Raj Mistry's world

Me,my stories and world around….


1 Comment

ચાલ ને જરાક…….

મારુ કવિ હૃદય જાગી ઉઠ્યું છે…..ચાલો સાથે વહીએ…..

ચાલ ને ભાઈ….કૈક વાત કરી લઈએ,
હાથ ખિસ્સામાં થી બહાર કાઢી, થેંક્યું કરી લઈએ….0


બુમાબુમ શુ કામ નાહક ની કરવી,
ચાલ ને કૈક વિવાદ વચ્ચે થોડોક સંવાદ કરી લઈએ….0


હું કરું ..હું જ કરું….એમ મિથ્યા રટણ છોડી,
ચાલ ને થોડોક નિમિત્ત ભાવ ભજવી લઈએ…..0


જગત પાછળ તો ઘણું ભાગ્યા હો “રાજ”
ચાલ ને જરાક અંતર માંહી હરિ ને શોધી લઈએ…..0

હરિ …”હરિ” ની શોધમાં..

રાજ


Leave a comment

તેર પુરા………

૧૭-૦૫-૨૦૦૫ – મંગળવાર……..બપોર નું વિજય મુહુર્ત…..સ્થળ- વડાલી, સાબરકાંઠા……..અને લગ્ન ની વેદી માં – મારી સ્વતંત્રતા ..સ્વચ્છંદીપણા..એકલતા નો સુખદ અંત આવ્યો…..! તદ્દન ભિન્ન વિચારો…..અભ્યાસ….કર્મ ક્ષેત્ર ધરાવતી રીના મારું અડધું અંગ બની અને હું સમાજ માં બે માણસ વચ્ચે બેસવા લાયક બન્યો….!!! અર્થાત- મારા જીવન માં રીના નો રુમઝુમ પ્રવેશ થયો અને મારી દુનિયા બદલાઈ ગઈ…એ તિથી નો – ૧૭-૦૫-૨૦૧૮ ના રોજ અમે- ૧૩ મો રંગબેરંગી ઉત્સવ કર્યો…..! મારું નસીબ સારું છે કે- વેકેશન માં જ અમારી તિથી આવે- જેથી ઉત્સવ કરવા નો પુરેપુરો મોકો મળે…….!

તો- તેરમી તિથી કેવી રહી???

 • હમેંશ ની જેમ – સુવર્ણ પ્રભાત ની શરૂઆત સરપ્રાઈઝ થી…! અને પછી રોજિંદુ કામ…….સવારે – દોડવા જવાનું કામ કરવામાં આવ્યું……થાય ત્યાં સુધી તો શરીર સાચવીએ……અને જો શરીર સાચવીશું તો શરીર આપણ ને સાચવશે……!!! પણ મનમાં એક ઈચ્છા ઘણા સમય થી અધુરી છે કે- રીના પણ મારી સાથે દોડવા ક્યારે આવશે??? ….શ્રીજી ને પ્રાર્થના કે- એ પણ સમય આવે…..!
 • પૂજા પાઠ પછી પ્રશ્ન એ થયો કે આજકા ખાના……ક્યાં હોગા??? અને પછી વૈચારિક મતભેદ મુકવામાં આવ્યા…..અને રોજ ની જેમ- જીત તો શ્રીમતી ની જ થાય……અને બહાર જમવાનો પ્રોગ્રામ તૈયાર થયો…..પણ ક્યાં જવું….એ મારા પર છોડવામાં આવ્યું….! મને બહાર જમવાનું ઓછું પસંદ છે..છતાં મોકો મળ્યો એટલે એવી જગ્યા એ જવાનું નક્કી કર્યું કે- જ્યાં આપણું ( સ્વામિનારાયણ જમણ) સચવાય…..અને હેવમોર ના મેંગો ઉત્સવ નો લાભ લેવામાં આવ્યો…..! ખરેખર પૈસા વસુલ થઇ ગયા….
 • પછી તો ગરમી એવી કે- એસી ગાડી ની બહાર પગ મુકો કે – પગ પાછો જ ખેંચાઈ જાય….. :-૦ …..! પણ પાપી પેટ કા સવાલ…….! આથી જમવાનું પૂરું કરી તરત જ ઘરે પરત …..અને વામકુક્ષી નો અડધો પડધો આનંદ લીધો…..અને મારે તો ઠાકોરજી ની સેવામાં મંદિરે જવાનું હતું…..તો તૈયાર થઇ તુરંત જ ભાગ્યો……!
 • સાંજે -પણ બપોર ના પેટભર જમણ ની અસર રહી……છેવટે અમે ત્રણેય એ સસ્તામાં પૂરું કરી ચલાવ્યું…..

તો કહેવાનું શું…..કે- જીવન માં ખુશી ની ઉત્સવ ની જે જે પલ આવે તેને ઉજવી લેવી…..! લગ્નજીવન માં એ ક્યારેય શક્ય નથી કે તમે પતિ પત્ની બંને દરેક વસ્તુ માં એક વિચાર થાઓ……..મતભેદ કોઈ પણ લગ્ન જીવન માટે તંદુરસ્ત છે કારણ કે તમને કોઈ પણ વસ્તુ ના બે અલગ અલગ દ્રષ્ટિકોણ આપે છે……તમે અલગ ધરી થી પણ વિચારી શકો એ ખુલ્લા પણું આવે છે. ..અમે -રીના અને હું- ઘણી બાબતો પર એક નથી પણ એકબીજા ના મંતવ્ય ને સ્વીકારીએ છીએ…! અમારા ગુરુ બ્રહ્મ સ્વરુપ પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે…સંસાર હોય કે સત્સંગ – જો જીવનમાં નમતા, ખમતા….મનધાર્યુ મુકતા અને કટ વળી જતાં આવડે તો કોઇ પ્રશ્ર્ન જ ન થાય……! જો કે મને પુરેપુરુ આનુ અનુસરણ આવડ્યુ નથી…..પણ પ્રયત્ન ચાલુ છે કે એ આજ્ઞાના શબ્દેશબ્દ નુ પાલન થાય…..!!

રીના ના ગુણ મને ગમ્યા છે….એની પાસે થી મને મારો હરિ અને હરિકૃષ્ણ મળ્યા છે…..સત્સંગ ની દ્રઢતા મળી છે…..સ્થિરતા…ગંભીરતા મળી છે…..!!!

બસ, જીવન ને યોગ્ય અર્થ…દિશા…આપવા બદલ…હાથ પકડી ને હરિ સુધી પહોંચાડવા બદલ રીના …..just love you so much…..!!! Always be with me n Hari….!!

