Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

A tale of a soldier and Dinosaurs

હરિ અને graffiti…?? જેના ઘરે બાળપણ કુદકા મારતુ હોય તેના માટે આશ્ર્ચર્ય ની વાત નથી……! અને સાચુ કહુ તો દિવાલો બગડે એના કરતાં સંતાનો ના બાળપણ ને દિવાલો પર ચિતરાયેલુ જોવુ એ જીવન નો એક લ્હાવો છે…….મિજાજ છે….સુગંધનો દરિયો છે જે આ યાદો…સ્મૃતિઓ ને દિલોદિમાગ માં છાપતો જાય છે….

હરિ ની આ “કળા” ની સાક્ષી અમારા ઘરની વાચાળ દિવાલો છે….હરિ ના જીવન ના બે મહત્વ ના પાત્ર છે…સૈનિક…અને ડાયનોસોર………!

તો- આ દીવાલ ની ચિતરામણ જોઇને મને લાગ્યું કે – જોકર છે અને એની સાથે કાનખજૂરો છે…….પણ મેં જયારે અમારા કુંવર ને પૂછ્યું તો અદા થી બોલ્યો…….પાપા…..એ તો સૈનિક છે અને ડાયનોસોર છે….

મેં કહ્યું…સૈનિક અને ડાયનોસોર….??? એ શું કરે છે???

એ બોલ્યો……એ તો ડાયનોસોર છે ને..એ સૈનિક ની પાછળ પડ્યું છે……અને સૈનિક “બચાવો…બચાવો ” ની બુમો પાડે છે………

( હું મન માં બોલ્યો…ઓત્તારી…) …પછી પૂછ્યું…”ખરેખર???”

એ બોલ્યો…….હા………જુઓ ને…!!! સૈનિક બુમો પડે છે…!!!

હું સ્તબ્ધ થઇ ગયો…!!!!!! વાહ….શું બાળકો ની કલ્પના શક્તિ છે..!!!

જુઓ…..મારા હરિનો….” સૈનિક અને ડાયનોસોર”….

20170508_080211

A tale in graffiti

 

હરિઅનંતા…..હરિ કથા અનંતા…!

રાજ


Leave a comment

આજકાલ -૬/૩/૨૦૧૭

જીવન વહેતું જાય છે…….અને એ વહેતું રહે એ સારું જ છે. પાણી હોય કે જીવન…જો બંધિયાર બની જાય તો ગંધાઈ ઉઠે. ….જો જીવન વહેતું ન હોત…સમય એક જ જગ્યા એ સ્થિર થઇ જાત તો શું થાત??? એકધારા જીવન થી…એની બીબાઢાળ લઢણ થી સુખ-દુખ નો રોમાંચ જ ખતમ થઇ જાત…………! માટે જ જગત ના નાથે જે ચક્ર બનાવ્યું છે…..એ સારું જ છે…….કે કમસેકમ જીવન ના પ્રત્યેક રંગ અનુભવવા તો મળે છે……..

તો શું ચાલે છે આજકાલ???

 • બસ। .વો હી રફતાર…….જીવન ના ત્રિભેટે ઉભા રહી દોડતા રહેવા નું….! જીવન ની દરેક આગલી ક્ષણ કયો મારગ પકડશે…અહી કઈ જ ખબર નથી……! બસ સારથી તરીકે શ્રીજી છે…અને મારે તો બસ યુદ્ધ જ લડવા નું છે……! તો- આગળ..એની મરજી…! અને એ જ મારું પ્રારબ્ધ..!
 • પપ્પા ને દેહ છોડ્યે પાંચ માસ થવા આવ્યા છે………અને જેમ જેમ સમય જાય છે તેમ તેમ તેમનો ખાલીપો વજનદાર બનતો જાય છે……! દિવસ માં રોજ બે વાર ફોન પર વાત કરવા ની…..તેમના દ્વારા અલક મલક વાતો ..મમ્મી ના પરાક્રમ….જરૂરી બિન જરૂરી સલાહ સૂચનો સાંભળવા નુ હવે નથી….! એ જ વાત ભારે લાગે છે. કદાચ જીવન ની આ જ કહાની છે……..સમય ની સાથે બધું રાખ થતું જાય છે…..અને યાદો ધુમ્મિલ…..!
 • હરિ પણ સમય ની સાથે વધતો જાય છે…અને એના પરાક્રમ એના થી પણ વધુ ગતિ એ વધતા જાય છે…..! જીભ તો અદ્દલ મારી જેમ ધારદાર છે…..જેની મીઠી મધુરી દલીલો હૃદય ને તરબતર કરતી જાય છે…….! પોતાના સંતાન ને મોટા થતા જોવા એટલે…પોતાના બાળપણ ને નજર સમક્ષ પસાર થતું જોવું…! અને હરિ ને જોઈ ને- હું અને રીના – આ જ અનુભવી એ છીએ……
 • ગઈકાલે હરિ મને કહે……”પાપા…મારે ડાયનોસોર લાવવું છે….”…..હું..: ???????? અહી તો કુતરા થી પણ બીક લાગે છે  ‘ને આ ડાયનોસોર ની વાત કરે છે….!!! સારું છે કે – ઉત્ક્રાંતિ માં ડાયનોસોર અને એનો વેલો ખોવાઈ ગયો………..નહીતર આજે શું થાત???
 • ઉત્તર પ્રદેશ ની ચૂંટણી ના સમાચાર આજકાલ બધી ચેનલ્સ પર ભરપુર ચાલે છે………મોદી ..મતદારો પાછળ અને બાકી બધા પક્ષ મોદી પાછળ…?? હહાહા……ભરપુર મનોરંજન થાય છે……….અને જયારે પણ મૂડ ખરાબ હોય ત્યારે માનનીય “પપ્પુભાઈ” ના મનોરંજક પ્રવચન ની કલીપ ને જોઈએ લઈએ..સાંભળી લઈએ…..એટલે ફરીથી તાજામાજા..!
 • ગુજરાત માં ચૂંટણી આવતીસાલ આવે છે………….અને કોંગ્રેસ..એના પ્યાદા જેવો હાર્દિક જે નાટક- ત્રાગા કરી રહ્યા છે…….એ પણ મનોરંજક જ છે…..અને સાથે સાથે અફસોસ એ વાત નો છે કે -ભણેલા ગણેલા લોકો એમની વાત માં આવી જાય છે…..!! અલ્યા ..થોડું તો વિચારો…..

તો……..બસ……ચાલતા રહીએ…………જીવન સાથે…સમય સાથે………कर्मण्ये वाधिकारस्ते महा फ़लेषु कदाचन …….અનુસાર ચાલવા નું છે…કર્મયોગ ને જીવવા નું છે………સત્પુરુષ અને શ્રીજી ને રાજી કરવા ના છે……….!

