નીકળ્યા……સવારે પહોંચી ગયા……અને અમૃતસર પહોંચ્યા એટલે જાણે કે સીધા ફ્રીજ માં થી ઓવન માં ઘુસી ગયા હોય તેવો અનુભવ થયો……અને લાગ્યું કે- વેકેશન નું સુખ -બાષ્પ બની ઉડી ગયું છે……! શું ગરમી……યાર…૪૩ ડીગ્રી….ઉફ્ફ…!! એસી રૂમ માંથી નીકળવું એટલે કે જાણે પાપ કર્યા હોય તેમ લાગતું…..છતાં એવી ગરમી માં વાઘા બોર્ડર ગયા…..સાચું કહું તો હું એ – ત્યાં થતી ઉજવણી થી રાજી ન થયો……દેશભક્તિ માટે -આ જરૂરી છે…પણ ઘણે ઠેકાણે મને બિન જરૂરી ઉન્માદ લાગ્યો…..! ધ્વજ ઉતારવા ની ક્રિયા શાંતિ થી….પણ થઇ શકે….લોકો ના બુમબરાડા..અતિશય ગરમી…..થોડીક વધારે પડતી રાખી…! જે હોય તે..પણ જય હિન્દ……સામે પાકિસ્તાન પર તો દયા આવી ગઈ….સાવ ગરીબ પ્રેક્ષકો ..એ પણ છુટા છવાયા………અને આપણે અહી તો કડક ધડક…..!! એમનો તો કોઈ ક્લાસ જ નહિ….સાવ ભિખારી દેશ……!…..મોડી રાત્રે – સુવર્ણ મંદિર ગયા…….રાત્રે ૧૧ વાગ્યે પણ ભક્તો ની ભીડ જોઈ -હૃદય રાજી થઇ ગયું…….શીખ ભક્તો ની સેવા…..અદ્ભુત હતી….અમૃત સરોવર માં પગ ભીંજવ્યા…..પ્રદક્ષિણા કરી….મુખ્ય મંદિર માં મોટી લાઈન હતી આથી બહાર થી જ દર્શન કરી પરત ફર્યા……અમારા હરીભાઈ નું એક સ્લીપર ખોવાઈ ગયું..આથી બીજું પણ ત્યાં મૂકી ને આવ્યા…..! રસ્તામાં અમૃતસર ની પ્રખ્યાત લસ્સી નો લાભ લીધો…..એક ગ્લાસ માં થી ત્રણ ગુજરાતી સંતૃપ્ત થઇ શકે – એવી લસ્સી પી ને ધન્ય થઇ ગયા…!!! અને પાછા વહેલી સવારે દિલ્હી જવા રવાના થયા…અને ત્યાંથી બીજે દિવસે વહેલી સવારે ફ્લાઈટ માં અમદાવાદ પરત ફર્યા……! વેકેશન ટુર પૂરી…!
  • સાથે યાત્રા કરતા નવા ચહેરા મળ્યા…મિત્રો બન્યા……ઓળખાણ વધી……મિત્રતા નો વ્યાપ ..પરિઘ મોટો થયો………!

તો આ યાત્રા નો સાર-સુચન શું???

  • કોઈ પણ જગ્યા એ ફરવા જાઓ….એટલે દોડાદોડી ઓછી અને આરામ-શાંતિ વધુ- એ પ્રથમ વિચારવું……નહીતર વધુ જગ્યા જોવાની લ્હાય માં – યાત્રા ની મજા બગડી જાય…..!
  • હિમાલય યાત્રા કઠીન છે…..આથી શક્ય હોય તો બે ત્રણ એવા સ્થળ પકડવા કે જ્યાં – જીવ ની શાંતિ અનુભવાય….અર્થહીન- રાત્રી પ્રવાસ ને ટાળી શકાય……કુદરત ને માણો……જીવમાં ઉતારો……ભાગંભાગી ન કરો……! તમે ફરવા નીકળો છો…ખરીદી કરવા નહિ…તો એ મુજબ વર્તો…..!
  • ટુર એજન્સી કહે તેમાં થી ૭૦% જ સાચું માનવા નું….! સ્થળ બધા બતાવે…..પણ એ સ્થળ જોવા જવાના લોકલ ખર્ચા આપણે આપણા ખિસ્સા માં થી આપવા પડે છે…માટે ભરપુર કેશ રાખવી…….અને ત્યાની ટુરીઝમ વ્યવસ્થા આપણા પર નભે છે…આથી આપણ ને લુંટવા માં કઈ બાકી ન રાખે….! આથી ભાવતાલ કરો..ભરપુર કરો……ટેક્ષી થી લઈને ઘોડેસવારી- હોટલ બધામાં ખુબ ભાવતાલ થાય છે…..એડવેન્ચર ના નામ પર ઉઘાડી લુંટ ચાલે છે……આથી કોઈ જઈ આવ્યું હોય તો એની સલાહ લો…..જરૂર ન હોય તે ગેમ કે વસ્તુ ન ખરીદો……બસ ફરો…ફોટા પાડો..મજા કરો…!
  • જમવાનું- ત્યાં આગળ મોટા ભાગ ની હોટલ-રેસ્ટોરાં – વેજ અને નોન વેજ સાથે પીરસે છે…આથી સાવચેત રહો……રસોયો સાથે હોય તે એકદમ સારો ઓપ્શન તો નથી પણ – સાથે હોય તો સારો….નહીતર નાસ્તા કરી ચલાવવું પડે……માટે જોડે નાસ્તા લઇ જવા…..!
  • હિમાચલ પ્રદેશ ના આ સ્થળો એ ફરવા માટે – મેં-જુન સુધી જ સારો સમય કહેવાય …કારણ કે ઠંડી વેઠી શકાય તેવી હોય..બાકી ના દિવસો માં વાતાવરણ ના ઠેકાણા નહિ…દિવાળી વેકેશન માં પણ વાતાવરણ અને ઠંડી ની કોઈ ગેરંટી નહિ…..પણ સાથે સાથે – આ મહિનાઓ માં હોટલ- ફ્લાઈટ્સ-ટ્રેન બધું ભરચક હોય…..માટે લુંટાવું ન હોય તો એડવાન્સ માં બુકિંગ કરી ને જ જવું…..!

ટૂંક માં- હિમાલય એ માત્ર યોગી-સંત-મહાત્મા ઓ નો જ નથી પણ આપણો પણ છે…..તેની સાચી મજા લેવી હોય તો જીવનમાં થી થોડોક વધુ સમય ચોરી ને લઇ લેવો……છેવટે- હિમાલય માં જીવવું- માણવું એટલે કે જીવન ને સમજવું…..! આવી યાત્રા અચૂક કરવી…પણ મેં ઉપર કહ્યું તેમ- દોડધામ કરી ને નહિ પણ – શાંતિ થી થાય ..એવી રીતે…!

યાત્રા ના અઢળક ફોટા- મિત્રો માટે -ફેસબુક પર ટીંગાડવા માં આવ્યા છે………….બાકી તો- બસ-

“મોજ માં રહેવું……મોજમાં રહેવું……મોજમાં રહેવું રે……

હરિ મળ્યા ના કેફ માં રહેવું……મોજમાં રહેવું રે…….!!!”

કાલ કોણે જોઈ છે??? એમ જ્ઞાન ધરાવતા હો તો- જીવન ને એક યાત્રા સમજી- બસ- ચાલતા રહેવું……મોજમાં રહેવું…!!

રાજ


Leave a comment

જુના મિત્રો….યાદો નો ખજાનો….

“……..જીવન માં મિત્રો કરવા કે દુશ્મન………દિલ થી કરવા અને જીવી જવા……..”


