Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

જુના મિત્રો….યાદો નો ખજાનો….

“……..જીવન માં મિત્રો કરવા કે દુશ્મન………દિલ થી કરવા અને જીવી જવા……..”


બાકાયદા બક્ષી દા

કોઈ તમને પૂછે કે તમે તમારા જીવન માં કુલ કેટલા માણસો ને મળ્યા હશો??? …….ઉત્તર લગભગ ન મળે……અને વળી બીજો પ્રશ્ન પૂછો કે …તમે જેટલા માણસો ને મળ્યા છો ..તેમાંથી કેટલા માણસો તમને યાદ છે…? તો કદાચ તેનો ઉત્તર મળી શકે…….અને એ યાદ રહી ગયેલા વ્યક્તિઓ માં થી મિત્રતા …કેટલા સાથે તો- તમને કદાચ તેનો ઉત્તર સહેલો પડે……..અને જો ગાઢ મિત્રો ની વાત થાય તો- આંગળી ને વેઢે ગણી શકાય …એવી સ્થિતિ થાય…….!! મારી સમગ્ર જિંદગી માર્કેટિંગ ક્ષેત્ર માં જ ગઈ છે…અને હું કેટલા વ્યક્તિઓ ને જીવન માં મળ્યો હોઈશ……કદાચ હજારો માં હશે…..પણ મિત્રો નું લીસ્ટ બનાવું તો જીવન નો આ પરથારો કદાચ ટૂંકો પડે……! ભગવાન ની કૃપા એ મને અઢળક મિત્રો મળ્યા છે……! કોઈક ફિલસુફે સાચું જ કહ્યું છે કે……

” કોઈ વ્યક્તિ એના જીવન માં કેટલી સફળ છે…….એ જોવું હોય તો એના મિત્રો જોઈ લેવા….”

અને એ જ તો છે જિંદગીની ફલશ્રુતિ કે ” સફર ચલતા રહા…લોગ મિલતે ગયે ઔર કારવાં બનતા ગયા……”…! મિત્રો બનાવવા -હોવા એ કદાચ હૃદય ફાડી ને જીવાતી વાત છે…..કોઈ ને પોતાના અંતર ની વાત કહી શકો……અડધી રાત્રે ફોન કરી તું-તારી કરી ધમકાવી શકો…….એને ખોટું લાગે છતાં એને મનભરી છેડી શકો……..લડી શકો…….એની સલાહો….સૂચનો..ફરિયાદો…ને મનમૂકી ને જીવ શકો….એ જ તો મિત્રતા છે…..!

અને હું નસીબદાર છું કે – મારા કોઈ દુશ્મન જ નથી……બધા મિત્રો જ મળ્યા છે…..અને એવા કે આટલી ઉમરે મને બાકાયદા ખુલ્લેઆમ ધમકાવીને વાત કરી શકે…….! મારું બાળપણ ભિલોડામાં ગયું……સરકારી સ્કુલ માં ભણ્યા…..સેકન્ડરી સ્કુલ શ્રી નવીબાઈ રામજી આશર વિદ્યાલય માં અને હાયર સેકન્ડરી આણંદ ની શ્રી દાદાભાઈ નવરોજી સ્કુલ માં ગયા…….! SSC માં જે મિત્રો સાથે હતા તેમાં થી મોટાભાગ ના છેક પહેલા ધોરણ થી સાથે જ હતા પણ ત્યારબાદ કાળક્રમે જીવન ની ઘટમાળ માં બધા ખોવાતા ગયા…..કેટલાક મિત્રો નો સંપર્ક રહ્યો…..પણ અલપઝલપ ……! પણ મિત્ર અમિત ભટ્ટ ના ઉત્સાહ…..રાતદિવસ ના દાખડા થી એ સમય ના જુના મિત્રો ફરીથી સોશિયલ માધ્યમ ની મદદ થી એકસાથે થયા…….દિલ બાગ બાગ થઇ ગયું……….હૃદય જૂની યાદો થી ભરાઈ ગયું……અને બધા નો ઉત્સાહ ઉમળકો એવો કે રૂબરૂ મળીએ……સમય ના એ વીતી ગયેલા પ્રવાહ માં એકબીજાને શોધીએ ..એ માટે પ્રયત્નો કરવા ની વાત આવી……અમિત હૃદય થી મંડી પડ્યો…….બધા અત્યારે ક્યાં હોય…..સમય હોય ન હોય……ક્યારે મળી શકાય એ બધા પ્રશ્નો નો ઉત્તર મળતો ગયો અને અનેક પ્રતિકુળતા વચ્ચે પણ એકબીજાને મળવા ની તીવ્ર ઈચ્છા થી ગયા રવિવારે – અમારી સ્કુલ ના એજ પ્રાંગણ માં પરિવાર સાથે મળવા નું ગોઠવાયું…….મારું કઈ નક્કી નહોતું કારણ કે- અમુક આયોજન એવી રીતે ગોઠવાયેલા હતા…..છતાં રીના ન આવી શકી અને હું એકલો મિત્રોને મળી આવ્યો. ઘણા મિત્રો ન આવી શક્યા…..પણ જે આવ્યા હતા તે છેક મુંબઈ..વેરાવળ…..બરોડા…ભરૂચ…….કોટા……જેવા દુર દુર ના સ્થળો થી આવ્યા હતા……! એના પર થી જ સમજાય કે મિત્રો નો ઉત્સાહ કેવો હતો……!