રાજ


Leave a comment

આજકાલ-૯/૧૨/૨૦૧૬

સમય દરિયાની રેત ની જેમ સરકતો જાય છે……પડછાયા ની જેમ…મૃગજળ ની જેમ …પવન ના લહરખા ની જેમ બસ એ વહેતો જ જાય છે……એ વહેણ માં જેટલું જીવી લેવાય એટલું જ આપણું……! બાકી ક્યાં અહી કોઈ કાયમી છે…???? ધણી નું તેડું આવશે એટલે એકપળ પણ..”ઉભા રહો….” એમ નહિ કહેવાય…..માલ-મિલકત-ધન-ધાન્ય-કુટુંબ પરિવાર ક્ષણ માં છૂટી જશે……! દેવાનંદ સ્વામી કહે છે કે…

” તારે માથે નગારા વાગે મોત ના રે….નથી એક ઘડી નો નિર્ધાર…..

તો એ જાણ્યા નહિ જગદીશ ને રે….”

એના જેવું છે…..અહી તો કારકિર્દી ..નોકરી-ધંધા ની લ્હાય માં ઘણુંયે એમનું એમ જ છૂટી જાય છે……કરવા જેવું કરાતું નથી અને બિનજરૂરી પંચાત જીવનમાં ઘુસી જાય છે….!..આપણા શાસ્ત્રો કહે છે એમ –જેમ તમારી આવક માં દશમો-વીસમો ભાગ શ્રીજી નો છે એમ આયુષ્ય નો દશમો –વીસમો ભાગ શ્રીજી નો છે…..એમ માની- જીવન ના ચકરડા વચ્ચે – ભગવાન ને સદાયે આગળ રાખવા…..એમના માટે- એમના રાજીપા અર્થે જીવવું…..વર્તવું..!

તો- શું ચાલે છે આજકાલ??? ચાલો સમય ના પગલા ને નિહાળીએ…..

 • પપ્પા ના ધામ ગમન બાદ –મન વધારે મજબુત….વિચારો વધુ સ્પષ્ટ અને શ્રીજી પર ની શ્રદ્ધા વધારે દ્રઢ બની છે……સંસાર ના કારખાના ઓ નો કોઈ અંત નથી…..એ તો ચાલુ જ રાખવા ના..રહેવા ના….પણ એમાં શ્રીજી ને ભેળવી દેવાના..! તો- એજ ઉપલક્ષ માં- સુરત ખાતે થયેલા મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ ના ૯૬ માં જન્મ જયંતિ મહોત્સવ માં ૧ થી ૭ તારીખ ની સેવા નો લાભ લેવામાં આવ્યો…..અને એ મુજબ મન-કર્મ-વચને –ધીમી ચાલતી દુકાન ને બંધ કરી…योगक्षेमंवहाम्यहम નું વચન યાદ કરી ..નિશ્ચિંત થઇ… સેવામાં ઉપડી ગયો….અને શ્રીજી ની દયા એ ધ્યેય સંતોષકારક રીતે પાર પડ્યો…..
 • અદ્ભુત મહોત્સવ……અદ્ભુત પ્રદર્શની….અદ્ભુત મુલાકાતીઓ…હરિભક્તો…..અદ્ભુત સંતો…અને અદ્ભુત સ્વયંસેવકો…….! ૪૦૦ એકર ના વિશાલ પરિસર માં ફેલાયેલા સ્વામિનારાયણ નગર માં લાખો મુલાકાતીઓ રોજ આવે…બધા આખો દિવસ પ્રદર્શની જુએ…..ફાઈબર નું બનેલું વિશાલ મંદિર( એકદમ આબેહુબ જ લાગે) માં દર્શન કરે…..બધા સવાર-સાંજ પ્રસાદી જમે…..અને રાત્રે અદ્ભુત લાઈટ એન્ડ સાઉન્ડ શો જોઈ ને છુટા પડે……….પણ કોઈના મોઢા પર થાક-કંટાળો નહિ……ઉલટાનું જીવન-હૃદય પરિવર્તન થઇ જાય…..એવો અમારો તાદ્રશ્ય –અનુભવ..! બેપ્સ હોય એટલે ઝીણી ઝીણી વાતો નું પણ અદ્ભુત મેનેજમેન્ટ થાય……સંતો….સ્વયંસેવકો….અને વિશેષ તો મહિલા સ્વયમ સેવકો..- ભૂખ્યા રહીને પણ રાત-દિન સેવામાં પ્રવૃત રહે….નાના માં નાના સ્વયંસેવક ને પણ સેવા નો મહિમા-અભરખો……! અદ્ભુત..અવિરત સેવા….સત્સંગ નો અસ્ખલિત પ્રવાહ ….એક સત્પુરુષ…એક ભગવાન ને રાજી કરવા ની જ તમન્ના ………આપણું તો આ જોઇને મસ્તક નમી જાય……! એકસાથે ૪૪ નવજુવાન પાર્ષદો ની ભાગવતી દીક્ષા થઇ…..અને તેમના મોઢા પર તમે આનંદ..તેજ….રોમાંચ જુઓ તો સમજાય કે- સાચો વૈરાગ્ય કોને કહેવાય..? શ્રીજી ના સમય નો- આવો વૈરાગ્ય નો અભરખો- ગુરુહરિ મહંત સ્વામી મહારાજ ના શરણ માં ..દેખાય છે……!!! અને મહંત સ્વામી તો સ્વયંભુ સાધુતા ની….નિર્માની પણા ની ગુણાતીત મૂર્તિ..! આટલી ઉમરે પણ રોજ સવારે ૩.૪૮ વાગ્યે ઊઠવાનું…અને રાત્રે ૧૨ તો સહજ વાગે….હજારો-લાખો પ્રશ્નો..પ્રવૃતિઓ… વચ્ચે પણ સદાયે સ્થિર-ગંભીર…..હસતા..! બુદ્ધિ..તર્ક શસ્ત્ર ને તાળા લગાવી –આ જાતે અનુભવવા જેવું વિજ્ઞાન છે…!
 • વળતી વખતે પરિવાર સાથે –મેં ગાડી જાતે ડ્રાઈવ કરી ….ભરૂચ મંદિર…વડતાલ…જેતલપુર આદિક મહા પ્રસાદી ના સ્થાનો ના દર્શન નો લાભ લેવામાં આવ્યો…….શ્રીહરિ નોમ નો ફેરો સફળ થયો……..બરોડા-અમદાવાદ વચ્ચે જુના હાઈવે નું નવીનીકરણ થયું છે……જે પરદેશ ના રોડ ને પણ ટક્કર મારે એવું કામ થયું છે……..એ જોયું……!
 • નોટબંધી ……….મને એટલી બધી નડી જ નથી…..કારણ કે હું વર્ષો થી મારું નાણાકીય કામકાજ ઓનલાઈન જ કરું છું…….લાઈટબીલ હોય કે મ્યુનીસીપલ ટેક્ષ બીલ…..પેટ્રોલ હોય કે કરિયાણું…..ટેક્ષી હોય કે બસ ટીકીટ…….બધું કાર્ડ કે ઓનલાઈન થી જ થાય છે……! જે લોકો – ખોટા કામ કરે છે…..કે જેને અજ્ઞાન ને લીધે ઓનલાઈન કામકાજ નથી આવડતું…..એ લોકો ને જ વધારે તકલીફ પડે છે…! જો કે કેશલેસ સીસ્ટમ ગામડે ગામડે પહોચી નથી…..પણ એની શરૂઆત થઇ ચુકી છે…..! ૩૦ દિવસ પછી પણ બેંકો માં- લાઈન કેમ ઘટતી નથી..એ હજુ મને સમજાતું નથી…! અરે….અમુક મંદિરો માં તો ઓનલાઇન દાન ની પણ શરૂઆત થઇ ચુકી છે…..પછી બાકી શું રહે..!
 • આ વચ્ચે અમારા હરિકૃષ્ણ મહારાજ ની લીલાઓ ચાલુ જ છે……સ્કુલ માં બહુ રજાઓ પડી ..એટલે ભાઈ ને સવારે સ્કુલ માટે ઉઠાડી એ એટલે તરત બહાનું કાઢતા બોલે…” પપ્પા ..આજે સ્કુલ માં છુટ્ટી છે……સાંજે સભામાં જવાનું છે…” ……!!!!! આગળ શું થશે?? એની ચિંતામાં રીના બિચારી અડધી થઇ ગઈ છે…….! અને એની જીભ દિન પ્રતિદિન તેજધાર થતી જાય છે……એના પ્રશ્નો ના ઉત્તર આપવાનું અમારા માટે દિન પ્રતિદિન મુશ્કેલ થતું જાય છે……મારી ડીગ્રીઓ-ભણતર બધું સાલું વ્યર્થ લાગતું જાય છે….! J
 • જયલલિતા ગયા………! જે થયું એ સારું થયું……ચાલો હરિ ને ગમે એ ખરું..! પણ મને એક પ્રશ્ન થાય છે…..કે પેલી હજારો સાડીઓ…હજારો જુતાઓ….અને પેલી “લકી” ખુરશી નું શું થશે????
 • ૨૦૧૭ માં –પેટ્રોલ ના ભાવ ૮૦ રૂપિયા થવાના છે……..અત્યાર થી જ અન્ડરગ્રાઉન્ડ ટાંકીઓ ભરી રાખીએ તો…??? J

