Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

રેવા ને કિનારે કિનારે…..

ઘણીવાર આપણે અતિ કઠિન એવી રેવા નદી કે નર્મદા ની પરિક્રમા વિષે સાંભળીએ છીએ….સાક્ષર અમૃતલાલ વેગડ ના પુસ્તકમાં વાંચીએ છીએ….પણ અહી નર્મદા મૈયા ની પરિક્રમા ની વાત નથી….કારણ કે આપણે એ લાયક નથી….છેક પુરાણો માં પોતાની હાજરી પુરાવી ચૂકેલી આ એકમાત્ર નદી ની પરિક્રમા એના મહિમા જેટલી જ સર્વોપરી છે…..છતાં સંસાર ના ખડકાળ સ્થિતિ ઓ માં ફસાયેલા આ જીવ માટે લગભગ 1312 કિમી ની ત્રણ વર્ષ થી વધુ સમય માં પાર થતી આ પરિક્રમા આ જીવન માં તો શક્ય નથી જ ….! છતાં અમદાવાદ ની સરહદ પર લહેરાતી વિશાળ કેનાલો જોઈને – નર્મદા મૈયા ના ખોળામાં કમસેક્મ ડૂબકી લગાવવા ની ઈચ્છા તો થઈ જ જાય છે……..

જીવન માં આ શુભ ઘડી ક્યારે આવે? તેની પ્રતિક્ષા હતી અને હરિ દયા એ ઘડી આ શરદ પુર્ણિમા એ…ગુણાતીત પ્રાગટ્ય દિવસે ગોઠવાઈ……પરિવાર ના વડીલ બંધુઓ એ આયોજન કર્યું અને અમે સૌ રાત્રિ ના અંધારા ને ચીરી ને બસ ના ખોળા માં ગોઠવાઈ ગયા……હેતુ હતો માં રેવા ને કિનારે ભારત ના ગૌરવ એવા સરદાર પટેલ ની જગ વિખ્યાત સૌથી ઊંચી પ્રતિમા ના દર્શન મુલાકાત કરવી…..એની નજીક આવેલા ધરખડી અભયારણ્ય અને ઝરવાણી ધોધ ની મુલાકાત લેવી….સમય વધે તો નીલકંઠ ધામ પોઇચા અને કુબેર ભંડારી મંદિર ની પણ દર્શન મુલાકાત લેવી…..

સમય નક્કી થયો રાત્રી ના બે વાગ્યા નો…..થોડોક વહેલો હતો પણ જરૂરી હતો….કારણ કે પરિવાર ને અલગ અલગ સ્થળો થી એકત્રિત કરવા નો હતો….તો છેવટે અમારી સવારી ઉપડી….રોડ સારો હતો….અને સૌપ્રથમ અમે પહોંચ્યા ઝરવાણી ધોધ ..જે ધરખડી અભયારણ્ય માં સ્થિત છે….તમે કાર ,બસ છેક અંદર લઈ ને જઇ શકો છો….એન્ટ્રી ચાર્જ લાગે, પણ અંદર નો માહોલ જોઈ ખુશ થઈ જવાય એવું છે…..ચોમાસા માં જ સક્રિય થતા આ ધોધ નું અત્યારે રી ડેવલોપમેન્ટ ચાલી રહ્યું છે, આથી ધોધ સુધી પહોંચવા ચાલવું પડે….નાના ઝરણાં ને ઓળંગવા પડે….અને લગભગ 15 મિનિટ પછી તમે તયાં પહોંચી શકો…..ત્યાં પહોન્ચો એટલે મહેનત વસૂલ થઈ જાય….! અદભુત નજારો….અને અમે સસવારે 8 વાગ્યા ની આસપાસ ત્યાં પહોંચ્યા હતા એઆથી અમારા સિવાય ત્યાં કોઈ જ ન હતું…એક આઆદિવાસી છોકરી અમને ધોધ સુધી દોરી ગઈ …બધા એ ખૂબ જ મજા માણી….હરિ તો કપડાં બદલ્યા વગર જ કુદી પડ્યો….હાહાહા….!!