બાકાયદા બક્ષી દા

કોઈ તમને પૂછે કે તમે તમારા જીવન માં કુલ કેટલા માણસો ને મળ્યા હશો??? …….ઉત્તર લગભગ ન મળે……અને વળી બીજો પ્રશ્ન પૂછો કે …તમે જેટલા માણસો ને મળ્યા છો ..તેમાંથી કેટલા માણસો તમને યાદ છે…? તો કદાચ તેનો ઉત્તર મળી શકે…….અને એ યાદ રહી ગયેલા વ્યક્તિઓ માં થી મિત્રતા …કેટલા સાથે તો- તમને કદાચ તેનો ઉત્તર સહેલો પડે……..અને જો ગાઢ મિત્રો ની વાત થાય તો- આંગળી ને વેઢે ગણી શકાય …એવી સ્થિતિ થાય…….!! મારી સમગ્ર જિંદગી માર્કેટિંગ ક્ષેત્ર માં જ ગઈ છે…અને હું કેટલા વ્યક્તિઓ ને જીવન માં મળ્યો હોઈશ……કદાચ હજારો માં હશે…..પણ મિત્રો નું લીસ્ટ બનાવું તો જીવન નો આ પરથારો કદાચ ટૂંકો પડે……! ભગવાન ની કૃપા એ મને અઢળક મિત્રો મળ્યા છે……! કોઈક ફિલસુફે સાચું જ કહ્યું છે કે……

” કોઈ વ્યક્તિ એના જીવન માં કેટલી સફળ છે…….એ જોવું હોય તો એના મિત્રો જોઈ લેવા….”

અને એ જ તો છે જિંદગીની ફલશ્રુતિ કે ” સફર ચલતા રહા…લોગ મિલતે ગયે ઔર કારવાં બનતા ગયા……”…! મિત્રો બનાવવા -હોવા એ કદાચ હૃદય ફાડી ને જીવાતી વાત છે…..કોઈ ને પોતાના અંતર ની વાત કહી શકો……અડધી રાત્રે ફોન કરી તું-તારી કરી ધમકાવી શકો…….એને ખોટું લાગે છતાં એને મનભરી છેડી શકો……..લડી શકો…….એની સલાહો….સૂચનો..ફરિયાદો…ને મનમૂકી ને જીવ શકો….એ જ તો મિત્રતા છે…..!

અને હું નસીબદાર છું કે – મારા કોઈ દુશ્મન જ નથી……બધા મિત્રો જ મળ્યા છે…..અને એવા કે આટલી ઉમરે મને બાકાયદા ખુલ્લેઆમ ધમકાવીને વાત કરી શકે…….! મારું બાળપણ ભિલોડામાં ગયું……સરકારી સ્કુલ માં ભણ્યા…..સેકન્ડરી સ્કુલ શ્રી નવીબાઈ રામજી આશર વિદ્યાલય માં અને હાયર સેકન્ડરી આણંદ ની શ્રી દાદાભાઈ નવરોજી સ્કુલ માં ગયા…….! SSC માં જે મિત્રો સાથે હતા તેમાં થી મોટાભાગ ના છેક પહેલા ધોરણ થી સાથે જ હતા પણ ત્યારબાદ કાળક્રમે જીવન ની ઘટમાળ માં બધા ખોવાતા ગયા…..કેટલાક મિત્રો નો સંપર્ક રહ્યો…..પણ અલપઝલપ ……! પણ મિત્ર અમિત ભટ્ટ ના ઉત્સાહ…..રાતદિવસ ના દાખડા થી એ સમય ના જુના મિત્રો ફરીથી સોશિયલ માધ્યમ ની મદદ થી એકસાથે થયા…….દિલ બાગ બાગ થઇ ગયું……….હૃદય જૂની યાદો થી ભરાઈ ગયું……અને બધા નો ઉત્સાહ ઉમળકો એવો કે રૂબરૂ મળીએ……સમય ના એ વીતી ગયેલા પ્રવાહ માં એકબીજાને શોધીએ ..એ માટે પ્રયત્નો કરવા ની વાત આવી……અમિત હૃદય થી મંડી પડ્યો…….બધા અત્યારે ક્યાં હોય…..સમય હોય ન હોય……ક્યારે મળી શકાય એ બધા પ્રશ્નો નો ઉત્તર મળતો ગયો અને અનેક પ્રતિકુળતા વચ્ચે પણ એકબીજાને મળવા ની તીવ્ર ઈચ્છા થી ગયા રવિવારે – અમારી સ્કુલ ના એજ પ્રાંગણ માં પરિવાર સાથે મળવા નું ગોઠવાયું…….મારું કઈ નક્કી નહોતું કારણ કે- અમુક આયોજન એવી રીતે ગોઠવાયેલા હતા…..છતાં રીના ન આવી શકી અને હું એકલો મિત્રોને મળી આવ્યો. ઘણા મિત્રો ન આવી શક્યા…..પણ જે આવ્યા હતા તે છેક મુંબઈ..વેરાવળ…..બરોડા…ભરૂચ…….કોટા……જેવા દુર દુર ના સ્થળો થી આવ્યા હતા……! એના પર થી જ સમજાય કે મિત્રો નો ઉત્સાહ કેવો હતો……!

બધા મિત્રો અત્યારે તો જીવન માં સારી રીતે સ્થિર થઇ ગયા છે……સંતાનો પણ મોટા થઇ સારો અભ્યાસ કરી રહ્યા છે…….સમયે એનું કામ કર્યું છે…..ઘણા બદલાઈ ગયા છે…….તો ઘણા એવાને એવા જ છે…………બધા મળ્યા.અને એટલો આનદ થયો કે સમય નો માર એ આનંદમાં ……હંસીખુશીમાં ધોવાઈ ગયો…….!…સ્કુલ ના પ્રાંગણ માં -ફર્યા…..સ્કુલ ના હાલ ના સંચાલકો મળ્યા…..એમને પણ એ વાત જાણીને આનંદ થયો કે અમે લગભગ ૨૫ વર્ષ બાદ મળી રહ્યા છીએ…….! પછી તો નજીક ના એક રેસ્ટોરન્ટમાં – ભિલોડામાં રહેતા મિત્રો એ અગાઉ થી જ આયોજન કર્યું હતું તેમ બધા એ ખુબ એન્જોય કર્યું……વાતો કરી…સાથે જમ્યા……..રમ્યા………!!!

ખુબ જ મજા આવી………અને આનંદ એ વાત નો થયો કે- વરસો ભલેને વીતે પણ મિત્રતા અકબંધ રહે છે……બધાને રોજબરોજ તો રૂબરૂ ન મળી શકાય પણ ફેસબુક-વોટ્સેપ જેવા માધ્યમ થી સતત સંપર્ક માં રહી ને પણ દોસ્તી નો ગુલાલ કરી શકાય છે………!

તો મિત્રો……..- મારા ગુરુ બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે – વિજ્ઞાન નો જો સદુપયોગ થાય તો વરદાન છે અને દુરુપયોગ થાય તો અભિશ્રાપ …….એમ અમારા કિસ્સા માં અમને વિજ્ઞાન નો સદુપયોગ ફળ્યો છે…….જુના મિત્રો……એમની યાદો……આટલા વર્ષો પછી પણ તરોતાઝા ..મઘમઘતી રાખવા નો મોકો મળ્યો છે……સત્સંગની સાથે સાથે સબંધ પણ જળવાઈ રહે તેવું ગોઠવાયું છે………

તો- કહેવાનું એટલું જ છે કે- જીવન નો કોઈ ભરોસો નથી…….કાલે શું થશે એ ખબર નથી…….અહી તો રાત ટૂંકી અને વેશ ઝાઝા છે…….અને એવામાં કોઈ પોતાનું મળે તો -મધદરિયે તરાપો મળ્યા નું સુખ થાય…….માટે બસ- જે પલ મળી……જે ક્ષણ આવી એમાં બસ..જીવી જવું………સ્વાર્થ ના વિચારો છોડી ક્યારેક અંતર ના સુખ નું એ વિચારવું…….! સારા મિત્રો- કઈ એમને એમ નથી મળતા….એ તો અનેક જન્મ ના પુણ્ય તપતા હોય ત્યારે એ ઋણાનુબંધ બંધાય છે……!

ચાલો મિત્રતા ના એ ઉત્સવને જીવી જઈએ………!!!

રાજ


1 Comment

આજકાલ-૨૧/૦૩/૨૦૧૮

સમય..સમય..સમય………! સમય ની વ્યાખ્યા શું??? ઘડિયાળ ના કાંટા પોતાની ધરી પર ફરે એ સમય…કે તપખીરી આંખો માં ઝાંખપ બની ને છવાય એ સમય…??? સમય એ અવ્યાખ્યાયિત વધુ છે…….નિરપેક્ષ કરતા સાપેક્ષ વધુ છે…..! મનુષ્ય નું આયુષ્ય ..એનો જીવનકાળ કદાચ આસપાસ ની સ્થિતિ ની સાપેક્ષ માં જ ચાલે છે……ગઝલકાર ગુલામ અબ્બાસ “નાશાદ” કહે છે કે….

