Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS રવિસભા-૨૨/૦૪/૨૦૧૮

“અને વળી અમે વિચારીને જોયું જે, જે અતિશય ત્યાગ રાખે અથવા દયા રાખે તેથી ભગવાનની ભક્તિ થાય નહીં; ત્યારે ઉપાસનાનો ભંગ થાય છે. અને પૂર્વે જે જે અતિશય ત્યાગી થયા છે તેના માર્ગમાં ઉપાસનાનો નાશ થઈ ગયો છે. માટે અમે એમ વિચારીને પરમેશ્વરની ઉપાસના રહેવા સારુ ત્યાગનો પક્ષ મોળો કરીને ભગવાનનાં મંદિર કરાવ્યાં છે. તેમાં જો થોડો ત્યાગ રહેશે તો પણ ઉપાસના રહેશે, તો તેણે કરીને ઘણાક જીવનાં કલ્યાણ થશે……”


ભગવાન શ્રી સ્વામિનારાયણ- વચનામૃત- ગઢડા મધ્ય-૨૭

આજે અમદાવાદ શાહીબાગ મંદિર નો ૫૬ મો પાટોત્સવ હતો……૧૯૪૮ માં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે શાહીબાગ માં જમીન નું સંપાદન કર્યું અને ૧૯૫૨ માં – બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજે મંદિર નું નિર્માણ કરી- અક્ષર પુરુષોત્તમ મહારાજ ની પ્રાણ પ્રતિષ્ઠા કરી…..! ઘણીવાર કોઈ પણ ને પ્રશ્ન થાય કે- મદિર ની જરૂર શું છે?? અને એ પણ આવા ભવ્ય મંદિરો ની શી જરૂર છે?? વગેરે…અને એનો ઉત્તર ઉપર સ્વયમ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાને આપ્યો છે….! ઉપાસના દ્રઢ રહે..કાયમ રહે..અને કલ્યાણ નો માર્ગ ખુલ્લો રહે તે માટે- જીવ ને સ્થિર કરે તેવા મંદિરો …બ્રહ્મવિદ્યા ની કોલેજ સમાન મંદિરો ની જરૂર છે……બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા દેશ વિદેશ માં- જીવમાં જોમ ભરાઈ આવે તેવા – ૧૨૦૦ થી વધુ ભવ્ય મંદિરો ની ધજા ઓ લહેરાય છે…..તે આ વચન ને ચરિતાર્થ કરે છે..! આજની સભા – મંદિરો ના મહિમા પર જ હતી…..

છેલ્લા ઘણા રવિવાર થી સભા ન ભરી શક્યો..તેનું દુખ છે……કારણ કે સત્સંગ વગર અધુરપ લાગે છે….સંસાર ના કારખાના નો તો અંત જ નથી…..પણ એ વચ્ચે- જીવ ના કલ્યાણ નું તો સૌપ્રથમ વિચારવું જ પડે ને…! તો- આજે ધોમધખતી ગરમી માં પણ સમયસર મંદિરે પહોંચી ગયા……અન્નકૂટ ગ્રહણ કરતા ઠાકોરજી ના દર્શન થી હું સંતૃપ્ત થઇ ગયો…….ચાલો તમે પણ થાઓ…..

This slideshow requires JavaScript.

સભાની શરૂઆત – યુવકો દ્વારા ધુન્ય પ્રાર્થના થી થઇ…..ત્યારબાદ – બ્રહ્માનંદ સ્વામી રચિત….” મંદિરે પધારો પિયા..શ્યામ સોહાગી…” ….” મારા નેણા તણા શણગાર ..મંદિરે તમે પધારો માવજી…..” અને ” ઓરા આવો છેલછબીલા ..રંગીલા ….લટકાળા ધર્મલાલ..” રજુ થયા………અને પ્રેમાનંદ સ્વામી રચિત કીર્તન….” છબી નૈનન બીચ બસો…..નટવર..” રજુ થયું…! અદ્ભુત કીર્તન…અદ્ભુત માહોલ…!

ત્યારબાદ પ્રગટ અક્ષર બ્રહ્મ મહંત સ્વામી મહારાજ ના ૧૫ એપ્રિલ- ૨૦૧૮- ના હોંગકોંગ મંદિર ખાતે ના વિચરણ ના વિડીયો દર્શન નો લાભ મળ્યો…….જે નીચેની લીંક દ્વારા જોઈ શકાશે….

ત્યારબાદ પરમ ભગવદીય જયેશભાઈ માંડણકા દ્વારા ” મંદિર ની ઉત્પત્તિ અને મહિમા” પર અદ્ભુત પ્રવચન નો લાભ મળ્યો…..જોઈએ સારાંશ….

 • મનુષ્ય સર્વે જીવો માં શ્રેષ્ઠ છે કારણ કે- એ વિચારશીલ છે…..એની પાસે મન છે…જે જાગ્રત છે…..ક્રિયાશીલ છે…..પણ સાથે સાથે ગહન અને જટિલ પણ છે….જેને સમજવું-ઉકેલવું અઘરું છે….અને એ માટે એક ભગવાન જ સમર્થ છે….એક મંદિર જેવું સ્થાન જ મદદરૂપ છે…..
 • સૃષ્ટિ ના પાંચ તત્વો થી એક મંદિર બને છે…..તેવું શાસ્ત્રો કહે છે…..મંદિર ની ઉત્પત્તિ-તેનું સ્વરૂપ-રચના ૬૦૦૦ વર્ષ થી પણ જૂની છે, તેવું વેદો કહે છે……
 • વેદો માં તો- મંદિર ને અનેક ભાગ- છેક શિખર થી લઈને ગૃહ્ભાગ સુધી વહેંચવામાં આવ્યું છે જેને પરમાત્મા ના વિવિધ અંગ સાથે સરખાવવા માં આવ્યું છે…આમ, મંદિર એ પરમાત્મા નું સ્વરૂપ જ છે..એમ શાસ્ત્રો કહે છે….
 • શાસ્ત્રો કહે છે કે- એક મંદિર ના નિર્માણ થી બ્રહ્માંડ ના આયુષ્ય માં અનેક ઘણો વધારો થાય છે…આમ, સકારાત્મક ઉર્જા નો સંચાર મંદિર થકી થાય છે….પહેલા ના સમય માં તો જ્યાં મનુષ્ય વસતો ત્યાં પ્રથમ મંદિર બનતું..અને એની રચના પર થી એ નવા વસવાટ ના અન્ય ભવન બનતા…એવો મંદિર નો મહિમા હતો…..
 • આજે પણ ઘણા દેશમાં સરકાર નું કામકાજ – સરકારી ઓફીસ ના પરિસર માં આવેલા ધાર્મિક સ્થાન માં પૂજા અર્ચના થી થાય છે…….
 • પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે- મંદિર- એ શાંતિ-સ્થિરતા-સંસ્કાર નું સ્થાન છે……તો વચનામૃત કહે છે કે- મંદિર એ મનુષ્ય ને મોક્ષ સાથે -ભગવાન સાથે જોડતો સેતુ છે…..તેનાથી ઉપાસના દ્રઢ થાય છે…..અનેક જીવન નું પરિવર્તન થાય છે…..અક્ષરધામ ના દર્શન માત્ર થી અનેક મનુષ્ય ના જીવન બદલાઈ ગયા છે..તેના જીવંત ઉદાહરણ હાજર છે……