તો- બસ …..સમય ચાલ્યા કરે…..આપણે પણ ચાલતા રહીએ……..જ્ઞાન ગંગા…..અનુભવ ગંગા….સલાહગંગા વહાવતા રહીએ………..ઠાકર જે કરશે એ સારું જ કરશે…!

રાજ


Leave a comment

મોગલી ની મોટી મમ્મી

અમારે નજીકમાં રાણીપ..ન્યુ રાણીપ ના વિસ્તાર આવેલા છે…’ને ત્યાં રોજ સવારે ડેરી/કોઇક ફેક્ટરી મા સાઇરન વાગે…….અને અમારો હરિ રોજ એને સાંભળે…….આજે સવારે એણે એની ટીપીકલ સ્ટાઇલ માં પુછ્યુ…

“પપ્પા……આ કોણ બોલ્યુ….?

હું: સાઇરન વાગ્યુ………

હરિ: એય…..એમ ન કહેવાય……..

હું: સાઇરન ન કહેવાય તો શુ કહેવાય????

હરિ:…..એ તો મોગલી ની મોટી મમ્મી બોલી……એમ કહેવાય…….

હાહાહાહા……….!!! 

જંગલબુક નુ જંગલ હજુ ચાલુ છે……..!! 

રાજ


Leave a comment

સ્કુલ ચલે હમ…………

સમય જળ ની ધારા જેવો છે……..અને એ પણ નાયગ્રા નદી ના પ્રવાહ જેવો…..એક નિમિશ વીતે ને લાખો ગેલન પાણી વહી જાય તેવું જ……!! દીકરા હરિકૃષ્ણ સાડા ત્રણ વર્ષ નો થઇ ગયો……પણ હજુ લાગે છે કે જાણે કાલ ની જ વાત છે…….!! એના પાછળ સમય જાણે કે સરકતો જ જાય છે અને બંધ મુઠ્ઠી મા હજુ કેટલા તારલા ભરેલા પડ્યા છે……એ કોને ખબર????

અને સમય વીતવાની સાથે દરેક મા-બાપ ને આવે એ તનાવ….સંતાન ના ભણતર નો તણાવ આવી ઉભો રહ્યો……અને પ્રશ્નો શરુ થયા….મારા અને રીના વચ્ચે વૈચારિક મતભેદ જન્મ્યા ત્યાર ના છે…….. J !! જો કે હું એને સકારાત્મક રીતે લઉં છું……અને પતિ તરીકે એ સિવાય છુટકો જ નથી……ધાર્યું ધણીયાણી નું થાય એમ ઇતિહાસ કહે છે…….! એટલે હરિ ના ભણતર વિષે અમુક પ્રશ્નો આવી ઉભા રહ્યા…….જેવા કે….

 • હરિ ને કેટલી ઉમરે સ્કુલ મા મુકવો???
 • કયા મધ્યમ મા શિક્ષણ અપાવવું….???
 • કઈ સ્કુલ મા મુકવો????
 • એની સ્કુલ ના ટાઈમિંગઝ આપણ ને અનુકુળ થશે???
 • એને લેવા-મુકવા –હોમવર્ક નું કામ કોણ કરશે????

વગેરે વગરે……..