“..પરિચિત છું છતાંયે દૂર ખૂણામાં ઉભેલો છું,
મને શું ઓળખે લોકો….. સમય વીતી ચુકેલો છું…”

આમ, સમય એ એવી સ્થિતિ છે કે- જે ત્રણેય કાળ- ગઈકાલ-આજ અને આવતીકાલ ને પરોવી ને ચાલે છે……! આપણે અહી આજકાલ માં – ગઈકાલ અને આજ- એના વિષે વધુ વાત કરવાના છીએ…..

  • ગયા અઠવાડિયે થોડીક ભાગમભાગ રહી……! મારા પપ્પા અને એમના નાના ભાઈ- બસ એક વર્ષ ના નાના અંતરાલ માં દેવલોક પામ્યા…..આથી કુટુંબ માં એક શૂન્યતા જરૂર ઉભી થઇ…..ગામડામાં ઘર જાણે કે વગર તાળે બંધ થઇ ગયા….વડીલો ની ગેરહાજરી ની અસર- એ માનસિક ની સાથે સાથે સામાજિક પણ વધુ હોય છે….ગામડા તુટવા પાછળ નું આ એક કારણ પણ છે…….મારા માતૃશ્રી અને કાકી ..અમારી સાથે શહેર માં આવી ગયા…ગામડા ના ઘર ને તાળા વાગી ગયા….અને ચોરો એ એનો લાભ લીધો…..કાકા ના ઘર નું તાળું તૂટ્યું……(અમારું ઘર બચી ગયું..પણ પાછળ ની ફળી માં થી બાઈક ગયું..) ….અને ચોરો ના હાથ માં જો કે કશું ખાસ ન આવ્યું( ચોર પણ આરામ થી ૨-૩ કલાક ઘર ની અંદર બેસી..એક એક વસ્તુ ની તપાસ કરી ને ગયા..)  પણ સામાન બધો અસ્તવ્યસ્ત કરતા ગયા….વિમલ અને હું – મારતે ઘોડે ગામડે પહોંચ્યા..વડીલ ભાઈઓ- સગા સ્નેહીઓ સાથે પોલીસ સ્ટેશન માં કાર્યવાહી કરવા ગયા…અમારી ઈચ્છા FIR ની હતી..પણ પોલીસ કહે કે- અમારી પાસે પુરતો સ્ટાફ નથી..જે છે એ બીજે વ્યવસ્થા માં રોકાયેલો છે……તમે FIR કરશો તો જરૂર પડ્યે તમારે અમદાવાદ થી ઘરે આવવું પડશે….!!!! આથી મનેકમને અમે માત્ર જાણવા જોગ ફરિયાદ આપી – ૮-૧૦ હજાર ની ચોરી ને ઠંડા પાણી એ નાહી નાખી…!!!! જીવન માં પ્રથમ વાર જ ચોરી ની ઘટના જોઈ…..અને અનેક પ્રશ્ન ઉભા થયા…!!! ૧) પોલીસ આટલી મજબુર હોય તો ગામડાઓ માં – કે શહેરો માં તમારી મારી સલામતી નું શું?? ૨) ગામડા તૂટતા જાય છે…બંધ ઘર ની સંખ્યા વધતી જાય છે…..તે કદાચ આવનારા ચિંતાજનક  સમય ની આગોતરી નિશાની તો નથી ને?? ૩) ધારો કે ચોરી થાય તોપણ ચોરો નો ધક્કો માથે પડે ..એના માટે શું કરવું??
  • ફેસબુક..વોટ્સેપ..જેવી સોશિયલ સાઈટ્સ આજકાલ ધૂમ મચાવે છે…પણ મોટા પુરુષ કહે છે તેમ- આધુનિક વિજ્ઞાન – સદુપયોગ કરો તો વરદાન છે અને દુરુપયોગ કરો તો શ્રાપ…….! જે હોય તે- તેના ઉપયોગ માં એક મર્યાદા તો હોવી જ જોઈએ…..ખેર..! મને તો છેક સ્કુલ ના સમય ના મિત્રો થી લઈને- આજના સત્સંગ સુધી ના મિત્રો સાથે સતત સંપર્ક માં રહેવા નું સુખ મળે છે……એ કાઈ ઓછું છે?? થેન્ક્સ ટુ ફેસબુક અને વોટ્સેપ…..!!!
  • અમારે વાડજ મંદિર માં પુજારી કાકા ને સર્જરી કરાવેલી છે તેથી ઠાકોરજી ની સેવા -અમારે કાર્યકરો ના શિરે મળી છે…અમારા સદભાગ્ય કે- શ્રીજી સ્વામી ની મૂર્તિ- તેની સંભાળ..( કોણ કોની સંભાળ લે છે..એ તો હરિ જાણે છે…) લેવા નો અદ્ભુત મોકો મળ્યો છે…શ્રીજી ની નવધા ભક્તિ…એની મર્યાદાઓ….સમય ની પાબંદી અને શિસ્તબધ્ધતા ના પાઠ શીખવા મળ્યા…અને સમજાયું કે- ઠાકોરજી ની સમય સમય ની સેવા સહેલી તો નથી જ…! પણ મહિમા સમજાણો છે તેથી સુખ વધુ છે…….!!!
  • સુપુત્ર..ચિરંજીવી..હરિકૃષ્ણ મહારાજ ના પરાક્રમ દિવસે ‘ને દિવસે વધતા જાય છે…….ભાઈ ને- હોમવર્ક નામના શબ્દ ની એટલી બધી ચીડ છે કે – અમારે પણ તેને …” ચાલો હોમવર્ક કરી લઈએ..” એમ બોલતા વિચાર કરવો પડે…!!! હરી ભાઈ કહે છે કે- હું માત્ર બોલી ને- વાંચી ને જ હોમવર્ક કરીશ..લખવા ની વાત નહિ કરવા ની…!! અરે…લખવા નો તો એવો કંટાળો છે કે- તે સ્કુલ માં પેપર ( હા ભાઈ હા..) પણ કોઈક વાર કોરું મૂકી ને આવે છે…….!!! મને થાય છે કે- હરિ લખતો થાય એ માટે શું કરવું????  …”હરિ કરે સો હોય…..જગત મેં હરી કરે સો હોય…”…..હવે તો બસ એનો જ સહારો છે…!!!!
  • વાતાવરણ- રાત્રે ઠંડી..દિવસે ગરમી..કોઈક કોઈક દિવસે અમી છાંટણા………યાર..! શું થવા બેઠું છે…..?? કઈ ઋતુ ચાલે છે……તેની ખબર જ નથી પડતી……..ઉનાળો આવ્યો છતાં જેવી જોઈએ તેવી ગરમી ની શરૂઆત થઇ નથી….તો કેરીઓ નો ૩૦% પાક ઓછો થયો છે એ સમાચાર સાંભળી…મારો રક્તચાપ વધી ગયો છે…!!!! કેરી ખાવા તો મળશે ને..????
  • વધતા જતા પેટ ને કાબુ કરવા હું આજકાલ – ગૌમૂત્ર ને રવાડે ચડ્યો છું……..ગૌમૂત્ર+સવારે દોડવા નું+ ગળ્યું -મીઠું એકદમ ઓછું+ પેટભરી ને નહિ જમવા નું……..વગેરે..વગેરે…….ફોર્મુલા ઓ અજમાવી રહ્યો છું…..પણ પરિણામ પણ- મારી સામે અટ્ટહાસ્ય કરતુ ઉભું હોય તેમ……પેટ ના ઉભાર સાથે ઉભું રહી મને શરમિંદો કરે છે……!! જો આવું ને આવું રહેશે તો- ..કસમ થી હું- તેની સામે લડવા નું છોડી દઈશ…!!!! હહાહાહા…! કોઈ એવી દવા/ખોરાક નથી કે- બસ બેઠા બેઠા જ શરીર ( અહી પેટ..એમ વાંચવું) ઉતરી જાય…????

ચાલો ત્યારે……………મળશું ફરી ક્યારેક..ત્રિભેટે એ…….સમય ની સાપેક્ષતા એ..!