અદ્ભુત…અદ્ભુત…!

ત્યારબાદ- મંદિર નો વિશેષ મહિમા…..” હમ સનાતન હિંદુ હૈ…..મંદિર હૈ પહેચાન” ગીત સાથે નો વિડીયો રજુ થયો…..(જેના પ્રતિક રૂપે નીચેનો વિડીયો જોઈ શકાશે……)

ત્યારબાદ પુ.અક્ષર વત્સલ સ્વામી દ્વારા ” રોજીંદા જીવન માં મંદિર- ઘરમંદિર” પર અદ્ભુત પ્રવચન થયું…જેના અંશમાત્ર આપણે અહી જોશું…….

 • અમદાવાદ શાહીબાગ મંદિર આજે તેનો ૫૬ મો પાટોત્સવ ઉજવી રહ્યું છે……એ પહેલા આંબલી વાળી પોળમાં- આપણું નાનકડું મંદિર હતું…..૧૯૪૮માં બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે એક બંગલો – શાહીબાગ માં લીધો અને ૧૯૫૨ માં યોગીબાપા અને પ્રમુખ સ્વામી મહારાજે – સુંદર મંદિર ની રચના કરી અક્ષર પુરુષોત્તમ મહારાજ ને મધ્ય ખંડ માં બેસાડ્યા…..
 • ઘણા ને પ્રશ્ન થાય કે- શ્રીજી મહારાજ તો મધ્ય ખંડ માં છે..તો પછી પ્રથમ અને છેલ્લા ખંડ માં પુનઃ શ્રીજી ની મૂર્તિ કેમ છે?? તેનો ઉત્તર છે- મધ્ય ખંડ માં શ્રીજી- એમના- ધામ( ગુણાતીતાનંદ સ્વામી) અને મુક્ત ( ગોપાળાનંદ સ્વામી ) સાથે બિરાજ્યા છે……જે આપણો સિદ્ધાંત દર્શાવે છે…છેલ્લા ખંડ માં એકલા જ ઘનશ્યામ મહારાજ રૂપે બેઠા છે- તે દર્શાવે છે કે- અહી ઉપાસના તો એક પુરુષોત્તમ ની જ થાય છે…..અને પ્રથમ ખંડ માં – હરિકૃષ્ણ મહારાજ રૂપે – રાધા કૃષ્ણ દેવ સાથે બેઠા- એ -એમના જન્મ- અવતાર ધારણ ની સ્મૃતિ દર્શન માટે છે…..
 • ઘણા પૂછે છે કે મંદિર ની જરૂર શી છે?? તો એનો ઉત્તર સ્પષ્ટ છે….ભગવાન નો દ્રઢ અનુભવ કરવા માટે…..જેમ હવા તો બધે જ છે પણ એક પંખા નીચે ઉભા રહેવા થી તેનો વિશેષ અનુભવ થાય છે..તેમ ભગવાન સર્વ વ્યાપક છે પણ તેમનો અનુભવ તો એક મંદિર માં જ થાય છે….
 • મંદિર ની મૂર્તિઓ કઈ પુતળા નથી પણ સાક્ષાત ભગવાન છે….એ મૂર્તિઓ માં સાક્ષાત ભગવાન નિવાસ કરે છે……પણ તેનો અનુભવ તો દર્શન કરનાર ના ભાવ પર થી થાય છે…..જેવો તમારો ભાવ – તેવી મૂર્તિ તમને ભાસે છે….જો મૂર્તિમાં ભગવાન નો સાક્ષાત અનુભવ લેવો હોય તો ગુણાતીત પુરુષ સાથે ગુણાતીત બનવું પડે…આધ્યાત્મિક ઉંચાઈ પ્રાપ્ત કરવી પડે…….
 • મૂર્તિઓ માં ભગવાન ની પ્રાણ પ્રતિષ્ઠા બે પ્રકારે થાય…૧) વેદિક મંત્ર થી……૨) સત્પુરુષ થકી…..અને પાટોત્સવ એટલા માટે ઉજવાય છે કે- એ મૂર્તિઓ માં આપણો ભાવ દ્રઢ થાય……અસંખ્ય લોકો ને – આ મૂર્તિઓ માં ભગવાન સાક્ષાત છે તેનો અનુભવ થયો છે…એનું કારણ એમની દ્રઢ પ્રતીતિ છે……આપણે પણ એ લેવલ સુધી પહોંચવા નું છે……
 • ઘર મંદિર – એ સત્પુરુષ ની આજ્ઞા થી જ આપણા ઘરે સ્થાપેલું છે….માટે જ તેમાં પણ ભગવાન સાક્ષાત રહે છે……તેમ સમજી આપણે શ્રીજી ની ભક્તિ -સેવા કરવા ની છે….કારણ કે મંદિર એ શાંતિ-સંસ્કાર-વિવેક-સ્થિરતા નું પ્રતિક છે…….અને એમની-મર્યાદા સાચવીએ- એટલે ઠાકોરજી આપણી સાચવે…..
 • એવા મંદિર માં – આજ્ઞા મુજબ દિવસ માં એક વાર તો અચૂક જવું……કારણ કે- શ્રીજી આપણી રાહ જુએ છે…….!

અદ્ભુત …..અદ્ભુત…….! મંદિર નો- ઠાકોરજી નો આવો મહિમા જો દ્રઢ થાય તો- જીવ ને કશું બાકી ન રહે……!