હવે આં પ્રશ્નો એવા છે કે –પ્રથમ સંતાન માટે યક્ષ પ્રશ્ન જેવા લાગે……અને મારી અંગત ઈચ્છા એવી હતી કે……અત્યાર નું ભણતર એ બોજા જેવું છે……ગધ્ધા વૈતરું જ છે….રીક્ષાઓ મા લટકતું આપણું ભવિષ્ય રોજ જોઉં છું અને સાલું લાગી આવે કે આ શું છે……???? અંગ્રેજી માધ્યમ મા સંતાન ને મુક્યા પછી “આધુનિક” માતા ઓ કુતરા ને ડોગી કહી ઓળખાવે …..ભેંસ ને બફેલો કહે…..વાંદરા ને મંકી કહે એટલે લાગે કે સાલું આ ભાષા ના ચક્કર મા આપણે ડોગી….મંકી જેવા થઇ ગયા છે…….!! અમે લોકો ગુજરાતી દેશી શાળા મા ભણેલા છતાં આજે અંગ્રેજી મા સંતોષકારક રીતે વ્યવહાર કરી શકીએ છીએ…..પછી આ બધી રેટ-રેસ…..ઉંદર દોડ  શા માટે?????? ઘરમાં ગુજરાતી બોલાય…..ક્લાસ મા હિન્દી-અંગ્રેજી બોલાય અને આ નાના નાના બચ્ચા બિચારા મૂંઝાઈ જાય કે – બિલાડી ની કેટ કેમની થઇ ગઈ…????? માતૃભાષા ને આમ રઝળતી જોઉં એટલે ખરેખર લાગી આવે……!!!! પણ આપણે રહ્યા પામર જીવ……ઘરની શાંતિ ….ઘરવાળા ઓ ની એષણાઓ ન ડહોળાય એટલે આપણી અંગત ઈચ્છા ઓ ને તડકે મૂકી સુકવી દીધી…..!!!! મારા ગુરુપ્રમુખ સ્વામી મહારાજ કહે છે એમ…..મનધાર્યું મુકવું…….!!!! અને આપણે મૂકી દીધું…….તો….

 • હરિભાઈ ને ૩.૫ વર્ષ ની કાચી ઉમરે પૈસા છાપવા ની ફેક્ટરી( સ્કુલ સંચાલકો માટે)  –અર્થાત પ્રી- સ્કુલ –જુનિયર કે.જી. મા ડાયરેક્ટ મુકવામાં આવ્યા…….સરકારી નિયમ છે કે ૩૧ મી મેં ના રોજ –બાળક ને ૫ વર્ષ પુરા થતા હોય તો તેને પહેલા ધોરણ મા મૂકી શકાય…….આમ, તો બધી સ્કુલ મા ૬ વરસ નો નિયમ છે….નર્સરી-જુનિયર-સીનીયર કે જી –મા કુલ ત્રણ વર્ષ થાય ( પ્રી સ્કુલ ની ફી- ૧૮૦૦૦ + થી શરુ થઇ ૧ લાખ પ્રતિ વર્ષ હોય છે….) એટલે ૬ વરસે ભાઈ પહેલા મા આવે……પણ મને લાગ્યું કે પ્રી-સ્કુલ મા ભણવા ને નામે નાટક સિવાય કશું જ થતું નથી…..આથી હરિ ના જીવન નું એક વર્ષ બચાવવા –રૂપિયા નો બગાડ/લુંટ બચાવવા જુનિયર કેજી મા મુકીએ……પછી નહિ ફાવે તો નર્સરી મા પાછો લઇ આવશું……!! હવે જોઈએ આગળ શું થાય છે…….!
 • સંતાન ના ભણતર માટે — એકલા –સાસુ સસરા-સયુંકત કુટુંબ થી દુર્-શહેર મા -સ્વતંત્ર રહેવા ઇચ્છતા આધુનિક –“ભણેલા” મા-બાપ માટે આ પડકાર હિમાલય જેવા હોય છે….અને એમાંયે જો મા-બાપ બંને જોબ કરતા હોય તો સંતાન નું આવી જ બને…..!! આથી અન્ય પરિબળ મા ફેર ન પડી શકતા…..ઘણું વિચાર્યા બાદ …મારી જાત ને જ પરિવર્તન મા ગોઠવી દીધી…..! નોકરી ને તિલાંજલિ આપેલી હતી…….નવી નોકરી શોધવાનું છોડી અતિ જોખમી રસ્તો- અર્થાત ધંધો કરવાનું વિચાર્યું….કારણ કે રીના ની સરકારી નોકરી……અનેક જન્મ ના તપ બળે મળેલી – આ નોકરી છોડવા કરતા મારી નોકરી છોડવી સારી….એમ સ્વ બુદ્ધિ એ વિચારી…….શ્રીજી ની મરજી સમજી….સંતો ની આજ્ઞા થી…..અસંખ્ય વિરોધ-અપમાનો-ગાળો વચ્ચે – ધંધો શરુ કર્યો……હરી ની સ્કુલ એવી પસંદ કરી કે – રસ્તામા જ આવે…….વળી નજીક છે …….અને એ સ્કુલમાં આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબ …દર પાંચ વરસે એકવાર વોટ નાખવા આવે છે…………..એટલે બધું ગોઠવાયું……! સ્કુલ ની ફી સિવાય….એના યુનિફોર્મ…બુક્સ…બેગ નો ખર્ચ પાડ્યો…….!પછી ગોઠવાયું એવું કે…..સવારે રીના –અતિ કષ્ટ લઇ હરિ ની બેગ-કપડા –નાસ્તો તૈયાર કરી સ્કુલ મા જતી રહે…..હું હરી ને નવડાવી-તૈયાર કરી સ્કુલ છોડવા-મુકવા જાઉં……બપોરે જમાડી દઉં……દુકાને લઇ જાઉં……..અને ડોગી,કેટ,બફેલો …..ને બતાવતો રહું….શીખવાડતો રહું…..!!! આમાં અમારી હાલત ડોગી જેવી થઇ ગઈ છે…એ અલગ વાત છે…. J
 • હરિ ભાઈ ને સ્કુલ મા શરુ શરુ મા તો મજા આવી….પણ જયારે હાથમાં પેન્સિલ પકડવા ની આવી એટલે ભાઈ વિદ્રોહમાં ઉતરી પડ્યા…..સવારે ઉઠાડું એટલે આંખ ખોલ્યા વગર જ બોલે…..મારે ભણવું નથી……!!! હાહાહાહા…….મારે તો એને મનાવતા જીવ ડોકે આવી ગયો……!! ગમે તેમ કરી-પટાવી-મનાવી સ્કુલ મોકલવા નું શરુ કર્યું………છુટકો જ નહોતો……!! નયા અફસર….નયા જુતા….નયી સ્કુલ….શુરુ શરું મેં તીનો કાટતે હૈ…!!!! એટલે મન મક્કમ કરી હરિ ને ગોઠવ્યો……..પણ પડકાર હજુ બાકી જ હતા…….! સ્કુલમાં સેટ થયા …એટલે ભાઈ ની સ્કુલમાં થી ફરિયાદ આવવા લાગી કે- એ બધા ને મારે છે…!! ઓત્તારી…..આણે તો ભારે કરી…! રીના એ તો કડક વલણ અપનાવ્યું એટલે હરીભાઈ થોડાક સુધર્યા છે……પણ હોમવર્ક કરવા બેસાડો તો ખરા…..!! હાથમાં પેન્સિલ અને બુક પકડાવો તો એ બધું વિમાન બની રૂમ મા ઉડે…!!! હે શ્રીજી……….!!!! સમય આવે બધું ઠેકાણે પડશે…..અમે હિંમત નહિ હારીએ એ પાકું છે……..પણ બળજબરી કરતા કળ થી કામ લેવું પડશે…….એ પણ પાકું છે..!