બધા મિત્રો અત્યારે તો જીવન માં સારી રીતે સ્થિર થઇ ગયા છે……સંતાનો પણ મોટા થઇ સારો અભ્યાસ કરી રહ્યા છે…….સમયે એનું કામ કર્યું છે…..ઘણા બદલાઈ ગયા છે…….તો ઘણા એવાને એવા જ છે…………બધા મળ્યા.અને એટલો આનદ થયો કે સમય નો માર એ આનંદમાં ……હંસીખુશીમાં ધોવાઈ ગયો…….!…સ્કુલ ના પ્રાંગણ માં -ફર્યા…..સ્કુલ ના હાલ ના સંચાલકો મળ્યા…..એમને પણ એ વાત જાણીને આનંદ થયો કે અમે લગભગ ૨૫ વર્ષ બાદ મળી રહ્યા છીએ…….! પછી તો નજીક ના એક રેસ્ટોરન્ટમાં – ભિલોડામાં રહેતા મિત્રો એ અગાઉ થી જ આયોજન કર્યું હતું તેમ બધા એ ખુબ એન્જોય કર્યું……વાતો કરી…સાથે જમ્યા……..રમ્યા………!!!

ખુબ જ મજા આવી………અને આનંદ એ વાત નો થયો કે- વરસો ભલેને વીતે પણ મિત્રતા અકબંધ રહે છે……બધાને રોજબરોજ તો રૂબરૂ ન મળી શકાય પણ ફેસબુક-વોટ્સેપ જેવા માધ્યમ થી સતત સંપર્ક માં રહી ને પણ દોસ્તી નો ગુલાલ કરી શકાય છે………!

તો મિત્રો……..- મારા ગુરુ બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે – વિજ્ઞાન નો જો સદુપયોગ થાય તો વરદાન છે અને દુરુપયોગ થાય તો અભિશ્રાપ …….એમ અમારા કિસ્સા માં અમને વિજ્ઞાન નો સદુપયોગ ફળ્યો છે…….જુના મિત્રો……એમની યાદો……આટલા વર્ષો પછી પણ તરોતાઝા ..મઘમઘતી રાખવા નો મોકો મળ્યો છે……સત્સંગની સાથે સાથે સબંધ પણ જળવાઈ રહે તેવું ગોઠવાયું છે………

તો- કહેવાનું એટલું જ છે કે- જીવન નો કોઈ ભરોસો નથી…….કાલે શું થશે એ ખબર નથી…….અહી તો રાત ટૂંકી અને વેશ ઝાઝા છે…….અને એવામાં કોઈ પોતાનું મળે તો -મધદરિયે તરાપો મળ્યા નું સુખ થાય…….માટે બસ- જે પલ મળી……જે ક્ષણ આવી એમાં બસ..જીવી જવું………સ્વાર્થ ના વિચારો છોડી ક્યારેક અંતર ના સુખ નું એ વિચારવું…….! સારા મિત્રો- કઈ એમને એમ નથી મળતા….એ તો અનેક જન્મ ના પુણ્ય તપતા હોય ત્યારે એ ઋણાનુબંધ બંધાય છે……!

ચાલો મિત્રતા ના એ ઉત્સવને જીવી જઈએ………!!!

રાજ


Leave a comment

નવી નવેલી દિવાળી….

                                                                                               “ઈલા દિવાળી દીવડા કરીશું……તારા ખર્યા વ્યોમ થકી મહીં શું”

  જેવી બાળપણ ની કાવ્ય પંક્તિ ઓ – આજે પણ હૃદય ને સાંભરી આવે છે. વર્ષ મા એકવાર – આવો સમય આવે છે કે- બધા- પરિવાર ના બધા જ સભ્યો એકસાથે હોય છે અને બે-ત્રણ દિવસ ઘરમાં જાણે કે “ઉજાસ” નો માહોલ હોય છે…..અને આ એક જ કારણ છે કે -મારો સૌથી પસંદગી નો તહેવાર – દિવાળી જ છે.ઉત્સાહ-ઉમંગ-ઉજાસ- બોનસ મળ્યું નથી કે બધા બજારો ધમ-ધમ્યા નથી……અને શહેરો તરફ થી ગામડાઓ તરફ એક મહા-પ્રયાણ ચાલુ થઇ જાય છે…ગામડાઓ ઉભરાઇ જાય છે…..! મજા ની છે આ ઘટના…….કારકિર્દી ની ભાગમભાગી મા – છૂટી ગયેલું જીવન સત્વ- અર્થાત સંબંધો- રીન્યુ કરવા નો સમય આ જ છે…..

દીવડો ધરો રે સ્વામી …દીવડો ધરો…..મુજ અંતર કેરું તિમિર હરો…….સ્વામી તિમિર હરો….પ્રભુ તિમિર હરો……

ફોટો સૌજન્ય- બેપ્સ

આથી અમે તો દર વર્ષે- દિવાળી પર અમારા વતન- જન્મસ્થળ ..માદરેવતન -ભિલોડા ( સાબરકાંઠા) જ પહોંચી જઈ એ છીએ…..અને દિવાળી ની સાંજે બધા ભેગા થાય- રાત્રે મોડા સુધી  ગપ્પા મારવાના…અને નવા વર્ષ ના દિવસે- ક્યાં જવું એનું પ્લાનીંગ કરવાનું……આ વખતે પણ આ જ ઘટમાળ છે ……બધા આવી ગયા છે……..અને દિવાળી બસ આજે રાત્રે……..કાલ થી નવું વર્ષ…..અને નવા નિયમો……………અને નવી વાનગીઓ….મોહનથાળ, ઘારી, બેક્ડ બિસ્કીટ્સ,ફરસાણ અને અન્ય ગરમાગરમ વ્યંજનો નો દોર ચાલુ જ રહેશે……..!