સભાને અંતે અમુક જાહેરાત થઇ……

 • અમુક માસ પહેલા- હરિભક્તો એ- ઘર મંદિર નો ઓર્ડર આપેલો- તે ઓર્ડર હવે- સપ્લાય થવા ની તૈયારી માં છે…..
 • ઘરસભા નો પ્રોજેક્ટ ભવ્યતા થી શરુ થઇ રહ્યો છે……એ માટે ઘરસભા ની ઊંડાણ પૂર્વક માહિતી આપતી- ઘરસભા સહાયિકા – ત્રણ ભાગ નો સેટ – પ્રગટ થઇ ચુક્યો છે…….મેં વસાવી લીધો છે..તમે???

તો આજની સભા- મંદિર કે જેને આપણા ગુણાતીત પુરુષો બ્રહ્મ વિદ્યા ની કોલેજ કહે છે…તેના મહિમા ને સમજવા ની હતી……..જો એ સમજાય તો- આપણું ઘર- આપણું હૈયું મંદિર બને જેમાં ભગવાન એમના ભક્તે સહીત આવી ને બિરાજે…….!

જય સ્વામિનારાયણ……”પ્રથમ શ્રી હરિ ને રે…”

રાજ


Leave a comment

રસપ્રદ ફોટા-૧૮

ઘણા સમય બાદ..હાજર છે ફોટોનામાં……તસ્વીરો દ્વારા દુનિયા ની તાસીર જાણવા નો એક પ્રયાસ….કારણ કે ” હર એક તસ્વીર કુછ કહેતી હૈ….” બરોબર ને…!  તો સાથે સાથે મરો-તમારો અનુભવ….લાગણીઓ પણ શબ્દો દ્વારા વ્યક્ત કરીશું..આખરે આપણે બધા હમસફર છીએ…..ભલે ને મંઝીલ એક હોય કે અલગ…!

 

તો શરૂઆત એક અદ્ભુત ફોટો થી…..જે મને એક ગુજરાતી- સરકારી પ્રાથમિક શાળા માં થી મળ્યો….

ખોવાયો છે એક પરિવાર...

ખોવાયો છે એક પરિવાર…

કુટુંબ..પરિવાર…Family ની વ્યાખ્યા શું?…….આજકાલ તો કુટુંબ કોને કહેવાય? કુટુંબ એટલે શું? એ જ કારકિર્દી….એકલતા..સ્વછંદી જીવન ઈચ્છતી પેઢી ને ખબર નથી તો વ્યાખ્યા ની શી વાત કરવી???  બધા ને પોતાની મરજી પ્રમાણે જીવવું છે…..અને આવક અઢળક છે ..ભૌતિક સુખો ની ભરમાર છે….પછી- કુટુંબ માં બધાની જરૂર શું છે?  ઘરડા માં-બાપ – દીકરા ની પત્ની ને બોજો લાગે છે….તો અન્ય સગા વ્હાલા – ડિસ્ટર્બન્સ….અડચણ….! તો કહેવું શું? ….આપણે ક્યાં જઈ રહ્યા છીએ?  એકલા રહેવા ની…માત્ર પોતાની આભાસી દુનિયા માં રહેવા ની લ્હાય માં- આપણે ક્યારે “એકલા” પડી જાશું…..ખબર નહિ પડે….! જેટલા જલ્દી ચેતી જાશું….દિલ મોટું રાખી ને જીવતા શીખશું……એટલું જ આપણા માટે સારું છે..!  મને લાગે છે કે- આવનારી  સદી માં મનુષ્ય માટે સૌથી મોટો પડકાર- “કુટુંબ” વ્યવસ્થા ને …સંબંધો ને ટકાવવા નો હશે…..! એ માટે પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું છે એમ..”ઘરસભા” નો અદ્ભુત વિચાર….તથા…” નમવું, ખમવું…ઘસાઈ જાવું……અને કટ વળી જવું…..” એ ચાર ગુણ જીવન માં અપનાવવા પડશે……..આખરે સંબંધો છે- તો આપણું અસ્તિત્વ છે….

મસાલા બાઝાર....

મસાલા બાઝાર….

એક જમાનો હતો કે- દાળ-શાક -તદ્દન તાઝા ….મસાલા થી બનતા હતા…કાળક્રમે જમાનો બદલાયો…..સમય ટૂંકો થયો……સગવડો વધી……અને સ્વાદ ઘટ્યા…….! હવે તો માંગો એનો મસાલો મળે છે…..નવી પેઢી ની નારીઓ ને….નારી-હીન પુરુષો ને કોઈ જફા જ નહિ……!  જુઓ..કયો મસાલો ખૂટે છે?

જલેબી કે ગીલેબી..???

જલેબી કે ગીલેબી..???

અમુક સમય પહેલા હું કેરલ ગયો હતો…અને કોટ્ટાયમ..અર્થાત સાક્ષર નગરી માં વિચરણ દરમ્યાન એક દુકાને જલેબી જોઈ……મને જલેબી કરતા..”ગીલેબી” શબ્દ માં વધારે રસ પડ્યો……..શું કહો છો?? આમાં શબ્દો ની માયાજાળ માં ફસાવા કરતા…જીભ ને વધારે પ્રાધાન્ય આપવું……એવું મારું સુચન છે….

….જુઓ..વાંચો..સમજો……..અને કૈંક તો જીવન માં ઉતારો……!

રાજ

 

 

 


1 Comment

આજકાલ…..

“આજ કાલ શું ચાલે છે?”  એ એક પ્રખ્યાત સવાલ છે અને એનો જવાબ પણ આપણે જાણીએ છીએ એમ પ્રખ્યાત છે..” બસ શાંતિ…” “છોડ ને યાર….” ” જલસા છે…..” વગેરે વગેરે ……! જીવન નું ચક્ર આમ જ ફરતું રહે છે. તમારી ભાગમભાગી થી કદાચ લોકો ને કોઈ જ ફરક, હવે નથી પડતો….કારણ કે જીવન ની ગતિ જ અત્યારે એ છે. તમે એક જગ્યા એ બેસી રહો તો- કઈ ન થાય….નોકરી-ધંધા, સંબંધો, વ્યવહારો, લાગણીઓ સાચવવા દોડવું પડે……એના વગર છુટકો જ નથી….! તો ગયું અઠવાડિયું મારા માટે કેવું રહ્યું…..?

