Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS રવિસભા-૦૩/૦૯/૨૦૧૭

“….આપણે સત્સંગ માં રહેવું હશે તો ઝેર પી ને પણ સંપ રાખવો પડશે…..”


બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ

સંપ, સુહર્દભાવ અને એકતા- યોગીજી મહારાજ ના જીવન સૂત્ર હતા……અને આજે એમના જ શિષ્ય પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ના પણ એ જ રાજીપા ના સૂત્ર છે. મહંત સ્વામી મહારાજ તો કહે છે કે – સંપ હશે તો બધું જ થઇ રહેશે……..એના વગર કશું જ નહિ થાય..! અને આજે જે જગ્યા એ એ વિચરણ માં હોય ત્યાં – સંપ,સુહર્દભાવ અને એકતા ના સૂત્ર સર્વે ને જરૂર ગોખાવે છે. છેવટે તો- સત્પુરુષ નો રાજીપો હોય તો જ જીવ બ્રહ્મરૂપ થાય…….અને એ માટે – એમના રાજીપા ના આ સૂત્ર જીવમાં….ઝેર પી ને પણ…..ગમ ખાઈ ને પણ …ખોટ ખાઈ ને પણ દ્રઢ કરવા ના છે……….! એ રાજી તો શ્રીજી રાજી…!! અને એ થશે તો છતે દેહે અક્ષરધામ નું સુખ આહી બેઠા આવશે…એની ગેરંટી..!

ગઈ રવિસભા નો પણ લાભ લઇ ન શકાયો……..આજે સભામાં થોડાક મોડા પહોંચ્યા. શ્રી ગણેશ વિસર્જન ના નામે રોડ પર થતા ધજાગરા…..દુખ દાયક છે..પણ શું થાય?? સભામાં પહોંચ્યા પહેલા શ્રીજી ના મન ભરી ને દર્શન કરવામાં આવ્યા……

21231016_1440321399339157_8210796592232093184_n

સભામાં સ્થાન ગ્રહણ કર્યું એ સમયે પૂજ્ય કૃષ્ણ સ્વરૂપ સ્વામી ના કંઠે એક કીર્તન પૂરું થઇ રહ્યું હતું. ત્યારબાદ પુ.વિવેક મુની સ્વામી એ ” વ્હાલા અક્ષરધામ ના વાસી ..મારે હૈયે કરજો નિવાસ…” અને યુવક મિત્ર જૈમીન વૈદ્ય દ્વારા સદ્ગુરુ મંજુકેષાનંદ રચિત  ..” મોહે પ્યારી રે નટવર નાથ..મૂર્તિ તારી રે..” રજુ થયું…! અદ્ભુત…….ધારો કે કીર્તન ન હોત તો કદાચ સત્સંગ માં સુર જ ન હોત…એમ હું માનું છું…!

ત્યારબાદ જાહેરાત થઇ કે -આજની સભામાં પુ.બ્રહ્મવિહારી સ્વામી – પ્રવચન નો લાભ આપવા ના હતા પણ આપણા માનનીય રાષ્ટ્રપતિ અત્યારે ગુજરાત ની મુલાકાતે છે અને તેમની સાથે અગત્ય ની મીટીંગ હોવાથી એ આવી ન શક્યા……તેથી સમગ્ર પ્રોગ્રામ બદલાયો. એટલે પુ. અમૃતકીર્તિ સ્વામી કે જેમણે પૂજ્ય ડોક્ટર સ્વામી ના સેવક સંત તરીકે લાંબો સમય સેવા આપી છે તેમના મુખે- બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ના પ્રેરણા દાયી જીવન પ્રસંગો નું પાન કરવા નો મોકો મળ્યો…….: પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન માં પ્રાર્થના નો મહિમા..” એ વિષય પર એમણે ખુબ જ રસપ્રદ પ્રસંગો ની વાત કરી….આપણે જોઈએ માત્ર સારાંશ…..

 • બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન માં કદાચ કોઈ પલ એવી નહિ હોય કે જેમાં પ્રાર્થના નો અંશ ન હોય……સતત બીજા નું ભલું ઇચ્છવું……સંતો-હરિભક્તો-સમાજ-દેશ -જીવ માત્ર ના સુખાકારી માટે પ્રાર્થના કરવી અને કરાવવી એ એમના જીવન નો પાયા નો ભાગ હતો….
 • એ કહેતા કે- ભગવાન જ સર્વ કર્તાહર્તા છે……..એની મરજી હશે તેમ જ થશે…પણ આપણે પ્રાર્થના કરતા રહેવું…….એ શૂળી નો ઘા સોય થી ટાળી ને પણ આપણી રક્ષા કરશે…….એમ સદાયે બળ રાખવું…..પ્રાર્થના ન ફળે તો હિમત ન હારવી…….એ તો શ્રીજી ને આપણું સારું કરવું હશે -તે જ કરશે……
 • આમ, પ્રાર્થના દ્રઢતા થી…પૂર્ણ વિશ્વાસ થી કરવી…….જે કઈ થાય છે..તે એક શ્રીજી જ કરે છે એમ માનવું….એમ માનવા થી દુખ-સુખ ન લાગે અને સ્થિર રહેવાય.

અદ્ભુત……અદ્ભુત..! ગુણાતીત પુરુષ ના જીવન માં થી શીખવા નું આ જ છે. એમના જીવન ની પ્રત્યેક ક્ષણ – એ મોક્ષ દાયક હોય છે……એ અહી સ્પષ્ટ દેખાય છે.

ત્યારબાદ પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ -અત્યારે અમેરિકા- રોબીન્સ્વીલે અક્ષરધામ માં વિચરણ-દર્શન-સુખ આપી રહ્યા છે……તેમના એ દિવ્ય વિચરણ ના વિડીયો દર્શન નો લાભ સર્વ ને મળ્યો. જે નીચેની લીંક પર થી આપણે કરી શકશું……

તારીખ ૨૬/૮/૧૭ અને તારીખ ૨૭/૮/૧૭ ના દર્શન અહી થી કરી શકીશું.

ત્યારબાદ પુ. વિવેક મુની સ્વામી એ “સંપ, સુહર્દભાવ અને એકતા..” ના વિષય હેઠળ- વચનામૃત, ગુણાતીત પુરુષો ના જીવન ચરિત્ર ને આધારે -અદ્ભુત પ્રવચન નો લાભ આપ્યો…….આપણે ફક્ત સારાંશ જોઈશું…..

 • અનાદિ મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી એ પોતાની અક્ષર વાતો (૩/૧૭) માં કહ્યું છે કે…..

“…..ચાર વાતું છે તે તો જીવનું જીવન છે. તે શું? તો એક તો મહારાજની ઉપાસના ને બીજી મહારાજની આજ્ઞા ને ત્રીજી મોટા એકાંતિક સાધુ સાથે પ્રીતિ ને ચોથું ભગવદી સાથે સુહૃદપણું…………, એ ચાર વાતું તો જીવનું જીવન છે, તેને તો મૂકવી જ નહિ. ………………..”