અમારા ટુર ઓપરેટરે ગરમાગરમ નાસ્તો બનાવી રરાખ્યો હતો…બધા ને ખૂબ ભૂખ લાગી હતી આથી મન મૂકી ને તૂટી પડ્યા….! હું ગયા પ્રવાસ ની જેમ આ વખતે પણ, હરી ના ચપ્પલ ને લેવા જતા લપસી પડ્યો અને એક ધારદાર પથ્થર મારા હાથ માં ઘૂસી ગયો… લોહી ચાલુ થઈ ગયું પણ જાણે શ્રીજી એ સહાય મોકલી હોય તેમ એક 108 એમ્બ્યુલન્સ ત્યાં થી પસાર થતી હતી અને મને પ્રાથમિક સારવાર મળી ગઈ…!!

છેવટે નાસ્તો કરી અમારું ગ્રૂપ Statue of Unity પહોંચ્યું… એડવાંસ માં ટિકિટ બુક થાય છે આથી અમને રવિવાર હોવા છતાં બહું ભીડ નો સામનો કરવો ન પડ્યો અને પાર્કિંગ માં થી જ દુનિયા ની સૌથી ઊંચી પ્રતિમા જોઈ મસ્તક ગર્વ થી ઊંચું થઈ ગયું…..!! નરેન્દ્ર મોદી ની દૂરંદેશી… રાષ્ટ્ર ભક્તિ… દેશ ને જગતગુરુ બનાવવા ના સર્વોપરી પ્રયાસ ને કોટી દંડવત કરવા ઘટે….!!! થોડુક ચાલવું પડે પણ એ પછી ઠેર ઠેર સલામતી વ્યવસ્થા… વ્હીલચેર અને એસ્કેલેટર ની સુવિધા… એક્દમ સ્વચ્છ અને આધુનિક વોશરૂમ અને પીવાના પાણી ની વ્યવસ્થા… ખૂબ જ સહયોગી કર્મચારીઓ અને ઠેર ઠેર ફ્રિ બસ સેવા….!!! ખરેખર અદ્ભુત હતા… બાકી સરકારી તંત્ર પાસે આટલી બધી અપેક્ષા ન રખાય…. 😀બસ એક વાત ખૂંચી…. સ્ટોર માં ટી શર્ટ ખૂબ જ મોંઘી હતી….!

મે ફ્રિ બસ સર્વિસ માં સરદાર સરોવર ડેમ અને ફ્લાવર વેલી જોવા ગયા.. જ્યાં હજુ કામ ચાલુ છે અને મારું માનવું છે કે, બે વર્ષ પછી આ સમગ્ર વિસ્તાર ધમધમતો હશે… નવું પ્રાણી સંગ્રહાલય પણ બને છે… હેલિકોપ્ટર સેવા બંધ છે….rafting ચાલુ છે…..સાંજે અદ્ભુત લેસર શો થાય છે પણ એ અમારા પ્લાન માં ન હતું એથી છોડવું પડયું…

એક સજેશન… SOU આવવું હોય તો ચોમાસા પછી ઠંડક થાય ત્યારે જ આવવું… બાકી ગરમી અહીં જાલીમ પડે છે….!!

જમવા નુ તૈયાર હતું… આથી પેટપુજા કરી થોડોક આરામ કરી પોઈચા નિલકંઠ ધામ જવા નીકળ્યા… ત્યાં થી બે એક કલાક નો રસ્તો છે….. નર્મદા નદી ના વિશાળ પટ ને કિનારે સ્થિત આ વિશાળ મંદિર પરિસર ખૂબ જ સુંદર છે… અમે પહોંચ્યા ત્યારે શ્રીજી ની ઢોલ નગારા સાથે હાથી ની સવારી નીકળી હતી…. અદ્ભુત સવારી….!! સર્વ દેવો.. અવતારો ની સ્થાપના અહીં થઇ છે…. શ્રીજી ની મૂર્તિ દક્ષિણ ભારત પદ્ધતિ થી અલંકૃત છે …. બેઠેલી મુદ્રા અદ્ભુત છે…