રાજ


Leave a comment

એક પ્રાર્થના જસુબા ની…

સ્વામિનારાયણ સંપ્રદાય નો ઈતિહાસ ઝળહળતો છે….ગૌરવ વંતો છે……! આ સંપ્રદાય ના નિયમ ધર્મ…શુદ્ધ ઉપાસના….સિધ્ધાંત…શાસ્ત્રો….સંતો અને સ્વયમ શ્રીજી સર્વોપરી છે …..૨૦૦ વર્ષ ના આ ઈતિહાસ માં- સમાજ ને..મનુષ્ય જાતિ ને આ સંપ્રદાયે જે ધર્મ-નિયમ-જ્ઞાન-ભક્તિ ની સુવાસ આપી છે, તેવી કદાચ કોઈ સંપ્રદાયે આટલા ટૂંકા સમય માં- આટલી સહજ રીતે નહિ આપી હોય..! ઈતિહાસ સાક્ષી છે કે- શ્રીજી ના રાજીપા ખાતર એ સમય ના હરિભક્તો એ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું…..કેટલાકે – પોતાના સર્વ ધન-ધાન્ય-પ્રતિષ્ઠા-સંતાન-સ્વયમ પોતાને શ્રીજી ને સંપૂર્ણ સમર્પિત કરી દીધા …..! રાજાઓ એ રાજ છોડ્યા….ગૃહસ્થો એ કાજ છોડ્યા….પરણેલા ઓ એ સંસાર છોડ્યો..રાજકવિઓ એ રાજ સેવા છોડી….મઠ ધારી ઓ એ મંડળ છોડ્યા…પંડિતો એ પોતાની લૌકિક વિદ્વતા છોડી…..સ્ત્રીઓ એ પોતાના પતિ -સંસાર ને છોડ્યા..અને કેવળ એક શ્રીજી ના વચને- ત્યાગ-વૈરાગ્ય યુક્ત અતિ કઠીન નિષ્કામ ધર્મ ને અપનાવ્યો……!!!

અને આવા તો હજારો ઉદાહરણ- ઈતિહાસ માં પ્રત્યક્ષ છે……હરિભક્તો માં જો કોઈનું સમપર્ણ સર્વોપરી ગણાતું હોય તો- ગઢડા ના દાદા ખાચર નું……..! શ્રીજી એ પોતાના જીવન ના ૨૫ થી વધુ વર્ષ -ગઢડા માં ગુજાર્યા…એ કહેતા કે- હું ગઢડા નો..અને ગઢડુ મારું..!!! એભલ ખાચર ના ધામ ગમન બાદ- શ્રીજી એ – કિશોર વય ના – પરમ એકાંતિક ભક્તરાજ દાદા ખાચર ને એક પિતા નો પ્રેમ આપ્યો…….અઢળક કસોટી ઓ પણ કરી …….પણ એમના સમર્પણ થી રાજી થઇ – શ્રીજી એ દાદા ના યોગક્ષેમ ની જવાબદારી લીધી…..! છેક એટલે સુધી કે- દાદાખાચર ને એમના કાકા જીવા ખાચર ની ગરાસ પડાવી લેવા ની મેલી મુરાદ થી બચાવવા- બે બે લગ્ન કરાવ્યા…..દાદા ખાચર નું પ્રથમ લગ્ન બોટાદ ના માતરા ધાધલ ની દીકરી કુમુદાબા સાથે કરાવ્યા ..પણ અમુક વર્ષ સુધી સંતાન નો યોગ ન થતા જીવા ખાચર ફરીથી જોરમાં આવી ગયા અને દાદા નાં યોગ ક્ષેમ માટે કુમુદાબા ની મરજી થી શ્રીજી એ જનક રાજા સમાન દાદા ને પુનઃ વિવાહ માટે મનાવ્યા…દાદા ની શરત -કે દાદા ની જાન ના ગાડા ને સ્વયમ શ્રીજી હંકારશે -એ માન્ય રાખી ને પણ શ્રીજી એ દાદા ના લગ્ન- ભટવદર ( ભાવનગર-જાફરાબાદ નજીક આવેલું એક નાનું ગામ) ના સંનિષ્ઠ સત્સંગી નાગપાલ વરુ ની ગુણીયલ ..નિષ્ઠાવાન દીકરી જસુબા સાથે ગોઠવ્યા…! ….આ લગ્ન પ્રસંગ નું વર્ણન કરવા માં આવ્યુ છે તેં અદ્ભુત છે……

dadakhacharnijan

ચિત્ર સૌજન્ય- ગુગલ

ત્રણ દિવસે ગઢડા થી ભટવદર ગામ જાન પહોંચી…..સ્વયમ જગત નો નાથ આજે દાદા ખાચર ના સંસાર નો સારથી બન્યો હતો…..ગામ માં ખારોપટ અને પીવાના પાણી ની મોટી સમસ્યા હતી જે …મીઠો વીરડો ખોદી ….એ કાયમ ની સમસ્યા ને પણ શ્રીજી એ પોતાની કૃપા થી દુર કરી ( જે આજે પણ મોજુદ છે…મીઠું પાણી આજે પણ મળે છે) ..એકાદશીને ઉંચે ટીંગાળી દઈ … ઉપવાસ માં પણ સાધુ સંતો-હરિભક્તો ને પેટભરી જમાડ્યા…વેવાઈ નાગપાલ વરુ નો સંકલ્પ પૂરો કર્યો…..! જસુબા જેવી દીકરી દાદા ખાચર ને વરી એની પાછળ પણ શ્રીજી ની જ કૃપા હતી…..!.નીલકંઠ વરણી વેશે જયારે શ્રીજી ભટવદર પધાર્યા હતા ત્યારે -નાનકડી જસુબા એ જ શ્રીજી ને રોટલો દૂધ જમાડી રાજી કર્યા હતા..અને આજે તેનું ફળ મળ્યું હતું….! લગ્ન પુરા થયા અને દાદા-જસુબા ની જોડી શ્રીજી ને પગે લાગવા આવી ત્યારે શ્રીજીએ રાજી થઇ જસુબા ને માંગવા નું કહ્યું….અને જસુબા પણ કેટલા ગુણીયલ કે…એમણે એ સમયે જે માંગ્યું…જે શ્રીજી ના ચરણ માં પ્રાર્થના કરી- તે આજે પણ સુવર્ણ અક્ષરે આપણા સંપ્રદાય ના….સમગ્ર ભક્તિ પંથ માં ઝળહળે છે….અને ભક્તિ કરનાર ને- માર્ગ બતાવે છે કે- ભગવાન પાસે શું માંગવું?? કેવી રીતે માંગવું….?? જોઈએ એ પ્રાર્થના ને કે જેને કવિસંત યુગલદાસે પોતાના શબ્દો માં વર્ણવી છે …..એક એક શબ્દ વાંચજો…..

