Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

એક યાત્રા સાવજ ને નામ…..

“એક યાત્રા સાવજ ને નામ…” …પોસ્ટ નું ટાઇટલ જોઈને ચમકી ગયા ને?? ભઈ…..ચમકી જ જવાય….કારણ કે- એમાં સાવજ છે……એ પણ ડાલમથ્થો…..! હાહાહા……હું વાત કરું છુ સમગ્ર એશિયા ખંડ ના એકમાત્ર સિંહ અભ્યારણ્ય- ગીર અભયારણ્ય ની…..! ઘણા વર્ષ થી ત્યાં જવાની ઈચ્છા હતી …..પણ મેળ ન પડ્યો…..ખુદ વનરાજ પણ એની પ્રતીક્ષા માં છેક ચોટીલા સુધી આવી ગયા……પણ અમારું સાવજ દર્શન નું તપ એ તપ જ રહ્યું…..છેવટે એ વર્ષો નું તપ…હવે સિદ્ધ થયું. અમારા સત્સંગી ..પરમ મિત્ર દ્વારા પ્રસ્તાવ આવ્યો…ઉત્તરાયણ ની રજાઓ ની અનુકૂળતા થઈ …પત્ની ની મંજૂરી મળી …અને છેવટે આયોજન બરોબર ગોઠવાયું. બે દિવસ નો પ્રવાસ- જેમાં ગોંડલ, સાસણ ગીર, સોમનાથ..જુનાગઢ નો પ્રવાસ ગોઠવાયો……તો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ ..આયોજન અને અનુભવ…અને છેલ્લે વણમાગી “રાજ” સલાહો…….. 🙂

 • સૌપ્રથમ ઓનલાઈન સંશોધન શરૂ થયું…..ઘણીબધી વેબસાઈટસ છે..પણ સરકારની પોતાની સાઇટ્સ પર નજર નાખી…તમામ માહિતી ખંખોળી ને નક્કી કર્યું કે- સિંહ સફારી નું ઓનલાઈન બુકિંગ કરવામાં આવે……જંગલમાં જ હોય- તેવા સસ્તા..સારા…જમવામાં સાનુકૂળ હોય એવા રિસોર્ટ્સ માં રહેવું……
 • સફારી માટે- આમાં બે વિકલ્પ છે ..1) એકાદ કલાક ની ટૂંકી સફારી (જે દેવળીયા કરી ને સાસણ ગીર નો ભાગ છે ત્યાં થી ઉપડે- અને બસ અથવા જિપ્સી માં જઇ શકાય) 2) બે ત્રણ કલાક ની લાંબી સફારી…જે ગીર ના સિંહ સદન થી ઉપડે અને ખુલ્લી જિપ્સી માં લઈ જાય…..હવે આ બે ઓપ્શન માં ટ્રીક છે……પહેલા વિકલ્પ માં – બસ સસ્તી અને સારી પડે – 150 થી 190 રૂપિયા માં પ્રતિ વ્યક્તિ એ પૂરું થઈ જાય જ્યારે જિપ્સી માં 6-7 વ્યક્તિ વચ્ચે 3500-4000 રૂપિયા નો ખર્ચ થાય……બીજા વિકલ્પ માં લાંબી સફારી જેને વાઇલ્ડ લાઈફ માં રસ હોય…તેના માટે સારી….કારણ કે એમાં સિંહ દેખાય પણ ખરો અને ન પણ દેખાય…..જ્યારે કલાક ની યાત્રા માં – ટ્રેકર્સ ની મદદ થી સિંહ, દીપડા,હરણ,નીલગાય,શિયાળ..બધુ જ દેખાડે……અને અમે એટ્લે જ બસ માં ગયા….અને બધા ના દર્શન નો લાભ લીધો……હરિ ને તો જલ્સા જ પડી ગયા……!!

IMG_20200114_134031

 • બસ ની સફારી કલાક ની હોય આથી ઓનલાઈન બુક કરાવો કે ત્યાં દેવળીયા જઈ ને ટિકિટ લો તોપણ ચાલે…..જ્યારે બે ત્રણ કલાક ની સફારી માટે – ઇચ્છિત સમય માટે એડવાન્સ બુકિંગ કરાવવું સારું……ઓનલાઈન બધી જ સગવડ છે…..બસ થોડુક કષ્ટ લો……નિયમો વાંચો અને આગળ વધો…

 • એ જ રીતે સાસણ ગીર માં ઢગલાબંધ હોટલ્સ, રિસોર્ટ્સ અને ફાર્મ હાઉસ છે……નેટ અને મિત્રો ના અનુભવ થી ..સલાહ થી અમે ફાર્મ હાઉસ પસંદ કર્યું- જે એકદમ શાંત…ભોજદે ગામ નજીક ..નદી કિનારે હતું…..રહેવાનુ એકદમ શાંત….જમવાનું એકદમ ઘર જેવુ શુદ્ધ દેશી ….અસલ કાઠિયાવાડી…! સ્વિમિંગ પુલ..કેમ્પ ફાયર ની સગવડ પણ હતી…..હરિએ તો જલ્સા થી એનો લાભ લીધો…..!! તમે પણ બધી તપાસ કરી ને એનો લાભ લઈ શકો……અમે રાત્રે દેશી જમણ નો લાભ લીધા પછી અદ્ભુત કેમ્પ ફાયર અર્થાત તાપણી નો લાભ લીધો…..ફાર્મ હાઉસ માં- કેસર કેરી ના આંબાવાડી માં – અમારી રમ થી થોડેક જ દૂર -શિયાળ ને ફરતા પણ જોયા….અને તપાસ કરતાં જાણવા મળ્યું કે- જો અહી શિયાળ આવી શકતા હોય તો- સિંહ પણ આવી શકે…!!! ઑ બાપ રે…!!