મારા વ્હાલા વાચક મિત્રો ને  આ  શુભ પ્રસંગે- દિવાળી ની ખુબ ખુબ શુભ કામનાઓ………..અને નવા વર્ષ માટે ની ખુબ ખુબ શુભેચ્છાઓ………મારા વ્હાલા શ્રીહરિ ને- ગુરુહરિ ને પ્રાર્થના કે- આ સમય અને આવનારો સમય- બધા માટે અનેક ઘણી ખુશીઓ …..અનેક ઉપલબ્ધિઓ લઇ ને આવે….સારું સ્વાસ્થ્ય….સારા વિચારો લઈને આવે……..આપણે બસ કર્મ કરતાં રહી એ…અને આપનું તથા અન્ય ના જીવન મા ઉજાસ ફેલાય એવા પ્રયત્નો સાથે  બાકી નું બધું ભગવાન પર છોડી ને- સ્થિતપ્રજ્ઞ ની સ્થિતિ સુધી પહોંચી શકીએ…એટલે ભયો ભયો………!

અમદાવાદ માટે ખુશી ની વાત છે કે આ વખતે પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજ અહીં છે અને દિવાળી નો મહા ઉત્સવ અહીં ઉજવવા ના છે….અન્નકૂટ નો મહા ઉત્સવ છે પણ આપણે – આપણા હૃદય નો..ભક્તિભાવ નો  “અન્નકૂટ” કરી ને શ્રીજી-સ્વામી ના રાજીપા માટે કર્મ કરતાં રહીએ…અને .બસ આમ જ હરિ અને ગુરુ ની દયા-ભક્તજનો પર રહે અને જીવમાત્ર નું કલ્યાણ થાય …..એવી ફરીથી પ્રાર્થના…….

ચાલો ત્યારે- શરીર-મન-કર્મ-વચન નું ધ્યાન  રાખજો………અને હરપળ… હર ક્ષણ – જીવન એક ઉત્સવ રહે – એનો દાખડો રાખજો……બાકી આપણો સાથ તો કાયમ છે અને આમ જ જ્ઞાન ની વાતો કરતાં રહેશું…….

“गुणातीतो अक्षरम ब्रह्म  भगवान पुरुषोत्तम

जानोजानाम्निदम सत्यं मुच्यते भव्बंध्नात

જય સ્વામિનારાયણ…..

રાજ


1 Comment

નવરાત્રિ ….અને ઘણું બધું..!

નવરાત્રિ , આખરે પૂરી થઇ છે પણ અંશતઃ…કારણ કે હજુ શરદ પૂનમ બાકી છે અને શરદ પૂનમ  ના ગરબા બાકી છે…!  આ વરસે મારી આખી નવરાત્રિ , અમદાવાદ ની બહાર જ થઇ. મુંબઈ-ગોવા-મઉ…….મા જ સમગ્ર નવ દિવસ પુરા થઇ ગયા, પણ સોસાયટી મા લોકવાયકા એવી છે કે આ વરસે અમારા સ્વામિનારાયણ પાર્ક મા અભૂતપૂર્વ નવરાત્રિ થઇ હતી.પણ  મને નવરાત્રીમાં કઈ ખાસ રસ નથી અને  એના ઘોંઘાટ થી નફરત છે…..એમાં કોઈ શંકા નથી કે નવરાત્રિ મા જોમ-જુસ્સો સ્વાભાવિક હોય પણ- અમુક સમય મર્યાદા ની અંદર.  તમે રાત્રે બાર વાગ્યા એ – ગરબા ચાલુ કરો અને સવારે ત્રણ-ચાર વાગ્યા સુધી નર્યા ઘોંઘાટ થી અન્ય લોકો ની ઊંઘ ખરાબ કરો- એ ક્યાં નો ન્યાય કહેવાય….???

મારી માનસિકતા પ્રમાણે હજુ પણ નવરાત્રિ એ – શક્તિ-સ્ત્રી શક્તિ-માતૃ શક્તિ નો પર્વ છે અને આ જ ભાવના – કેન્દ્ર વર્તી રહેવી જ જોઈએ……પણ આજકાલ શું થઇ રહ્યું છે..?? એ કોઈના થી અજાણ્યું નથી. ગોવા મા તો નવરાત્રિ- એટલે શું? એવું હતું અને મુંબઈ મા – ગુજરાત જેવો ભર્યો ભાર્યો માહોલ ન હતો……પણ ગુજરાત તો ગુજરાત જ છે……! હું આઠમ ના દિવસે મુંબઈ થી અમદાવાદ આવ્યો અને તરત જ મૂળ વતન તરફ ગાડી લઈને રવાના થાવું પડ્યું….! ભાગમભાગી હવે જીવન નો એક અનિવાર્ય અંગ થઇ ગઈ છે…….આથી એના સિવાય તો કલ્પના કરવી જ મુશ્કેલ છે….! મારા તો જન્માક્ષર મા જ જ્યોતિષી એ ભાખેલું કે – આ છોકરાં ને તો પાંખો હશે…….કોઈ જગ્યા એ સ્થિર રહેશે જ નહી…..! આથી અમે તો અનાદી કાલ ના પ્રવાસી….અમે અહીં કાયમ રહેવા થોડા આવ્યા છીએ…..બસ અહીં તો ફરવા જ આવ્યા છીએ….!