 

જોઈએ………હવે આગળ શું થાય છે………હરિ લીલામૃતમ કયા નવા ચરિત્ર પ્રગટ કરે છે…???? આ બધું જોઈને અમારી જૂની શાળા-શિક્ષકો યાદ આવે છે……..અને અફસોસ થાય છે કે ગામડા માંથી શહેર મા આવી…….ગુજરાતી મા થી અંગ્રેજીમાં આવી…….બાલમંદિર મા થી કેજી મા આવી – આપણે પ્રગતિ કરી છે કે અધોગતિ????? શું સુધર્યું છે કે ..શું બગડ્યું છે……એ તો ભાવી ના ગર્ભ મા દફન છે…..એ તો સમય આવે જ સમજાશે કે આ ઉંદર દોડ મા ..પાછળ શું શું છૂટી ગયું??????

હરિ ઈચ્છા બળવાન છે…………અને ભણવા જેવી તો એક બ્રહ્મવિદ્યા જ છે…….સંસાર હોય કે સન્યાસ……એ ભણ્યા સિવાય બધું ગોખણીયું જ્ઞાન –ગધ્ધા વૈતરું જ છે……!!!!

રાજ

 


1 Comment

BAPS રવિસભા – ૨૬/૦૬/૨૦૧૬

જે ભગવાનના ભક્તને સત્-અસત્‌નો વિવેક હોય તે તો જે જે અવગુણ પોતામાં હોય તેને જાણે અને વિચારીને તેનો ત્યાગ કરી દે…...…. અને સંતમાં અથવા કોઈ સત્સંગીમાં કાંઈક અવગુણ પોતાને ભાસતો હોય તો તેને ત્યાગ કરી દે અને તેના જે ગુણ તેનું જ ગ્રહણ કરે……….. અને પરમેશ્વરને વિષે તો તેને કોઈ અવગુણ ભાસે જ નહીં………

…………..અને ભગવાન અને સંત તે જે જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને, પણ તે વચનને વિશે સંશય કરે નહીં. અને સંત કહે જે, ‘તું દેહ, ઇન્દ્રિય, મન, પ્રાણથી જુદો છું અને સત્ય છું અને એનો જાણનારો છું, અને દેહાદિક સર્વે અસત્ય છે,’ એમ વચન કહે તેને સત્ય માનીને તે સર્વથી જુદો આત્મારૂપે વર્તે………… પણ મનના ઘાટ ભેળો ભળી જાય નહીં. અને જેણે કરીને પોતાને બંધન થાય અને પોતાને એકાંતિક ધર્મમાં ખોટ્ય આવે એવા જે પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે…..………. અને તેથી છેટે જ રહે અને તેના બંધનમાં આવે નહીં. અને સવળો વિચાર હોય તેને ગ્રહણ કરે……….. અને અવળો વિચાર હોય તેનો ત્યાગ કરે………………. એવી રીતે જે વર્તતો હોય ત્યારે જાણીએ જે, તેને વિવેક છે.”


ભગવાન શ્રી સ્વામિનારાયણ-વચનામૃતમ-ગઢડા પ્રથમ-૧૬

સત્સંગમાં  સત-અસત …સારું  શું..ખોટું  શું….એનો  વિવેક અનિવાર્ય  છે. જો એ  ન હોય તો જીવ પોતાના સ્વભાવ પ્રમાણે  જ વર્તે છે અને સત્સંગમાં થી પડી જાય છે…..એ માટે શ્રીજી કહે છે એમ- દ્રઢ ઉપાસના,આજ્ઞા,ધર્મ,સાંખ્ય ગુણ ગ્રાહક દ્રષ્ટિ ..સકારાત્મક વલણ -સત્સંગમાં આગળ વધવા માટે અનિવાર્ય છે….આજની સભા આ વાત પર હતી…..

મેઘરાજા સંતાકુકડી રમી રહ્યા છે અને અમદાવાદીઓ તીખી નજરે આકાશ સામે જોઈ નિસાસા નાખી રહ્યા છે..પણ સત્સંગમાં ઓછપ આવી નથી…અમે સભામાં પહોંચ્યા ત્યારે ભીડ હમેંશ ની જેમ યથાવત હતી…..સર્વપ્રથમ મનમોહન ની અતિ મનમોહક મૂર્તિ….ના મનભરી ને દર્શન….

13439168_564363973751779_378600078767369986_n

સભામાં શરૂઆત અમેરિકાથી આવેલા પાર્થ પ્રણવ પરીખ નામના યુવાન ના સ્વર થી થઇ….સેન્ટ લુઇસ માં રહેતા આ યુવાન પોતાના રૂટીન અભ્યાસ ની સાથોસાથ ભારતીય સંગીત નો પણ અભ્યાસ કરી રહ્યા છે જેનો ભક્તિસભર લાભ આજની સભાને એમના બે કીર્તન- ” જોઇને નેણા લોભાણા …જોઇને મૂર્તિ મનોહર શ્યામ….” બ્રહ્માનંદ સ્વામી ની આ રચના એક સોફ્ટ ..સહજ સ્વરમાં રેલાતી ગઈ….અને ત્યારબાદ  “સ્વામી જીવન મંગલ થાજો…..” એ જ મુલાયમ..ઘૂંટાયેલા સ્વર માં સભાને સ્થિર કરતુ ગયું…….!

ત્યારબાદ સ્વામીશ્રી ના ૨૦૧૨ ના ઓગસ્ટ માસ- ના અમદાવાદ ખાતે ના વિચરણ ના  વિડીયો દર્શન થયા…….ઝરમર વરસતા મેહુલા વચ્ચે સ્વામી ની કરુણા જે અપરંપાર વરસી રહી હતી…..તે અદ્ભુત હતી…..

ત્યારબાદ પુ.યજ્ઞપ્રિય સ્વામી જેવા વિદ્વાન…અનુભવી સંત દ્વારા ગઢડા પ્રથમ-૧૬-વિવેકનું- વચનામૃત પર રસપ્રદ ઉદાહરણ સાથે અદ્ભુત છણાવટ થઇ……જોઈએ સારાંશ….