 • એમાં એ યોગીબાપા કહેતા કે – સુહ્ર્દભાવ કહેતા કે ભગવાન ના ભક્ત સાથે સુહર્દભાવ હોય તો આગળ ના ત્રણ સાધન- આજ્ઞા,ઉપાસના અને મોટા એકાંતિક સાધુ સાથે પ્રીતિ- એ સહેજે સિદ્ધ થાય છે….
 • દેહ ના કલ્યાણ ના ચાર સાધન – આહાર,નિંદ્રા,શ્રમ અને ધર્મ જેમ જરૂરી છે તેમ જીવ ના આ ચાર સાધન સિદ્ધ કર્યા વગર -જીવ નું કલ્યાણ થતું નથી.
 • મહંત સ્વામી મહારાજે પણ સંપ,સુહર્દભાવ અને એકતા પર ખુબ જ ભાર મુક્યો છે. માર્ચ-૨૦૧૭ માં થયેલા -એમના આફ્રિકા વિચરણ માં -સ્વામીશ્રી એ -સંપ- સુહ્ર્દભાવ પર પોતાનો અઢળક રાજીપો બતાવ્યો. ..એ કહે છે કે- નાના માં નાના હરિભક્ત સાથે સંપ એટલે જ સાચી આત્મબુદ્ધિ……!!
 • સત્પુરુષ નો -શ્રીજી નો રાજીપો- સમયાંતરે બદલાય છે…..શ્રીજી ના સમય માં -મહારાજ નો રાજીપો- પોતાનું સ્વરૂપ ઓળખાવવા માં હતો…તો શાસ્ત્રીજી મહારાજ ના સમય માં તેમનો રાજીપો- અક્ષર પુરુષોત્તમ મહારાજ નું સ્વરૂપ મૂર્તિમંત કરતા મંદિરો બાંધવા માં હતો…….યોગીજી મહારાજ નો રાજીપો- સંપ,સુહર્દભાવ ..એકતા ને દ્રઢ કરાવવા માં હતો તો..આજે વર્તમાન કાલે – મહંત સ્વામી મહારાજ નો રાજીપો- એ જ યોગીજી મહારાજ ના રાજીપા ને સત્સંગ માં દ્રઢ કરાવવા માં છે………
 • પ્રમુખ સ્વામી મહારાજ તો કહેતા કે- સંપ, સુહર્દભાવ અને એકતા જો સત્સંગ માં દ્રઢ કરવા હોય તો- આપણે ચાર વાત સિદ્ધ કરવી પડશે…….. ૧) મન ધાર્યું મુકવું…૨ ) ખમવું…૩) ઘસાવું…….૪) અનુકુળ થાવું…..જો આ ચાર ગુણ સિદ્ધ થશે તો- સર્વ હરિભક્તો પ્રત્યે સંપ-સુહ્ર્દભાવ આપોઆપ આવશે…….આત્મ બુદ્ધિ સહેજે દ્રઢ થશે…….અને બ્રહ્મરૂપ થવાશે…..
 • મહંત સ્વામી મહારાજ કહે છે કે- સંતો-હરિભક્તો એ પરસ્પર મહિમા સમજવો…સર્વે અક્ષરમુક્ત છે…..તેમ સમજી વર્તવું……અને જો એમ નહિ થાય તો અક્ષરધામ નહિ જવાય …..
 • માટે જો અક્ષરધામ નું સુખ છતે દેહે લેવું હોય તો- સત્સંગ માં સર્વે નો મહિમા સમજવો જ પડશે…….સંપ…સુહર્દભાવ…એકતા રાખ્યા સિવાય છૂટકો જ નથી….!!!

અદ્ભુત….અદ્ભુત……! અઢળક પ્રસંગો સાથે- સત્સંગ ની પાયા ની વાત – પુ.વિવેક મુની સ્વામી એ કહી…જો એ જીવ માં દ્રઢ થાય તો- જીવન માં કોઈ નો એ અભાવ-અવગુણ ન આવે……દ્રોહ ન થાય……બ્રહ્મરૂપ થવાય અને શ્રીજી નું સુખ છતે દેહે મળે…!

સભાને અંતે અમુક જાહેરાત થઇ……

 • આવતી રવિસભા એ વિશેષ સભા છે- યુવકો દ્વારા વિશેષ પ્રોગ્રામ થશે…..અચૂક લાભ લેવો. અને એના પછી ની રવિસભા – ૧૭/૯ – એ અક્ષર દેરી પ્રેરણા સભા તરીકે યોજાશે.
 • “જમો ને જમાડું” સત્સંગ -સેવા પ્રોજેક્ટ માં સર્વે કાર્યકરો સાથે સાથે હરિભક્તો એ પણ ભાગ લઇ- સત્સંગ ને ….શ્રીજી ની સેવા ને જન જન સુધી પહોંચાડવા ની છે…..
 • અમૃત હર્બલ કેર તરફ થી – એપલ સીડાર વિનેગર લીક્વીડ – પ્રસ્તુત થઇ છે…….

તો આજની સભા નો એક જ સાર……….સત્સંગ નુ બીજું નામ જ સંપ……અને જ્યાં સંપ હોય ત્યાં જ સત્પુરુષ અને શ્રીજી નો રાજીપો હોય……….! કુટુંબ હોય કે સત્સંગ પરિવાર- સંપ રાખ્યે જ કલ્યાણ છે………

જય સ્વામિનારાયણ……………

રાજ


Leave a comment

વિચરણ કાળ- ૨

તો આ પહેલા ની મારી પોસ્ટ વિચરણ કાળ- ૧ મા જોયું તેમ- જીવન એક પ્રવાહ છે અને એ વહેતું રહે , એમાં જ હિત છે…..”સાધુ તો ચલતા ભલા” કારણ કે સમગ્ર સૃષ્ટિ એક લય મા ચાલે છે…..એક નાનકડા બોસોન પાર્ટીકલ થી લઈને મોટા બ્રહ્માંડ સુધી બધું જ- એક લયબદ્ધ કર્મ મા રાંચે છે. તો જીવન ચાલતું જ રહે છે અને આથી જ વિચરણ કાળ એ કશું જ નથી પણ -જીવન નો એક અર્થ જ છે. ઘણા લોકો મને પૂછે છે કે- તારા ગુરુ પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજ ક્યાં રહે છે???? મારો જવાબ હોય છે કે – એ કોઈ જગ્યા એ કાયમી રહેતા જ નથી…..એ વિચરણ મા જ કાયમ હોય છે…..કારણ- ” સાધુ તો ચલતા જ ભલા”…..