મારી અવિચળ ચૂંકને રાખજો, મારી ચૂડીનો ભંગ ન થાય, માગું વર નાથજી… ꠶ટેક

રહે કેસર પીર(સિંદૂર) લલાટમાં, રહે સેંથો ચાંદલો સદાય… માગું વર નાથજી… ꠶

મારે ઘેર રહે સંત સામટા, નિત્ય ગુણ તમારા ગાય…માગું વર નાથજી… ꠶

સત્સંગી મળી દેશોદેશના, આવે ઉત્સવ કરવાને આંય…માગું વર નાથજી… ꠶

મારે ઘેર રહો ઘનશ્યામજી, મારી સંપત્તિ તમ અર્થે થાય…માગું વર નાથજી… ꠶

રાજપાટ ને ગામ ગરાસ જે, ભુવન સહિત તમારા કહેવાય… માગું વર નાથજી… ꠶

જયા લલિતા રમા ને પાંચાળી, તેને સમજું છું મુક્ત સમાન..માગું વર નાથજી… ꠶

અમો સૌ મળી તમને સેવીએ, ધરીએ અખંડ તમારું ધ્યાન… માગું વર નાથજી… ꠶

કરો મંદિર મોટું મારે આંગણે, રહો પ્રેમથી પ્રાણ આધાર…માગું વર નાથજી… ꠶

તેમાં મૂર્તિ પધરાવો વાસુદેવની, તમો પાડોશી થાઓ કરી પ્યાર..માગું વર નાથજી… ꠶

વળી આ લોકની સુખસંપત્તિ, શ્રીજી આપી પૂરા કરો કોડ…માગું વર નાથજી… ꠶

દુરિજનનું મેણું ઊતારજો, પ્રભુ આપજો પુત્રની જોડ…માગું વર નાથજી… ꠶

અભય સુત( દાદા ખાચર) ને સુખી રાખજો, રહે અખંડ અભય પરિવાર… માગું વર નાથજી… ꠶

અભયવંશ સદા તવ ઉપાસી, એ માગું છું હું ધર્મકુમાર…માગું વર નાથજી… ꠶

વળી અભયસુત પહેલાં મુજને, શ્રીજી આપજો અક્ષરવાસ…માગું વર નાથજી… ꠶

એવી વાણી સુણી જસુબાઈની, વર આપો કહે યુગલદાસ… માગું વર નાથજી… ꠶

અને ઈતિહાસ માં દર્જ છે કે- જસુબા ની આ પ્રાર્થના થી રાજી થઇ શ્રીજી એ એમના વચન સ્વીકાર્યા…જીવન ના છેલ્લા શ્વાસ સુધી એ ગઢડા માં- દાદા ખાચર ને ઘરે રહ્યા…દાદા ને આવતી સાંસારિક સમસ્યાઓ- જીવા ખાચર ની ઉપાધિઓ- રાજકાજ માં અડચણો શ્રીજી એ પોતાને માથે લીધી અને દુર કરી……દાદા ખાચર ને અભય વર આપ્યું..!

આ ઉપર થી – હરિભક્તો એ- નવ વિવાહિત કન્યા એ – સ્ત્રી ભક્તો એ- શીખવા જેવું છે…….આ પ્રાર્થના નો સાર એટલો જ છે કે- જો તમે તમારું સર્વસ્વ એક ભગવાન ને અર્પણ કરી ને રાખો તો- ભગવાન તમારા થઇ ને રહે છે……!!!

હવે વિચારવા નું આપણે છે કે- આપણે ભક્તિ ના આ માર્ગ પર કેટલે પહોંચ્યા છીએ?? દાદા ખાચર અને જસુબા જેવી ભક્તિ..એનો એક માત્ર અંશ પણ આપણા માં છે???

રાજ


Leave a comment

BAPS રવિસભા-૨૧/૦૨/૨૦૧૬

“………..અને જ્યારે એ સ્વરૂપ જેને જાણ્યામાં આવે……. તેને જેમ અમને કોઈ વિષય સંબંધી સુખમાં આસક્તિ નથી તેમ તે પુરુષને પણ ક્યાંય આસક્તિ રહે જ નહીં……. અને તે સ્વરૂપને તો તમે પણ દેખો છો પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી…….. અને જ્યારે એ વાર્તા સમજ્યામાં આવશે ત્યારે પંચવિષય કે કામ, ક્રોધાદિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે નહીં, સહજે જિતાઈ જશે……….”

—————————————

ભગવાન શ્રી  સ્વામિનારાયણ-વચનામૃતમ- ગઢડા મધ્ય -૧૩

આજે ૨૧ ફેબ્રુઆરી…..વિશ્વ માતૃભાષા દિવસ……જે ભાષાના પ્રથમ હુંકાર સાથે આપણે જન્મ્યા…..ગર્ભાવસ્થા માં જે ભાષા ના ધીમા-સુસવાટા-પડઘા સાંભળ્યા…..જે ભાષા માં આપણે લાગણીઓ રેડી….જેમાં આપણે વિચાર્યું….પડકાર્યું….એ મહાભાષા-માતૃભાષા-આત્મભાષા ને વધાવવા નો દિવસ…..અને  આજ  ગુજરાતી  મહાભાષા ને  સ્વામિનારાયણ  સંપ્રદાય ના  મહાન સંત કવિઓ -વિદ્વાનો એ  જે  ગૌરવ બક્ષ્યું  છે  તે  અતુલ્ય  છે…..બ્રહ્માનંદ સ્વામી – અતિ  વિદ્વાન સંત કવિ…શીઘ્ર કવિ..શતાવધાની ..અતિ તેજસ્વી  વક્તા..રાજનીતિજ્ઞ દ્વારા  વ્રજ-હિન્દી-અવધી અને ગુજરાતી  ભાષા માં  લગભગ ૮૦૦૦ થી વધુ  પદ-છંદ   રચાયેલા  છે….!!! ઈતિહાસ સાક્ષી  છે કે – ભાવનગર નરેશ ના  કહેવા થી  લાડુદાન ગઢવી  ( પૂર્વાશ્રમ નું -બ્રહ્માનંદ સ્વામી નું નામ) સ્વામિનારાયણ  ભગવાન નું ભગવાન પણું  ટેસ્ટ કરવા  ગયા અને પોતે સાધુ થઇ ગયા…….! અને  એવી તો -સહજાનંદ ની મૂર્તિ  -સ્વરૂપ રદયમાં વસ્યું કે  એ જમાના ની લાખો-કરોડો ની સંપત્તિ છોડીને -માંડ શરીર ઢંકાય એવા કંતાન ના વસ્ત્ર માં -અતિ કઠીન એવા વૈરાગ્ય ના નિયમો નું સહજ પાલન કર્યું………આજે  માતૃભાષા દિન છે..તો બ્રહ્માનંદ સ્વામી શીઘ્ર રચિત એક ચારણી -છંદ (ચંદ્રયણા ઝૂલણા-ગ્રંથમાં થી..) માણીએ…..

યા મગરી મગરી તગરી, નગરી નગરી સગરી બગરી હૈ;

વાટ પરી ડગરી ડગરી ,ખગરી ખગરી કગરી અગરી હૈ;

શીશ ભરી ગગરી ગગરી ,પગરી ઘૂઘરી ઉગરી ભુગરી હૈ;

બ્રહ્મમુની દ્રગરી ફગરી ,લગરી લગરી રગરી સારી હૈ…….

અદ્ભુત….અદ્ભુત…..! આ એ  ઝૂલણા છંદ  છે જેને અમદાવાદ ના વૈષ્ણવ આચાર્ય કે જે સંસ્કૃત ના મહા પંડિત હતા તે પણ ઉકેલી ન શક્યા…….!!!! અને જયારે  સ્વામીએ  -એમને કૃષ્ણ લીલા નું  આ પદ  સમજાવ્યું ત્યારે તે  સ્વામી ને પગમાં પડી ગયા…!!! લોકભાષા નો-આત્મ ભાષા નો આ જ  વૈભવ છે….