રાજ


1 Comment

BAPS રવિસભા-૧૦/૧૨/૨૦૧૭

“…..જે બ્રહ્મરૂપ થયો તેને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે…………

…….બ્રહ્મરૂપ થઈને જે પરબ્રહ્મની ભક્તિ ન કરે તો તે પણ આત્યંતિક કલ્યાણને ન પામ્યો કહેવાય……..”

 …….અષ્ટાવરણે યુક્ત એવાં જે કોટિ કોટિ બ્રહ્માંડ તે જે અક્ષરને વિષે અણુની પેઠે જણાય છે, એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ અક્ષર તે રૂપે…… પોતે રહ્યો થકો…….. પુરુષોત્તમની ઉપાસના કરે, તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ…..”


ભગવાન શ્રી સ્વામિનારાયણ- વચનામૃતમ- લોયા-૭ ..૧૨

આજની સભા વિશિષ્ટ હતી..કારણ કે- સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય…સમગ્ર હિંદુ સંસ્કૃતિ ને ગૌરવ થાય તેવા મહામહોપાધ્યાય પુ. ભદ્રેશદાસસ્વામી રચિત- શ્રી અક્ષર પુરુષોત્તમ દર્શનમ -એના પર આધારિત પ્રસ્થાન ત્રયી ભાષ્ય અને વાદ ગ્રંથ નો મહિમા- અતિ વિદ્વાન -સંસ્કૃત મહા પંડિત- પ્રોફ. ડો. ગજેન્દ્ર પાંડા ના મુખે – સભામાં ગવાયો……પ્રસ્થાન ત્રયી એટલે શું?? હિંદુ સંસ્કૃતિ ના છેક ૮ મી સદી થી લઇ ૨૧ મી સદી સુધી ના વિવિધ- ૬ તત્વજ્ઞાન દર્શન ..એમના રચયિતા..એનો મહિમા શું?? વગેરે ની માહિતી મળી…..અને ગર્વ થયો કે- ભગવાન સ્વામિનારાયણ દ્વારા સકળ શાસ્ત્રો નો સાર સરળ ભાષા માં વચનામૃત માં ગ્રંથસ્થ થયો અને આજે એ જ શાસ્ત્રો નું ભાષ્ય..અને શ્રીજી નો હૃદયગત સિધ્ધાંત – ૭ માં દર્શન રૂપે – પુ.ભદ્રેશ દાસ સ્વામી એ ગ્રંથસ્થ કર્યો…..સંસ્કૃતિ નું મન વધાર્યું..!

તો સભા ની શરૂઆત – મારા વ્હાલા ના દર્શન થી……

WhatsApp Image 2017-12-10 at 9.27.31 PM

યુવકો એ સ્વામિનારાયણ ધુન્ય થી શરૂઆત કરી….ત્યારબાદ યુવકો એ કર્ણપ્રિય સ્વર-સુર માં વિવિધ કીર્તન રજુ કર્યા….

  • તારી મૂર્તિ છે જો નેણું નો શણગાર….રચયિતા- બ્રહ્માનંદ સ્વામી
  • શોભે શોભે રસિક વર છેલ રે…..- કૃષ્ણાનંદ સ્વામી
  • ભજી લે ભગવાન સાચા સંત ને મળી……- દેવાનંદ સ્વામી
  • વ્હાલું લાગે મોહન મુખ તારું……બ્રહ્માનંદ સ્વામી…

ત્યારબાદ- અગાઉ વાત કરી તેમ- પુ.ભદ્રેશ સ્વામી ની – અપ્રતિમ..અતુલ્ય રચના બદલ તેમનું- બરોડા ની શ્રી સયાજીરાવ યુનીવર્સીટી દ્વારા આયોજિત કાર્યક્રમ માં – ૨૭..હા..૨૭ જેટલી યુનીવર્સીટી ઓ દ્વારા જાહેર માં ભવ્ય સન્માન થયું…તેના વિડીયો દર્શન નો લાભ મળ્યો…..

‘ઉપકાર…..ઉપકાર..” ઓસમાણ મીર દ્વારા સ્વરિત કીર્તન- નો બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ પર નો વિડીયો રજુ થયો……બાપા નું એ જ મનમોહક સ્મિત….તેજસ્વી આંખો….હરિભક્તો-સંતો નો ઉમંગ..અને એ જ સારંગપુર લીલા ના અદ્ભુત દર્શન થયા…..

ત્યારબાદ ભારત સરકાર ના કેન્દ્રીય મંત્રી શ્રી મેઘવાલ જી સભામાં પધાર્યા ..તેમનું ઉચિત સન્માન થયું…..અને તેમણે તેમના ટૂંકા વક્તવ્ય માં કહ્યું કે- જે કાર્ય બેપ્સ કરે છે….તેવું બીજા કોઈ દ્વારા શક્ય જ નથી….જીવન ની દોડધામ થી ડીસ્ચાર્જ થઇ ગયેલી મારી બેટરી- અહી સંતો ના સમાગમ થી- ચાર્જ થઇ ગઈ…!!! અદ્ભુત…..ખરેખર…..રવિસભા અને સંતો ના મુખે કથા વાર્તા – આપણા તન-મન-હૃદય-જીવ ને રીચાર્જ કરે છે………આખા અઠવાડિયા નો ચડેલો સંસાર -પળવાર માં ઓગળી જાય છે……!!!

ત્યારબાદ જેની રાહ જોવાતી હતી- તેવા અતિ વિદ્વાન..સમર્પિત- અમદાવાદ ની એલ-ડી આર્ટસ કોલેજ ના – સંસ્કૃત વિભાગ ના વડા- સારંગપુર સંત તાલીમ કેન્દ્ર માં પ્રાધ્યાપક રહી ચુકેલા- ૬ ગોલ્ડ મેડાલીસ્ટ વિજેતા- ડો.ગજેન્દ્ર પાંડા – નું અક્ષર પુરુષોત્તમ દર્શનમ – પર અદ્ભુત પ્રવચન થયું……ડો.પાંડા નો સંકલ્પ છે કે- એક લાખ લોકો ને સંસ્કૃત બોલતા કરવા ( અત્યાર સુધી માં ૭૨૦૦૦ લોકો ને- શીખવાડી ચુક્યા છે…) ..અને બાપા ની આજ્ઞા થી સારંગપુર સંતો ને સંસ્કૃત ની તાલીમ આપી…લગભગ ૬૦૦ સંતો ને તાલીમ આપી ચુક્યા છે..આજે એમના સુપુત્ર કૃષ્ણ- આ કાર્ય સારંગપુર માં કરી રહ્યા છે…જે- એક એન્જીનીયર હોવા છતાં- પુ.ભદ્રેશ દાસ સ્વામી ના માર્ગદર્શન હેઠળ વિશ્વ માં પ્રથમ વાર જ – અક્ષર પુરુષોત્તમ દર્શનમ પર સંસ્કૃત માં  ડોકટરેટ કરી રહ્યા છે…………..!!!!

એ જ્યારે અમારી પરા સભામાં આવ્યા હતા ત્યારે એમણે જાહેરાત કરી હતી કે- સારંગપુર માં – અક્ષર પુરુષોત્તમ દર્શનમ ને લગતા વિવિધ અભ્યાસ ક્રમ – જે યુનીવર્સીટી ની ડીગ્રી સંલગ્ન છે તે…..સંસ્કૃત માં ચાલે છે..ત્યાં આગળ રહેવા-જમવાનું-ભણવા નો સર્વ ખર્ચ આપણી સંસ્થા ઉઠાવે છે……જેને રસ હોય તે – આપણા મંદિર નો સંપર્ક કરી શકે છે…..

આ પ્રવચન એટલું ગહન હતું….જોશીલું હતું…બળવત્તર હતું કે….કે તમે રૂબરૂ સાંભળો તો જ મજા આવે…..અહી લખાણ- તમને પોથી માં ના રીંગણ જેવું જ લાગશે…..અસલી મજા તો રૂબરૂ સાંભળવા નો જ છે…….છતાં – એના અંશ જોઈએ….