તો છેલ્લા ઘણા સમય થી મારી ગતિ બમણી થઇ ગઈ છે……કદાચ હું એક પળ મા બે કે તેથી વધારે પળ નું જીવી રહ્યો છું. મમ્મી નું સ્વાસ્થ્ય કથળ્યું, અને અમારા બધા ની જિંદગી જાણે કે – એની સારવાર ની આસપાસ જ કેન્દ્રિત થઇ ગઈ. પણ નોકરી તો ચાલુ જ હતી. રજાઓ મૂકી ને કામ નો ભરાવ થાય- એ પોસાય એવું ન હતું, આથી ભાગમભાગી રહી. છતાં- એ દોડધામ મા થી અમુક પળો – જીવન ને સમજવા ની તો ચોરી જ લીધી……..તો ચાલો કરી એ – એનો ગુલાલ……….

 • પ્રસંગ-૧- મમ્મી ને શ્રી યોગીજી મહારાજ હોસ્પિટલ મા દાખલ કરી હતી. મને એક વસ્તુ ગમી- રોજ સવારે – મંદિર ના મહિલા સત્સંગ મંડળ મા થી અમુક મહિલા ઓ- દરેક દર્દી ના બેડ ની પાસે જઈને- એમના જલ્દી સાજા થવા ની પ્રાર્થના કરતી હતી…..એમના ખબર અંતર પૂછી- હિંમત આપતી હતી…….! નાની દેખાતી આ ઘટના – ઘણી મોટી છે. ક્લીનીકલ સ્ટડીઝ મા સાબિત થઇ ચૂક્યું છે કે – પ્રાર્થના ની અસર થાય છે……અને એકદમ અજાણ્યા માટે નિસ્વાર્થ ભાવે પ્રાર્થના કરવી…..એ કેટલી મોટી વાત છે…! મે નક્કી કર્યું છે કે- મને જયારે પણ સમય મળશે ત્યારે- હું અન્ય ના હિત માટે- એના સુખાકારી માટે શ્રીજી ને જરૂર પ્રાર્થના કરીશ……
 • પ્રસંગ-૨ – મુંબઈ ના ટેક્ષી વાળા- આ વખતે એક ટેક્ષી મા બેઠો અને બેસતા ની સાથે જ – બાબુમોશાય વાળા રાજેશ ખન્ના ની જેમ – ટેક્ષીવાળા એ જીવન ની રામાયણ ચાલુ કરી…..આમ તો હું પણ વાતોડિયો છું પણ અ વખતે- સાંભળવા નો વારો મારો હતો….સમગ્ર ” રામાયણ ” નો સાર હતો- બીજા ના માટે જીવન જીવવું…..કોઈનું પણ અહિત ન વિચારવું…..કમાણી ની સાથે સાથે- જરૂર પડે ત્યાં ત્યાં જરૂરીયાત મંદ ને મદદરૂપ થાવું…….! ટેક્ષી વાળો એની યુપી ની હિન્દી મા – જાણે કે ઉપનિષદ ગંગા વહાવી રહ્યો હતો……! આથી ઘણીવાર સમજાય છે કે- શહેર કરતા  ગામડા ના અભણ લગતા લોકો – વાસ્તવ મા વધારે જ્ઞાની હોય છે…કમ સે કમ જીવન નો અર્થ તો સમજે છે……
 • પ્રસંગ-૩ – રાજકોટ નો રિક્ષા વાળો- એ પણ મુંબઈ ના ટેક્ષી વાળા જેવો જ હતો. ઇગ્નિશન કી ની સાથે સાથે એનો સ્વર પણ શરુ થઇ ગયો….એનું કહેવું હતું કે- જીવન મા બે વસ્તુ યાદ રાખવી- ૧) કોઈની સાથે કાયમી સંબંધ ક્યારેય ન બાંધવો…૨) કામ કરવા નું કયારેય બંધ ન કરવું…… હવે આમ જોઈએ તો ઉપર ની વાતો ના ઘણા અર્થ થાય – પણ હું એને એ અર્થ મા લઉં છું કે- આ જગત નશ્વર છે….ભૌતિક પદાર્થો કે નશ્વર ચીજો ( દેહ,જડ અને ચેતન પદાર્થ) મા જીવ બાંધીએ તો મોહ જાગે અને જીવ બંધાઈ જાય- મોક્ષ ના માર્ગ થી ભટકી જાય – આથી વચનામૃત મા કહ્યું છે એમ- જીવ ને માયિક પદાર્થો કે સંબંધો મા ન જોડતા- એક હરિ મા જ જોડવો- ભગવાન અને સાચા સંત જ આપણ ને સાચો માર્ગ બતાવે છે અને જન્મ-મરણ ના આ ચક્કર મા થી છોડાવે છે. અને કર્મ – એ તો કરવા જ પડે…….જે દિવસે તમે અટકી જાઓ- એ દિવસ તમારો છેલ્લો દિવસ-. સતત કાર્યરત રહેવા થી તન-મન દુરસ્ત રહે છે.