માંડવડી- મઉ નવરાત્રિ

ખેર જે હોય તે…..અમારું મૂળ વતન , ભિલોડા તાલુકા ( ઉત્તર ગુજરાત) ની નજીક આવેલું મઉ ગામ.   વર્ષો જુનો ઇતિહાસ ધરાવતું આ ગામ , કેમ જાણે , હમેંશા મને આકર્ષિત કરતુ રહ્યું છે…..ચોતરફ ડુંગર, નદી થી ઘેરાયેલા આ ગામ મા – વારાહી માતાજી નું મંદિર આવેલું છે અને આ વર્ષે એના ૭૫ વર્ષ પુરા થયા….એક જમાના મા અહીં જે માહોલ હતો- એવો ક્યાંય ન હતો. નવરાત્રિ મા દરેક રાત્રી ની શરૂઆત માતાજી ના ભજન થી થતી, ત્યારબાદ દેશી – ભાતીગળ ગરબા અને એ ગરબા પુરા થાય બરોબર બાર વાગ્યે……પછી આરતી થાય…એ પણ રસપ્રદ – આરતી ની ઉછામણી થાય….એ પણ રસપ્રદ અંદાજ મા….હાસ્યરસ અને ગુજરાતી વેપારી પણું એમાં છલકાય…..!  અને આરતી પછી- ગામ લોકો દ્વારા અભિનીત – દિગ્દર્શિત નાટકો રજુ થાય……અને એમાં એવા રંગ- સંવાદ- કળા અભિનય કે આપણે હસી હસી ને લોથપોથ થઇ જઈએ………! પણ સફર ચાલુ જ રહે……અને વહેલી સવારે- બાઈક પર પાપા મમ્મી સાથે – ગરમ ધાબળા મા લપેટાઈ ને ઘરે આવવા નું કે……ત્યાં જ દાદા- બા ના ઘરે બહાર ખાટલા ઢાળી ને સુઈ જવાનું…..!

આ વખતે- માહોલ અલગ હતો, ભીડ ઓછી હતી અને ગરબા જાણે કે ખેંચી ખેંચી ને ગવાતા હતા……બાર- સાડા બાર વાગ્યે તો શો એન્ડ થઇ ગયો…..! કારણ ……ગામડા હવે તૂટી રહ્યા છે…..ભીડ શહેર તરફ વધી રહી છે…..! અને દેશી ગરબામાં  કે તબલા વાજાં મા હવે કોઈને રસ નથી…..આથી ક્યાંતો આધુનિક બનો ક્યાંતો ગરબા મહોત્સવ બંધ કરો…….પણ મઉ મા કંઇક સારું છે- વાજીંત્રો બદલાયા છે પણ ગરબા – એ જ જુના રહ્યા છે…..એ જ પેઢી ગરબા ની શરૂઆત કરે છે અને એ જ પેઢી – હજુ પણ એટલા ઉત્સાહ થી ઝઝૂમી રહી છે…..! અમુક જુવાનીયા ઓ એ નાટક ને પુનઃ જીવિત કર્યા છે પણ વિષય- એ જજબો કે જોશ હજુ દેખાતા નથી……ભીડ …..તો હજુ ખોવાયેલી જ છે….!

બસ પડદો ઉઠે એટલી વાર- મઉ નાટક મંડળી.....

મારું વતન…..કે જ્યાં મારા પૂર્વજો એ પોતાની જિંદગી ગુજારી હતી……..એ આવનારી પેઢી ઓ ને યાદ રહેશે કે કેમ? એ સવાલ છે…..નવરાત્રિ તો આવી ને ગઈ પણ- હમેંશ ની જેમ અનેક યાદો- કે ભૂતકાળ ને ઝંઝોળી ને ગઈ…….તહેવારો નું શું મહત્વ હોવું જોઈએ?…સમય સાથે તેના મહત્વ મા કેટલો ફર્ક પડે છે?..ઉંમર વધતા – ચશ્માં ના જાડા કાચ પાછળ ની એ બુઢી આંખો….નવી પેઢી વિષે શું વિચારે છે??? જીવન ….શા માટે હમેંશા ચક્રાકારે જ ગતિ કરે છે?????

બસ સવાલો જ સવાલો…….જવાબ કદાચ જાતે જ શોધવા ના છે…..એ પણ કોઈ સહારા વગર….! જીવન નું કદાચ આ જ મર્મ છે…..અત્યાર સુધી નો, જીવન સફર કદાચ આટલો બધો આસાન ન હોત……..જો મારો વ્હાલો….મારો હરિ સાથે ન હોત….! હવે તો એ જ સારથી છે…..એ જ માર્ગ છે…..અને એ જ ગંતવ્ય છે……..આથી જીવન ની આ નવરાત્રિ, એની ચમક ક્યારેય ખોવા ની નથી……એ વાત ની બસો ટકા ગેરંટી…!

સાથે રહો……

રાજ


Leave a comment

મહારાત્રિ- શિવરાત્રી..

અમારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ,સત્સંગીઓ ને આજ્ઞા છે કે બધી અગિયારસ અને પાંચ અન્ય તહેવારો ( રામનવમી , જન્માષ્ટમી, મહાશિવરાત્રી, દેવ-પોઢી અગિયારસ, દેવ-ઉઠી અગિયારસ) એ ઉપવાસ કરવો…….અને કહેલા પાંચ તહેવારોએ તો નિર્જળા ઉપવાસ કરવા. સાચું કહું તો મેં ,સત્સંગ સ્વીકાર્યા પહેલા ક્યારેય ઉપવાસ નહોતા કર્યાં. મમ્મી કરતી અને અમે, ફરાળી જમણ ને સાદા જમણ સાથે ટેસ થી જમતા…….પણ સત્સંગમાં આવ્યા પછી, સ્વેચ્છાએ જ અગિયારસ ના ઉપવાસ કરવાનું થયું…અને હોંશે હોંશે ,આજે પણ નિર્વિઘ્ને ઉપવાસ થાય છે….પણ હજુ ,હું પાંચ તહેવારોમાં , નિર્જળા ઉપવાસ નથી કરી શકતો. આ ભારે કામકાજ છે અને હું માનસિક રીતે-શારીરિક રીતે તૈયાર નથી. પૂ. યોગી બાપા એ તો “યુવા ઉપવાસ મંડળ” બનાવેલા!!! ઉપવાસ એટલે ” ઇન્દ્રિયો-મન-વિચાર ને નિગ્રહમાં રાખવા….” અને ખોરાકમાં સયંમ એ એક જાત ની શરૂઆત કહી શકાય….!!