તો આજની સભા  -બ્રહ્માનંદ સ્વામી ના…એમના  ચરિત્રના….એમના ગુરુ- ભગવાન સ્વામિનારાયણ ના  મહિમા ના વૈભવ પર હતી…..! જયારે જે વસ્તુમાં-ક્રિયામાં ભગવાન ભળે-એટલે  એ  વસ્તુ ગમે તેટલી સામાન્ય હોય-પણ તે અમુલ્ય બની જાય છે…..! તો એ મહિમા સાથે કરીએ-શ્રીજી-ધામ-મુકતો ના દર્શન…..

12744500_514044215450422_7144945182469206212_n

સભાની શરૂઆત પુ.પ્રેમ વદન સ્વામી દ્વારા સંસ્કૃત શ્લોકાવલી સાથે “ભજમન સ્વામિનારાયણ…” ની ધુન્ય થી થયું……હૃદય ભક્તિથી ઉભરાઈ ગયું….ત્યારબાદ એમના દ્વારા જ બે કીર્તન રજુ થયા

 • આવો મારા મોહન મીઠડા લાલ…….રચયિતા- પ્રેમાનંદ સ્વામી
 • અનુભવી આનંદ માં…બ્રહ્મરસ ના ભોગી…….રચયિતા- મુક્તાનંદ સ્વામી

ત્યારબાદ પ.પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ના ૧૮-૧૯ ફેબ્રુઆરી -૨૦૧૬ ના -સારંગપુર ખાતેના વિચરણ ના વિડીયો દર્શન નો લાભ મળ્યો…….જેના અદ્ભુત દર્શન તમે નીચેની લીંક પરથી કરી શકો છો……

ત્યારબાદ ભાવનગર થી પધારેલા -ભાવનગર અક્ષર મંદિર ના મહંત-અતિ વિદ્વાન..ખુબ સારા રસાળ વક્તા એવા પુ.સોમપ્રકાશ સ્વામી ….જે ભક્તોમાં “સોમબાપુ” તરીકે ઓળખાય છે…..એમના દ્વારા “બ્રહ્માનંદ સ્વામી- જીવન આખ્યાન” પર સતત ૬૦ મિનીટ સુધી…..ખુબ જ માહિતીપ્રદ…મહિમાંપ્રદ….રસપ્રદ પ્રવચન થયું…..! બધી માહિતી તો અહી આપવી શક્ય નથી પણ જોઈએ એના સારાંશ…..

12744657_963274543710514_5376451888922762465_n

 • રાજસ્થાન ના સિરોહી રાજ્ય ના ખાણ ગામ માં – સદગુરુ રામાનંદ સ્વામીના શિષ્ય  શંભુદાનજી-અને લાલુબા  ને ત્યાં -લાડુદાન ગઢવી નો જન્મ વિક્રમ સંવંત-૧૮૨૮ ની મહા સુદી પંચમી ને રોજ થયો…..નાનપણ થી જ ધાર્મિક સંસ્કારો….ચમત્કારો વચ્ચે એમની સરસ્વતી સાધના ચાલુ રહી….એમના જ્ઞાન થી પ્રભાવિત થઇ ત્યાના રાજા એ – પોતાના ખરચે ભુજમાં- પિંગળ શાસ્ત્ર ભણવા મોકલ્યા…..રસ્તામાં શ્રીજી એ -બ્રાહ્મણ અને મારવાડી શેઠ ના વેશે સહાયતા કરી…….૧૦ વર્ષ ભુજમાં ભણી -અતિ વિદ્વતા તો પરિચય આપી- ગુરુ અભયદાનજી ને રાજી કર્યા……અને વધુ અભ્યાસ માટે ધમ્કડા આવ્યા….ગુરુ ભટ્ટાચાર્યજી પાસે રોકાઈ- સંસ્કૃત અને શાસ્ત્રીય સંગીત નો અભ્યાસ કર્યો…..૨૪ કલાઓ શીખ્યા …એ સમયે વિપ્ર ભટ્ટાચાર્ય એ -એમને જીવન ની સર્વોપરી…અમુલ્ય-અતુલ્ય કળા નું જ્ઞાન આપતાં  કહ્યું કે- આ કળા  એટલે- એક ભગવાન ને સદાયે સાથે રાખવાની કળા…એમાં જે  સુખ છે-એ ક્યાંય નથી..એ શીખવાડ્યું……!! ત્યાં જ શ્રીજી મહારાજે -ત્યાના મુક્ત કરણીબા ની સાક્ષીએ- નીલકંઠ વરણી રૂપે -લાડુદાન ને  તળાવ કિનારે દર્શન આપ્યા…..અને છેવટે તો- અનેક ઉપમા-માન-પાન-ધન-સંપતી પામી- લાડુદાન ગામેગામ ફરતા -ભાવ નરેશ ના  કહેવા થી -શ્રીજી ના  પુરુષોત્તમ પણા ની પરીક્ષા કરવા ગયા અને પોતાની “પરીક્ષા ” થઇ ગઈ……!
 • શ્રીજી મહારાજ ના  સ્વરૂપ ને ઓળખી- દીક્ષા લઇ -ભેખ ધારણ કર્યો…..શ્રીરંગ દાસ -નામ મળ્યું અને એ નામે- લગભગ ૧૮ પદ  રચ્યા……”સ્વામિનારાયણ….સ્વામિનારાયણ નિત્ય રે..” પદ થી લઇ….” સુણો ચતુર સુજાણ…” પદ રચ્યા…….! એમનું  નામ- બ્રહ્માનંદ કઈ રીતે પડ્યું…એ પ્રસંગનું પણ વિવરણ થયું…….
 • ત્યારબાદ- તો બ્રહ્માનંદ સ્વામી ના  એટલા બધા પ્રસંગ છે કે..તેનું વર્ણન કરવા  માટે  જાણે કે એક જન્મ લેવો પડે…!!!!!  એક ઝલક બ્રહ્માનંદ સ્વામી અર્થાત લાડુ દાન ગઢવી ના વંશવેલા પર…( સોર્સ-કવિ બ્રહ્માનંદ -એક અધ્યયન-ડો.રાજુલ ગાલા)

12743717_963274547043847_2851898336375202272_n

પુ.સોમ બાપુ એ અનેક કીર્તનો-સાખીઓ-છંદો -પદ ને મોંઢે ગાઈને- સમગ્ર સભાને બ્રહ્મરસ માં તરબોળ કરી દીધી……બ્રહ્માનંદ સર્વે છવાઈ ગયો……!! જો બ્રહ્માનંદ જેવા  શિષ્ય નું આખ્યાન  આવું હોય તો એમના સ્વામી…ગુરુ સર્વોપરી શ્રીજી નું જીવન આખ્યાન કેવું હશે…???? મહિમા  કેવો  હશે???