 • બસ એ જ દોડાદોડ…..લગ્નસરા ચાલુ છે આથી- ત્યાં મને-ક-મને જાવું જ પડે…! ઉત્તર ગુજરાત ના પ્રવાસે ફરી આવ્યા…..જનોઈ અને લગ્ન – બે પ્રસંગો સાચવ્યા….ઘણીવાર સવાલ થાય છે કે જનોઈ અર્થાત યજ્ઞોપવિત ના નિયમ ધર્મ આજકાલ કોણ સમજે છે?  નિભાવે છે? એની પાછળ લાખો રૂપિયા નું આંધણ…બરાબર નથી. એના કરતાં- સાદાઈ થી…શાંતિ થી આ પ્રસંગ ઉજવો- બાળક-એના માતા પિતા યજ્ઞોપવિત નું મહત્વ સમજે – એના પાછળ નો તર્ક સમજે- એ અગત્ય નું છે.
 • પપ્પા-મમ્મી -ઘણા સમય બાદ અમદાવાદ માં છે….મોટાભાઈ ના ઘરે છે- હજુ મારા ઘરે આવ્યા નથી….આથી એમની રાહ જોવાય છે. વિભક્ત કુટુંબો- વધતા જે ગેર-ફાયદો કે પીડા થાય છે- એ અનુભવવા જેવી વાત છે- પણ આજકાલ ની પેઢી ને ક્યાં સાથે રહેવું છે? એટલા માટે જ – પુ.પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા અમલ માં મુકાયેલી- ઘરસભા -નો વિચાર મને ગમ્યો છે( હજુ મેં એની શરૂઆત નથી કરી એ અલગ વાત છે…)- આ સાથે જ વૃદ્ધ માં-બાપ ની સેવા અને વિસરાઈ રહેલા સંબંધો- જેવા મુદ્દા પણ અગત્ય ના છે….
 • શામળાજી માં- શામળિયા શેઠ ના દર્શન કરી આવ્યા- મન ને શાંતિ થઇ…..હૃદય ભરી ને દર્શન કર્યા …છેવટે તો અંતિમ ધ્યેય – એ જ છે.
 • ગાડી ને સહેજ અકસ્માત થયો…..પાછળ ગોબો પડી ગયો અને ૧૦-૧૨ હજાર નો ખર્ચ આવ્યો….જો કે- ઇન્સ્યોરન્સ છે, આથી બધું કવર થઇ જાશે- પણ આના પર થી એક વાત સાબિત થઇ કે- લોકોમાં ટ્રાફિક સેન્સ હજુ પણ નથી…..અને તંત્ર નઘરોળ છે… BRTS નું કામ ચાલુ છે અને જ્યાં જુઓ ત્યાં મોટા મોટા ખાડા એમ ને એમ ખોદી કાઢ્યા છે…..રોડ નું કોઈ સમારકામ નથી…..આથી અકસ્માત ન થાય તો જ નવાઈ…..! હવે , અમદાવાદ માં ગાડી ચલાવવું- એટલે કદાચ દુનિયા નું સૌથી દુષ્કર કાર્ય કહેવાશે- એ દિવસો દુર નથી……
 • પેટ્રોલ માં ભાવ-વધારા ની વાતો- રાત્રે સપનામાં પણ ડરાવે છે….ઈરાન-અમેરિકા લડે અને દુનિયા નો ખો નીકળે – એ આનું નામ…..! દિવાળી સુધી માં – ૧૦૦ રૂપિયે લીટર પેટ્રોલ મળશે- એવું લાગે છે……
 • મિલ્કી વે ગેલેક્ષી ( આકાશ ગંગા) માં ઘણા ભુલા પડેલા – પોતાના “ગ્રહીય” ભ્રમણ કક્ષા માં ન ફરતા- રખડતા ગ્રહો જોવા મળ્યા છે…..આથી- અત્યાર સુધી ની બધી- થીયરી ઓ કદાચ ખોટી પડશે…..બ્રહ્માંડ ની ઉત્પત્તિ ની વૈજ્ઞાનિક કથા- ફાલતું સાબિત થશે……- તો, આનો મતલબ શું?  ભાઈ…આનો મતલબ  એ કે – દુનિયા કે સત્ય જે દેખાય છે – એ એવું જ હોય એ સાચું  નથી…કંઇક તો છે કે -જે આ સમગ્ર બ્રહ્માંડ કે બ્રહ્માંડો ને ચલાવે છે…..અને એ છે મારો વ્હાલો- મારો શ્રીહરિ…..! તમે જુઓ…..નવી નવી થીયરીઓ આવશે….નવા સંશોધનો આવશે…..અને એ જ સાબિત થશે કે- કોઈ પરમ તત્વ તો છે કે જે આ બધું- એક ડીઝાઈન પ્રમાણે જ ચલાવે છે…..
 • બરોડા નો પ્રવાસ થયો- વોલ્વો નો ભરપુર ઉપયોગ થયો……સેવા સારી છે , પણ બસ ની ફ્રીકવન્સી ઓછી છે- આથી થોડીક તકલીફ પડે છે…..

તો…બસ ” જુઓ ને આજ જલસા છે…..અને કાલ……??? કાલ કોણે જોઈ છે…..???”

રાજ


Leave a comment

સંસાર-અસાર….

એક યક્ષ પ્રશ્ન……..લગ્ન પછી કેટલા પતિ-પત્ની પોતાના સાથી ના વિચારો-વર્તન થી સો ટકા સંતુષ્ઠ હોય છે….?????? જવાબ છે…..??? મને પણ ખબર નથી પણ કદાચ કોઈ ..એકબીજા થી સંતુષ્ઠ નથી હોતું ,એ સ્વાભાવિક છે. સ્વાભાવિક એટલા માટે કે – આખરે પતિ પત્ની,ભલે સાથે હોય….પણ બંને અલગ વ્યક્તિ જ છે…..વિચારો અલગ છે…..વલણ અલગ છે……તો પછી આપણે શા માટે આશા રાખીએ છીએ કે – એક બીજાના વિચારો મળે..??? હમેંશા આમ-સહમતી થી જ કામ થાય……??? આથી સંસારમાં પણ લોકશાહી – એ એક “આદર્શ” અપેક્ષિત વિચાર છે……

મારી પોતાની વાત કરું તો – મારા અને રીના ની વિચારસરણી મા જમીન- આસમાન નો ફર્ક છે…….આથી ઘણીવાર વૈચારિક યુદ્ધ થાય જ છે…અને હું , બીજા બધા પતિઓ ની જેમ, રૂઢિચુસ્ત વિચારસરણી મા થી બહાર આવી શકતો નથી અને રીના ને મારા વિચારો કે નિર્ણયો સ્વીકારવા મજબુર કરું છું…….!! વચ્ચે, એક મેગેઝીન વાળા એ સર્વે કર્યો હતો, અને સાર એટલો મળ્યો હતો કે ,આંજે પણ ભારતીય સમાજમાં, પુરુષ ,ગમે તેટલા ભણેલા હોય…ફોરવર્ડ હોય પણ એમને એમની પત્ની, ઘર-રખ્ખું…..”આદર્શ” પત્ની ના નિયમ-ધર્મ પાડતી….પતિ નો બોલ ઉઠાવતી સ્ત્રી જ અપેક્ષિત હોય છે….!!

