Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

ચકલી

હરિ સ્કુલ માં થી ઘરે પધારે એટલે સ્કુલ બેગ સોફા પર ફેંકવા ની……બુટ નો શું રેક માં ઘા કરવાનો……માંડ માંડ કપડા બદલાવીએ  એટલે ભાઈ સીધા બાથરૂમ માં ફ્રેશ થવા…પાણી માં રમત કરવા ઘુસી જાય…….અને એ રોજીંદી ક્રિયા  દરમ્યાન આજે મારી અને એની વચ્ચે નો થયેલો એક સંવાદ જોઈએ…..

હું- હરિ…..બેટા હાથ પગ ધોવાઈ જાય એટલે ટેપ બંધ કરી દો……..pl close the tap….! ( બચ્ચા ને અંગ્રેજી માધ્યમ માં મનેકમને મુકીએ એટલે આપણે પણ અંગ્રેજી માં -ગુજરેજી માં બોલવું પડે……..બાવા બન્યા હૈ તો હિન્દી બોલના પડેગા ની જેમ…!!!)

હરિ- ..પપ્પા…એને ટેપ ન કહેવાય………ટેપ તો વગાડવા ની હોય..તેને કે’વાય..! ( છે ‘ને અંગ્રેજી ફની ભાષા….!! હહાહા)

હું- તો શું કહેવાય………ગુરુ..????

હરિ ઉવાચ……એને ચકલી કહેવાય……ચકલી…!!! ખબર પડી..????

હહાહાહા……….!!! ” ચકલી “શબ્દ હરિ મુખે સાંભળી ને એક આખું બાળપણ…શાળા ના દિવસો…..ધીંગામસ્તી ..બધું જ  મારા મનોચક્ષુ આગળ થી રુમઝુમ કરતુ પસાર થઇ ગયું…..!!!!..એ ચકલી નો ચુ ચુ અવાજ….!!!! હવે તો એવી ચકલીઓ જોવા એ  નથી મળતી…….! કદાચ ચકલીઓ ટેપ થઇ ગઈ છે…….!

હમમમ………….! શું દિવસો હતા…..!!!! ખેર…! હરિ એ “ચકલી” શબ્દ ને જીવંત કર્યો એ બદલ આભાર…………! એક વિચાર…….આવા બાળપણ ના શબ્દો નું લીસ્ટ બનાવીએ તો???

તો…….બાથરૂમ માં “ચકલી” બંધ કરવા નું ભૂલતા નહિ…! પુર તો આજે છે ને કાલે નથી….!!!!

રાજ

Advertisements


Leave a comment

A tale of a soldier and Dinosaurs

હરિ અને graffiti…?? જેના ઘરે બાળપણ કુદકા મારતુ હોય તેના માટે આશ્ર્ચર્ય ની વાત નથી……! અને સાચુ કહુ તો દિવાલો બગડે એના કરતાં સંતાનો ના બાળપણ ને દિવાલો પર ચિતરાયેલુ જોવુ એ જીવન નો એક લ્હાવો છે…….મિજાજ છે….સુગંધનો દરિયો છે જે આ યાદો…સ્મૃતિઓ ને દિલોદિમાગ માં છાપતો જાય છે….

હરિ ની આ “કળા” ની સાક્ષી અમારા ઘરની વાચાળ દિવાલો છે….હરિ ના જીવન ના બે મહત્વ ના પાત્ર છે…સૈનિક…અને ડાયનોસોર………!

તો- આ દીવાલ ની ચિતરામણ જોઇને મને લાગ્યું કે – જોકર છે અને એની સાથે કાનખજૂરો છે…….પણ મેં જયારે અમારા કુંવર ને પૂછ્યું તો અદા થી બોલ્યો…….પાપા…..એ તો સૈનિક છે અને ડાયનોસોર છે….

મેં કહ્યું…સૈનિક અને ડાયનોસોર….??? એ શું કરે છે???

એ બોલ્યો……એ તો ડાયનોસોર છે ને..એ સૈનિક ની પાછળ પડ્યું છે……અને સૈનિક “બચાવો…બચાવો ” ની બુમો પાડે છે………

( હું મન માં બોલ્યો…ઓત્તારી…) …પછી પૂછ્યું…”ખરેખર???”

એ બોલ્યો…….હા………જુઓ ને…!!! સૈનિક બુમો પડે છે…!!!

હું સ્તબ્ધ થઇ ગયો…!!!!!! વાહ….શું બાળકો ની કલ્પના શક્તિ છે..!!!

જુઓ…..મારા હરિનો….” સૈનિક અને ડાયનોસોર”….

20170508_080211

A tale in graffiti

 

હરિઅનંતા…..હરિ કથા અનંતા…!