 

નીચેના  QR code ને સ્કેન કરીને  તમે  એ  રેકોર્ડેડ પ્રવચન ને  મોબાઈલ પર  સાંભળી શકો  છો……….અથવા નીચેની  ચીર્બિત લીંક નો ઉપયોગ કરી  શકો  છો……( ક્વોલીટી -મોબાઈલ રેકોર્ડીંગ હોવાથી ઓછીવત્તી હોઈ શકે  છે…)

//chirb.it/wp/htLOqM

Check this out on Chirbit

 

 

અદ્ભુત…..અદ્ભુત…….! ત્યારબાદ  પુ.ઈશ્વર ચરણ સ્વામી એ- પણ બ્રહ્માનંદ સ્વામી ના  વડતાલ મંદિર નિર્માણ નો પ્રસંગ…એમનું મંદિર બનાવી ને  નીકળી જવું……અતિશય નિર્માની પણું  દર્શાવવું….એ  પ્રસંગો  ને  યાદ  કરતા  કહ્યું કે- મોટા પુરુષ અને ભગવાન માં  સદાયે દિવ્ય ભાવ રાખી…..નિર્દોષ બુદ્ધિ રાખીએ તો આવું ટકી રહેવાય……! પોતાના દોષ અને બીજા ના ગુણ જોવા- એજ સત્સંગ માં પ્રગતિ નો માર્ગ છે…………!

સભાને અંતે અમુક જાહેરાતો થઇ…….

 • ૨૮/૨ ના રોજ- સવારે ૮-૩૦ થી સાંજે- ૫-૩૦ સુધી બ્રહ્મ સત્ર -પૂજ્ય નારાયણ મુની સ્વામી અને પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી ના મુખે થવાનું છે……આથી આવતી રવિસભા- ૫-૪૫ એ  શરુ થશે…….- આ બ્રહ્મસત્ર- માત્ર પૂર્વ અમદાવાદ ના ભક્તો માટે જ છે……..

તો- આજની સભા શ્રીજી નો મહિમા- એમના ભક્તો ના મહિમા થકી સમજવાની હતી…….ભક્ત ને જાણ્યા વગર-ભગવાન ને  ન  જાણી શકાય………….!!!!!

જય  સ્વામિનારાયણ……

રાજ


Leave a comment

૧૭ મેં-૨૦૦૫

મનુષ્ય સ્વભાવ ની એક વિચિત્રતા છે કે- એને વર્તમાન કરતા ભૂતકાળ વધારે મીઠો લાગતો હોય છે………પણ એ ભૂલી જાય છે કે- જીવવાનું વર્તમાન માં છે અને એ પણ આશ સાથે કે “અચ્છે દિન આને વાલે હૈ”……! આજથી લગભગ ૯ વર્ષ પહેલા -મારા જીવન માં ..મારા વર્તુળ માં એક નવીન વ્યક્તિ નો પ્રવેશ થયો…..એ વ્યક્તિ મારા થી તદ્દન અલગ સ્વભાવ ધરાવતી……મારા હૃદય-મન-વિચાર પર આધિપત્ય ધરાવવા ની ખેવના સાથે પ્રવેશી અને આપણે બંદા- તરત જ સુખદ આઘાત માં આવી ગયા…..! જે આજ સુધી ચાલુ છે…….હજુ સુધી સંપૂર્ણપણે અનુકુલન નથી આવ્યું…સ્વભાવ નથી છૂટ્યા એ સત્ય છે…..

તો એ વ્યક્તિ હતી- રીના…….૧૭ મેં-૨૦૦૫ એ મારા લગ્ન ની તારીખ- જે મારા પપ્પા એ મુહુર્ત મુજબ જ- પોતાની મરજી થી નક્કી કરી હતી…કારણ કે ૧૭ તારીખ નું મહત્વ રીના ની અને મારી જીન્દગી માં અનેરું સ્થાન છે. મને આમેય લગ્ન ની ઝાકળમાકળ ગમતી નથી આથી હું સ્વભાવત: સાદાઈ થી લગ્ન કરવામાં માનતો હતો..માનું છું..પણ રીના એના પાપા નું પ્રથમ સંતાન અને હું મારા પાપા નું છેલ્લું..સૌથી નાનું સંતાન- આથી જીત રીના ની જ થઇ…..અને જે આજ પર્યંત ચાલુ છે…..સારું છે- રીના જીતે તો જીત મારી જ છે ને…..! જાન લઇ ને ગયા અને સમય કરતા મોડા પડ્યા…કારણ કે રસ્તો ભૂલી ગયા….( હહાહાહાહા………..) ..જ્યાં ઉતારો આપ્યો હતો ત્યાં પાણી જ ન આવે- અને આપણે મોઢું “ધોયા” વગર જ પરણી આવ્યા……!  અસહય ગરમી……અને વળી લગ્ન ની ચોરી માં- કરેલો યજ્ઞ( વેદી) ધુમાડો વધારે કરતી હતી..( જો કે એમાં મારા સાસરી વાળા નો કોઈ હાથ નહોતો…એ હું શ્રદ્ધા પૂર્વક કહું છુ…) ..લગ્ન ની બધી વિધિ અને ફેરા- આપણે “રડતા રડતા” ( ધુમાડા ને લીધે……) અને મો પર રૂમાલ મૂકી ને ફર્યા……આથી લગ્ન ના બધા ફોટા માં- મારા મોઢા કરતા- એ પ્રસાદી ના રૂમાલ ના ફોટા વધુ આવ્યા છે…..!

જે હોય તે- પણ લગ્ન રંગે-ચંગે-ધુમાડે થઇ ગયા……….અને મારા-રીના ના આંખ્યું નું રતન….મારા શ્રીજી નો અંશ…..દીકરા હરિકૃષ્ણ નું ધામધૂમ થી આગમન પણ થયું…….મારા વિચરણ ને ..રીના ની દોડધામ વચ્ચે- લગ્નજીવન તડકા-છાયા માં ચાલતું રહ્યું……ચાલે છે…….શ્રીજી ની દયા છે……તો જોઈએ- આ ૯ વર્ષ ના મારા અનુભવો ને આધારે મારી -નવવિવાહિત વીરલા ઓ ને સોનેરી સલાહો……( બંધ બેસતી પાઘડી જ પહેરવી)