તો સામે પક્ષે….સ્ત્રીઓ , જેમ જેમ ભણી ગણી ને પોતાના પગ પર ઉભી રહેતી શીખી છે…ત્યાર થી કુટુંબપ્રથા કે …લગ્નસંસ્થા ના નિયમો…ટકાઉપણા ની વાતો દિવાસ્વપ્ન થઇ ગઈ છે……એક હકીકત છે કે…સ્ત્રી થી ઘર બને છે અને ઘર તૂટે છે….ઈટીવી ગુજરાતી પર એક સરસ સીરીઅલ આવે છે….”છૂટાછેડા”…એમાં ઉદઘોષક કહે છે કે …સ્ત્રી જયારે પરણી ને બીજા ઘરમાં જાય ત્યારે, એના માથા પર બે કુટુંબ ની ઈજ્જત નો સવાલ હોય છે- પિયર અને સાસરી……..અને એ સાસરીમાં વહુ તરીકે રહે…એ વધારે સ્વીકાર્ય છે…કારણ કે વહુ એ સાસરીની મર્યાદા હોય છે……સન્માન હોય છે…..!! જયારે એ વહુ દીકરી બનવાનો પ્રયત્ન કરે છે ત્યારે મર્યાદા એક “આભડછેટ” બની જાય છે…..અને સન્માન ઘટતું જાય છે…….!!  હું આ વાત સાથે જરા ઓછો સહમત છું…કારણ કે વહુ – એ ઘરની મર્યાદા સાથે એક દીકરી તરીકે પણ સહજ સ્વીકાર્ય બની જ શકે…પણ અંતે એ પણ …………………….સાસુ-વહુ ના સંબંધો પર….સાસરીના સપોર્ટ પર અને સૌથી મોટું…..સ્ત્રી ના પોતાની સમજણ પર અવલંબે છે……

કમાતી સ્ત્રી , એક સફળ પુરક બની શકે છે….આજકાલ “DINK” couple- ( Double Income No Kids) વધતા જાય છે….સ્ત્રી કમાતી હોય એટલે અહં નો ટકરાવ અપેક્ષિત જ છે….પુરુષ-સમોવડી બનવા ની આ હોડ, અંતે ઝગડાઓ નું સ્વરૂપ ધારણ કરે છે…જે એક કુટુંબ ને વેરણછેરણ કરી નાખે છે….તો કરવું શું????….

 • સ્ત્રી-પુરુષે ,કુદરત ને માન આપી, એમના શારીરિક-માનસિક ભેદ ને—એના તાત્પર્ય ને સમજવું જોઈએ…તમે લાખ ચાહો પણ સ્ત્રી આખરે સ્ત્રી છે અને પુરુષ આખરે પુરુષ છે……એ એકબીજા ના રોલ સો ટકા ક્યારેય નિભાવી શકવા ના નથી…..આથી પોતાનો જ રોલ પ્લે કરો….બીજાના પેંગડામાં પગ નાખી-પગ ખરાબ ન કરો…..
 • એકબીજા પ્રત્યે માન- સન્માન….વિશ્વાસ ખુબ જરૂરી છે…..એ હશે તો જ કદાચ પ્રેમ હશે….
 • એકબીજાને – બદલવા નો પ્રયત્ન ક્યારેય ન કરો…..ઉલટાનું એકબીજા વચ્ચે નજદીકી જરા ઓછી રાખો કે એકબીજા ને શ્વાસ લેવા ની જગ્યા મળે….એક આસમાન મારું…..એક આસમાન તારું….!!
 • લગ્ન પછી- પ્રશ્નો આવવા ન જ…..તો સાથે મળી એને સોલ્વ કરો…..અન્ય લોકો ની મદદ લઇ એનો ખીચડો ન બનાવો….જરૂર પડે તો જ બાહ્ય મદદ લો…..એ પણ મિત્રો ની સૌ પ્રથમ…ત્યારબાદ…પિયરીયું ..કે સાસરું…..!!
 • વૈચારિક મતભેદ સ્વીકારો…..નિષ્પક્ષ રહી નિર્ણય લો…….પોતાના જક્કી વલણ નો ત્યાગ કરો….એ જમાના ગયા કે પુરુષ કહે અને એ બ્રહ્મ-વાક્ય બની જતું હતું……
 • સ્ત્રી ઓ -પુરુષ ના “આધિપત્ય” ની ભાવના ને પ્રેમ થી સ્વીકારો– એ આનુવંશિક લક્ષણ છે….એનો વિરોધ કરવા મા કોઈ સાર નથી…..એનો વિરોધ કરવા ને બદલે…એનો ઉપયોગ કરો…પુરુષમાં “અહં” નહી હોય તે એ પુરુષ તરીકે પોતાની જવાબદારીઓ નિભાવી નહી શકે…અને સ્ત્રીમાં “દાસત્વ” નહી હોય તો પોતાનું ઘર-પરિવાર જાળવી નહી શકે….આથી ગમ ખાતા….દુઃખી વાતો ભૂલતા શીખો….
 • અને ઉપર ના વાક્ય નો એ પણ મતલબ નથી કે -પુરુષ રાજા અને સ્ત્રી-ગુલામ…..!!! યોગ્ય નિર્ણય-વિવેકબુદ્ધિ થી સ્વીકારો…પૂ.પ્રમુખસ્વામી મહારાજ કહે છે કે – દુનિયા ના ગમે તેટલા મોટા પ્રશ્નો હોય….વાતચીત- એક બીજા પ્રત્યે ને સમજણ થી નિવારી શકાય છે…..
 • અને છેલ્લે-……જો પતિ કે પત્ની…..બંને ના વિચારો સહેજે ન મળે તો……..લાખ પ્રયત્નો કરવા છતાં – સમજણ ન આવે તો……..??? શું કરવાનું….?? છુટા થઇ જવાનું……??? ભાઈ ….એને વાર છે….જો આવું થાય તો ….એકબીજા વચ્ચે- અમુક સમય પૂરતું જ ” એકલતા” ને સ્થાન આપો….એકબીજા થી દુર રહો…..સકારાત્મક બનો…..પરિસ્થિતિ જુઓ….અધ્યાત્મ પકડો……અહં છોડો….અને વિચારો કે – મેં થોડુંક નમતું જોખ્યું હોત તો…..શું ખાટું મોળું થઇ જાત….???? અને યાદ રાખો….એકલા સફર કરવા કરતાં….હમસફર સાથે સફરમાં મજા વધારે છે….!!
 • અને આનાથી પણ કશું ન વળે તો……છુટા પડી ને સુખે થી જીવો….બીજું શું??? પણ હસતા હસતા છુટા પડો….!!! કોણ જાણે ક્યારે ફરીથી ભેટો થઇ જાય…….!!