  • હિંદુ સંસ્કૃતિ..એના તત્વજ્ઞાન અતિ પ્રાચીન છે….પણ એના પુનર્જીવન ની વાત કરીએ તો- આદિ શંકરાચાર્ય દ્વારા પુનર્જીવિત થયેલી આપણી સંસ્કૃતિ-એનું વેદ-ઉપનિષદ-બ્રહ્મ સૂત્ર- આધારિત તત્વજ્ઞાન -કે જે દર્શન તરીકે ઓળખાય છે..તે છેક ૮ મી સદી થી લઇ -૧૮ મી સદી સુધી પ્રસરેલી છે…….
  • આપણી સંસ્કૃતિ માં – ભગવાન, મંદિર, સંત, અને શાસ્ત્ર – એમ ૪ આધાર સ્તંભ છે……અને એને સમજ્યા સિવાય- હિંદુ સંસ્કૃતિ ને સમજી ન શકાય…..
  • ૨૦૧૫ માં- થાઈલેન્ડ ખાતે- આંતર રાષ્ટ્રીય સંસ્કૃત પરિષદ યોજાઈ..હજારો – સંસ્કૃત વિદ્વાનો એ એમાં હિસ્સો લીધો અને- પ્રસ્થાન ત્રયી ભાષ્યમ રચવા બદલ – પુ.ભદ્રેશ દાસ સ્વામી નું ત્યાં સર્વોપરી બહુમાન થયું……
  • પ્રસ્થાન એટલે- માર્ગ પર આગળ વધવું…..અને તત્વજ્ઞાન માં આગળ વધવા- આ પ્રસ્થાન ત્રયી ( ત્રયી એટલે ત્રણ) -કે જેના ત્રણ ભાગ છે….પ્રકાર છે- શ્રુતિ પ્રસ્થાન, સ્મૃતિ પ્રસ્થાન અને તર્ક પ્રસ્થાન – એને સમજ્યા સિવાય છૂટકો નથી….આદિ શંકરાચાર્ય થી લઇ ને- ચૈતન્ય મહાપ્રભુ સુધી બધાએ – આ પ્રસ્થાન ત્રયી ના વિવિધ પ્રકાર પર પોતાના ભાષ્ય રચ્યા..દર્શન રચ્યા…પોતાનો તત્વ-વાદ બતાવ્યો….
  • શ્રુતિ પ્રસ્થાન એટલે- વેદ…ઉપનિષદ ..સ્મૃતિ પ્રસ્થાન માં- ગીતા…ભાગવત…યાજ્ઞવલ્કય સ્મૃતિ  જેવા ગ્રંથ….અને તર્ક પ્રસ્થાન માં- ૫૫૫ સુત્રો થી બનેલા – બ્રહ્મ સૂત્ર કે- જેના એક સૂત્ર પર વિશાળ ગ્રંથ બની શકે…….!
  • આ તમામ પ્રસ્થાન માં- અક્ષર અને પુરુષોત્તમ – ની વ્યાખ્યા..સમજુતી…સ્વરૂપ અને કાર્ય-મહિમા નું અઢળક વર્ણન કરેલું છે….અત્યાર સુધી માં- આદિ શંકરાચાર્ય થી લઇ – છેક ચૈતન્ય મહા પ્રભુ સુધી બધા એ એક યા બે પ્રસ્થાન પર આધારિત- વાદ આપ્યા…ત્રણેય પ્રસ્થાન નો અભ્યાસ કરી ને શ્રી શંકરાચાર્ય ને બાદ કરતા કોઈ એ ભાષ્ય નથી રચ્યા……એટલા અઘરા છે….માટે જ જે ૬ આચાર્ય થઇ ગયા..એમણે ૬ વાદ આપ્યા…..અને ૧૮ મી સદી પછી કોઈ નવું દર્શન બન્યું નહિ- કારણ કે- ૭ મુ દર્શન રચવું હોય તો- રચનાકારે- ત્રણેય પ્રસ્થાન- અને એના આધારિત ઉપરોક્ત ૬ દર્શન નો તલસ્પર્શી અભ્યાસ કરવો પડે…એ માટે અતિ હોશિયાર -અતિ વિધવાન વ્યક્તિ ને પણ ઓછા માં ઓછા ૭૨ વર્ષ લાગે ( એક દર્શન પાછળ ઓછામાં ઓછા ૧૨ વર્ષ) ..જે શક્ય જ નથી…..પણ પુ.ભદ્રેશ સ્વામી- કેવળ- બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ની કૃપા, પ્રેરણા…પ્રવેશ થી એ અશક્ય કાર્ય ને માત્ર ૧૨ વર્ષ માં શક્ય બનાવ્યું- અને ૭ મુ દર્શન- અક્ષર પુરુષોત્તમ દર્શનમ….રચ્યું..અને એ પણ કોઈ ઉપરોક્ત દર્શન નું ખંડન કર્યા વગર…!!!! એ ચમત્કાર જ કહેવાય…!!
  • અને આ ચમત્કાર – એ કઈ સામાન્ય નથી……આખા ભારત નું ભ્રમણ કર્યા બાદ પુ.ભદ્રેશ સ્વામી એ – ૨૫૦૦ પાના નો હસ્ત લિખિત ગ્રંથ અતિ મહેનત થી તૈયાર કેર્યો…..અને સારંગપુર માં આવેલા પુર માં એ – સર્વે નાશ પામ્યું……છતાં – ગુરુ ની આજ્ઞા થી માત્ર ૫ માસ માં – રાત દિવસ મહેનત કરી- એ ગ્રંથ પુનઃ રચ્યો…….અને ઈતિહાસ સર્જી દીધો……!! પુ.ભદ્રેશ દાસ સ્વામી કહે છે કે- હું આ ગ્રંથ લખવા બેસું તો- શબ્દો આપોઆપ ગોઠવાતા જાય….અને પ્રમુખ સ્વામી મહારાજ જ જાણે બધું લખાવતા હોય તેમ- આપોઆપ બધું રચાતું જાય…તેના લીધે જ આ શક્ય બન્યું છે……!!
  • જે તત્વજ્ઞાન- સ્વયમ શ્રીજી એ -સામાન્ય મનુષ્ય ને સમજાય તે માટે- સરળ ભાષા માં વચનામૃત માં નાખ્યું……ગુણાતીતાનંદ સ્વામી એ પોતાની અક્ષર વાતો માં -રેડ્યું…..બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે- મૂર્તિમંત કર્યું……એ જ તત્વજ્ઞાન ને – શાસ્ત્રીય રીતે- સંપૂર્ણ માહિતી સાથે – એક ભાષ્ય રૂપે- પુ.ભદ્રેશ દાસ સ્વામી દ્વારા- પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ગ્રંથસ્થ કર્યું…!!! જેના પર સમગ્ર દેશ ની સંસ્કૃત યુનીવર્સીટી ઓ- સંસ્કૃત- તત્વજ્ઞાન ના આચાર્ય, વિદેશ ના સંસ્કૃત ના નિષ્ણાત…કાશી વિદ્વત પરિષદ દ્વારા સ્વીકૃતિ ની મહોર મારવા માં આવી….આજે આ ભાષ્ય ગ્રંથ- હિંદુ સંસ્કૃતિ ના ૭ માં દર્શન તરીકે ઓળખાતા તત્વજ્ઞાન ને – દેશ વિદેશ ની યુનીવર્સીટી ઓ માં – પાઠ્ય ક્રમ માં ભણાવવા વપરાય છે……!!!
  • આપણા સંપ્રદાય માં “રાજીપો” શબ્દ સર્વોપરી છે…..ગુરુ ની આજ્ઞા પાલન માં દ્રઢતા….તત્પરતા..કેવળ એમના રાજીપા માટે જ જીવવા નું તો એક બેપ્સ ના સાધુઓ- હરિભક્તો માં જ જોવા મળે……..અને એના કારણે જ આજે- દુનિયાભર માં બેપ્સ ના ડંકા વાગે છે……

( ત્તાજેતર માં જ અમદાવાદ ના વાડજ વિસ્તાર માં- ડો.પાંડા ની આ જ વિષય પર સભા યોજાઈ હતી- તે પ્રવચન નીચે ની લીંક પર થી સાંભળી શકાશે…)

https://drive.google.com/open?id=1UZQS8eLkCWja1D5xwDXlHOJjSpVflFCB

અદ્ભુત…અદ્ભુત…….!!! આદિ શંકરાચાર્ય થી લઇ ને ચૈતન્ય મહાપ્રભુ સુધી ૬ આચાર્ય થયા..એમાં ૭ માં આચાર્ય તરીકે- પુ.ભદ્રેશ સ્વામી નું નામ ઉમેરાઈ ગયું છે…..સ્વામિનારાયણ તત્વજ્ઞાન આગવું છે..અલગ જ છે….જે અક્ષર પુરુષોત્તમ દર્શનમ તરીકે આજે સ્થાપિત થયું…….!