 • અઢળક ઠંડી માં લાભ લઈ અમે- સવારે શાંતિ થી ઉઠ્યા….પેટભરી ને નાસ્તો કરી સોમનાથ જવા રવાના થયા….માત્ર 35-40 કિમી દૂર છે……ત્યાં પહોંચ્યા અને મંદિર નો નજારો જોઈ ખુશખુશાલ થઈ ગયા…જેનો હજારો વર્ષ નો ઇતિહાસ છે….અનેકો વખત વિધવંશ થયું છે….હજારો લોકો એ જેના માટે પોતાની આહુતિ આપી છે……તેના મહિમા નું શુ ગાન કરીએ!! અદ્ભુત સમુદ્ર કિનારો….મસ્ત ઠંડી નો માહોલ અને જ્યોતિર્લીંગ ની સાક્ષાતતા નો અનુભવ..!!! અદ્ભુત…..અદ્ભુત…! સોમનાથ મંદિર ની સામે જ એક નાનું મંદિર છે- જે મૂળભૂત જૂનું મંદિર કહેવાય છે- તેમાં પણ દર્શન નો લાભ લીધો………એ પછી મંદિર ની પાછળ જ આવેલા કોકિલાબેન ધીરુભાઈ અંબાણી ના યાત્રી ભવન માં પંજાબી જમણ નો લાભ લઈ – સોમનાથ મ્યુજીયમ જોવા ગયા પણ બુધવારે રજા હતી એથી ધક્કો પડ્યો …પછી તો સોમનાથ ના પ્રખ્યાત સ્થળો ની મુલાકાત લેવા છકડા રિક્ષા ને ભાડે કરી….350-400 રૂપિયા ના ભાડા માં- બાણ ગંગેશ્વર મહાદેવ( દરિયા કિનારે છે) , ભાલકા તીર્થ, ત્રિવેણી સંગમ, પાંડવ મંદિર, સૂર્ય મંદિર, રામ મંદિર અને સમુદ્ર ચોપાટી નો લાભ લીધો……દરિયો કિનારો સારો છે…….તમે ત્યાં ઊંટ ની સવારી, ઘોડે સવારી, બોટિંગ નો લાભ લીધો……ઢગલાબંધ ફોટા લીધા છે….જેને મિત્રો સાથે વહેંચવામાં આવ્યા છે……

ત્રિવેણી સંગમ…

 • યાત્રામાં આ દેહ ના રંજન ની સાથે જીવનું સુખ પણ જોવું પડે ને…!! તો અમે જ્યારે રાત્રે ઘરે થી નીકળ્યા ત્યારે સૌપ્રથમ વહેલી સવારે ગોંડલ અક્ષર મંદિર પહોંચી ગયા…..સ્નાનાદિક ,પુજા કરી ને અક્ષર ડેરી એ સ્વયં અનાદિ મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી દ્વારા પૂજિત હરિકૃષ્ણ મહારાજ ના કેસર જળ દ્વારા અભિષેક નો લાભ લીધો….પ્રદક્ષિણા કરી…..મહાપૂજા નો લાભ લીધો અને ઉપર ઘનશ્યામ મહારાજ ની મંગળા આરતી નો અદ્ભુત લાભ મળ્યો…..!! અદ્ભુત અદ્ભુત…….! ત્યારબાદ , નાની બજાર માં આવેલા જૂના સ્વામિનારાયણ મંદિર કે જ્યાં ગુણાતીતાનંદ સ્વામિ એ દેહત્યાગ કર્યો હતો- તેના દર્શન કર્યા…..અને પછી સોમનાથ મહાદેવ ના દર્શન…વળતી વખતે- જુનાગઢ મંદિર માં ઠાકોરજી ની શયન આરતી નો અદ્ભુત લાભ મળ્યો…..! એકદમ શાંત ..શીતળ વાતાવરણ અને શયન આરતી ના પદો ની હુંફ………ખરેખર અવિસ્મરણીય લાભ મળ્યો..!!!

તો- અમારી યાત્રા બે દિવસ ની હતી પણ અદ્ભુત હતી…..રસપ્રદ હતી……તન મન ને પ્રફુલ્લિત કરનારી હતી……..

તો ચાલો માણીએ મારી વણમાગી સલાહો…….

 • સાસણ ગીર નો આ પ્રવાસ – જીવન માં એકવાર તો અચૂક કરવો….પણ પૂરતો સમય લઈને જવું……અમદાવાદ થી સાસણ ગીર પહોંચતા 6-7 કલાક લાગે- વળી રાજકોટ હાઇવે પર અત્યારે કામ ચાલે છે તેથી યાત્રા થોડીક ધીમી થાય……પણ સાસણ ગીર નો પ્રવાસ કરવો હોય- કુદરત ને મનમૂકી ને માણવી હોય તો- ઓછામાં ઓછા બે ત્રણ દિવસ ત્યાં- જંગલમાં ફાર્મ હાઉસ માં રોકાવાય તેવું કરવું…..સારો કેમેરો પાસે રાખવો…..ઠંડી ની ઋતુ માં જ જવું……ઉનાળા માં કાળજાળ ગરમી માં અહી સફારી કરવી શાણપણ ભર્યું નથી……..બસ માં સફારી કરવી- એ મારા મતે યોગ્ય વિકલ્પ છે…..બાકી જિપ્સી પણ સારી જ છે….પણ મોંઘી લાગી શકે…..
 • સાસણ ગીર થી સોમનાથ, દીવ નજીક પડે…….સોમનાથ માં રાત્રે લેસર લાઇટ શો થાય છે……ત્યાં રોકાવા ના અઢળક વિકલ્પ છે……..અંબાણી પરિવાર દ્વારા નિર્મિત ગેસ્ટ હાઉસ પણ છે…….
 • સોમનાથ માં આખો દિવસ જાય એટલા બધા જોવાલાયક સ્થળ છે……રિક્ષામાં જ ફરવું…..એમાં પણ ત્રિવેણી સંગમ માં અત્યારે સાયબેરિયા ના પક્ષીઓ આવ્યા હોય છે…….કપિલા, હિરણ અને સરસ્વતી નદી નો સંગમ…….પાસે જ શ્રીકૃશ્ન ભગવાન ના અંતિમ સંસ્કાર થયા હતા એ સ્થળ……અદ્ભુત જગ્યા છે…….લિસ્ટ લાંબુ છે……..આથી સમય પૂરતો લઈને જાવું…….ચોપાટી પ્રમાણ માં ચોખ્ખી છે……સાંજ નો નજારો અદ્ભુત હોય છે…..આથી એ સમયે જાઓ તો ખૂબ મજા આવશે…..
 • યાત્રા લાંબી છે…..આથી આયોજન એ મુજબ કરવું…….અહી થી દીવ જઈ શકાય …..અમદાવાદ પરત આવતી વખતે રસ્તા માં જેતપુર આવે..જુનાગઢ પણ આવે……જુનાગઢ માં પણ અઢળક જોવાલાયક સ્થળ છે…….જેનો લાભ લઈ શકાય…..