 • બ્રહ્મસ્વરૂપ યોગીબાપા આ વચનામૃત વિષે કહેતા કે- આ એક વચનામૃત સમજાય તો બાકી ના બધા ૨૭૧ વચનામૃત સમજાઈ જાય……
 • મનુષ્ય ના ગુણ માં વિવેક ને ૧૦ મો નિધિ કહ્યો છે……
 • લૌકિક જગત માં તો વિવેક જરૂરી જ છે પણ અધ્યાત્મ માર્ગમાં – સત-અસત નો વિવેક હોય તો જ આગળ વધાય…..
 • કામ,ક્રોધ,લોભ,મોહ વગેરે દોષ સ્વભાવ સાથે જ વણાયેલા હોય છે….તેમને ઓળખી રાખવા…સતત જાણપણું રાખવું……..અને આ જાણ પણું રાખી ને વર્તવું- એટલે જ વિવેક…..
 • અવગુણ એવી ચીજ છે…જેને કેટલાક મનુષ્ય પોતાના માં હોય છતાં જાણતા નથી…કેટલાક જાણે છે તો એને  દુર કરી શકતા નથી….અને માત્ર અમુક જ એવા હોય છે…જે અવગુણ ને ઓળખીને ..તેને દુર કરવાના સતત પ્રયત્ન કરે છે…..
 • અવગુણ-સ્વભાવ -દોષ ટાળવા એ મોટું કાર્ય છે..અને એ માટે મોટા પ્રયત્ન ની જરૂર પડે…….શ્રીજી ના સમયના પરમ ચૈતન્યા નંદ સ્વામી નો દોષ માન હતો..એમને ખબર હતી પણ જાતે એ દુર ન કરી શક્યા  છેવટે ગઢડા માં  એમનું માન નું ખંડન થયું અને  એ માન નો ગુણ તો ગોપાળાનંદ સ્વામી ની વાત થી દુર થયો……..
 • સત્સંગમાં એક જ સોનેરી નિયમ- અવગુણ જોવા હોય તો પોતાના જોવા…અને ગુણ જોવા હોય તો અન્ય ના જોવા…..આપણા ગુણાતીત ગુરુઓ એ સમગ્ર જીવન આ જ કર્યું છે….
 • જે વ્યક્તિ અન્યમાં બસ અવગુણ જ જોયા કરે છે..એ પંચ મહાપાપી છે..એમ શ્રીજી એ કહ્યું છે……કારણ કે જો જીવ અન્યમાં અવગુણ જુએ તો એ અવગુણ એનામાં આવી ને વસે છે…….અને પોતે એવો જ મલીન થાય છે…
 • અને કોઈના અવગુણ ને “અવગુણ” સમજવામાં ઉતાવળ ન કરવી…….કારણ  કે  પ્રથમ નજરે અવગુણ લાગતા ગુણ કદાચ કોઈના ભલા માટે…સારા હેતુ માટે પણ હોઈ શકે……….દાખલા તરીકે- એકવાર યોગીજી મહારાજ ની હાજરી માં મહાપૂજા નો કાર્યક્રમ હતો..ગોર મહારાજ વિધિ કરાવતા હતા અને જયારે કોઈ પૂજા કરીને  એમને પગે લાગવા જાય એટલે એ બમણી દક્ષિણા મુકાવે….અમુક લોકો ને લાગ્યું કે ગોર લોભિયા છે…પણ જયારે બધું પૂરું થયું ત્યારે એ ગોર મહારાજે -બધી દક્ષિણા મંદિરમાં દાન કરી દીધી…!!!!!! હવે જો એમને લોભિયા સમજીને લોકો એ એમનું અપમાન કર્યું હોત તો..???? આમ, વ્યક્તિને ગુણ ને આધારે ઓળખવામાં ઉતાવળ ન કરવી…….
 • સત્સંગમાં – કુસંગ ને ઓળખી રાખવો…….અને કુસંગને ઓળખવામાં સત-અસત ના વિવેક ની જરૂર પડે…….સામેવાળા ના અવગુણ પોતાના માં ન પ્રવેશી જાય અને એનો કુ સંગ આપણ ને ન લાગી જાય -એ ધ્યાન સાથે વર્તવું……
 • આમ, વાણી-વર્તન-વિચાર-સમજણ  ના વિવેક ની સાથે સાથે સત-અસત નો વિવેક જો દ્રઢ થાય તો સત્સંગમાં આગળ વધતા કોઈ રોકી ન શકે….

અદ્ભુત……અદ્ભુત……!!!

ત્યારબાદ આપણા ભારત ના કેન્દ્રીય મંત્રી ( minister at Ministry of Science and Technology and Ministry of Earth Sciences) ડો. હર્ષ  વર્ધન એમની ધર્મપત્ની સાથે સારંગપુર સ્વામીશ્રી ના દર્શન જઈ  આવ્યા બાદ સભામાં અચાનક પધાર્યા…સાવ સાદગી પૂર્ણ રીતે એમણે સભાનો લાભ લીધો….પુ.ઈશ્વર ચરણ સ્વામી દ્વારા તેમનું જાહેરમાં સન્માન થયું .

પુ.ઈશ્વર ચરણ સ્વામી એ- સત્સંગમાં સત-અસત ના વિવેક ની વાત કરતા કહ્યું કે- વિવેક નો અર્થ જ આ થાય છે…સત અસત નો વિવેક…સત્સંગમાં સતત જાણ પણું…….નિરંતર પાછા વળી જોવું કે આપણે સત્સંગમાં શું કરવા આવ્યા હતા અને શું કરીએ છીએ??? સત્સંગ સાચો થયો છે કે નહિ?? એ નક્કી કરવાની નિશાની આ જ છે…….કારણ કે સત્સંગ માં સતત જાણ પણું હોય તો જ આગળ વધાય…ગુણગ્રાહક દ્રષ્ટિ એ માટે અનિવાર્ય છે……! સત્સંગમાં અન્યમાં દોષ હોઈ શકે…આપણા માં પણ હોય….કારણ કે આ સાધના ના માર્ગ છે……બ્રહ્મરૂપ ન થઇ એ ત્યાં સુધી દોષ તો રહેવાના જ….પણ એને ટાળવા નો સતત પ્રયત્ન કરવો…અન્ય ના દોષ જોવા નહિ…કહેવા નહિ….એ તો મહારાજ ધીરે ધીરે બધા દોષ ટાળી દેશે……