ટૂંકમાં આ બધી રામાયણ નો સાર એટલો જ છે કે- સંસાર માનો તો સુખ નો દરિયો છે……અને જો ન માનો તો અસાર છે……પેલી કહેવત છે ને કે…લોકો દુનિયા આખી નો વહીવટ ચલાવી શકે પણ પોતાનું ઘર કે પરિવાર જાળવી શકતા નથી…..!!

અને આના માટે- “ઘરસભા” જેવો ઈલાજ કોઈ નથી……એકબીજા ની સાથે બેસી….ટીવી ને આરામ આપી…..ખુલ્લા મને…શાંતિ થી ચર્ચા -સત્સંગ કરો…બધા પ્રશ્નો ઉકલી જાશે…..!! અને ભગવાન પર અઢળક ભરોસો રાખો…એ જે કરશે એ સારું જ કરશે….અને એના રાજીપા માટે જરૂર પડે ત્યાં ઝુકતા- સમજતા- જીવતા શીખો…….

સાથે રહેજો…….

રાજ

 


Leave a comment

BAPS રવિસભા-મુંબઈ-૬/૩/૨૦૧૧

છેલ્લા કેટલાય રવિવાર થી હું અમદાવાદ ની શાહીબાગ ખાતે ની રવિસભામાં , હાજર ન રહી શક્યો, એનો મને અફસોસ છે…આજે પણ સરખી જ સ્થિતિ હતી,કારણ કે હું આજે મુંબઈ આવ્યો છું. પણ આજે હું રવિસભા નો મોકો ચૂકવા ન માંગતો હતો. દાદર મંદિરે આ મારી બીજી રવિસભા હતી. આમે ય દાદર મંદિર ની શોભા અને એમાંયે ઠાકોરજી ની મૂર્તિઓ , એટલી અદભૂત છે કે , તમે એક પળ પણ નજર હટાવવા નું નામ ન લો….!!! શ્રીહરિ ની માયા જ એ છે…..અને જો ભગવાનમાં જ ચિતડું ચોટતું હોય તો ચિંતા ની કોઈ વાત નથી…….જુઓ નીચે ના ફોટા………

શોભે શ્રી ઘનશ્યામ....

પુરુષોત્તમ ...અક્ષરે સહીત...

રાધે કૃષ્ણ...હરિકૃષ્ણ..

તો આ થઇ જગત ના ધણી ની શોભા ની વાત……..દાદર મંદિર ની સજાવટ ચાલી રહી છે….જગ્યા ઓછી છે અને ભક્ત પ્રવાહ દિનપ્રતિદિન વધી રહ્યો છે. આજે મારે રવિસભા નો લાભ લેવો હતો આથી હું , યોગી સભાગૃહ માં સમયસર ગોઠવાઈ ગયો…કીર્તન આરાધના ચાલી રહી હતી. સભાખંડ ,અમદાવાદ ની સરખામણી એ નાનો છે પણ , જગ્યા પુરતી છે….કીર્તન આરાધના પૂરી થયા બાદ, વીડીઓ દર્શન દ્વારા , યુવક તાલીમ કેન્દ્ર -સારંગપુર ના અનુભવો વહેંચવામાં આવ્યા…..વાસ્તવમાં ,આજની આખી સભા જ યુવાન તાલીમ માટે હતી……તો સવાલ એ છે કે – યુવાન એટલે શું?…..એનું કર્તવ્ય શું છે….? અને જવાબ હોઈ શકે કે- યુવાન એક શક્તિ નો અગાધ..પ્રચંડ સ્ત્રોત છે….અને એનું કર્તવ્ય- કે આ સ્ત્રોત અને તેના પ્રવાહ ને યોગ્ય જગ્યા એ ઉપયોગ કરી , સમજમાં પ્રગતિ,સ્થિરતા લાવવી…….

દર વર્ષે- સારંગપુર ધામમાં , સંત તાલીમ કેન્દ્ર અને યુવક તાલીમ કેન્દ્રોમાં , સત્સંગી યુવકો માટે ૬ માસ નો અધ્યાત્મિક વિકાસ નો કોર્સ વગર પૈસે ચાલે છે……બસ જરૂર છે..સમય અને પ્રતિબદ્ધતા ની!!! ત્યાં આગળ તાલીમ લઈને આવેલા યુવકો એ પોતાના અનુભવો અને જીવનમાં આવેલા બદલાવો- પ્રશ્નગોષ્ઠી દ્વારા વર્ણવ્યા…..સાંભળી ને લાગ્યું કે આપણે “બસ ” ચુકી ગયા છીએ…….મનુષ્ય ના જીવનમાં ચાર પ્રકારે ઉન્નતી જરૂરી છે….