તો કહેવા નું શું….?? બસ વિચરણ કરતા  રહો…..સફર કરતા રહો….અને જીવન ને સતત પ્રવાહિત રાખો. જે કઈ “માર્ગ” મા શીખવા મળે…..એ શીખતા…સમજતા રહો, કારણ કે હર પળ એક નવી પળ હોય છે….દરેક સવાર એક નવી સવાર હોય છે.

સાથે રહેજો…….

રાજ


Leave a comment

BAPS રવિસભા – તા ૧૯/૦૨/૨૦૧૨

આ રવિવાર પણ દોડાદોડી થી ભરેલો હતો, અને સાથે સાથે ઓફિસિઅલ કામકાજ પણ હતું. ક્યારેક લાગે છે કે – એવો સમય પણ ક્યારે આવશે કે- જેમાં નિરાંત ની બે પળ- ક્યાંક પોતાના માટે પણ હોય? …..હું આશાવાદી છું…સમય નું યોગ્ય મેનેજમેન્ટ જરૂરી છે, અને એ મુશ્કેલ નથી- પણ જો કરવામાં આવે તો…!

આજે રવિસભા જરા મોડો પહોંચ્યો…ઠાકોરજી ના દર્શનમાં ભીડ હતી, પણ દર્શન તો મુખ્ય હતા. એક ઝલક પૂરતા પણ- મન ને શાંતિ માટે – શ્રીજી ના દર્શન જરૂરી હતા. હું ભીડમાં ઘૂસ્યો, દર્શન કર્યા અને ફોટા લીધા- જેથી- હું દુનિયા સાથે એને વહેંચી શકું…..અને આમે ય હરી એક એવું અવિનાશી..અનંત તત્વ છે કે -જે વહેંચવા થી વધે છે….

આજ ના દર્શન...

સભામાં પહોંચ્યો…ત્યારે પુ. નીલકંઠ પ્રિય સ્વામી- પ્.પુ. પ્રમુખ સ્વામી મહારાજ ના ૨૦૦૯ ના વિચરણ ના પ્રસંગો નું વર્ણન કરી રહ્યા હતા. પુ. સ્વામીશ્રી અને સુદર્શન ક્રિયા ના શોધક અને પ્રવર્તક શ્રી શ્રી શ્રી રવિશંકર મહારાજ અને સ્વામીશ્રી વચ્ચે ની મુંબઈમાં મુલાકાત , ગુરુ ના સંકલ્પો માટે જીવી જવાની સ્વામીશ્રી ની વાત…..અને હરિભક્તો ના કલ્યાણ ની જ ભાવના…..! અદભુત હતી….કથાવાર્તા -સત્સંગ નો આતો અંદાજ છે….સરળ વાતો માં જીવન ના ગહન રહસ્યો ને સમજાવી જવા….! ત્યારબાદ કિશોર મંડળ ના કિશોર- સિદ્ધાર્થ રાઠોડ તરફ થી પુ. શાસ્ત્રીજી મહારાજે વેઠેલા ભીડા અને આજે બેપ્સ નું અગાધ કાર્ય- એ વિષે વાત કરી….અક્ષરપુરુષોત્તમ નો સિદ્ધાંત અને આ સંસ્થા ના પાયા ભૂતલ સુધી છે..આથી આવનારા અનંત સમય સુધી, ધર્મ-નિયમ ના આ પ્રવાહ ને દુનિયાના કોઈ પણ ખૂણામાં પહોંચતા કોઈ રોકી શકવાનું નથી…