તો- ટૂંક માં મન હોય તો સાસણ ગીર જવાય…..બધે જવાય…..અને લાભ લેવાય…..! બોલો ..તમે શું કહો છો???

બસ- ફરતા રહો……કારણ કે ચાલતા રહેવું એ જ જીવન છે……..!

રાજ


Leave a comment

આજકાલ-28/11/2019

……??? શુ કહું?? જીવન માં અમુક પ્રશ્ન એવા હોય છે કે…ઘડીકવાર થાય કે આ પ્રશ્ન ઉભો જ કઇ રીતે થયો? ખરેખર …આવા પ્રશ્ન ની જરૂર હતી??? વગેરે…વગેરે……ચાલ્યા કરે….!આખરે જીવન ની વ્યાખ્યા જ એ છે કે…..જે અનિશ્ચિત છે..તે જીવન છે……! અને પ્રશ્ન ની માયાજાળ પર તો પ્રશ્નોપનિષદ  રચાયું છે…તો આપણે કઈ વાડી ના મૂળા??? 😊

છોડો હરિકથા…..અને ચાલો જોઈએ શુ ચાલે છે આજકાલ???

 • આજે દિવ્ય ભાસ્કર માં આવ્યું છે કે…” ઇન્ડોનેશિયા માં લગ્ન પહેલા 3 મહિના નો કોર્સ ફરજીયાત….ફેલ થાય તો લગ્ન નહીં કરી શકે…” 😊😊 હાહાહા….. મને વિચાર આવે છે કે ભારત માં આવું કર્યું હોય તો?? સાલું..પ્રશ્ન જ એવો છે કે ઊંધા થઈ જવાય…!! લગ્ન પહેલા બધે જ સારી સારી સ્કીમ ચાલતી હોય છે….અને જેમ જેમ લગ્ન માં સમય પસાર થતો જાય તેમ તેમ ચળકાટ ઉતરતો જાય અને બરછટ સપાટી ઉપર આવે અને તમને છોલી નાખે…!! ભારત માં લગ્ન ખાલી બે વ્યક્તિ વચ્ચે નથી થતો…પણ આખું ગામ એમાં ભળેલું હોય છે….આથી પ્રશ્નો એક તરફ થી નહિ પણ અણધારી દિશામાં થી યે આવી શકે….!! એમાં આવા કોર્સ ની શુ હાલત થાય…?? મારો હરિ જાણે….🙄🙄🙄
 • મહારાષ્ટ્ર માં ભવાઈ ની ભાંજઘડ– ખરેખર મહારાષ્ટ્ર ના લોકો ને જોઈ ને દયા પણ આવે છે ‘ને હસવું પણ…..!! બધા પક્ષ પોતપોતાની ચડ્ડી ઓ ધોવા મંડ્યા છે….ને બિચારી જનતા વિચારે છે કે મારા વોટ ની કિંમત શુ?? સૌથી મોટો પક્ષ જેની સાથે ચૂંટણી લડ્યો તે તેની સામે જ આજે ઉભી છે…..ચોથા ક્રમે ધકેલાયેલી પાર્ટી આજે જનતા ના માથે બેસી રહી નાચી રહી છે…..અને જનતા….???? હશે…. ઘણીવાર જનતા પણ પદાર્થ પાઠ ને લાયક જ હોય છે……ઠેબે ચડે તો જ લોકશાહી માં શુ કરવું..ન કરવું સમજાય…!!
 • ખેડુતો ની રામાયણ- સાલું….એક તર્ક શાસ્ત્ર સમજાતું નથી કે…..ઓછો વરસાદ પડે તો યે સરકારે વળતર આપવા નું……ને વધારે વરસાદ પડે તો યે ખેડૂતો ને વળતર આપવા નું…!! અલ્યા…જેમાં તમને નફો ન મળતો હોય તો એવો ધંધો બંધ કરી..બીજું કૈક કરો ને……જનતાના મફત ના પૈસે જલસા કરવા ને બદલે..!! પાછી દાદાગીરી કેવી…….કે અમારી મગફળી ભીની હોય કે સડેલી…….સરકારે તેને નિશ્ચિત ભાવે ખરીદવી જ પડશે…..નહીંતર આંદોલન કરશું…! ઓત્તા રી……કુદરતી આફત આવે કે તમારી અજ્ઞાનતા….પાક નિષ્ફળ જાય તો સરકાર જવાબદાર?? અને જો વળતર ન આપે તો સરકાર સામે દાદાગીરી થી બાંયો ચડાવવા ની??? ખેતી સિવાય ના કયા ધંધા માં આટલા બધા જલસા છે??? જનતા અહીં ટેક્સ ભરી ભરી ને મરી જાય ને…ખેતી નામે વેપલો કરતા ખેડૂતો એક પાઈ પણ ટેક્સ ચૂકવ્યા વગર……મફત નો વીમો….મફત નો લઘુતમ ભાવ….મફત નું વળતર…..ચાઉ થઈ જાય તેવી વગર વ્યાજ ની લૉન……મફત વીજળી…..વગેરે..વગેરે…..મેળવે છતાં ઉણા ને ઉણા….. રોતા ને રોતા…!! ખરેખર …ખેડૂતો ને આવી ટેવો પાડી….. વોટબેંક ની રાજનીતિ કરનાર પીંઢારાઓ ને છડેચોક લટકાવવા જોઈએ….!! ખેતી કરવી કોઈ સેવા નથી…..એ એક ધંધો છે…ધંધામાં નફો પણ હોય અને નુકશાન પણ હોય…..ખેડૂતો એ આ વાત સમજવી જોઈએ….જવાબદારી સ્વીકારવી જોઈએ….અને દેશ ને લૂંટવામાં નહિ…..એના ઘડતર માં યોગદાન આપવું જોઈએ…! ઘણા ખેડૂતો આજે વૈજ્ઞાનિક પદ્ધતિ થી ખેતી કરી લાખો રૂપિયા કમાય છે….દેશ નું નામ ઊંચું કરે છે……
 • અત્યારે ન્યુઝ ચાલે છે……ડુંગળી ના ભાવ આસમાને….!! ન્યૂઝચેનલ છેલ્લા અડધો કલાક થી આ ફાલતુ મુદ્દા પર ચર્ચાઓ કરી રહી છે…..શુ આટલું હલકું લેવલ છે આપણા મીડિયા નું??? દેશમાં બીજા અનેકો મુદ્દા છે ચર્ચા કરવા…પણ ડુંગળી….!!! ?? હદ થાય છે….એક ડુંગળી ના ભાવ વધારા ને લીધે જે દેશ ની સરકારો ને હલાવવા માં આવતી હોય…તે દેશ..તે દેશ ની જનતા નો…બસ ભગવાન જ મલિક છે….!!! 😢😢😢
 • ઠંડી…..ડિસેમ્બર શરૂ થવા નો છે…ને હજુ પંખા ચાલુ કરવા પડતા હોય તો શું વિચારવું??? મિત્રો કહેતા હતા કે…આ વખતે છેક માર્ચ સુધી ઠંડી પડશે……!! જો એવું થાય તો …કેરીઓ ક્યારે આવશે?? …હાહાહા…….જે હોય તે…..અત્યારે તો હરિ…ઠંડી નું બહાનું કાઢી….સવારે વહેલા ઉઠવા માં ચરિત્ર કરે છે…..!!!