પુ. ઈશ્વર ચરણ સ્વામી એ પણ આ જ વાત કરી….અને પુ.ભદ્રેશ સ્વામી એ – સ્વામિનારાયણ સમ્પ્રદ્ય અને સમગ્ર હિંદુ ધર્મ નું જે ગૌરવ વધાર્યું છે એ માટે અભિનંદન આપ્યા….અને કહ્યું કે- મૂળ અમેરિકા ના એવા આપણા નવજુવાન સંત પુ.અક્ષરાનંદ સ્વામી એ પણ હાલ માં – યુકે માં- વેદાંત વિષય પર ડોકટરેટ ની પદવી હાંસિલ કરી છે….અને આવા અતિ વિદ્વાન..સંસ્કૃત ના મહા પંડિત- સંતો આપણે ત્યાં તૈયાર થઇ રહ્યા છે..યોગીબાપા એ દાદર મંદિર માં સ્થાપેલી સંસ્કૃત તાલીમ શાળા આજે- સારંગપુર માં વટ વૃક્ષ બની ચુકી છે…….એમના સંકલ્પ પુરા થઇ રહ્યા છે……!! આપણા સંતો ખુબ ભણે અને આપણું તત્વજ્ઞાન બધે પહોંચાડે તે જરૂરી છે કારણ કે- સાબિત કરવા નું છે કે- આપણે કોઈ Cult નથી….કોઈ ગાડરિયો પ્રવાહ નથી પણ- સ્વામિનારાયણ સંપ્રદાય એક શાસ્ત્રોક્ત….વેદાંત….આધારિત સર્વોપરી સંપ્રદાય છે..જ્યાં શુદ્ધ તત્વજ્ઞાન ના ડંકા વાગે છે…..!! બેન્ગાલુરું ના આચાર્ય હરિદાસ ભટ્ટ તો આ ગ્રંથ જોઈ ને બોલી ઉઠ્યા કે- સાધુ ભદ્રેશ દાસ તો મારા શિષ્ય હતા પણ આ ગ્રન્થ રચ્યા બાદ હવે એ મારા ગુરુ છે…!!!!

હાલમાં જ બરોડા ખાતે આ મહાન ગ્રંથો ની હાથી પર શોભાયાત્રા નીકળી…….પુ.ભદ્રેશ દાસ સ્વામી નું જાહેર માં સન્માન થયું….!

This slideshow requires JavaScript.

પુ. બ્રહ્મવિહારી સ્વામી અને પુ.ઈશ્વરચરણ સ્વામી એ- ગુજરાત માં હાલ ચાલી રહેલી ચુંટણી વિષે વાત કરતા આજ્ઞા કરી કે- બધા એ- પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ ની આજ્ઞા અનુસાર ૧૦૦ % મતદાન કરવા નું છે..એમાં બંધ છોડ ન ચાલે…..! પોતાની નજર સમક્ષ- આપણી સંસ્કૃતિ..આપણો ધર્મ…આપણો દેશ..તેની સલામતી ધ્યાન માં રાખી ને જ મત આપવો…….! કોઈ બાકી ન રહી જાય તેનું ધ્યાન રાખવું..!

સભામાં છેલ્લે- જાહેરાત થઇ કે- બેપ્સ યોગીજી મહારાજ હોસ્પિટલ માં તારીખ ૧ થી ૩૧ ડીસેમ્બર સુધી વિવિધ વિભાગ માં- રાહત દરે કેમ્પ ચાલી રહ્યા છે..તેનો સર્વે એ લાભ લેવો…!!

પુ.ઈશ્વર ચરણ સ્વામી એ જાહેરાત કરી કે- આપણા સંનિષ્ઠ હરિભક્ત- ઉપેન્દ્ર ભાઈ નું અવસાન થયું છે…….

તો- બસ- આપણે આપણા સર્વોપરી સંપ્રદાય..તેના પોતાના – અક્ષર પુરુષોતમ સ્વામિનારાયણ દર્શનમ ને જીવસ્થ કરવા નું છે…….ભવિષ્ય માં જયારે પુ.ભદ્રેશ સ્વામી એ રચેલા – મહાન સંસ્કૃત ગ્રંથો નું ગુજરાતી ભાષાંતર આવે -ત્યારે તેને ઘરે ઘરે વસાવી- તેને દ્રઢ નિષ્ઠા માં ફેરવવા નો છે…..! આપણા શ્રીજી…મંદિર…શાસ્ત્રો-તત્વજ્ઞાન અને સંતો- સર્વોપરી જ છે…..તે સમજવા નું છે…..તેનો મહિમા દ્રઢ કરવા નો છે…!!..અને આ કાર્ય માં- શ્રીજી ‘ને સ્વામી -બંને અચૂક ભળશે…..બસ આપણે તો પુરુષ પ્રયત્ન કરવા નો છે…….

જય જય અક્ષર પુરુષોત્તમ…..જય જય સ્વામિનારાયણ….

રાજ

 

 


Leave a comment

આજકાલ- ૨૪/૧૧/૨૦૧૭

ઠંડી વધી છે પણ “ગરમી” વધતી જાય છે…….જે આવતી ૧૮ ડીસેમ્બર ના રોજ એની ચરમસીમા એ પહોંચશે……! પણ ત્યાં સુધી ગુજરાત ના લોકો લોહી ઉકાળા માં જ બફાતા રહેવા ના…!

તો શું ચાલે છે આજકાલ??

  • ૧૨/૧૧ -રવિવાર ના રોજ અમારા સત્સંગ મિત્ર બંધુઓ – સપ્તેશ્વર મહાદેવ ના દર્શન-પીકનીક પર જઈ આવ્યા….અમદાવાદ થી લગભગ ૮૬ કિમી દુર- મહુડી -વિજાપુર-જેપુર નજીક સાબરમતી નદી ને કિનારે આ અદ્ભુત મંદિર આવેલું છે……એનો ઈતિહાસ કદાચ ખુબ પુરાણો છે..પણ મને સ્થળ…નદી….માહોલ ખુબ જ ગમ્યો…….સ્વચ્છ નદી…..ખુબ ઊંડું નહિ…ખુબ છીછરું નહિ તેવું પાણી….કપડા બદલવા ની વ્યવસ્થા…જમવા ની વ્યવસ્થા…..ખરેખર સારી હતી. આ જગ્યા એ પિતૃ તર્પણ ની વિધિ પણ થાય છે…..અને મને ન ગમી એ બાબત કે-  તર્પણ ના પૂજાપા ને નદી માં પધરાવવા માટે અલગ આરો-કિનારો-ઘાટ હોવો જોઈએ……બધા સ્નાન કરતા હોય અને નજીક માં જ પૂજાપો પધરાવવા નું…કદાચ અજુગતું લાગે..!!!

Screenshot_2017-11-24-21-27-37-067_com.google.android.apps.maps

  • અમારી જમવાની વ્યવસ્થા ત્યાં આગળ અગાઉ થી જ નક્કી કરી રાખી હતી…..જવાનું બસ માં હતું પણ શ્રીજી ની દયા એ – મંદિર ની બહાર નીકળતા જ બસ “હેલીકોપ્ટર” બની ગઈ…..અમને ડરાવતી હોય તેવા અવાજ સાથે -રિસાઈ ને રોડ સાથે ચોંટી ગઈ….હહાહાહા……!!….પછી તો અમે બધા જીદ પર આવી ગયા…પોતપોતાની ગાડીઓ લઇ આવ્યા અને સંઘ ઉપડ્યો સપ્તેશ્વર…..! ત્યાં આગળ જમવાનું તૈયાર હતું..જમી ને સીધા નદી માં……હરિ ને તો જલસા પડી ગયા……પાણી માં થી બહાર નીકળે એ બીજો…!! હહાહા…….પછી તો બધા ગેમ રમ્યા……છેક ચેક ડેમ સુધી ગયા અને પાણી માં જ- શ્રીજી મહારાજે નદી માં કરેલી વિવિધ ચરિત્ર-ચેષ્ટા ઓ નું મનન-ચિંતન-ગોષ્ઠી કરી……..જનમંગલ ના પાઠ કર્યા…..સ્વામિનારાયણ ધુન્ય સાથે શ્રીજી સ્વામી ને પ્રાર્થના કરી કે- આ પાણી માં જે જે જીવ સ્નાન કરે તેનું રૂડું થાય……!!!! હરિ તો એટલું ન્હાયો કે – ભાઈ ને ટાઢ ચડી ગઈ……પાર્ટી વાઈબ્રેટર મોડ પર આવી ગઈ..છેવટે મારે એને લપેટી લઇ…..શાંત કરવો પડ્યો…!!!