દર્શન, કોફી નાસ્તો કરી મા નર્મદા ને પાર કરવા બોટ ભાડે કરી….. નિલકંઠ ધામ ના સામે ના કિનારે જ કુબેરેશ્વર મહાદેવ નું પ્રાચીન મંદિર છે… એની નજીક માં જ નારાયણ બલી માટે જાણીતું ચાંણોદ છે….. નદી નો પટ એટલો વિશાળ કે બોટ માં એક કિનારે થી બીજે કિનારે પહોંચતા 15 થી 20 મિનિટ થાય…. કુબેર ભંડારી નો કિનારો ઉંચો છે અને સીડી ઓ સીધી છે… જેના પગે પ્રશ્ન હોય.. તેના માટે આ સ્થળ નથી…. ત્યાં થી નિલકંઠ ધામ પરત આવવા નીકળ્યા ત્યારે અંધારું નદી ના પટ ને ઘેરી વળ્યું હતું અને ક્ષિતિજ પર શરદ પુનમ નો પૂર્ણ ચંદ્ર ખીલી ઊઠ્યો હતો…. મા રેવા ના પ્રવાહ પર એનું ચમકતું પ્રતિબિંબ મને અક્ષરબ્રહમ ગુણાતીંતાનંદ સ્વામી ના મહિમા ની સ્મૃતિ કરાવતી ગઈ….. આજે એ ધન્ય ઘડી ની સ્મૃતિ સભા હતી અને હું એમાં ન હતો…!!

છેવટે નિલકંઠ ધામ પરત આવ્યા અને જમવાનું તૈયાર હતું… ઉજાગરો અને થાક જોડે હતા આથી બધું ફટાફટ પુરુ કરી બસ ને ઘર તરફ ભગાવી…!

તો અમે મા રેવા ને કિનારે યાત્રા ને માણી…. એ પર થી કોઈને અમારા અનુભવ ને આધારે આવી યાત્રા કરવી હોય તો મારા સુચન.. વણ માગી સલાહો… 🤓

  • Planning – એવી રીતે કરવું કે ઉજાગરા ન થાય…. ઉજાગરા યાત્રા ની મજા ને મારી નાખે છે…. SOU અમદાવાદ થી 200-220 કીમી થાય આથી ત્રણ ચાર કલાક થાય… સવારે 9 વાગ્યે તમે ત્યાં પહોંચો તો પૂરતું છે….. સાથે સૂકો નાસ્તો, ભરપૂર પાણી, પ્રાથમિક સારવાર (જો નદી, ધોધ જવા ના હો) તો સાથે રાખવા…. ધરખડી અભ્યારણ્ય માં એંટ્રી ચાર્જ 400 રૂપિયા થી શરૂ થઈ 3000 સુધી છે….. નર્મદા નદી માં બોટીંગ ના 1200-1500 થાય છે……. જેવી જેવી સંખ્યા…! સાંજનો લેસર શો સારો હોય છે…. એ પ્રમાણે આયોજન થઈ શકે…. અમદાવાદ રાણીપ બસ સ્ટોપ થી રોજ એસી બસ સવારે 6 વાગે ઉપડે છે…. તેનો લાભ લઈ શકાય….
  • Food – SOU માં કેફેટેરિયા છે…. ભાવ એ મુજબ છે…. પોઈચા માં તો જલસા છે…. કોઈ ચિંતા નહી…. કોઈ સારી હોટલ ત્યાં નથી… આથી આયોજન એ મુજબ કરવુ.
  • Expenses – સસ્તું ભાડું… અને સિદ્ધપુર ની યાત્રા જેવું છે….. અમારે 1500 રૂપિયા પ્રતિ વ્યક્તિ નો ખર્ચ હતો જેમાં – સવારે નાસ્તો, બપોરે સાંજે જમવાનું,પ્રદર્શન ટિકિટ (380rs) અને ઉપરોકત ચાર સ્થળ… બધુ આવી ગયું….. ધરખડી અભ્યારણ્ય નો ખર્ચ, બોટીંગ, rafting બધું આપણા માથે હોય… માટે ખર્ચ એ મુજબ પ્લાન કરવું.

તો… હૈયા માં હામ ભરી, હરિ ને જીવમાં રાખી નીકળી પડવું….. એની રચેલી સૃષ્ટિ અદભુત છે…. મન ભરી ને માણવા જેવી છે…… જીવન ને બંધિયાર ન કરવું…. છેવટે સાધુ હો કે સંસારી…. સબ ચલતા હી ભલા…!!!

રાજી રહેજો….

રાજ