બજાર માં મેથી ની ભાજી સરસ મળતી થઈ ગઈ છે………………તો શું??? શું એટલે…?? યાર…..ગરમાગરમ ગોટા બનાવવા ના….ને મસ્ત મજા ની કેપેચીનો કોફી….!!! મજ્જા ની લાઈફ….!!

કેફ માં રહેવું….કેફ માં રહેવું…..!

રાજ


1 Comment

ચાલ ને જરાક…….

મારુ કવિ હૃદય જાગી ઉઠ્યું છે…..ચાલો સાથે વહીએ…..

ચાલ ને ભાઈ….કૈક વાત કરી લઈએ,
હાથ ખિસ્સામાં થી બહાર કાઢી, થેંક્યું કરી લઈએ….0


બુમાબુમ શુ કામ નાહક ની કરવી,
ચાલ ને કૈક વિવાદ વચ્ચે થોડોક સંવાદ કરી લઈએ….0


હું કરું ..હું જ કરું….એમ મિથ્યા રટણ છોડી,
ચાલ ને થોડોક નિમિત્ત ભાવ ભજવી લઈએ…..0


જગત પાછળ તો ઘણું ભાગ્યા હો “રાજ”
ચાલ ને જરાક અંતર માંહી હરિ ને શોધી લઈએ…..0

હરિ …”હરિ” ની શોધમાં..

રાજ


Leave a comment

G ફોર જૂઠ…..

??? …વિચારમાં પડી ગયા ને…!! હારું….આવું કેમનું?? આજે સવારે હરિ વેકેશન નો મહિમા ગાતા ગાતા છાપું વાંચવા નો પ્રયત્ન કરી રહ્યો હતો….સાથે સખો ક્રિશ એની સાથે હતો….

હરિ બોલ્યો….પપ્પા આ શું લખ્યું છે??

હું…” જૂઠ”

હરિ…ક્રિશ ઇંગ્લિશ માં જૂઠ ને કઈ રીતે લખાય?

ક્રિશ….”મને શું ખબર??”

હરિ…”G ફોર જૂઠ…… એમ લખાય…”

હું….” G ન આવે J ફોર જૂઠ આવે…..”

હરિ…..” એમ ન હોય….G ને જી કહેવાય તો જૂઠ નો “જ” આવે તો G ન લખાય??”

,🤔🤔🤔🤔🤔🙄🙄😄😄😄

શુ કહેવું?? મને ભવ્ય ભૂતકાળ ની ચુપકે ચુપકે ફિલ્મ નો ધર્મેન્દ્ર અને ઓમપ્રકાશ નો ડાયલોગ યાદ આવી ગયો…..જુઓ લિંક…હાહાહા..

હહાહાહા….

ખરેખર English is a funny language…..you can walk english…you can talk english….!!

😃😃😃🤓🤓🤓😂😂

રાજ


Leave a comment

રેવા ને કિનારે કિનારે…..

ઘણીવાર આપણે અતિ કઠિન એવી રેવા નદી કે નર્મદા ની પરિક્રમા વિષે સાંભળીએ છીએ….સાક્ષર અમૃતલાલ વેગડ ના પુસ્તકમાં વાંચીએ છીએ….પણ અહી નર્મદા મૈયા ની પરિક્રમા ની વાત નથી….કારણ કે આપણે એ લાયક નથી….છેક પુરાણો માં પોતાની હાજરી પુરાવી ચૂકેલી આ એકમાત્ર નદી ની પરિક્રમા એના મહિમા જેટલી જ સર્વોપરી છે…..છતાં સંસાર ના ખડકાળ સ્થિતિ ઓ માં ફસાયેલા આ જીવ માટે લગભગ 1312 કિમી ની ત્રણ વર્ષ થી વધુ સમય માં પાર થતી આ પરિક્રમા આ જીવન માં તો શક્ય નથી જ ….! છતાં અમદાવાદ ની સરહદ પર લહેરાતી વિશાળ કેનાલો જોઈને – નર્મદા મૈયા ના ખોળામાં કમસેક્મ ડૂબકી લગાવવા ની ઈચ્છા તો થઈ જ જાય છે……..