  • બપોર પછી – સપ્તેશ્વર થી ૨૮ કિમી દુર આવેલા હિમતનગર જવામાં આવ્યું……….ત્યાં આગળ રવિસભા નો લાભ લીધો…..પ્રસાદી નો લાભ લઇ રાત્રે પરત આવ્યા……..હિમતનગર નું મંદિર- હૈયું ઠરી જાય તેવું છે…..અને રવિસભા પણ ખીચોખીચ ભરેલી……શાંતિ થી બેસવા માટે બગીચો પણ ખરો….અને નાસ્તા માટે પ્રેમવતી પણ હાજર…! પછી બાકી શું રહે…..!
  • ટૂંકમાં- જીવન માં જ્યાં “જગા” મળે ત્યાં …જીવ ની તૃપ્તિ નો લાભ લઇ લેવો……….જીવનમાં – સત્સંગ ભળેલો હશે તો -બધી પળ ઉત્સવ થઇ જશે…….!
  • ચુંટણી- એની પંચાત અહી કરવી નથી………..બધી રાજરમતો ચાલે છે…સમાજ ના નામે પથરા તરે છે….લોકો રોજ બેવકૂફ બને છે…..વચનો ની લ્હાણી થાય છે……અને વાણી નો વિલાસ તો ચરમસીમા એ છે…..બની બેઠેલા નેતાઓ શું બોલે છે…….કેવું વર્તે છે…..એનું ભાન ક્યાં છે?? વર મરો…કન્યા મરો..પણ ગોર નું તરભાણું ભરો…! જેવું છે……! પાટીદારો પણ જાણે છે કે – અનામત મળવા ની નથી પણ ….એના વણ નોતર્યા ….બની બેઠેલા  બેશરમ મુરતિયા હથેળી માં ચાંદ બતાવી…..ખુલ્લેઆમ ગુંડાગર્દી કરી…….પોતાના ખીસા  …પથારીઓ…ગરમ કરી રહ્યા છે…..!! છોડો વાત……અરે..હા…..તમારે ત્યાં ઠંડી કેવી છે????
  • બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ની જન્મજયંતિ ૨૭/૧૧ ના રોજ – આ વખતે આણંદ માં છે……મારે તો કદાચ રૂબરૂ જવાનો મેળ નહિ પડે……પણ આસ્થા ચેનલ પર સાંજે લાઈવ ટેલીકાસ્ટ છે…તેનો આનંદ લેવામાં આવશે……! ગુરુ…અને એમનું પ્રત્યક્ષ સ્વરૂપ- ગુરુહરિ મહંત સ્વામી મહારાજ નું સાનિધ્ય હરપળ અનુભવાય છે…………..”બિન ગુરુ જ્ઞાન નહિ…” એનો અનુભવ હરપળ થાય છે……….

IMG-20171106-WA0005

  • હરિ – ને ભણવા નું..સ્કુલ માં જવાનું..હોમવર્ક કરવા નું…અને લખવા નું…ઝેર જેવું લાગે છે…….! હહાહાહા…..ભાઈ ને સવારે ઉઠાડી સ્કુલ માં મોકલવો એટલે અમારા માટે એક તપ જેવું છે…..ભાઈ સ્કુલ માં માંડ માંડ જાય….મૂળ હોય તો ટીચર લખાવે એ લખે..નહીતર સ્વચ્છતા નો આગ્રહ રાખે…!!!! ઘરે આવી ને તો હોમવર્ક નું નામ નહિ…….સામ-દામ-દંડ અપનાવી એ -એટલે કુંવર બેસે…..અને થોડીક શરત સાથે હોમવર્ક પૂરું કરે..ત્યારે આપણ ને હાશ થાય..! ઘણીવાર – હરિ જે ભણે છે..અને જે રીતે શિક્ષકો ભણાવે છે…શિક્ષણ વ્યવસ્થા છે..તે જોઈ ને તો લાગે છે કે- ખરેખર – આ વ્યવસ્થા થી તો “ગધેડા” જ વધવા ના…!! આપણી શિક્ષણ વ્યવસ્થા જ બોગસ છે…..! આટલા નાના બાળકો ને સ્પેલિંગ ગોખાવવા ના…પ્રેક્ટીકલ ને નામે તો મીંડું…!! નકરી ગોખણ પટ્ટી..!!! અને ફી તો- માથા ના વાળ ઊંચા થઇ જાય એટલી……………!!! સરકારે આમાં  સુધારો લાવવા ની જરૂર છે…….નહીતર – આવડત વગર ના – ભણેલા સમાજ માં અનામત માંગતા ફરશે……!!!!!

બસ- આટલું જ…………….

રાજી રહેજો…………

રાજ


Leave a comment

આજકાલ-૦૬/૧૧/૨૦૧૭

તો ફરીથી બંદો હાજીર છે આપની સેવામાં -પોતાના અનુભવો નો…સાંપ્રત-સામાજિક-રાજકીય-અંગત અનુભવો નો તમારી સાથે ગુલાલ કરવા…..! ગયું આખું અઠવાડિયું – જાણે કે ફરવામાં જ ગયું…..કારણ કે રીના-હરિ ના દિવાળી વેકેશન નું છેલ્લું અઠવાડિયું હતું…….અને દરેક પુરુષ ને જીવન માં કમસેકમ એકવાર સામનો કરવો પડે છે એ પ્રશ્ન- પોતાની પત્ની તરફ થી…..”….તમે મને કદી એ ફરવા લઇ જાઓ છો??? ..” એનો ઉત્તર શોધવા નો પ્રયાસ કરવામાં આ બધી યાત્રા ઓ ગોઠવાઈ…!!

તો શું ચાલે છે આજકાલ???