મારા મૂળ વતન ભિલોડા ( જીલ્લા- સાબરકાંઠા) , એ ઇન્દ્રાસી અને હાથમતી નદીનો વિસ્તાર કહેવાય છે…જ્યાં આગળ જુના ભવનાથ નામનું -મહાદેવ નું લગભગ ૬૦૦-૭૦૦ વર્ષ( કદાચ એના થી પણ વધારે…) જુનું મંદિર અને ભૃગુ કુંડ નામે ઓળખાતો કુંડ છે….કહેવાય છે કે એ સ્વયંભુ શિવલિંગ છે અને તેનું મહત્વ ઘણું છે. આજે તો આ મંદિર, ઇન્દ્રાસી ડેમ વચ્ચે , શાંત જગ્યા એ જોઈ શકાય છે…..દાન-ધરમ ના પ્રવાહ ને લીધે આ યાત્રાધામ માં આજે દર શિવરાત્રી અને શ્રાવણ માસમાં ,ભક્તો નો અવિરત પ્રવાહ જોઈ શકાય છે….એક જમાનામાં અમે, દર વેકેશનમાં ત્યાં આગળ પીકનીક માટે સાયકલો લઇ ને જતા….!! ચોમાસામાં તો મંદિર અને તેની આસપાસ નો માહોલ અવર્ણનીય હોય છે….જુઓ નીચેનો  સેટેલાઇટ ફોટો …. ગુગલ ઈમેજ દ્વારા……

જુના ભવનાથ...અવકાશમાં થી....

આજે પણ સવારે હું મંદિરે ગયો પણ ,એટલી બધી ભીડ હતી કે , મહાદેવ ને જળ અર્પિત કરવાનું માંડી વાળ્યું……લોકો ભક્તિભાવના અતિરેકમાં , શિવલિંગ ને અને ગર્ભગૃહ ને એટલું ગંદુ કરી નાખે છે કે , આપણ ને ઘૃણા થાય….બીલીપત્રો તમારા પગમાં રોળાય….!! આમાં કંઇક સુધારો જરૂરી છે….થાકી ને ઘરે આવ્યો…….અને પછી પેટભરી ને ફરાળ કરવામાં આવ્યું……( ઉપવાસ નામ માત્ર નો જ રહ્યો…..)…પણ વધતા શરીર ને ઇજન ન મળે એ ધ્યાનમાં રાખવામાં આવ્યું…!

સાંજે શિવ-મંદિરોમાં ભજન સંધ્યા ના -જાગરણ ના પ્રોગ્રામ છે…..ઘણી જગ્યા એ ભાંગ નો પ્રોગ્રામ છે……ભોલાનાથ ના નામ પર બધું જ ચલાવે છે લોકો…!!!

ચાલો ત્યારે….હર હર મહાદેવ….!!!

રાજ


Leave a comment

દાસ્તાં-એ-સફર…

ગઈકાલે સાંજે,હું ભિલોડા પહોંચ્યો…જ્યાં આગળ મારું બાળપણ વીત્યું અને હજુ પણ, પરિવાર ત્યાં રહે છે.અમે મૂળ “મઉ” ગામના,કે જે ભિલોડા થી ૧૨ કિમી ના અંતરે છે, ડુંગરાઓ વચ્ચે ઘેરાયેલું,ઇન્દ્રાસી નદી ને કિનારે વસેલું,આ ગામ,હજુ પણ અમને બધા ને આકર્ષિત કરે છે. એક જમાનામાં ત્યાં બારેમાસ ,નદીમાં પાણી રહેતું..હવે પરિસ્થિતિ બદલાઈ છે..જુના ભવનાથ જેવા પ્રાચીન સ્થળ,અને તેની આજુબાજુ , બનેલા ઇન્દ્રાસી ડેમ ને કારણે, નદીનો પ્રવાહ ઘટ્યો અને કાળક્રમે સુકાઈ ગયો. જુઓ થોડાક ફોટા…..

સૌજન્ય- ગુગલ અર્થ

 

મઉ- ઉપગ્રહ ની નજરે....

 

 

જુના-ભવનાથ - આજુબાજુ ડેમ-વચ્ચે મંદિર...

 

અમે જયારે નાના હતા,ત્યારે બધા, વેકેશન,નવરાત્રિ મા , દાદા-બા પાસે ,મઉ જતા અને ,ત્યાં આગળ,ડુંગરાઓ મા ફરવાનું, દરબાર-ગઢ ના ખંડેરો, જુના ભવનાથ ચાલતા જવાનું…બધું ખુબ યાદ આવે છે. મઉ મા, ભાવસાર,સોની,બારોટ ,પટેલ અને સુથાર ની વસ્તી ઘણી છે, અને અત્યારે નવી પેઢીઓ , નોકરી-ધંધા ને લીધે, છેક મુંબઈ અને અમેરિકા સુધી પહોંચી છે…છતાં,જે વડીલો, લોકો હજુ ત્યાં છે, એ મઉ ના “મહત્વ” ને સાચવી ,જાળવી રહ્યા છે…ત્યાં આગળ,પહેલા નવરાત્રિ થતી,ત્યારે આખું ગામ,અને મૂળ વતનીઓ,દુનિયાના ખૂણે ખૂણા- જ્યાં હોય ત્યાં થી નવરાત્રીમાં આવતા, અને વારાહી માતાજી ની પૂજા નો લાભ લેતા. રાત્રે ૧૨ વાગ્યા સુધી દેશી ગરબા ચાલતા…ત્યારબાદ, આરતીની ઉછામણી, પુજાભાભા દ્વારા અનોખા અંદાજમાં બોલાતી….પહેલી આરતી એક વાર…સવા બે વાર….પોણા ત્રણ વાર…!!! એમ બોલાતી…એમની એક પાળેલી કુતરી હતી..લાલી…-એના નામ પર પણ આરતી બોલાતી…!!!