ત્યારબાદ- ન્યુ યોર્ક થી આવેલા યુવા સત્સંગી યોગી ત્રીવેદી એ- એમના મનમોહક અવાજ માં પ્રેમાનંદ સ્વામી નું એક પ્રસિદ્ધ કીર્તન સંભળાવ્યું….શાંત-આરોહ-અવરોહ અને રાગો ની ગહરાઈ ઓ માં થી ઘૂંટાઈ ને નીકળતા એ સ્વર- મન ને ડોલાવવા માટે પૂરતા હતા….”તોરી મોરી પ્રીત ના છૂટે રે…પ્યારે…..” અને ત્યારબાદ- પુ.સ્વામીશ્રી ના મહિમા નું એક કીર્તન પણ યોગી એ ગાયું……અને ત્યારબાદ પુ.બ્રહ્મ મુની સ્વામી એ “કુસંગ- અને સાચા હૃદય થી થતી પ્રાર્થના ” પર પોતાનું વક્તવ્ય આપ્યું. પુ. સ્વામી ના પ્રવચન નો સાર કંઇક આવો હતો…….

 • કુસંગ- એક એવી વસ્તુ છેકે -ભલભલા જીવ ને કલ્યાણ ના માર્ગ  થી પાડી નાખે…..વસ્તા ખાચર સત્સંગ કરવા આવ્યા હતા અને એક રાત્રીએ જીવ ખાચર ના ઘરે વિશ્રામ માટે ગયા અને સત્સંગ માં થી પડી ગયા…..આથી જ સંગ કરવો તો સારા વ્યક્તિ નો જ…..
 • પ્રાર્થનામાં અનંત શક્તિ છે. સાચા મન-હૃદય થી થતી, પ્રાર્થના- ભગવાન જરૂર સાંભળે છે…..ભાગવત ના શ્રી કૃષ્ણ ભગવાન ના પ્રસંગો….આનું જ ઉદાહરણ છે….
 • પુ.યોગીજી મહારાજ ની પ્રાર્થના ઓ – સંપ્રદાયમાં જાણીતી છે……તો એ જ રીતે- ગુજરાત ની સ્ત્રી ભક્તો એ કરેલી શ્રીજી મહારાજ ને પ્રાર્થના- પણ સંપ્રદાય માં એક ઉદાહરણ તરીકે પ્રસિદ્ધ છે…..પ્રાર્થના ત્રણ પ્રકાર ની હોય છે- પરમાર્થ..પ્રાસંગિક…અને પોતાના માટે…..
 • ભગવાન ને કરેલી પ્રાર્થના કદી એ- નિષ્ફળ નથી હોતી……કુંડળ ના અમરા પટગર ની વાત કે નાજા જોગિયા ની રક્ષા ની વાત હોય……શ્રીજી મહારાજ દ્વારા થયેલી ભક્તો ની રક્ષા…અદભુત છે……
 • આજે પણ પ્.પુ. પ્રમુખ સ્વામી મહારાજ…હરિભક્તો ના સુખ માટે…એમના પત્રો દ્વારા એમના સુખ દુખ ના સાથી બને છે….શ્રીહરિ ને પ્રાર્થના….એ જ એમનો માર્ગ છે અને કહેવાય છે કે – સત્પુરુષો ની પ્રાર્થના વધારે અસરકારક હોય છે…આથી જ તો સત્પુરુષો નું જીવન બીજા માટે જ હોય છે…..

સભાના અંતે- અમુક જાહેરાતો થઇ…..

 • મારા પ્રિય ગાયક- શ્રી જયદીપ સ્વાદિયા અને શ્રી સુરેશ વાડેકર ના અવાજમાં – એક નવું આલ્બમ લોન્ચ થયું….” ઉત્સવ આનંદ નો..” – હું કાલે ખરીદી કરવાનો છું…….
 • ફૂલદોલ ઉત્સવ ને લગતી જાહેરાતો થઇ……ઉતારાનો આગ્રહ રાખવો નહિ…..૮/૩ ના રોજ થવાનો છે આ ઉત્સવ- પુ. પ્રમુખ સ્વામી મહારાજ – આ સમયે સારંગપુર આવશે કે કેમ? એ સવાલ છે. પણ આનાથી વિશેષ – પુ. સ્વામીશ્રી નું સ્વાસ્થ્ય સારું રહે એ છે…..
 • અમદાવાદ યુવક મંડળ  માટે- ૨૬/૨ એ શાહીબાગ મંદિર સુધી પદયાત્રા છે…..૩ વાગ્યા સુધી મંદિરે પહોંચવાનું છે, અને ત્યારબાદ બધા યુવાનો ભેગા થઇ- યજ્ઞપુરુષ ની પોળ સુધી પદયાત્રા કરશે……