ખરેખર……ઉપરોક્ત વાતો નો એક એક શબ્દ દ્રઢ પણે મનાય અને જીવાય તો- અચૂક બ્રહ્મરૂપ થવાય એમાં કોઈ શક નથી……

સભામાં અંતે- બાળ મંડળ દ્વારા એક અદ્ભુત જાહેરાત થઇ…..આવનારા રવિવારે- ૩ જી જુલાઈ એ – વિશિષ્ટ બાળ દિન ઉજવવા માં આવશે- બાળકો દ્વારા નૃત્ય-સંવાદ -મનોરંજક-જ્ઞાન સભર પ્રોગ્રામ રજુ થશે…….સમય- રવીસભાનો જ છે……સર્વે એ અચૂક લાભ લેવો………….અમારો હરિ તો અત્યાર થી જ ઉત્સાહિત છે…!!!!! 🙂

તો આજની સભા સત્સંગમાં સતઅસત ના વિવેક ની…સતત જાણ પણા ની હતી…….જો આટલું થાય તો પણ જીવ પોતાના ગંતવ્ય…ને સ્પષ્ટ સમજે……એક હરિના રાજીપા અર્થે જ જીવે…..

સત્સંગ સમજવાની…જીવવા ની વાત છે…………

જય સ્વામિનારાયણ……”પ્રથમ શ્રીહરિ ને……” ચેષ્ટા ના પદ સાથે આજના દિવસ માટે નિવૃત થઈએ…..

રાજ

 


Leave a comment

ન્યુ દિલ્હી ડાયરીઝ-૨૦૧૬

હમમમ….તો લગભગ ૪ વર્ષ ના અંતરાલ બાદ હું ફરીથી દિલ્હી માં હતો….! જેમ જીવન અચાનક વળાંક લે છે તેમ  સમય પણ મંથર ગતિએ એમ જ વળી જાય છે……સ્નેહીઓ ના આગ્રહ ને લીધે મંદી ના માતમ વચ્ચે પણ દિલ્હી જવાનો પ્રોગ્રામ બન્યો…..અને  નિભાવ્યો….! કારણ સબળ હતું…અક્ષરધામ ના  દર્શન. ૧૦ વર્ષ પહેલા જયારે અક્ષરધામ નું ઉદ્ઘાટન થયું હતું ત્યારે હું ત્યાં ગયો હતો અને આ વખતે ત્યાં પુનઃ જવાનો મેળ પડ્યો…..! તો- જોઈએ અનુભવો કેવો રંગ પ્રગટાવે છે……..