 • લગ્ન પછી તમારી સહનશીલતા,ધીરજ ની સર્વોતમ કસોટી થાય છે…….ખુબ વિવેકપૂર્વક વર્તવું….
 • અધ્યાત્મ અને લગ્ન- એમાં જે દાસાનુદાસ વર્તે- એ જ સુખી થાય…. 🙂   આથી ઝુકતા શીખવું..ઝુકાવતા નહિ……..શું તમને ગમશે કે- તમારા હૃદય નો ટુકડો…તમારો પતિ/પત્ની- દુનિયા ની નજર માં ગુલામ તરીકે દેખાય?     માન આપતા શીખીએ તો માન મળે…..
 • તો- પતિ એ પરમેશ્વર નથી અને પત્ની એ ગુલામ…..! બંને એક બીજા ના પુરક છે એ ધ્યાન રાખવું……
 • સ્ત્રી માટે- લગ્ન પછી- પોતાનું પિયર-પાપા કે મમ્મી- યાદ આવે- એમના પ્રત્યે વિશેષ લાગણી હોય- એ સ્વાભાવિક જ છે……પણ એ બ્રહ્મ સત્ય યાદ રાખવું- એના માટે -લગ્ન પછી તેનું સાચું ઘર-પોતાનું ઘર- પ્રથમ ઘર- સાસરી જ છે…….આથી દરેક કાર્ય માં- સાસરી ને જે પ્રાથમિકતા- પ્રાધાન્ય આપે- તે સ્ત્રી નું લગ્નજીવન સુખી રહેવા ની શક્યતા વધારે રહે છે…..( સ્ત્રોત-અનુભવ-શાસ્ત્રો,વડીલો ની સલાહ….જમીની હકીકત…અંતિમ સત્ય..) ..અને આ વાટ નો એ પણ મતલબ નથી કે- પિયર ને ભૂલી જવું……! વિવેક -સંતુલન જરૂરી છે….
 • લગ્ન પછી નવ વિવાહિત સ્ત્રી એ – સાસુ માં પોતાની માં શોધવા નો સહેજે પ્રયત્ન ન કરવો……સાસુ- સાસુ છે…..અને આપણે એને – સાસરી ને અનુકુળ થવાનું છે…….સ્વાભાવિક રીતે- મુશ્કેલીઓ- ખુબ જ આવશે…પણ હસતા હસતા અનુકુળ થવાનું છે……જો આ નહિ થાય તો- સમજી લો કે દુખ આવવા નું જ….! યાદ રાખો- અનુકુળ- આપણે જ થવાનું છે….સામાવાળા પાસે અપેક્ષા રાખવાની નથી…..એ તો તમે અનુકુળ થશો- એટલે આપોઆપ થઇ જાશે….
 • સ્ત્રી- ભણેલી-ગણેલી હોય અને નોકરી કરે તો કઈ ખોટું નથી…..કુટુંબ ને મદદરૂપ થાય છે….અને એને પણ આત્મ સંતોષ રહે છે…..પણ- આ આત્મ સંતોષ-પૈસા નું સુખ- કુટુંબ માં કલેશ ના ભોગે ન થાય -એ જોવાનું છે…..સંતાનો ને – પારકા ના વિશ્વાસે મૂકી ને આખી જીન્દગી દુખી ન થવું……..યાદ રાખો- તમારું અંતિમ સુખ તો કુટુંબ જ છે……..જો કુટુંબ-સંતાન નો ઉછેર સારો નહિ થાય તો કમાયેલા પૈસા- સુખ- ધૂળ છે…….અને સ્ત્રી- આ માટે હમેંશા પાયા નું પાત્ર ભજવતી આવી છે…..સંતાનો નો સારા માં સરો વિકાસ-ઉછેર- તમે- દાદા-દાદી- નાના-નાની કે નિકટ ના સ્વજનો જ આપી શકે…..બાહ્ય વ્યક્તિ..ભાડુતી વ્યક્તિ નહિ……!
 • લગ્ન પછી- રોમાન્સ નો દોર…….પ્રેમપત્રો- ભેટ-ફરવા નો દોર ખતમ ન થવો જોઈએ……પ્રેમભીના ઝઘડા ચાલુ રાખવા……..!
 • અલગ વિચારો-વ્યક્તિત્વ-મત- થી ઝઘડા થઇ શકે છે…..પણ બે માં થી એક જણે ચુપ થઇ જાવું……અને ઝઘડા ને કલાક-બે કલાક માં ભૂલી જવો……મો ફુલાવી ને જીવન ના અમુલ્ય- બે ત્રણ દિવસ ન બગાડવા……..મો- ચઢાવી ને- માનસિક રીતે બ્લેકમેલ ના ત્રાગા કરી ને- નુકશાન પોતાને જ થાય છે…એ દુનિયા નો અનુભવ છે……યાર..! જીવન ટૂંકું છે…..આગલી પળે શું થવાનું છે? એ કોઈ ને ખબર નથી- તો મો ફુલાવી ને બેસવાની…ઝઘડવા ની શી જરૂર છે? એડજસ્ટ થઇ જાવું……..
 • એકબીજા ને સુધારવા ની સૌથી મોટી ભૂલ ક્યારેય ન કરવી…….બસ એકબીજા ને અનુકુળ થઇ જાવું…સામે વાળું પાત્ર- જેવા સ્વભાવ સાથે છે- એવી રીતે જ સ્વીકારવું……..બદલાવ કરવા જશો તો- તમે બદલાઈ જાશો- યાદ રાખજો…….

તો ચાલો- ઘણું બધું થઇ ગયું……..એવું ન માનવું કે- હું ઉપર ની બધી સલાહો ને અક્ષરસહ જીવી રહ્યો છું……મારામાં હિમાલય જેટલી ખામીઓ છે……પણ સારી વાત એ છે કે- હું તેને હરપળ- શ્રીજી ની સાક્ષી એ સુધારવા નો પ્રમાણિક પ્રયત્ન કરી રહ્યો છું….અને સુધરવા નું મારે જ છે……..કારણ કે અક્ષરધામ મારે જ જવાનું છે…..!

અધૂરા સ્વભાવે- દોષો સાથે- અક્ષરધામ ન જવાય……શ્રીજી-સ્વામી અને ગુરુ ને રાજી ન કરી શકાય…..!

રીના માટે- હું તારો સદાયે ઋણી રહીશ…..કારણ કે- તે દુનિયા માં મને સર્વોચ્ચ ..સર્વોત્તમ ભેટ આપી છે……..હરિ અને હરિકૃષ્ણ…….! Love you wife…..!

રાજ


Leave a comment

પ્રેમાનંદ સ્વામી

સ્વામિનારાયણ સંપ્રદાય ના સંતો-શાસ્ત્રો-સાહિત્ય-સત્સંગ-સેવા-ધર્મ-નિષ્ઠા આજે સમગ્ર દુનિયા મા જ્ઞાત છે, વખણાય છે. તે સ્વયં શ્રીજી નું જ મૂર્તિમંત સ્વરૂપ છે. આ એવો સંપ્રદાય છે કે જ્યાં – સત્પુરુષ મા જ સ્વયં હરિ બિરાજે છે અને જીવ માત્ર ને કલ્યાણ ને માર્ગે જોડે છે. તો આવા સત્સંગ મા- બ્રહ્મ-મહોલ મા રત્નો ની શી કમી હોય. ભગવાન જયારે પોતાના ધામ મા થી પૃથ્વી પર અવતાર ધારણ કરે છે ત્યારે એ પોતાના ધામ-ધામી-મુકતો સાથે જ પધારે છે. અને શ્રીજી મહારાજ વખત ના સદગુરુ નંદ સંતો – નો તો જોટો જડવો મુશ્કેલ છે…….સદગુરુ મુક્તાનંદ, ગુણાતીતાનંદ, ગોપાળાનંદ, પ્રેમાનંદ,બ્રહ્માનંદ,નિત્યાનંદ….વગેરે વગેરે જેવા હજારો સંતો ની જીવનગાથા – એ બીજું કશું જ નથી પણ ભક્તિ નો એક અફાટ દરિયો છે, કે જેમણે શ્રીજી ના એક વચને પોતાના સર્વ સુખો નો ત્યાગ કર્યો અને અત્યંત દુષ્કર એવા નિયમ ધર્મ નું ચોકસાઈ પૂર્વક પાલન કર્યું……….તો સાથે સાથે આ સંતો એ- શ્રીજી ના રાજીપા માટે….લોક્માંત્ર ના કલ્યાણ અર્થે- સુંદર સાહિત્ય ની રચના પણ કરી………જે આજે પણ સત્સંગ મા અત્યંત ભાવ પૂર્વક ગવાય છે.