જીવન માં આ શુભ ઘડી ક્યારે આવે? તેની પ્રતિક્ષા હતી અને હરિ દયા એ ઘડી આ શરદ પુર્ણિમા એ…ગુણાતીત પ્રાગટ્ય દિવસે ગોઠવાઈ……પરિવાર ના વડીલ બંધુઓ એ આયોજન કર્યું અને અમે સૌ રાત્રિ ના અંધારા ને ચીરી ને બસ ના ખોળા માં ગોઠવાઈ ગયા……હેતુ હતો માં રેવા ને કિનારે ભારત ના ગૌરવ એવા સરદાર પટેલ ની જગ વિખ્યાત સૌથી ઊંચી પ્રતિમા ના દર્શન મુલાકાત કરવી…..એની નજીક આવેલા ધરખડી અભયારણ્ય અને ઝરવાણી ધોધ ની મુલાકાત લેવી….સમય વધે તો નીલકંઠ ધામ પોઇચા અને કુબેર ભંડારી મંદિર ની પણ દર્શન મુલાકાત લેવી…..

સમય નક્કી થયો રાત્રી ના બે વાગ્યા નો…..થોડોક વહેલો હતો પણ જરૂરી હતો….કારણ કે પરિવાર ને અલગ અલગ સ્થળો થી એકત્રિત કરવા નો હતો….તો છેવટે અમારી સવારી ઉપડી….રોડ સારો હતો….અને સૌપ્રથમ અમે પહોંચ્યા ઝરવાણી ધોધ ..જે ધરખડી અભયારણ્ય માં સ્થિત છે….તમે કાર ,બસ છેક અંદર લઈ ને જઇ શકો છો….એન્ટ્રી ચાર્જ લાગે, પણ અંદર નો માહોલ જોઈ ખુશ થઈ જવાય એવું છે…..ચોમાસા માં જ સક્રિય થતા આ ધોધ નું અત્યારે રી ડેવલોપમેન્ટ ચાલી રહ્યું છે, આથી ધોધ સુધી પહોંચવા ચાલવું પડે….નાના ઝરણાં ને ઓળંગવા પડે….અને લગભગ 15 મિનિટ પછી તમે તયાં પહોંચી શકો…..ત્યાં પહોન્ચો એટલે મહેનત વસૂલ થઈ જાય….! અદભુત નજારો….અને અમે સસવારે 8 વાગ્યા ની આસપાસ ત્યાં પહોંચ્યા હતા એઆથી અમારા સિવાય ત્યાં કોઈ જ ન હતું…એક આઆદિવાસી છોકરી અમને ધોધ સુધી દોરી ગઈ …બધા એ ખૂબ જ મજા માણી….હરિ તો કપડાં બદલ્યા વગર જ કુદી પડ્યો….હાહાહા….!!

અમારા ટુર ઓપરેટરે ગરમાગરમ નાસ્તો બનાવી રરાખ્યો હતો…બધા ને ખૂબ ભૂખ લાગી હતી આથી મન મૂકી ને તૂટી પડ્યા….! હું ગયા પ્રવાસ ની જેમ આ વખતે પણ, હરી ના ચપ્પલ ને લેવા જતા લપસી પડ્યો અને એક ધારદાર પથ્થર મારા હાથ માં ઘૂસી ગયો… લોહી ચાલુ થઈ ગયું પણ જાણે શ્રીજી એ સહાય મોકલી હોય તેમ એક 108 એમ્બ્યુલન્સ ત્યાં થી પસાર થતી હતી અને મને પ્રાથમિક સારવાર મળી ગઈ…!!

છેવટે નાસ્તો કરી અમારું ગ્રૂપ Statue of Unity પહોંચ્યું… એડવાંસ માં ટિકિટ બુક થાય છે આથી અમને રવિવાર હોવા છતાં બહું ભીડ નો સામનો કરવો ન પડ્યો અને પાર્કિંગ માં થી જ દુનિયા ની સૌથી ઊંચી પ્રતિમા જોઈ મસ્તક ગર્વ થી ઊંચું થઈ ગયું…..!! નરેન્દ્ર મોદી ની દૂરંદેશી… રાષ્ટ્ર ભક્તિ… દેશ ને જગતગુરુ બનાવવા ના સર્વોપરી પ્રયાસ ને કોટી દંડવત કરવા ઘટે….!!! થોડુક ચાલવું પડે પણ એ પછી ઠેર ઠેર સલામતી વ્યવસ્થા… વ્હીલચેર અને એસ્કેલેટર ની સુવિધા… એક્દમ સ્વચ્છ અને આધુનિક વોશરૂમ અને પીવાના પાણી ની વ્યવસ્થા… ખૂબ જ સહયોગી કર્મચારીઓ અને ઠેર ઠેર ફ્રિ બસ સેવા….!!! ખરેખર અદ્ભુત હતા… બાકી સરકારી તંત્ર પાસે આટલી બધી અપેક્ષા ન રખાય…. 😀બસ એક વાત ખૂંચી…. સ્ટોર માં ટી શર્ટ ખૂબ જ મોંઘી હતી….!

મે ફ્રિ બસ સર્વિસ માં સરદાર સરોવર ડેમ અને ફ્લાવર વેલી જોવા ગયા.. જ્યાં હજુ કામ ચાલુ છે અને મારું માનવું છે કે, બે વર્ષ પછી આ સમગ્ર વિસ્તાર ધમધમતો હશે… નવું પ્રાણી સંગ્રહાલય પણ બને છે… હેલિકોપ્ટર સેવા બંધ છે….rafting ચાલુ છે…..સાંજે અદ્ભુત લેસર શો થાય છે પણ એ અમારા પ્લાન માં ન હતું એથી છોડવું પડયું…

એક સજેશન… SOU આવવું હોય તો ચોમાસા પછી ઠંડક થાય ત્યારે જ આવવું… બાકી ગરમી અહીં જાલીમ પડે છે….!!