પણ ખરી મજાતો આરતી પૂરી થયા બાદ આવતી…ગામના લોકો, ઐતિહાસિક કૃતિઓ,રચનાઓ- જીગર-અમી, નરસિંહ મેહતા, શેઠ શાગળશા, મેહંદી નો રંગ….જેવી રચનાઓ પર નાટક ભજવતા. આના માટે બાકાયદા, બધો સરંજામ- વેશભૂષા,પડદા,વાદ્ય સાધનો, શસ્ત્ર-સરંજામ…બધું,મંડળી એ વસાવેલું. આ નાટકો, ભજવવા મા મુખ્ય ફાળો, મણિકાકા, જયંતી સોની,નવીન શાહ, અમરત સુથાર,, અશોક ભાવસાર, ,રાયચંદ કાકા, ચકુભાઈ ભાવસાર …નો હતો….એ બધાની મોટી ફોજ હતી…!! અને નાટકો,એટલા બધા પ્રખ્યાત કે લોકો દુર દુર થી જોવા માટે આવતા….છાપાં ઓ મા પણ  એ વાત ચમકતી…!!! અમારા જેઠીબા ને એટલો બધો શોખ કે ,નાટક જોવા પહેલી હરોળ મા બેસતા અને શો પુરો થયા બાદ જ ઘરે આવતા…..આ વાત ને લઈને દાદા-બા ,વચ્ચે જે ઝઘડો થાય.., એ જોવા જેવો હતો….!!! નવરાત્રિ પૂરી થયે, બારસ ના દિવસે, આખું ગામ, ડુંગરા ની તળેટી કે જુના ભવનાથ મંદિરે, ઉજાણી કરતા…..દૂધપાક, ચોળી-કોળા નું શક અને પૂરી…હજુ પણ યાદ છે….અને સદ-ભાગ્યે–આજે પણ આ ઉજાણી પ્રથા ચાલુ છે…દુર્ભાગ્યે હવે મને સમય નથી….!!! ભલે ને નાટકો ,સમય ને અભાવે બંધ થઇ ગયા છે…..પણ એ કલાકારો પૈકી અમુક હજુ હયાત છે….અને એમણે જોઈને, આનંદ થાય છે….બધું યાદ આવે છે….

ગઈકાલે,હું ત્યાં હતો, અને ત્યાં હવે નવરાત્રિ ની ઝાકળ-માકળ ઘટી ગઈ છે…લોકો ઓછા આવે છે….ઉત્સાહ ઘટતો જાય છે,જે ચિંતા નો વિષય છે…..

સવાલ એ છે કે…શું આધુનિક,થવા ની લાયમાં આપણે- આપણી સંસ્કૃતિ, વારસા કે ઉત્સવો નો ભોગ આપવા નો….???? મારું મન જરા ગ્લાની થી ભરાઈ ગયું છે…..કદાચ અમારા સંતાનો ને…મઉ ના આ વૈભવ,ઉત્સાહ, કે ઉજવણી ના મહિમા નો ખ્યાલ નહિ હોય……!!!

આખરે, સારી અને ખરાબ વાત એ છે કે સમય…ક્યારેય અટકતો નથી……!!

હરિ ઈચ્છા બળવાન છે…….

રાજ


Leave a comment

રાંધણછઠ..શિતળાસાતમ…ગોકલાઠ્મ…

તો શ્રાવણ માસ શ્રી થયો અને ભક્તિનું ઘોડાપુર ઉમટી ઉઠ્યું….તો સાથે સાથે મારા બાળપણ ની યાદો નું ઘોડાપુર પણ ઉમટી ઉઠ્યું…..તો એક જમાનો હતો કે ,અમે સ્કુલમાં સાતમ -આઠમ ની રજાઓ ક્યારે પડે છે ,એની કાગ-ડોળે રાહ જોતા…..અરે અમારી રજાઓ તો બોળ-ચોથ..નાગપંચમ થી શરુ થઇ ને છેક પારણા ના દિવસો સુધી ચાલતી…..રજા ની રજા ઓ અને મજાની મજા…..એમાં મરો, મારી મમ્મી નો થતો….કારણ કે એતો શ્રાવણ માસના ઉપવાસ પણ કરે અને તહેવારો નું જમવાનું પણ બનાવે….અને અમે ખાવા-પીવામાં થી ઉંચા જ ન આવી એ….!!! તો થતું શું?….જુઓ….ભૂતકાળ અને વર્તમાન કાળ સાથે…સાથે…..retro-….

૧. નાગપાંચમ-

ભૂતકાળ- મમ્મી શ્રીફળ ને ઘરના ઉંબરે કે રસોડા ના પાણીયારે વધેરી ને આખા ઘરમાં , એ જળ નો છંટકાવ કરતી…કે જેથી ઘરમાં ઝેરી જનાવર કે સર્પ નો ભય ન રહે…..

વર્તમાન કાળ- રજા જ ક્યાં છે…? રીના અને હું , આવા રીવાજ-રસમ મા માનતા જ નથી…આથી શ્રીફળ..મેં છેલ્લે ક્યારે અને ક્યાં વધેર્યું હશે….? એ મને પણ યાદ        નથી…..