સદગુરુ પ્રેમાનંદ સ્વામી- પ્રેમસખી

સદગુરુ પ્રેમાનંદ સ્વામી- પ્રેમસખી

પૂ. પ્રેમાનંદ સ્વામી (ઈસવીસન  ૧૭૮૦-૧૮૫૫) એવા જ એક અદભૂત રત્ન હતા……પૂર્વાશ્રમ મા અમદાવાદ ખાતે સુરજરામ ( ??) નામના બ્રાહ્મણ ને ત્યાં જન્મ પણ, જન્મ ના બે-ત્રણ દિવસ મા જ એમનો ત્યાગ કરવામાં આવ્યો અને ડોસાતાઈ નામના મુસ્લિમ ના હાથે એ ઉછર્યા……નુંરતાઈ નામે ( ઘણા હાથીરામ પણ કહે છે) ઓળખાતા આ બાળક ને નાનપણ થી જ સંગીત મા ભારે રુચિ અને ઉજ્જૈન મા અમુક સમય માટે સંગીત નો અભ્યાસ કર્યો. જેતપુર મા – પ્રથમવાર જ શ્રીજી ની મનમોહક મૂર્તિ ના દર્શન થયા….સમય હતો- શ્રીજી નો ગાદી પટ્ટાભિષેક નો……..શ્રીજી ની એ સોહામણી મૂર્તિ જોઈને જ એમનાં મન-હૃદય જાણે કે હણાઈ ગયા……અને બધી વૃતિઓ એમાં જ ખેંચાઈ ગઈ…( અમુક ઇતિહાસકારો કહે છે કે- પ્રેમાનંદ સ્વામી એ શ્રીજી ના દર્શન પ્રથમવાર વડોદરા મા કરેલા……)…ત્યારબાદ તો- નુંરતાઈ ની સઘળી વૃતિ એક સ્વામિનારાયણ ભગવાન મા જ રહેવા લાગી….અને શ્રીજી એ પણ આ જાણી ને ગઢડા ખાતે તેમને રાખી- દીક્ષા આપી અને “નીજબોધાનંદ” એવું નામ આપી- શાસ્ત્રો ભણવા ની આજ્ઞા કરી……પણ સ્વયં શ્રીજી એ જ નિજબોધાનંદ ની સંગીત પ્રત્યે રુચિ જોઈને કીર્તનો રચવા-ગાવા ની આજ્ઞા કરી- અને આશીર્વાદ આપી ને – એ માટે એમને શક્તિ પણ આપી.  ” ફૂલન હિન્ડોરે ઝૂલત લાલ…..” કીર્તન- એમનું પ્રથમ કીર્તન હતું…….અને પછી તો શ્રીજી ના મોહમાં- એમની મૂર્તિ મા એવા તો ખેંચાયા કે “પ્રેમસખી” ના નામે હજારો પદો ની રચના કરી……ધ્યાનમંજરી, વિવેક્સાર,શિક્ષાપત્રી( દોહાવલી), ઉન્મત્તગંગા માહાત્મ્ય, શ્રીહરિ કૃષ્ણ નારાયણ ચરિત્ર ( કે જેમાં લગભગ ૪૦૦૦ જેટલા પદ છે….) એમની અમુક રચના ઓ જગવિખ્યાત છે.  આજે પણ એમનાં દ્વારા રચિત પદો- પ્રભાતિયા , થાળ અને ચેષ્ઠા મા ઘેર ઘેર ગવાય છે……….

પ્રેમાનંદ સ્વામી એ એમની જીવનલીલા ગઢડા ખાતે સંવંત ૧૯૧૧ ( ઈસવીસન ૧૮૫૫) મા સંકેલી. એમનાં ચેષ્ઠા ના પદ અને એ પદો મા શ્રીહરિ ના શરીર પર એક એક તિલ, ચિહ્નો ના દર્શન નું જે સ્વરૂપ વર્ણવ્યું છે…..તે અદભૂત…..અદભૂત છે…………શ્રીહરિ ના શરીર ના ચિહ્નો થી માંડી ને એમની રોજીંદી ક્રિયા ઓ, ચેષ્ઠાઓ …..લીલાઓ…………નું અદભૂત વર્ણન આજે પણ આપણી સમક્ષ સાક્ષાત શ્રીજી ની એ મનભાવન મુરત ને તાદ્રશ્ય કરે છે……એમનાં પદો મા જે ભાવ જોવા મળે છે- તે અદ્રિતીય છે……જોઈએ એક એવું જ પદ……મને ગમતું…….

“તમારી મૂર્તિ વિના મારા નાથ રે ,બીજું મને આપશો મા,

હું તો એ જ માંગું છું જોડી હાથ રે ,બીજું મને આપશો મા…….

આપો તમારા ભક્તજનો નો સંગ રે,મારા જીવ મા એજ ઉમંગ રે……બીજું મને….૦

મારા ઉર મા કરો નિવાસ રે , મને રાખો રસિયા તમ પાસ રે…..બીજું મને…૦

એ જ અરજી દયાનિધિ દેવ રે , આપો ચરણકમળ ની સેવ રે…….બીજું મને…૦

કરો ઈતર વાસના દુર રે, રાખો પ્રેમાનંદ ને હજુર રે………બીજું મને આપશો મા…….”

અદભૂત…..અદભૂત…….ભગવાન પાસે થી બીજું શું માંગવા નું???? મન-હૃદય-અંતઃકરણ ના કદાચ બધા જ ઘાટ અહિયા ઓગળી જાય છે. પ્રેમાનંદ સ્વામી ની આ રચનાઓ- જીવ ને કાયમ ભક્તિસાગર મા આમ જ ભીંજવતી રહેશે……..શ્રીહરિ તરફ પ્રેરતી રહેશે………

ચાલો શુભ રાત્રી……એમનાં દ્વારા રચિત ચેષ્ઠા ના પદો દ્વારા……..”પ્રથમ શ્રીહરિ ને રે ચરણે શીશ નમાવું …….નૌતમ લીલા રે ,નારાયણ ની ગાવું “

જય સ્વામિનારાયણ

રાજ


6 Comments

હરિકૃષ્ણ મહારાજ ની જય હો……….