જમવા નુ તૈયાર હતું… આથી પેટપુજા કરી થોડોક આરામ કરી પોઈચા નિલકંઠ ધામ જવા નીકળ્યા… ત્યાં થી બે એક કલાક નો રસ્તો છે….. નર્મદા નદી ના વિશાળ પટ ને કિનારે સ્થિત આ વિશાળ મંદિર પરિસર ખૂબ જ સુંદર છે… અમે પહોંચ્યા ત્યારે શ્રીજી ની ઢોલ નગારા સાથે હાથી ની સવારી નીકળી હતી…. અદ્ભુત સવારી….!! સર્વ દેવો.. અવતારો ની સ્થાપના અહીં થઇ છે…. શ્રીજી ની મૂર્તિ દક્ષિણ ભારત પદ્ધતિ થી અલંકૃત છે …. બેઠેલી મુદ્રા અદ્ભુત છે…

દર્શન, કોફી નાસ્તો કરી મા નર્મદા ને પાર કરવા બોટ ભાડે કરી….. નિલકંઠ ધામ ના સામે ના કિનારે જ કુબેરેશ્વર મહાદેવ નું પ્રાચીન મંદિર છે… એની નજીક માં જ નારાયણ બલી માટે જાણીતું ચાંણોદ છે….. નદી નો પટ એટલો વિશાળ કે બોટ માં એક કિનારે થી બીજે કિનારે પહોંચતા 15 થી 20 મિનિટ થાય…. કુબેર ભંડારી નો કિનારો ઉંચો છે અને સીડી ઓ સીધી છે… જેના પગે પ્રશ્ન હોય.. તેના માટે આ સ્થળ નથી…. ત્યાં થી નિલકંઠ ધામ પરત આવવા નીકળ્યા ત્યારે અંધારું નદી ના પટ ને ઘેરી વળ્યું હતું અને ક્ષિતિજ પર શરદ પુનમ નો પૂર્ણ ચંદ્ર ખીલી ઊઠ્યો હતો…. મા રેવા ના પ્રવાહ પર એનું ચમકતું પ્રતિબિંબ મને અક્ષરબ્રહમ ગુણાતીંતાનંદ સ્વામી ના મહિમા ની સ્મૃતિ કરાવતી ગઈ….. આજે એ ધન્ય ઘડી ની સ્મૃતિ સભા હતી અને હું એમાં ન હતો…!!

છેવટે નિલકંઠ ધામ પરત આવ્યા અને જમવાનું તૈયાર હતું… ઉજાગરો અને થાક જોડે હતા આથી બધું ફટાફટ પુરુ કરી બસ ને ઘર તરફ ભગાવી…!

તો અમે મા રેવા ને કિનારે યાત્રા ને માણી…. એ પર થી કોઈને અમારા અનુભવ ને આધારે આવી યાત્રા કરવી હોય તો મારા સુચન.. વણ માગી સલાહો… 🤓

 • Planning – એવી રીતે કરવું કે ઉજાગરા ન થાય…. ઉજાગરા યાત્રા ની મજા ને મારી નાખે છે…. SOU અમદાવાદ થી 200-220 કીમી થાય આથી ત્રણ ચાર કલાક થાય… સવારે 9 વાગ્યે તમે ત્યાં પહોંચો તો પૂરતું છે….. સાથે સૂકો નાસ્તો, ભરપૂર પાણી, પ્રાથમિક સારવાર (જો નદી, ધોધ જવા ના હો) તો સાથે રાખવા…. ધરખડી અભ્યારણ્ય માં એંટ્રી ચાર્જ 400 રૂપિયા થી શરૂ થઈ 3000 સુધી છે….. નર્મદા નદી માં બોટીંગ ના 1200-1500 થાય છે……. જેવી જેવી સંખ્યા…! સાંજનો લેસર શો સારો હોય છે…. એ પ્રમાણે આયોજન થઈ શકે…. અમદાવાદ રાણીપ બસ સ્ટોપ થી રોજ એસી બસ સવારે 6 વાગે ઉપડે છે…. તેનો લાભ લઈ શકાય….
 • Food – SOU માં કેફેટેરિયા છે…. ભાવ એ મુજબ છે…. પોઈચા માં તો જલસા છે…. કોઈ ચિંતા નહી…. કોઈ સારી હોટલ ત્યાં નથી… આથી આયોજન એ મુજબ કરવુ.
 • Expenses – સસ્તું ભાડું… અને સિદ્ધપુર ની યાત્રા જેવું છે….. અમારે 1500 રૂપિયા પ્રતિ વ્યક્તિ નો ખર્ચ હતો જેમાં – સવારે નાસ્તો, બપોરે સાંજે જમવાનું,પ્રદર્શન ટિકિટ (380rs) અને ઉપરોકત ચાર સ્થળ… બધુ આવી ગયું….. ધરખડી અભ્યારણ્ય નો ખર્ચ, બોટીંગ, rafting બધું આપણા માથે હોય… માટે ખર્ચ એ મુજબ પ્લાન કરવું.

તો… હૈયા માં હામ ભરી, હરિ ને જીવમાં રાખી નીકળી પડવું….. એની રચેલી સૃષ્ટિ અદભુત છે…. મન ભરી ને માણવા જેવી છે…… જીવન ને બંધિયાર ન કરવું…. છેવટે સાધુ હો કે સંસારી…. સબ ચલતા હી ભલા…!!!

રાજી રહેજો….

રાજ


Leave a comment

છગનભાઇ અને “વટ” સાવિત્રી વ્રત…

“વાયુ” એ ગુજરાત ને….અને ખાસ તો સદાયે “તરસ્યા” અમદાવાદીઓ ને દગો દીધો….અને હુ પણ એક અમદાવાદી તરીકે વરસાદ નહીં પણ ભેજ થી ભીંજાતો…. નિસાસા નાખતો “વાયુ” ત્યાગ કરવા નીકળ્યો……! ચપ્પલ પગે ટીન્ગાવી બહાર પગ મુક્યો કે સામે નજર પડી……..દેવાળીયા થઈ ગયેલાં પાકિસ્તાન ની જેમ ગરીબડૂ ડાચુ લઈ છગનભાઇ , મોદી ત્રસ્ત કૉંગ્રેસ ની જેમ ઉભા પગે બેઠેલા…..અને કૈક બબડતા હતાં…..