  • ગુજરાત ની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે..તેમ તેમ કુતુહલ પિપાસુ ગુજરાતીઓ ની ચળ વધતી જાય છે…..ચોરે ને ચોટે – મોદી આવશે કે કોંગ્રેસ…?? એ જ ચર્ચાઓ છેક રસ્તે રખડતા ભિખારી થી લઈને -વિશ્વ ગુજરાતી બનેલા NRI -ગુજરાતીઓ ના જુબાન પર ઉડતી રહે છે……! તકવાદીઓ- વર્ગ વિગ્રહ વાદીઓ- રાજકીય ઉલ્લુઓ ની જમાતો દેશ ને ખોરંભે ચડાવી – પોતાનો મતલબ સાફ કરવા મંડી છે…..પણ એ આટલા વર્ષો પછી પણ નથી સમજતા કે- ગુજરાતી મહાપ્રજા છે…..વિચારશીલ છે…..આવતીકાલ નું અઢળક વિચારે છે……જે પ્રજા ૧૦ રૂપિયે મળતા બટાકા ને પણ ફેરવી ફેરવી ને ખરીદતી હોય ..તે આવા લલ્લુ ઓ ની વાતો માં આવી જઈને પોતાનો વોટ વેચી મારશે??? ….ભૂલી જાઓ લલ્લુઓ….ઉલ્લુઓ…!!!
  • ગયા અઠવાડિયા માં- સૌપ્રથમ વાર ભાડજ ગામ માં આવેલા – ઇસ્કોન મંદિર ના દર્શને જવામાં આવ્યું……સાયંસ સીટી થી આગળ જઈએ એટલે રીંગ રોડ વટાવી ને આ છેક છેવાડે ( વાડજ થી લગભગ ૧૬ કિમી થાય) પણ વિશાળ જગ્યામાં ( અમદાવાદ ડેન્ટલ કોલેજ ની જોડે) આ મંદિર આવેલું છે…..મેનેજમેન્ટ હમેંશ ની જેમ સારું…..વ્યવસ્થિત…! અમે બપોરે ૧૨ વાગ્યા ની આસપાસ ગયા- રાજભોગ આરતી નો લાભ લીધો……બપોરે અહી ફક્ત ૮૦ રૂપિયા/ડીશ માં ભરપેટ – ઘર જેવું શુદ્ધ વૈષ્ણવ જમવાનું જમાડે છે..સાંજે ફૂલ ડીશ- નાસ્તા પણ મળે છે…..સાથે સાથે સ્વાદિષ્ટ ખીચડી નો પ્રસાદ પણ ખરો જ….! ફેરો ફોગટ ન જાય……પણ રસ્તો થોડોક લાંબો-પથરાળ છે…….છતાં શ્રીજી ના દર્શન -આગળ આ બધું સ્વીકાર્ય છે…
  • ત્યાંથી અમે સીધા ગાંધીનગર ગયા….ગુગલ ની મદદ થી ગાંધીનગર માં ઈ નોક્ષ થીયેટર -સેક્ટર-૧૬ શોધી કાઢ્યું…..હરિ ભાઈ નું ફેવરાઈટ એવું- થોર-રેગ્નારોક – મુવી ૩ ડી – માં જોવામાં આવ્યું……હરિ માટે તો એના જીવન નું પ્રથમ ૩ ડી મુવી હતું આથી ભાઈ- જરાક વધુ ઉત્સાહી હતા…..પણ ચશ્માં પહેરી ને મુવી જોતા કંટાળ્યા…..હલ્ક- થોર -હેલા ની અદ્ભુત ફાઈટીંગ જોઈ રાજી પણ થયા……ચાલુ ફિલ્મ માં- પોપ કોર્ન ની ડીમાંડ કરી……યાર..શું લુંટ ચાલે છે….??? પોપ કોર્ન અને નાની કોક ના- ૧૫૦ રૂપિયા……અને પાણી ની બોટલ ના ૫૦ રૂપિયા….૨ નાના સમોસા ના ૯૦ રૂપિયા…!!! પેટ્રોલ ના ૨ રૂપિયા વધારા માટે સડકો પર ઉતરતી પબ્લિક- આ લુંટ સામે કેમ બોલતી નથી….?? ઉલટા ની ઝ્યાફત ઉડાવે છે……! બોલો ક્યાં છે મોંઘવારી??? ફિલ્મ જોવા જાઓ તો- બે જણા વચ્ચે ૫૦૦ રૂપિયા તો આરામ થી ખર્ચાઈ જ જાય…!!!
  • આ થોર નું નામ કૈંક અજીબ નથી લાગતું…..ચૂંટણી ઓ નાં આ બેન્ડ બાજા બારાત વચ્ચે એક મજાકિયો વિચાર મન માં ઝબકી ગયો….જો થોર ગુજરાત નો હોય અને કાઠીયાવાડ નાં એક નેતા કુંવરજી બાવળીયા નો જ્ઞાતિ બંધુ હોય તો એ કયા નામે ઓળખાય??….સિમ્પલ…..થોર બાવળીયા….!! હાહાહાહાઆ……!
  • ત્યાંથી અમે અમારા મનપસંદ અક્ષરધામ ગયા…….અદ્ભુત લેસર પ્રોજેક્શન શો- લાઈટીંગ શો જોયો અને ધન્ય ધન્ય થઇ ગયા…..ગર્ભ ગૃહ માં નવીન પ્રતિષ્ઠિત – ગુરુ પરંપરા અને અવતારો ની અદ્ભુત મૂર્તિઓ એ મન મોહી લીધું……..!!! અને છેલ્લે પ્રેમવતી નો પ્રેમભર્યો નાસ્તો……………! આજનો ફેરો જાણે કે સફળ થઇ ગયો……હરિ નો ઉત્સાહ તો સમાતો નહોતો…!!!
  • દેવ દિવાળી ના દિવસે- સવારે ૯ વાગ્યે અચાનક જ પ્રોગ્રામ બનાવ્યો કે- ચાલો આજે- વડતાલ- બોચાસણ દર્શને જઈએ……!! રીના એ ફટાફટ તૈયારી કરી લીધી…..પુનઃ ગુગલ ભાઈ ને આગળ કરવામાં આવ્યા……અમદાવાદ ના જંગલી ટ્રાફિક થી માંડ માંડ નીકળી- જેતલપુર પહોંચ્યા…..પૂનમ ની ભીડ વચ્ચે દર્શન પુરા કરી -મહેળાવ જવાનો પ્લાન બનાવ્યો પણ ૧૨ વાગ્યા સુધી માં પહોંચાય એવું લાગ્યું નહ..તેથી ડભાણ જુના મંદિર માં દર્શન કર્યા…ઠાકોરજી ને ત્યાં જ જમાડ્યા…..યજ્ઞ શાળા ના દર્શન કરી ….વડતાલ જવાનું નક્કી કર્યું……વિચાર્યું હતું કે- વડતાલ – ૪ વાગ્યા સુધી સમય પસાર કરી- ઠાકોરજી ના દર્શન કરી- બોચાસણ જશું…પણ ત્યાં એટલી બધી ભીડ કે ન પૂછો વાત…! પૂનમ નો સમૈયો…..મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાની ની હાજરી…..ને લીધે- કાર પાર્કિંગ કરવાની જગ્યા પણ માંડ માંડ મળી…..ગોમતી માં પગ ધોયા…બગીચામાં થોડીક વાર બેઠા..મંદિરે જઈ શિખર ના દર્શન કર્યા…થોડીક ખરીદી કરી અને – મહેળાવ જવા ભાગ્યા…….મહેળાવ માત્ર ૧૦-૧૨ કિમી જ દુર છે…….અમારી પ્રાર્થના કદાચ શ્રીજીએ સાંભળી હશે તો- મહેળાવ ના દર્શન ૩ વાગ્યે પણ ચાલુ હતા…….ઠાકોરજી ના અદ્ભુત દર્શન થયા……..મંદિર પણ અદ્ભુત બનાવ્યું છે……….! બસ- બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના જન્મ સ્થળ ના દર્શન બાકી રહી ગયા……
  • ત્યાંથી બોચાસણ જવા રવાના થયા…૩૪ કિમી દુર થાય……પણ પેટલાદ નજીક રોડ પર સમારકામ ચાલે છે જેથી આખું પેટલાદ શહેર ક્રોસ કરી ને વિરોલ વાળા રસ્તે બોચાસણ જવું પડે……ગુગલ ભાઈ ખરેખર ખુબ કામ માં આવ્યા…….બોચાસણ પહોંચી- ઠાકોરજી ના દર્શન મન ભરી ને કર્યા….મહંત સ્વામી મહારાજ ત્યાં જ હતા પણ એમના દર્શન ની કોઈ શક્યતા નહોતી- આથી બહાર થી જ દર્શન કરી- અભિષેક કરી- બોરસદ-આણંદ વાળા રસ્તે – ઘરે પરત પધાર્યા….!!

This slideshow requires JavaScript.

  • તો યાત્રા નો નિષ્કર્ષ શું???? ….. ૧) એક દિવસ માં આ બધા પ્રસાદી ના સ્થાન ના દર્શન થઇ શકે છે…….૨૦૦-૨૫૦ કિમી ની દોડાદોડી થાય……જમવા ની કોઈ ચિંતા નહિ……૨) ગુગલ ભાઈ – ખરેખર હવે જીવન નો એક ભાગ બનતા જાય છે…..છતાં પૂછતાં નર સદા સુખી……….આથી અજાણ્યા રસ્તા પર પૂછતાં રહેવું…ક્યાંક અટવાઈ ન જવાય……! ૩) બાળકો સાથે હોય તો ઘરે થી નાસ્તો સાથે રાખવો……શક્ય છે કે- મંદિર નું જમવાનું કદાચ એમને અનુકુળ ન આવે……..અશક્તો માટે આ યાત્રા નથી……

તો- બસ વેકેશન પૂરું…….ઘંટી ના પડ ફરવા નું ચાલુ……..એ જ ઘરેડ માં ચાલો પાછા ગોઠવાઈ જઈએ….અને જો સમય મળે તો- આવી નાનકડી યાત્રા ઓ વછે જીવન ને ગુલાલ કરતા જઈએ…!!! અહી તો ચાલતા રહેવું એ જ જીવન છે………….!

સાધુ તો ચલતા ભલા…..!!!

રાજ