 1. શારીરિક/માનસિક
 2. આર્થિક
 3. સામાજિક
 4. અધ્યાત્મિક

અને જો આ ચારે પ્રકારમાં ઉન્નતી સન્માર્ગે,યોગ્ય માર્ગે થાય તો મનુષ્ય નું જીવન સફળ કહી શકાય. વળી, આધ્યાત્મિક ઉન્નતી ,સૌથી અગત્ય ની છે, જો એ ન હોય તો , મનુષ્ય ચાહે ગમે તેટલી પ્રગતિ કરે પણ એ પતન થી બચી શકતો નથી. આથી, આજના આધુનિક લેખકો પણ આધ્યાત્મિક ઉન્નતી ને ખુબ જ મહત્વ ની ગણે છે. ” સેવા એ જ જીવન” એ પંચલાઈન સાથે થતી આ તાલીમ, યુવક ને જીવનમાં , સફળ બનાવવા….સ્થિર રાખવા – અગત્ય નો ભાગ ભજવે છે…..જીવનમાં ઉચ્ચ સિદ્ધાંતો- વર્તન,વાણી,ધર્મ,નિયમ – ભલે વિકટ પરિસ્થિતિ હોય પણ કાયમ રહેવા જોઈએ…..વળી , ” બિન ગુરુ નહી જ્ઞાન” એ નિયમનુસાર, જીવનમાં ગુરુ આજ્ઞા નું મહત્વ પણ, સુપેરે સમજાવવા માં આવે છે……એક મસ્ત સવાલ, એક યુવક( જે સેવક તરીકે જ – ઓળખાય છે…)દ્વારા રજુ કરવામાં આવ્યો કે – શિક્ષક અને ગુરુ વચ્ચે ભેદ શું?…….જવાબ સારો હતો….શિક્ષક એટલે કે જે માર્ગ બતાવે…..અને ગુરુ એટલે કે જે એ શીખવાડે કે એ માર્ગ પર ચાલવું કઈ રીતે….અને ચાલવા માટે જોઈતું બળ,હિંમત પૂરી પાડે….”

યોગી સભાગૃહ...દાદર સ્વામિનારાયણ મંદિર

પૂ. જ્ઞાનવત્સલ સ્વામી એ પણ પોતાના પ્રભાવી પ્રવચનમાં કહ્યું કે …મનુષ્ય શું છે…?? મનુષ્ય એટલે “bundle of his own thoughts” …અને આ તાલીમ ,યુવકો ને સંપૂર્ણ બનાવવા માં , એક પરિબળ તરીકે ભાગ ભજવે છે…..ખુદ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું છે કે – આ યુવકો, કે જે “સેવક” તરીકે ઓળખાય છે….એ શું શીખે છે….?? એક ઉત્તમ સેવક બનવાના બધા લક્ષણો શીખે છે ..જેવા કે…..ઉત્તમ સેવક કઈ રીતે બનાય?….

 1. જે માથે “બરફ” રાખે- અર્થાત- કોઈ પણ સ્થિતિમાં ,મન પર કાબુ ન ગુમાવે….
 2. ન કોઈ હક કે ન કોઈ દાવો રાખે…..બસ નિશ્વાર્થ વર્તે….
 3. મનગમતું મુકે……મન ની મમત ન રાખે….
 4. દેહ ને ભગવાન માટે..અન્ય માટે ઘસી જાણે…..

બસ આટલું કરી એ તો અક્ષરધામ પાકું……!!!!!

સભાના અંતે , ઘરસભા વિષે વીડીઓ દર્શન હતું…..અગાઉ મેં વર્ણવ્યું છે એમ…ઘરના બધા સભ્યો, દિવસ નો એકાદ કલાક કે અમુક સમય, બધા સાથે મળી, સત્સંગ ની વાતો કરે….અધ્યાત્મ ની વાતો કરે…એકબીજા ને સમજે….અનુકુલન સાધે….મનગમતું મૂકી ને બીજા માટે જીવી જાણે …..તો એ ઘરસભા કહેવાય…..!! આજના ઝડપી જમાના માં જ્યાં સંબંધો માત્ર નામના રહ્યા છે ત્યાં – આપણું ઘર….ઘર જ રહે…”મકાન” ન બની જાય એના માટે , ઘરસભા એ જ ઉકેલ છે…..

આજે મારો અનુભવ કહું તો- મારી સાથે મુસાફરી કરતાં એક પરિવાર કે જે ઓસ્ટ્રેલિયા અને અમેરિકા થી હતો, જેમના બાપ-દાદા પણ ત્યાં જન્મ્યા હતા….એ પૈકી , એમની એક દીકરી ને મેં વાત નીકળતા પૂછ્યું કે – તમે આજે પણ શુધ્ધ ગુજરાતી બોલો છો…..શું લાગે છે..કે આવનારી તમારી પેઢી- તમારા જેવું બોલી,વર્તી શકશે….??? પોતાની સંસ્કૃતિ જાળવી શકશે….??? મને જવાબ મળ્યો….” કદાચ નહી…..” !!

હવે મને લાગે છે કે – ધર્મ,નિયમ, સંસ્કૃતિ….શાસ્ત્ર ….ઘરસભા …કેટલી જરૂરી છે……!!

તો , સાથે રહેજો……જે યુવકો પાસે સમય હોય, એ સારંગપુર – ૬ માસ ની તાલીમ માં અચૂક જઈ આવજો…..આવો મોકો ફરી મળે ન મળે…..!!

જાય સ્વામિનારાયણ…


2 Comments

My family…Happy Family…

પ.પૂ.જ્ઞાનવત્સલ સ્વામી..

તો આજે સવારે એક અદભૂત લ્હાવો મળી ગયો..અત્યારે અમદાવાદ મેડીકલ એસોસીએશન દ્વારા , AMA ખાતે એક કોન્ફરન્સ ચાલી રહી છે. એના ઉપલક્ષ મા પ.પૂ. જ્ઞાનવત્સલ સ્વામી(Gyan vatsal Swami) જેવા વિદ્વાન સંત( દાદર-સ્વામિનારાયણ મંદિર,બેપ્સ) ને એક પ્રવચન માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. વિષય હતો…My family ..Happy family…ખુબ જ વિચાર માંગી લે એવો વિષય છે…તો જોઈ એ કેટલીક ક્ષણો…