મે સહજ જ પુછ્યું…..કેમ છગન કાકા ….શુ થયુ?? કેમ આમ ઉદાસ બેઠા છો….???

છગનભાઇ મો વાંકુ કરી બોલ્યા … જાવા દો ને રાજભૈ.. ચૉય શાંતિ જ નથી….!!

હુ- પણ બોલો તો ખરાં….શુ થયુ???

છગનભાઈ ઉવાચ….શુ કહું રાજ ભૈ….. એક જમાનો હતો કે બૈરા એમનાં ધણી માટે હુ નતા કરતા…!! ચેટલા ય જાત નાં વ્રત ન વાર કરતાં…… ન’ અવ તો હારો જમાનો ય એવો આયો શ ક….બધાં વંઠી જયાં શ….!!!

હુ…….કેમ થયુ શુ???

છગન ભાઈ……- ભઈ…. મી તારી કાકી નું કહ્યુ ક…આજ વટ સાવિત્રી નું વ્રત શરુ થાય શ….ઇમ આ છાપા વાળા કે’શ……તેં તુ ય કર ન લી…!! અન.. ભઈ… આ હામ્ભળી એ તો જમ ના પાડા ની જયમ ભડકી…..ઝાડુ પસાડી મનઅ વટ મારતી બોલી…..” ચય્મ બધાં વ્રત અમાર જ કરવા નાં…??? ન તમાર કાંઇ નઈ….?? ચય્મ અમે ઠેકોં લઈ રાખ્યો શ…??? જમ તમન કાલ લઈ જતા હોય તો આ જ લઈ જાય….!!! ખબરદાર જો વ્રત નું નામ લીધુ શ તો..!!!”

છગન ભાઈ તો બોલતાં બોલતાં ઢીલા થઈ ગયા……અને જાણે રડતા હોય એમ બોલ્યા….

” જોયું….શેવા દા’ડા આયા શ…..!! તારી કાકી જેવી ડોહી ઓ ઓમ ફરી જાય શ…તો તમારી નવી પેઢી ની તો શી હાલત હશે???”

હુ બોલ્યો- ” કાકા….કાકી ની વાત તો અમુક અંશે સાચી જ છે……આજકાલ સ્ત્રી ઓ દરેક કાર્ય માં પુરુષ જેટલો જ દાખડો કરે છે….નોકરી ધંધો કરે છે…..તો આવા વ્રત કદાચ ન કરે તો વાંધો નહીં…..બળ જબરી ન કરાય …આ તો સમજણ અને પ્રેમ ની ..મહિમા ની વાત છે….”

છગન ભાઈ બોલ્યા……” હુ કનકોંળા નો પ્રેમ…!!! અલ્યા….આખી જીંદગી અમે આ ઉપાધિ ન’ નભાઈ….રોજ એની કચકચ હામ્ભળી ન કાંન બે’રા થઈ જયાં…… તો આપણા માટ આટલું વ્રત ન થાય ભઈ….??? એમાં હું નવઈ કર શ!!! ઇન પૈયણી ન હું લઈ આયો….તેં ચાર મહિના પશી મારો હાહરો..મારી પાહે બેહી દાંત કાઢતા કે….છગનલાલ…..કંકુ ન તમાર હારુ પૈણાઇ તો…મારૂ તો વજન પાંચ કિલો વધ્યું…..!!! હવ બોલા …મારઅ હુ કે’વું એ ડોહા ન….!!!

હુ હસતા હસતા બોલ્યો……કાકા…જે હોય તેં….કાકી તમારી આટલી બધી સેવા તો કરે છે…..પછી બીજુ શુ જોઈએ…???

છગન ભાઈ તો આ સાંભળી બગડ્યા….બોલ્યા….” અલ્યા…તમારા જેવા નવી પેઢી નાં વહુ ઘેલા ઓ ને લીધે જ અમારાં આ દા”ડા આયા શ…..!! તમે તમારી બાયડી આગળ મિદંડી મે થઈ જાઓ શો…..ન અમન સલાહ આલવા નીકળ્યા શૉ…!! આં કઇ વાયુ વાવાઝોડું નથી ક ગાજે પણ વરસે નહીં…..! જોઉં શુ તારી કાકી ન….ચય્મ વ્રત ન કર….? ઈ ન કરઅ …તો હુ કરીશ….પણ ઇન નહીં છોડું…!!

…………

આ સાંભળી મને લાગ્યું કે….મારી સાવિત્રી આ વાતચીત સાંભળી , મારો ખો બોલાવી દે… એનાં કરતાં ચાલો ભાગીએ….!

“વટ” સાવિત્રી ની વટ ભરી….છગન ભાઈ ની તીખી બોલી સાંભળી…..વાયુ વાવાઝોડા નો પીછો કરવા હુ તો ભાગ્યો…..!!

ઓમ શાંતિ…..શાંતિ….