૨. રાંધણ છઠ

ભૂતકાળ– સવારે સવારે , મમ્મી જલ્દી થી રસોઈ બનાવી દે, અમે બધા રમવા ઉપડી જઈએ….મમ્મી,પપ્પા બજારમાં જઈને કે ઘરે આવતા શાકભાજી વાળા પાસે થી પતાર્વેલીયા ના પાન, પરવર, કંકોળા લઇ આવે, દૂધ પણ લઇ આવવામાં આવે….અને બપોર પછી…આવતી કાલ માટે , જમવા બનવવા નું શરુ થાય…..અમે બધા એની આસપાસ ગોઠવાઈ જઈએ અને ,ગરમાગરમ બનતા થેપલા કે પાતરા , ચાખવા માટે પડાપડી કરીએ….દૂધ હલાવતા જઈએ….મમ્મી બિચારી રાંધી રાંધી ને થાકી જાય….અને કામ કરતી મોડે સુધી જાગે કે કાલે રાંધવા મા આરામ મળશે અને થાક ઉતરશે…..!!!!

વર્તમાન કાળ– રીના મેડમ, બસ રૂટીન જમવાનું જ બનાવે….કારણ કે શિતળા સાતમ એ અમારા નવા ઘરે ઠંડું ખાવા નો રીવાજ નથી…..સારું છે….!!!! તો રીના કોઈ મોલ મા જાય….કપડા, કરીયાણા ની સાથે સાથે , શાકભાજી લેવાય ખરી…નહીતર હરિ હરિ…..!!! સાંજે કોઈ દોડાદોડી નહિ….આરામ….!!!

૩. શિતળા સાતમ

ભૂતકાળ– અમારા ભિલોડા ગામ ની પાસે હાથમતી નદી વહે, અને આ સીઝનમાં એમાં પાણી તો મોટે ભાગે હોય જ….આથી…બધા વડીલો ની સાથે કપડા લઇ ને નદીએ ન્હાવા જવાનું…..!!! અને તમે જુઓ તો, એવી મજા પડે કે ન પૂછો વાત…… !! કલાક બે કલાક નાહીએ…એટલે પછી ઘરે અને રાત્રે બનાવેલું જમવાનું તૈયાર જ હોય…..કોઈને કોઈ મહેમાન તો હોય જ….આથી બધા જોડે બેસીએ …અને હા…!! જો કોઈ ને ભૂતકાળ મા “શિતળા” નો રોગ થયો હોય તો માનતાના આધારે એ વ્યક્તિ, સાત ઘરના “બટકા” માંગવા નીકળે,માંગેલું  એ બધું એણે ખાવાનું…!!!!.એ જ રીતે બધા એકબીજાને ઘરે ફરીને “બટકા વ્યવહાર” ચાલુ રાખે…..!!! તો જમણ પૂરું કરી આરામ કરવા નો અને આ દિવસ દરમ્યાન…ઠંડું માત્ર સવારે જ ખાવાનું…સાંજે તો ગરમ જ બને…..અને દિવસ દરમ્યાન ગરમાગરમ ચા તો બનતી જ રહે…..તો મમ્મી ને આરામ ક્યાંથી હોય???????

વર્તમાનકાળ– રીના સવારે સવારે મને ઓર્ડર કરે…”દૂધ ખાવાની ઈચ્છા હોય તો દૂધ લઇ આવો…”…એટલે આપણે દોડતા થઇ જઈએ….!! એ જમવાનું બનાવે, પણ ગરમાગરમ અને લીમીટેડ……!! અમારા ઘરે સાંજે ઠંડું જમવાનો રીવાજ નથી…..આથી માર્યાદિત જમવાનું…..અને આરામ? એ ક્યાંથી હોય?….કામકાજ તો ચાલુ જ હોય….અરે!! અમારે તો જન્માષ્ટમી ની પણ રજા નથી…..!! આથી, શીતળાસાતમ…એક તહેવાર મટી ને ..એક “દૂધ” ખાવાનું બહાનું બની ગયો છે……

૪. જન્માષ્ટમી-

ભૂતકાળ– અમારા ત્યાં બધા ઉત્સાહી અને સ્વાધ્યાય પરિવાર વાળા…આથી જન્માષ્ટમી ના દિવસે ઘણા બધા પ્રોગ્રામ હોય…..અમારે ત્યાં ભિલોડા મા,જન્માષ્ટમી નો મોટો મેળો ભરાતો ( હજુ પણ ભરાય છે….)અને આખું બજાર ઉભરાય….!!અમે બધા સવારે માત્ર “શીરો” ખાવા માટે ઉપવાસ કરતાં….અને રાત્રે ભાખરી-શાક બનાવડાવી ને ખાતા…..!! સાંજે મંદિરે જવાનું…અને કદાચ રાત્રે શક્ય હોય તો શામળાજી મંદિરે જતા….અને રાત્રે જન્મોત્સવ મનાવી ને પાછા ફરતા…..અને બીજે દિવસે “પંજરી” નો પ્રસાદ માટે છડેચોક રાહ જોવાતી…..!!

વર્તમાન– અત્યારે હું અને રીના ચુસ્ત સ્વામિનારાયણ સંપ્રદાય ના સત્સંગી….એટલે અમારે પૂ. યોગીબાપા ની આજ્ઞા અનુસાર અને સંપ્રદાયના નિયમ અનુસાર…જન્માષ્ટમી મોટો તહેવાર…અને સત્સંગ નો દિવસ….!! આમ તો નિર્જળા ઉપવાસ ની આજ્ઞા કે નિયમ છે પણ ,હું અને રીના “નિર્જળા ” ઉપવાસ નથી કરતાં પણ ફરાળી ઉપવાસ જરૂર કરીએ….રાત્રે શાહીબાગ મંદિરે બે-ત્રણ કલાક નો કીર્તન-ધૂન-પ્રવચન-નાટક -નૃત્ય થી ભરપુર કૃષ્ણ-જન્મોત્સવ ની ઉજવણી હોય છે….અને રાત્રે બાર વાગ્યે , શ્રી હરિ નો જન્મ થાય અને સમગ્ર મંદિર , પ્રકાશ,આરતી,ધૂન થી ઝળહળી ઉઠે….પ્રસાદી વહેંચવાની શરૂઆત થાય અને દર્શન માટે બધા સત્સંગીઓ ઉમટી ઉઠે…..!!! તો બસ , અમારા માટે ઠાકોરજીના દર્શન નો ,જન્મોત્સવ મનાવવા નો આ મોટો સ્ત્રોત છે….સંતો,શાસ્ત્રો,મંદિરો અને સત્સંગ ….કદાચ શ્રીહરિ સુધી પહોંચવાના સબળ માધ્યમ છે…એ હવે સમજાઈ ગયું છે……