 • પ.પૂ.જ્ઞાન વત્સલ સ્વામી, પૂર્વાશ્રમ મા , એન્જીનીયર હતા અને તે વિવિધ સંશોધન, પ્રવચન સત્રો સાથે સંકળાયેલા છે.
 • શરૂઆત મા સ્વામીજી એ કહ્યું કે – શા માટે હાલ ની પરિસ્થિતિ મા , પરિવાર માટે તકેદારી જરૂરી છે….પશ્ચિમ ના દેશોમાં જે સંસ્કૃતિ, સંસ્કાર અને પરિવારો નું ધોવાણ થઇ રહ્યું છે..એ ધીરે ધીરે ભારતમાં પણ આવી રહ્યું છે, આથી પરિવાર ની નિષ્ઠા, એકતા જળવાઈ રહે , એ જરૂરી છે.
 • પૂ. પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા પ્રેરિત : ઘરસભા”  એ ખુબ જ મજબુત વિચાર છે, જો તેનો સાચી રીતે ઉપયોગ કરવામાં આવે તો, ઘર ની શું….તમે આખા વિશ્વ ની તકલીફો દુર કરી શકો……
 • કોઈ પણ પરિવાર, ક્યારે એક રહી શકે..?? જવાબ- બધા સભ્યો, એક બીજા ને સમજે, નિશ્વાર્થ પ્રેમ કરે, એક-બીજા માટે ઘસાવા ની તૈયારી રાખે, એક બીજા ના વિચારો- કામ ને માન આપે, સંતાનો માટે પુરતો સમય આપી શકે…તો પરિવાર..”પૂર્ણ” કહેવાય.
 • સ્ત્રીઓ નું મહત્વ ઘર સાચવવા માટે પાયા નું છે….એ ચાહે તો ઘર એક કરી શકે….ચાહે તો ” ઘર” ને ક્ષણમાં વેર-વિખેર કરી શકે…સ્ત્રીઓ અને પુરુષો- શરીરે,સ્વભાવે જે રીતે સર્જાયા છે, એ મુજબ જ એમણે વધારે વર્તવું જોઈએ…આજકાલ ની આધુનિક નારીઓ, કેરિયર ની લ્હાય મા , પોતાના સંતાનો, ઘર-પરિવાર ની એકતા, સંભાળ ને તરછોડી રહી છે, જેથી પરિવાર અને સંતાનો ની સમસ્યાઓ વધી છે.
 • પ્રખ્યાત રોકાણકાર વોરેન બફેટ નું ઉદાહરણ આપતા કહ્યું કે…આટલું બધું કામ કાજ હોવા છતાં , દર રોજ સાંજે ૬ વાગ્યા પછી, એમનો ફોન-મોબાઈલ બંધ થઇ જાય છે…અને રોજ કમ સે કમ ૪૫ મીનીટ સુધી,પોતાની પત્ની નો હાથ પકડી ચાલવા જાય છે, પોતાના પૌત્રો સાથે સાંજ ફરજીયાત ગુજારે છે…આથી જ પશ્ચિમ ના આટલા “ધૂંધળા” વાતાવરણ વચ્ચે પણ, એમના લગ્ન ને પચાસ વર્ષ પુરા થયા…

તો સાર શું?……પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજ ના આશીર્વાદ થી, પૂ. જ્ઞાનવત્સલ સ્વામી એ કહ્યું કે….

 • પરિવાર ના સભ્યો, સાંજે અડધો કલાક , રોજ, સાથે બેસે…ટીવી કે બીજી કોઈ ઈતર પ્રવૃત્તિ બંધ…અને સભ્યો- ભગવાન, ધર્મ, કે દિવસ દરમ્યાન બનેલી ઘટનાઓ વિષે મુક્ત મને ચર્ચા કરે…..એકબીજાને સમજે…નાના બાળકો ને , વડીલો બધાને આ ચર્ચામાં સામેલ કરો….
 • શક્ય હોય તો , ભગવાન કે અધ્યાત્મ ની ચર્ચાઓ ને પ્રમુખ સ્થાન આપો…
 • નિયમિતતા ખુબ જ જરૂરી છે….

તો ઘરસભા શરુ કરો…..પરિવાર છે તો બધું જ છે….અને સંયુક્ત પરિવાર મા ,સંતાનો નું જે ઘડતર થાય છે…સાર-સભાળ થાય છે..એ બીજી કોઈ જગ્યા એ શક્ય નથી….આથી મન મોટા રાખો…અને પોતાનું ભવિષ્ય બચાવો….!!

સાથે રહેજો…..


2 Comments

BAPS અને રવિસભા- તા-૨૩/૦૫/૨૦૧૦

આજે ઘણા સમય બાદ હું શાહીબાગ મંદિરે રવિ સભા મા ગયો. ગરમી તો ખુબ હતી પણ મારે જવું જ હતું આથી….હું ત્યાં ગયો જ….શાહીબાગ મંદિર નો સભાખંડ, ભૂગર્ભ માં છે અને સંપૂર્ણપણે “પીલરલેસ” છે , એસી થી આ ઠંડા આ હોલમાં ,મનને ઠંડક મળે એવા કર્યો થાય છે,સત્સંગ થાય છે.

આજે ખુબ જ સારું એક નાટક હતું જેનો વિષય હતો..” બાળકો અને સંસ્કારો” ….નાટક દ્વારા અસરકારક રીતે દર્શાવવા માં આવ્યું કે બાળકો ને જો સંસ્કારો આપવામાં ન આવે તો તેઓ વડીલોની, મા-બાપ ની આમન્યા કેવી રીતે ચુકી જાય છે અને એના કેવા પરિણામો આવે છે..ખુબ જ મજા આવી. પૂ. મહંત સ્વામી પણ વિચરણમાં આજકાલ અમદાવાદ માં છે. એમણે પણ ખુબ જ સારી વાત કરી અને કહ્યું કે …સાંજ પડે બાળકો સાથે સારી સારી વાતો,સત્સંગ કરો…..આના થી જરૂ ર ફરક પડશે જ..ઘરસભા કે જે પૂ.પ્રમુખ સ્વામી દ્વારા અસરકારક રીતે ફેલાયેલો વિચાર..આજે સમગ્ર દુનિયાના સત્સંગીઓ ને – કુટુંબ માં શાંતિ અને સદભાવ ટકાવી રાખવામાં મદદ કરે છે.

તો    ઘરસભા જ “ઘરડાઘર” જેવા શરમ જનક સામાજિક દુષણ ને હટાવવા માં મદદ રૂપ થઇ શકે છે. જે મા-બાપ પાંચ કે છ બાળકો ને પેટે પાટા બાંધી ઉછેરી શકે છે , એજ બાળકો, માત્ર એક-કે બે વ્યક્તિ (મા-બાપ) ને ઉછેરવા માટે ઠાગા થૈયા કરતા અચકાતા નથી……તો બસ ઘરસભા કરો…આ પ્રશ્ન નું સમાધાન આપણી અંદર જ છે…તો .માત્ર ૧૦-૧૫ મીનીટ તો આપણે આપણા માટે, આપણા પરિવાર માટે કાઢી શકી એજ…!!!!

આપણું ભવિષ્ય આપણ ને જ ધક્કા ન મારે ..એ જોવા નું કામ આપણું જ છે….

રાજ