રાજ


1 Comment

આજકાલ- ૨૩/૦૪/૨૦૧૯

“એક વોટ….રાષ્ટ્ર નિર્માણ નો પાયો બની શકે છે”…..તો આજે ગુજરાતે અને દેશ નાં અમુક ભાગે- રાષ્ટ્ર નિર્માણ માટે દુનિયા ની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા માં પોતાનો અધિકાર અજમાવ્યો……ઘણા સમય થી કોઈ પોસ્ટ નહોતી કારણ કે – ચૂંટણી ને ધ્યાન માં લેતા, સલામતી કારણોસર રવિસભા છેલ્લાં ત્રણ અઠવાડિયા બંધ હતી……

તો આજકાલ શુ ચાલે છે જીવન માં ?? જોઈએ…

 • અત્યારે ચૂંટણી નો માહોલ છે….ટીવી ચાલુ કરો અને ન્યુઝ ચેનલ કરો એટલે ઘોંઘાટ થી ભરપૂર ડિબેટૉ , તમારા તન મન ને ધ્રુજવવા ચાલુ જ હોય…..લોકલ વિષયો…મફત ની લ્હાણી ઓ…ફાલતુ આરોપો વચ્ચે દેશ ની સર્વોપરિતા તો જાણે ચર્ચાતી જ નથી…. જે સમજુ છે, તેં સમજે છે કે છેલ્લાં 5 વર્ષ માં મોદી સરકારે દેશ માટે શુ કર્યું છે…!! એમનાં માટે તો કોઈ પ્રશ્ન જ નથી… પણ જે સગવડિયા છે…કેવળ ટૂંકી દ્રષ્ટિ થી પોતાનો જ વિચાર કરે છે…એને પપ્પુ ની વાતો ગોળ જેવી લાગશે જ….! આપણા માટે તો રાષ્ટ્ર જ સર્વોપરી…સર્વ પ્રથમ….માટે જ ડંકા ની ચોંટે…vote for modi…!!
 • આજે વોટિંગ હતુ….અને રિના સવારે સાડા ત્રણે ઉઠી તૈયાર થઈ ગઇ…એની ડયુટી હતી તો મારે પણ એની પાછળ ડયુટી હતી…. 😊 એને મુકી આવ્યો અને પછી રૂટીન કસરત…સ્નાન..પૂજા.. નાસ્તો કરી સૌથી પહેલો બુથ પર પહોંચી ગયો અને રાષ્ટ્ર નિર્માણ માં હોંશે હોંશે પોતાનો અધિકાર વાપર્યો…! સાંજે ગુજરાત ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણી અને જય શાહ મળ્યા…. જીતુભાઇ એ મને કહ્યુ કે તમારા જેવા જાગૃત નાગરિકો અને કાર્યકરો ને લીધે જ અમે ઉજળા છીએ….!! સાચી વાત…..ભાજપ એ પાયા નાં કાર્યકર્તા ઓ થી બનેલો પક્ષ છે….અને એ દેખાય છે…..સવારે વોટિંગ પછી હુ અને હરિ “મોદી દાદા ” ને જોવા અમારી સોસાયટી પાછળ ગોઠવાઈ ગયા….અને લોકો નો ઉત્સાહ જુઓ તો સમજાય કે મોદી શુ ચીજ છે…!!! અદ્ભૂત…!! હરિ તો હજુ મોદી… મોદી ની બૂમો પાડે છે….!! બસ હવે 23 મી મે નાં રોજ મોદી સાહેબ પુનઃ પ્રધાનમંત્રી જાહેર થાય એટ્લે ભયો..ભયો….!
 • અબુ ધાબિ મંદીર- છેક 1997 માં બ્રહ્મ સ્વરુપ પ્રમુખ સ્વામી નાં સંકલ્પ પછી…. આજે પ્રગટ બ્રહ્મ સ્વરુપ મહંત સ્વામી મહારાજ દ્રારા એ સંકલ્પ પુર્ણ થયો….! યવન દેશ માં… એ પણ ત્યાંના અન્ય ધર્મી શાસકો નાં ભરપૂર …અકલ્પનિય સહયોગ થી 7 શિખર નું અદ્ભૂત મંદીર, 2020 સુધી માં અબુ ધાબિ ની ધરતી પર શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ અને અવતારો….ભારતીય સંસ્કૃતિ નાં વાવટા ફરકાવશે…!! આમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો મોટો ફાળો રહ્યો છે….પણ પાયા માં તો મોટા પુરુષ નો …સ્વયં શ્રીજી નો બળિયો સંકલ્પ રહેલો છે….!! હજુ તો તમે જુઓ…….આ સંકલ્પ શુ કરે છે….!!
 • વેકેશન- જેનાં ઘરે તોફાની બાળકો હોય, તેને તો જરુર પ્રશ્ન થાશે કે….આ વેકેશનની સિસ્ટમ બનાવી કોણે…???😢😢 અમારો હરિ તો હાલતૂ ચાલતું વાવાઝોડું જ છે…..પરીક્ષા એ જેમતેમ આપી….જાણે કે ટીચર ની પોતાની પરીક્ષા ન હોય….!! વેકેશન પડયું ને અમારુ ઘર જાણે કે યુદ્ધ નું મેદાન હોય…તેવા હાલ હવાલ થઈ ગયા છે…..અમારી નીંદ( બપોરની…. 😊😊)ચેન ..ગુમ થઈ ગયા છે….ઘર ગોડાઉન થઈ ગયું છે…..!! ઘણીવાર થાય કે ચાલો મોદી ની સાથે ચૂંટણી પ્રચાર માં નીકળી જઇએ….કમસેકમ જે થોડો ઘણો આરામ મળ્યો તેં સાચો…!! હાહાહા…..!! હવે આ સ્થિતી જૂન સુધી ચાલશે…ત્યાં સુધી હરિ અનંતા… હરિ કથા અનંતા….!!! હા.. પણ હરિ નાં આ ચરિત્ર વચ્ચે એક ઠંડક પમાડે એવી વસ્તુ એ થઈ કે…શિશુ અધિવેશન માં , ભાઈ ને જીવન નો પ્રથમ શિર પાવ મળ્યો……!!

તો બસ….ગરમી અને ઠંડક વચ્ચે…..કેરી નાં આગમન ની રાહ જોતાં…..મોદી સરકાર પુનઃ પ્રસ્થાપિત થાય તેની નિરંતર પ્રાર્થના કરતા કરતા સમય ને કાપી રહ્યાં છીએ…….( કે સમય અમને કાપી રહ્યો છે???) …ગઇ સાલ તો શિમલા મનાલી જઇ આવ્યાં હતાં…..આ વખતે જોઈએ આ સંઘ ક્યાં પહોંચે છે?? હરિ ઇચ્છા…!

તો ચાલો પુનઃ મળશું…….!

રાજ