તો, ભૂતકાળ અને વર્તમાન કાળ વચ્ચે  નો ભેદ….એ સમાજ અને સમજણ મા થઇ રહેલા પરિવર્તન ની નિશાની છે….!!……આવનારી પેઢીઓ , કદાચ….સાતમ શું?….આઠમ શું?…..એ ભૂલી ગઈ હશે….!!!સમય સાથે ચાલો પણ….પોતાના મૂળ પકડી રાખો…..અસ્તિત્વ ટકાવવા આ જરૂરી છે…..

રાજ


1 Comment

લગ્ન..વરઘોડો….અને ઘણું બધું…

આજકાલ ગુજરાતમાં લગ્નો ની ભરમાર ચાલી રહી છે….ગરમી …ગરમી ક્યાં છે?….કોને ખબર…?? પણ લગ્ન ના ઉત્સાહમાં લોકો , જાનૈયા, વરઘોડીયા બધા …ગરમી ને ભૂલી જાય છે..અને વરઘોડો તો ખરા બપોરે પણ નીકળે. …ખરા બપોર નો સમય હોય…ટ્રાફિક ની અંધાધૂધી ..અને બેન્ડ વાળાઓ નો રાગ-હીન કર્કશ અવાજ…વરઘોડા ને “શક્તિ પરીક્ષણ” માટે કસી રહ્યું હોય એમ લાગે છે…રાત્રે નીકળે તો દસ-બાર જણા ટ્યુબલાઈટ  પકડી ને ચાલે…પાછળ જનરેટર લઈને લારી કે રિક્ષા હોય….અને  લોકો ને નાચવા મુક્યા હોય તો કોઈ પાછું ન પડે.

મને યાદ છે કે , ગામમાં લગ્ન હોય અને બેન્ડ વાળા કે પેલા ત્રાંસાવાળા હોય…જેવું વાગવાનું શરુ થાય કે ગામ આખાનાં છોકરાં , લગ્ન સ્થળે નાચવા જ મંડી પડે…….અને વરઘોડો મોટે ભાગે રાત્રે ૧૨ કે એક વાગ્યે લોકો ને “જગાડવા” જ નીકળે…ઠાકોર કે અન્ય કોમમાં વરઘોડો ક્યારેક મોડી રાત્રે  બે કે ત્રણ વાગે નીકળે અને વરરાજા નો ઠાઠ જોવા જેવો હોય……. માથે લાલ ફેંટો બાંધ્યો હોય…ખીસામાં રૂમાલ ખોસ્યો હોય..અને ઝબુકતી લાઈટ વાળું ચપ્તું ક્યાંતો ખીસામાં કે ક્યાંતો ફેંટા માં લગાવ્યું હોય…એના પાવર પાછા ખીસામાં ખોસ્યા હોય…હાથમાં તલવાર હોય…અને કર્કશ અવાજ વાળું બેન્ડ હોય…પણ આખો સમૂહ,ઉમર બાધ વગર જોશે ચડ્યો હોય અને બધા નાચતા હોય…..તમે જુઓ તો ખબર પડે…કે લગ્ન કોને કહેવાય.???… ભિલોડામાં અમારું ઘર ચાર રસ્તા પર જ છે આથી, ગામ આખાના વરઘોડા આમારા ઘર પાસે થી જ નીકળે અને અમને એનો લાભ પુરેપુરો મળે..મોટા મોટા સ્પીકર મૂકી સતત કલાકો સુધી ગામ આખા ને ગાણા સંભળાવવા માં આવે….!!!આદિવાસી સમાજમાં તો લગ્ન ના નિયમ જ અલગ…વર કે કન્યા બંને લગ્નના અઠવાડિયા પહેલા થી જ આખા શરીર પર પીઠી ચોળી ને ફરે…હાથમાં તલવાર કે કટાર જેવું શસ્ત્ર હોય…કન્યાના હાથમાં રીબન બાંધેલી લાકડી હોય..અને અઠવાડિયા સુધી આમ જ ફરવાનું…!! લગ્ન ના દિવસે આ સ્થિતિ બદલાય..

મને અંગત રીતે વરઘોડા નો ખર્ચ ફાલતું,નકામો લાગે છે. મારા લગ્ન માં , મારો વરઘોડો નહોતો નીકળ્યો. માત્ર નજીકના સગા-વ્હાલા સાથે હું ચાલતો,કોઈ અવાજ-ધૂમ ધડાકા વગર મંદિરે દર્શન કરવા ગયેલો. મે જેમ બને તેમ લગ્ન સાદાઈ થી થાય એવું ધ્યાન રાખેલું….આખરે લગ્ન ને અને જાહોજહાલી ને શું સંબંધ???? લગ્નમાં વધારે ખર્ચ કરવા કરતા ,પૈસા બચાવી, એ પૈસા ને લગ્ન પછી ઠરીઠામ થવા ઉપયોગ કરવો….એમાં જ સમજદારી છે….અને એમ પણ લગ્ન પછી સમજદારી કઈ ચીડિયાનું નામ છે? એ બધા જાણે છે…..

તો ગરમી જાય ભાડમાં….કાઢો વરઘોડો…કરો લગન…કરો ખર્ચા…કોના બાપ ની દિવાળી?…આપણા બાપ ની જ ને….

રાજ…