તો આજ ની સભા રસપ્રદ હતી- પ્રાર્થના ની મહત્તા સિધ્દ કરવા માટે હતી……પણ મારા માટે તો- યોગી ત્રિવેદી નો એ જ કર્ણપ્રિય અવાજ અને એ જ કીર્તન……મારા મનમાં ગુંજી રહ્યું હતું……” તોરી મોરી પ્રીત ના છૂટે રે……”

બસ હરી સાથે નું આ સગપણ – કાયમ રહે..જન્મોજન્મ રહે…….એ જ સાચા હૃદય થી પ્રાર્થના………મારા વ્હાલા ને..!

જય સ્વામીનારાયણ….

રાજ

 

 


Leave a comment

BAPS(બેપ્સ) અને રવિસભા

જે લોકો બેપ્સ( અર્થાત શ્રી બોચાસણવાસી અક્ષરપુરુસોત્તમ સ્વામિનારાયણ સંસ્થા) ના સહેજ પણ સંપર્કમાં છે અથવા સહેજ પણ જાણકારી ધરાવે છે એ લોકો જાણે જ છે કે આ સંસ્થા નથી પણ પરિવાર છે….જેની શરૂઆત પૂ.શાસ્ત્રીજી મહારાજે ૧૯૦૭મા માત્ર ૫ સંતો સાથે કરી હતી અને આજે પૂ.પ્રમુખ સ્વામી મહારાજ ના વડપણ હેઠળ શું સ્થિતિ છે?…૪૦ થઇ વધુ શિખરબંધ મંદિરો, ૭૦ થઇ વધારે દેશોમાં મંદિરો, ૮૫૦ થઇ વધારે સંતો અને લાખો સત્સંગીઓ….

પૂ.યોગીજી મહારાજે સંસ્થાને નવા આયામો અને વિકસાવના નવા માર્ગો ,સંસ્કારો આપ્યા…જે પૈકી “રવિસભા” એક એવો પ્રયોગ છે જે સત્સંગીઓને સત્સંગમાં પકડી રાખતો,એમનું મનોબળ વધારતો અને ભગવાનમાં દ્રઢ આશરો વધારતો રહે છે… હું સમયમર્યાદાને લીધે દર રવિવારે આ સભામાં જઈ શકતો નથી પણ આજે ગયો હતો કારણ કે આજે કંઇક અલગ જ વાત હતી….

વાતમાં એવું હતું કે..અમદાવાદમાં થી આ વરસે લગભગ ૪ જેટલા નવલોહિયા સાધુ થવા માટે પાર્શદની દીક્ષા લેવા જઈ રહ્યા હતા. તેમની દીક્ષા ૧૦ માર્ચે સારંગપુરમાં ,પૂ.પ્રમુખસ્વામી ના હાથે થશે. આ ચારે યુવાન ખુબ જ ભણેલા( જેમાંથી એક તો લંડન માં એમ.ફાર્મ. થયેલ છે,અને અન્ય એક એન્જીનીઅર છે) અને સારા પરિવાર માં થી આવે છે. પરિવારનાં લોકોના ચહેરા પર ગર્વની લાગણી સ્પષ્ટ દેખાતી હતી….આથી એમને આશીર્વાદ આપવા પૂ.ડોક્ટર સ્વામી અને પૂ.ત્યાગવલ્લભ સ્વામી જેવા વડીલ સંતો હાજર હતા.  મને  અમુક સવાલો થાય છે…

 1. આવા ભણેલા-ગણેલા અને પરિવારના એક ના એક સંતાન ને સાધુ થવાની શું જરૂર? એ તૈયાર કઈ રીતે થયા? પરિવાર સહમત કઈ રીતે થયો?
 2. એક વાર સાધુ થયા પછી ૨-૩ વરસ પાર્ષદ તરીકે સારંગપુર મંદિરમાં થકાવી-તોડી નાખનારી સેવા કરવાની…અને પછી સાધુ તરીકેની દીક્ષા મળે…આવી તકલીફો શા  માટે લેવાની? અને એક વાર સંસાર છોડ્યા પછી..પોતાના પરિવાર કે ગામમાં ફરી ક્યારેય પગ નહિ મુકવાનો..એ તરફ જોવાનું પણ નહિ…આવી તકલીફો શા માટે લેવાની?
 3. એવું તે શું છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં કે પ્રમુખ સ્વામી માં , કે સારું કમાતા કે સારું ભવિષ્ય ધરાવતા યુવાનો પણ સંસાર છોડી દે છે?