akshardham_monument_with_sarovar-002

 • આવવા જવાનું ફ્લાઈટ માં હતું આથી સમય ની બરબાદી ન હતી……..હરિ માટે એના જીવન નું પ્રથમ હવાઈ ઉડ્ડયન હતું..આથી એ તો રોમાંચિત હતો અને એને જોઇને અમે બધા રોમાંચિત હતા…….
 • સિક્યોરીટી -તો જેમ વિચાર્યું હતું તેમ જ કડક હતી……છતાં અમદાવાદ નું એરપોર્ટ..રનવે…તેના છીંડા જોઈને લાગ્યું કે  તે કડકાઈ માત્ર ઉપરછલ્લી જ હતી…………ભગવાન જ આ દેશ ને ચલાવે છે -તે પુનઃ દ્રઢ થયું…..
 • દિલ્હી અને લગભગ તમામ એરપોર્ટસ પર આજકાલ પ્રીપૈડ ટેક્ષી મળે છે…..છતાં ઓલા-ઉબેર-મેરુ નો તમેં અનુભવ કરી શકો…….બુકિંગ કરાવ્યા પછી કેવી ટેક્ષી આવે  છે …..એ તો પછી ની વાત છે..!!! 🙂
 • અમે રાત્રે દિલ્હી પહોંચ્યા……પ્રદુષણ ની ગૂંગળાવતી ધુમ્ર સેરો ફેફસા માં ઘુસી ગઈ……. અને ત્યાંથી પ્રીપેડ ટેક્ષી માં -અક્ષરધામ પહોંચ્યા…………અક્ષરધામ પરિસર અને મુખ્ય સ્મારક મંદિર -રોશની માં ઝળહળતું હતું……સલામતી વ્યવસ્થા ખુબ જ મજબુત હતી…કડક હતી……પ્રસંગ ભગત ને લીધે ઉતારા સહજ મળી ગયા પણ..હજુ ઉતારા નું કામ ચાલે છે, આથી બધાને ત્યાં ઉતારા મળી જ જાય ..એ શક્ય નથી.
 • અને હા,,, અક્ષરધામ યમુના કિનારે છે આથી મચ્છર તો જાણે ધોધમાર વરસાદ વરસતો હોય તેમ ચારકોર વરસે છે…………મચ્છરો ના ઢગલે ઢગલા -સમગ્ર અક્ષરધામ ના વિસ્તાર માં….ખાસ કરીને સાંજે હોય છે……કોઈ મચ્છર છાપ અગરબત્તી…..લીક્વીડ…..સ્પ્રે…..જાણે કે કોઈ જ અસર નથી કરતા……….અહીના મચ્છરો -રીઢા રાજકારણી ઓ નું લોહી પી ને રીઢા થઇ ગયા છે……….આથી જો આવી ઋતુમાં અક્ષરધામ જવાનું વિચારતા હો તો- સાથે ઓડોમોસ….મચ્છરદાની…..લાંબી બોય ના કપડા…..બુટ -મોજા ….શક્ય હોય તો મોસ્કીટો રેપેલંટ મેટ….જેવું સાથે અચૂક લઇ જવું….!!!
 • અક્ષરધામ દર્શન માટે સવારે ૯ વાગ્યે પહોંચી જવું……મોબાઈલ, અન્ય પ્રતિબંધિત વસ્તુઓ હોટલ/ઉતારા/ગાડી માં મૂકી ને જ જવી…..ચાલુ દિવસે પણ અક્ષરધામ માં સહેજે ૨૦-૨૫ હજાર લોકો દર્શને આવે છે…….શની-રવિ તો આનાથી વધુ ભીડ હોય એ સ્વાભાવિક છે…….! ચાલવાનું ઘણું છે…આથી તૈયારી રાખવી…..
 • અક્ષરધામ- સદાયે અદ્ભુત..અદ્ભુત જ છે…..શરૂઆત જ દમદાર છે……શું જોવા મળશે ??? એ કહી ને તમારી જીજ્ઞાસા ઓછી નહિ કરું…….બસ તમે એકવાર અચૂક અહી દર્શન કરો………મુખ્ય સ્મારક માં શ્રીજી -એમના ગુણાતીત સંત ના દર્શન એ અવિસ્મરણીય લ્હાવો છે………શ્રીજી ની મૂર્તિ -મધ્ય ખંડ નું ગર્ભગૃહ..એની સજાવટ જોઇને તમે સાક્ષાત અક્ષરધામ પહોંચી ગયા હો…તેવો જ અનુભવ થાય……….જીવ બસ એક એમાં જ ચોંટી જાય….અને થાય કે  સમય-કાયમ માટે સ્થિર થઇ જાય………!!! શ્રી સીતા-રામ, શ્રી રાધા-કૃષ્ણ….પાર્વતી-શિવ..લક્ષ્મી-નારાયણ ની આરસપહાણ ની મૂર્તિઓ….એક જ પથ્થર માં થી કોતરેલી છે……અને એટલી બારીક કોતરણી છે કે તમારું મગજ કામ જ ન કરે………….!!!! મંદિર ની આધાર દીવાલો -ગજેન્દ્ર પીઠીકા પર હાથીઓ -પંચતંત્ર-અધ્યાત્મ ની વાર્તા ઓ ની જે કોતરણી થઇ છે………….તે તો તમે બસ દેખતા જ રહી જાઓ…!!!! આપણી કલ્પના માં પણ ન આવે કે આટલી કોતરણી….સમગ્ર અક્ષરધામ માત્ર પાંચ વર્ષ ના ટૂંકા ગાળા માં બન્યું છે…….!! આ જોઇને તો ભલભલા નાસ્તિક પણ આસ્તિક થઇ જાય……..અને મારા ગુરુ…પ્રગટ અક્ષરબ્રહ્મ પ્રમુખ સ્વામી મહારાજ ની દિવ્યતા…..શ્રીજી નું પ્રગટ પ્રમાણ હોય તો જ આ શક્ય બને……! શત શત વંદન…ગુરુ હરિને…….શ્રીજી ને…!!!
 • પ્રદર્શની ૪  ભાગમાં છે….જે તમે બધી અથવા જે ગમે તે -એમ પસંદ કરી-સમયની અનુકુળતા પ્રમાણે ટીકીટ લઈને જોઈ શકો…….પણ મારી સલાહ છે……અક્ષરધામ ના દર્શન માટે એક આખો દિવસ કાઢવો…..અને બધી જ પ્રદર્શની જોવી….અનુભવવી……!!! નીલકંઠ યાત્રા -આઈમેક્ષ ફિલ્મ ની પ્રિન્ટ અતિશય વપરાશ થી થોડીક ઘસાઈ ગઈ છે…….પણ નૌકા વિહાર અદ્ભુત છે……અને સાંજનો( ૬-૩૦ વાગે પહોંચી જવું) લેસર-વોટર શો……અચૂક જોવો…!!! કેનોપનિષદ નો અદ્ભુત સંદેશ………એટલી અદભુત પધ્ધતિ થી ગુંથ્યો છે કે- તમે એમાં એકરૂપ થઇ જાવ…! પણ -અહિયાં પણ મચ્છરો નો ખુબ જ ત્રાસ છે……..શરીર ઢંકાય એવા કપડા પહેરી ને જવું…ઓડોમોસ સાથે રાખવી…..
 • .શો -બાદ અક્ષરધામ ના રાત્રી દર્શન સાથે ત્યાના ફોટોગ્રાફર દ્વારા ફોટો પણ પડાવી શકાય………૨૦ મિનીટ માં જ પ્રિન્ટ મળી જાય છે……અને કાયમનું સંભારણું થઇ જાય છે…
 • જમવા માટે- પ્રેમવતી ની અદ્ભુત સેવા છે……….ખુબ જ વ્યાજબી ભાવ- ક્વોલીટી ફૂડ- અને ઉત્તર ભારત ની વિવિધા ધરાવતું ફૂડ મળે છે…………અચૂક લાભ લેવો…..
 • અમે બે દિવસ રોકાયા અને અદ્ભુત દર્શન નો લાભ લીધો……વોટર શો -બે બે વાર જોયો………!!!!! પંજાબી નાસ્તા-આઈસ્ક્રીમ નો અઢળક લાભ લીધો………..
 • પાછા ફર્યા ……….પણ ખાલી હાથ અને ખાલી હૈયે ન આવ્યા…….શ્રીજી ના અદ્ભુત દર્શન……….સત્પુરુષ ના સર્વોપરી સંકલ્પ……ભક્તો-સ્વયમ સેવકો -સંતો ની રાત-દિવસ ની મહેનત ..અને ભારત માં જન્મ્યા હોવાનું ગૌરવ થાય ….તેવી સંસ્કૃતિ-સંસ્કાર ને હૃદય માં દ્રઢ કરી ને આવ્યા…………
 • અક્ષરધામ પરિસર ને છોડી ને બીજે ક્યાય ફરવા ન જવાયું……..મેટ્રો ની મુસાફરી -મારે રીના અને હરિ ને કરાવવી હતી………પણ હવે એ ફરી ક્યારેક…!!!
 • અમારા હરિ ને તો બસ ધમાલ કરવા જોઈએ…ને સમગ્ર અક્ષરધામ સંકુલ માં દોડાદોડી કરીને ફરી વળ્યો……….મુખ્ય મંદિર માં ભક્તરાજો ની મૂર્તિઓ માં જોબન પગી ને શોધી કાઢ્યા…..ઠેર ઠેર દંડવત -ધુન્ય કરી આવ્યો…..નારાયણ સરોવર વિષે તો એટલા પ્રશ્ન પૂછ્યા કે મારે જવાબ શોધવા કાઠા પડી ગયા…….!!! …..અજાણ્યા-દેશી-વિદેશી-અજાણી ભાષા ધરાવતા મુલાકાતીઓ સાથે પણ વાતચીત કરી આવ્યો………..!!! એરપોર્ટ પર તો વિમાન.” ઊંચું” કર્યું……….સીટ બેલ્ટ બાંધવા મુદ્દે રિસામણા લીધા ….અને માંડ માંડ અનેક “પ્રાર્થના” ઓ પછી હરિકૃષ્ણ મહારાજ માન્યા…….! જીદ કરીને આઈસ્ક્રીમ-ચોકલેટ્સ ના ભડાકા બોલાવી દીધા……….!!!

તો- મારી સલાહ -દિલ્હી જાઓ તો- બીજું કશું ન જુઓ તો ચાલે……પણ અક્ષરધામ ના દર્શન અચૂક કરવા……..પણ દર્શન ની સુચના ઓ ખાસ જોઈ લેવી……….!!! છેવટે – સત્પુરુષ ના સંકલ્પ…..શ્રીજી નો રાજીપો અહી જ છે……….અને એ જ અક્ષરધામ છે………..!!!