૨૩ ફેબ્રુઆરી….સાંજ ના બરાબર ૬.૨૫ ..સ્થળ- શ્રી યોગીજી મહારાજ હોસ્પિટલ………..અને એ પલ….એ જ ક્ષણ…..અને એ જ પ્રથમ રુદન ..જાણે કે ઊર્મિ નો એક તરંગ બની ને મારા હૃદય ની આરપાર વહી ગયું…….નેત્ર એકવાર માટે તો વિહવળ બની ગયા ..અને જપમાળા પર દબાયેલી આંગળીઓ જાણે કે સખ્ત બની ગઈ અને જીભ  સ્વામીનારાયણ..સ્વામીનારાયણ……જાપ માં જાણે કે અટવાઈ ગયા…! પ્રથમ વાર જ પિતા બનવું કે રીના માટે પ્રથમ વાર જ માતા બનવું એટલે શું? સવાલ નો જવાબ..અવર્ણનીય છે…..અવ્યાખ્યાયિત છે………બસ અમને જુઓ કે પોતાના સ્વાનુભવ વાગોળો તો તમે અમારી સ્થિતિ ને સમજી શકશો………

એ ખાસ પલ હતી- મારા વ્હાલા દીકરા હરિકૃષ્ણ ના આ સંસાર માં આગમન ની……માતા ના ગર્ભમાં થી બહાર આવતા જ એનું રુદન – એ એક અદ્ભુત અનુભવ હતો…….દીકરી છે કે દીકરો? એની પળોજણ માં હું અને રીના ક્યારેય પડવા માંગતા નહોતા……અમારા માટે તો- જે સંતાન હોય તે- એ મારા વ્હાલા શ્રીહરિ ની પ્રસાદી જ હતી આથી એનો જન્મ…એનું અવતરણ – એ અનેક એષણાઓ નો સરવાળો હતો…..બસ અનેક તમન્નાઓ..અનેક સ્વપ્નો કે એની આંખે દુનિયા ને એક અલગ અંદાજ માં નિહાળવા નો મોકો હતો……! અને જયારે ડોક્ટર્સ ની ટીમે- સબ સલામત ના સમાચાર આપ્યા ત્યારે- જાણે કે હૈયું ભરાઈ ગયું અને લેબર રૂમ ના રેડિયન્ટ વર્મર નીચે નાના નાના હાથ-પગ ઉછળતા જોઇને તો એક પળે તો એવું લાગ્યું કે હું કદાચ રોઈ જ પડીશ……પણ બીજી જ પળે- ડોક્ટર્સ ના અવાજે મને સ્થિર કરી દીધો……..અને સાથે સાથે મારી આંખો એની નાનકડી પણ વિસ્ફારિત આંખો પર સ્થિર થઇ ગઈ…….એ ચારેતરફ જોઈ રહ્યો હતો………જાણે કે નવા વિશ્વ ને..નવી માયાજાળ ને માપવા નો પ્રયત્ન કરી રહ્યો હતો……..! રીના હોશમાં હતી- પણ હજુ એણે નાનકડા હરિ ને જોયો ન હતો…….મેં ફટાફટ ફોટા ખેંચી ને- એને બતાવ્યા…..અને એના મુખ પર જે અસીમ સંતોષ જોયો…એને હું કદાચ આજીવન ભૂલી નહિ શકું………! એક ” માં” હોવા ની લાગણી શું હોય??? એ કદાચ તાદ્રશ્ય અનુભવી હતી………..

અને પછી તો શરુ થયો- ફોન-સંદેશા ઓ નો અનંત દોર……જે કલાકો સુધી ચાલ્યો…….અને પછી ના દિવસો માં તો- હોસ્પિટલ પર સ્નેહીઓ નો -પોતાના લોકો નો જમાવડો……………અને એક સતત પૂછાતો સવાલ……હરિ કોના જેવો દેખાય છે?????? તો એની ફોઈ ઓ- એની રાશી શોધી લાવી અને નામ પણ પાડવા લાગી- પણ આં તો શ્રીજી ની પ્રસાદી હતી…….અને એનું નામ પણ…એની રાશી પણ..શ્રીજી એ જ જાણે કે પહેલે થી જ નક્કી કરી હતી………રીના અને હું- હરિ ના જન્મ પહેલા થી જ જાણે કે એનું નામ જાણતા હતા…..અને એના નામ ની મહાપૂજા ઓ પણ લખાવવા ની શરૂઆત કરી દીધી હતી……..અને એ નામ પર પુ.મહંત સ્વામી જેવા સિદ્ધ પુરુષે પણ આશીર્વાદ આપી દીધા………આથી- એનું નામ થઇ ગયું..હરિકૃષ્ણ……….! આમ તો- હરિઅનન્ત અને હરિકૃષ્ણ – બે નામ વિચારેલા પણ- છેવટે- બધા ની સહમતી…સ્વયમ શ્રીહરિ ની સહમતી- હરિકૃષ્ણ નામ પર આવી ને અટકી…………..

હરિકૃષ્ણ ના જન્મ ની સાથે શરુ થયો- જવાબ્દ્દારીઓ અને ઉજાગરા નો નવો દોર……..જે અમારા જેવા નવશીખીયા માતા-પિતા માટે થકવી નાખનારો હતો પણ- હરિ ની નાનીમા અને દાદીમાં -બંને હાજર હતા આથી- મહદ અંશે – થાક ઓછો થઇ શક્યો………પણ ઉજાગરા હજુ ચાલુ જ છે……….અને આવનારા બે-ત્રણ-ચાર….કે વધુ મહિના માટે ચાલુ રહેશે………જોઈએ- આ સંસાર અમને શું શું દેખાડે છે?????

જુઓ હરિકૃષ્ણ ના પગલા ની છાપ………જે અમારા માટે -તેના માટે સમગ્ર જીવન ની અમીટ યાદગીરી રહેશે…………

હરિકૃષ્ણ ના પ્રથમ પગલા......

હરિકૃષ્ણ ના પ્રથમ પગલા……

બસ…….તો હરિકૃષ્ણ ની આ હરીકથાઓ હવે ચાલુ જ રહેશે…….રોજ નવા પરાક્રમો કે રોજ નવા નાટકો……હૃદય ને આમ જ લુભાવતા રહેશે….પણ આ બધા વચ્ચે- એ અંતિમ સત્ય નથી ભૂલવાનું કે- એક ભગવાન જ સર્વ નો કર્તા-હર્તા છે…..અને આ એની જ માયા છે……..એના રાજીપા માટે જ જીવવા નું છે. મને મારા દીકરા પર વિશ્વાસ છે કે- એ પણ પોતાના હરિ માટે- પોતાના ગુરુ માટે- એમના રાજીપા માટે જ જીવી જાશે…….! લોકો- પોતાના સંતાનો માટે મોટા મોટા સ્વપ્ન જુએ છે- પણ હું જોવા નથી માંગતો કારણ કે- એ પોતે જ એક સ્વપ્ન લઇ ને આવ્યો છે…….શ્રીજી ના સ્વપ્ન..સંકલ્પો પુરા કરવાનું……..! અને બસ આ પલ ને-ક્ષણ ને હું મનભરી ને માણવા માંગું છું………બીજું કશું વિચારવા માંગતો નથી…….

ઉજાગરા ચાલુ જ છે……..

રાજ…