આ બધા સવાલો મને વારંવાર આવે છે. અને હું વિચારમાં પડી જાઉં છું.પણ હવે જેમ જેમ આનો જવાબ શોધવા ઊંડો ઉતરું છું તેમ તેમ મને પણ જાણે સાધુ થવાની ઈચ્છા જાગે છે…મને બીક લાગે છે.કે ક્યાંક હું સંસાર છોડી ન દઉં!!!!….જરૂર કંઇક તો છે જે સમજમાં નથી આવતું પણ અનુભવી શકાય છે. તમારી પાસે કંઇ ન હોય અને તમે ત્યાગ કરો તો એ મજાક કહેવાય..પણ બધું જ હોય અને એને છોડવાનું કંઇ જ દેખીતું કારણ ન હોય અને તમે એને ભગવાન ખાતર,ગુરુ ખાતર છોડો તો  એને ત્યાગ કહેવાય. સ્વામિનારાયણ ભગવાને માત્ર એક ચિઠ્ઠી લખી અને એક જ રાતમાં કારીયાણી ખાતે ૫૦૦ જણને પરમહંસ દીક્ષા આપી!!!!એ પણ અમુક તો લગ્ન કરવા બેઠેલા અને ચોરીમાં થી ઉભા થઇ ને આવતા રહેલા!!! ખરેખર મને શાસ્ત્રોની એ વાત સાચી લાગે છે કે મનુષ્ય પરમ સુખ અને શાંતિ ની તલાશ માં યોની-યોની ભટકે છે અને અનંત જન્મોનું પુણ્ય ભેગું થાય એટલે સાચા સંત મળે અને શ્રીહરિનો સાક્ષાત્કાર કરી મોહ-માયા છોડાવે અને પરમ-સુખની પ્રાપ્તિ કરાવે…અરે યોગીજી મહારાજ ને સાધુ બનાવવાની એટલી બધી ખેવના કે કોઈપણ યુવાન એમને મળે તો એને મીઠી વાતોમાં એવો લપેટે કે પેલો સાધુ જ થઈ જાય..

"હારે મને લાગ્યો હરિ કેરો રંગ....."

આજે રવિસભામાં પૂ.બ્રહ્મવિહારી સ્વામીના પૂર્વાશ્રમના ભાઈ આવ્યા હતા જે યુરોપમાં ખુબ મોટા જાદુગર છે અને એ પોતાના સત્સંગી સંસ્કારો ભૂલ્યા નથી..તિલક-ચાલ્લો કરીને જાદુ બતાવે છે..એ પણ યુરોપમાં!!! જર્મનીથી એક જર્મન બેંક ઓફિસર એમની પત્ની સાથે આવ્યા હતા અને મને નવાઈ લાગી કે માત્ર એક વાર જ સંતો સાથે નાં સંપર્ક થી એ જર્મન માણસ , નેટીવ જર્મન હોવા છતાં તિલક-ચાલ્લો અને પૂજા કરીને જ પોતાના કામે જાય છે…!!!!! હવે તો અંગ્રેજો પણ લપેટાયા!!! અને પૂ.ડોક્ટર સ્વામી એ પરમ સુખ મેળવવા માટે ત્રણ નિષ્ઠા ઓ ને દ્રઢ કરવાનું કહ્યું…

 1. સ્વરૂપ નિષ્ઠા( ભગવાનમાં દ્રઢ પણે માનવું..)
 2. સંઘનિષ્ઠા ( સમાજ કે પરિવારમાં દ્રઢ પણે માનવું)
 3. સ્વ-ધર્મનિષ્ઠા( પોતાનો ધર્મ શું છે? એને સમજાવો અને પાળવો)

જો ત્યાગાશ્રમ શક્ય ન હોય તો ગૃહસ્થાશ્રમ માં રહી ને પણ શ્રીહરિ ને પ્રાપ્ત કરી શકાય….બસ સમગ્ર દુનિયા આમ જ શ્રીહરિની માયામાં લપેટાય અને બધાનું ભલું થાય એવી શ્રીજી સ્વામી ને પ્રાર્થના!!!!!

જય સ્વામિનારાયણ…

રાજ