રાજ


2 Comments

અમારી ભૂરી ભેંસ…

બાળપણ એક એવો પાયો છે કે જેના પર તમારા જીવનનો પાયો રચાય છે..મારું બાળપણ નવા ભવનાથ( સાબરકાંઠા, ઉત્તરગુજરાત) નામનાં ગામમાં વીત્યું અને હજુ મારા પપ્પા-મમ્મી ત્યાંજ રહે છે અને અમે વારે તહેવારે ત્યાં જ હોઈ એ છીએ. બાળપણમાં હું ખુબ જ તોફાની હતો અને આમારું ગ્રુપ હતું…વિમલ,દીકેશ,દીપેશ વગેરે ખાસ ભાઈ બંધો હતા. અને અમારો આખો દિવસ બસ ક્રિકેટ,કેરમ કે પત્તા રમવામાં જ જતો. ખેતરોમાં ફરવાનું, ઇન્દ્રાસી ડેમના સ્વીમીંગ પુલમાં ન્હાવા( તરવા નહિ)જવાનું,જુના ભવનાથ સાઈકલો લઇ ને ફરવા જવાનું, ખેતરોમાં કેરી કે આમલી પાડવા જવાનું…….ખુબ જ મજાની જીંદગી હતી…પણ હા…સાથે સાથે ભણવામાં બધા સીરીયસ હતા એ હકીકત છે.
અમારા ઘરે એ વખતે એક ભેંસ હતી…એ હતી કાળી( ભેંસ તો કાળી જ હોય..) પણ એની આંખો “ભૂરી” હતી આથી એનું નામ અમે “ભૂરી” ભેંસ પાળેલું…એને ચરાવવા માટે માધાકાકા ગોવાળ ને સોંપવાની, સાંજે શાળા એ થી આવી, એને લેવા જવાની…બપોરે એને નવડાવવાની…અને તમે નહિ માનો પણ જયારે અમે એને ફુવારાથી નવડાવતા એ એક દમ સ્થિર થઇ, આંખો બંધ કરી નતમસ્તક ઉભી રહેતી અને લાગતું કે જાણે કોઈ યોગી ધ્યાન મુદ્રામાં બેઠો હોય!!!! એવું લાગતું…!!! એના આંચળમાં થી સીધી જ ગરમા ગરમ દુધની સેર જયારે મારા મોં માં પડતી ત્યારે જાણે એ ગરમા ગરમ મીઠું દૂધ અમૃત સમાન લાગતું…..!!!!ચોમાસામાં મારી મમ્મી અમને એને ચરાવવાની જવાબદારી સોંપતી..અને સાથે ભણવાનું પણ..આથી ચોપડી લઈને એને જોતા રહેવાનું…આપણું પણ કામ થાય અને ભુરીને ચરવાની મજા પડે…! તમે નહિ માનો પણ અમારી ભૂરી ચરવામાં ક્યારેક એટલી મશગુલ થઇ જતી કે એને સ્થળ-દિશા સમયનું જ્ઞાન ન રહેતું અને મહિનામાં બે વાર તો ખોવાઈ જ જતી…!!! અને એને શોધવા મારી મમ્મી એ એની બાળ-સેનાને ચારે દિશામાં મોકલવી પડતી..કલાકો ની
મોજભરી રખળપાટ અને લોકોની રમુજભરી પુછપરછ પછી “ભુરીબેન” નો પત્તો મળતો એ પણ ભૂરી બેન આરામ થી તલાવડી માં પડ્યા હોય અને એમને “માન” મથામણ થી બહાર કાઢવાના …ઘરે લાવી ને નવડાવવાના…અને તૈયાર કરી ગમાણમાં ગોઠવવાના!!!!

જ્યારે મારી મમ્મી થી ભેંસ માટે સમય કાઢવાનું મુશ્કેલ બન્યું ત્યારે તેને વેચવાનો નિર્ણય લેવાયો…આ નિર્ણયના વિરોધમાં ઘરમાં બે-ચાર દિવસ કરફયું નું વાતાવરણ રહ્યું હતું અને જયારે ભૂરી અમને છોડી ને ગઈ ત્યારે મારી મમ્મી, અમે બધા રડી પડ્યા હતા…..લાગણીઓ નો સંબંધ જાતી થી પર હોય છે…અને એને માપવો..તોલવો અશક્ય છે…
ખરેખર એ તો અમને સ્વર્ગનું સુખ લાગતું અને અફસોસ એ વાતનો થાય છે કે આવનારી પેઢી ને આ “સ્વર્ગ” નું સુખ નસીબ નહિ હોય…એમની પાસે બધું જ હશે પણ ગામડાની આ ખુશ્બુ નહિ હોય, ખેતર,ગામનું પાદર,આંબાના ઝાડ, ગોરસ આમલી ને તોડવાની મજા,નદીઓ માં ન્હાવાની કે સાઈકલો લઈને જંગલોમાં ફરવાની મજા નહિ હોય…..ભૂરી ભેંસને નવડાવવા ની મજા, એના તાજા દુધની એ મીઠાસ …સમગ્ર જીંદગી નહિ ભુલાય….
આધુનિકતાના વહેંણ માં નવી પેઢી શું ગુમાવી રહી છે….એનો એમને ક્યાં અંદાઝ છે? હજુ પણ પરિવારના સભ્યો ભેગા થાય ત્યારે આ સુવર્ણ “બાળપણ” ને સાથે મળી મમળાવીએ છીએ…નવી પેઢી પાસે આવું કંઇક હશે….? ચ્યૂન ગમ જ હશે!!!!!

રાજ