Raj Mistry's world

Me,my stories and world around….

The “Dayaro”..ડાયરો….

2 Comments

..ડાયરો…ડાયરો….ડાયરો….”dayaro..” it is the word which is deeply embedded,in fact embossed in the heart of every gujarati person…you can not discriminate the culture,the war sagas from the literature of Gujarat. Centuries has been passed but the stories,the blood raising songs ,being sung in the “dayaro” are still look very much fresh and energetic…I am really proud for being Gujarati…proud for being Indian…
By the way..our society is enjoying the Dayaro tonight, organized by our H-block. The artists are from small fame..but the impact is much more stronger and heart-touching…..
Now some thing in Gujarati…..again from my dear one…residing in thousands miles away from here..in Canada..is really doing something to make us believe that…we are really the proud diaspora..Gujarati…!!!!

_____________________________________________________________________

નોંધ- નીચેનો ગુજરાતી ભાગ- વિનયભાઈ દવે (ગુજરાતી રીડ-૨૦૦૮)દ્વારા રચિત છે અને મને માત્ર એક મિત્ર દ્વારા પ્રાપ્ત થયો હતો અને મેં અહીં એ મુક્યો છે. આ મારી સ્વ-રચિત કૃતિ નથી…( હું આભારી છું..આ માહિતી માટે- શ્રી  વિનયભાઈ ખત્રી નો કે જેમણે મને આ સત્ય માહિતી પૂરી પાડી )

______________________________________________________________________________

……આપણે ગુજરાતીઓ …..
હોટેલમાં કોઈ ચા મંગાવે અને ચામાં માખી પડે તો શું થાય…. ?
(1) ચોખ્ખાઈનો આગ્રહી બ્રિટિશર ચા પીધા વગર ભરેલો કપ તરછોડીને જતો રહે.

(2) ‘કેર-ફ્રી’ સ્વભાવવાળો અમેરિકન ચામાંથી માખી કાઢી ચા પી જાય.

(3) ‘ચાલુ’ સ્વભાવવાળો ઓસ્ટ્રેલિયન ચા ઢોળી કપ લઈને જતો રહે.

(4) ‘ચિત્ર-વિચિત્ર’ ખાનારો ચીનો માખી ઊપાડીને ખાઈ જાય.
આ સમયે એક ‘મહાન વ્યક્તિ’ ત્યાં હાજર હોય તો એ શું કરે ખબર છે? એ મહાન વ્યક્તિ બ્રિટિશર પાસેથી તરછોડેલી ચાના પૈસા લે. એણે તરછોડેલી ચા અમેરિકનને વેચી દે, કપ ઓસ્ટ્રેલિયનને વેચી અને અને માખી ચીનાને વેચી દે! બધાના પૈસા ખિસ્સામાં મૂકી ઘર ભેગો થઈ જાય. આ સોલિડ ગણતરીબાજ મહાન વ્યક્તિ એટલે કોણ ખબર છે ? આ અદ્દભુત, જોરદાર મહાનુભાવ એટલે ગુજરાતી !
આખી દુનિયામાં વર્લ્ડ બેસ્ટ વેપારીનો જેને એવોર્ડ મળેલો છે, તે છે – હું, તમે અને આપણે બધા – ગુજરાતીઓ, પણ આપણે માત્ર વેપારી જ નથી, વેપારીથી પણ વિશેષ છીએ. આપણો સ્વભાવ, આપણી આદતો, આપણી ખાસિયતો આપણને બીજાથી નોખાં અને જુદાં બનાવે છે. તો ચાલો આપણે ગુજરાતીઓ કેવા છીએ એની ચર્ચા આજે એરણ ઉપર ચઢાવીએ.
આપણા ભારત દેશનો નકશો જુઓ તો એમાં પશ્ચિમ છેડે હસતાં મોઢાના આકારવાળું રાજ્ય દેખાશે. આ હસતું મોઢું એટલે આપણું ગુજરાત અને તેમાં વસતા સાડા પાંચ કરોડ હસતાં મોઢા એટલે આપણે ગુજરાતીઓ, પણ ગુજરાતીઓ માત્ર ગુજરાતમાં જ વસે છે તે માનવું ભૂલભરેલું છે. ગુજરાતીઓ આખી દુનિયામાં બધે જ ફેલાયેલા છે અને બધી જ જગ્યાએ ધંધો કરી ‘બે પૈસા’ કમાઈ રહ્યા છે.
વિશ્વપ્રવાસે નીકળવાના શોખીન ગુજરાતીઓમાનો કોઈ સહારાનું રણ જોવા જાય અને ત્યાં તેને ચાની કીટલી ચલાવતો ગુજરાતી મળી જાય તેવું બને ખરું! પેંગ્વિન કે સફેદ રીંછ ઉપર રિસર્ચ કરતો વૈજ્ઞાનિક એન્ટાર્કટિકામાં જાય ત્યારે ત્યાં તેને આઈસ્ક્રીમ પાર્લર ચલાવતો ગુજરાતી મળી જાય એવું પણ બને.
મનીમાઈન્ડેડ તરીકે જાણીતા ગુજરાતીઓનો પૈસા કમાવાનો ગાંડો શોખ તેમને દુનિયામાં બધે જ લઈ જાય છે (કાયદેસર કે ગેરકાયદેસર !). તેમાંય ફોરેન જવા માટે ગુજરાતીઓનો સૌથી ફેવરિટ દેશ હોય તો અમેરિકા. જેમ વૈજ્ઞાનિકોને મંગળ કે ચંદ્ર પર જવાનું વળગણ હોય છે તેમ ગુજરાતીઓને કોઈ પણ રીતે અમેરિકા વટી જવાનું વળગણ હોય છે. ત્યાં જઈને ભલે કંઈ પણ કરવું પડે પણ તે માટે તેઓ અહીંયા કંઈ પણકરવા તૈયાર હોય છે. કેટલાક તો માણસમાંથી ‘કબૂતર’ બનવા તૈયાર થઈ જાય છે.. આ કબૂતરોનું અંતિમ લક્ષ્ય ડૉલરનું ચણ ચણવાનું હોય છે. (કેમકે, એક ડૉલર બરાબર પચ્ચાહ રૂપિયા થાય ને ભઈ!) આને જ રિલેટેડ આપણી એક બીજી આદત પણ છે.
આપણને આપણી ગુજરાતી ભાષા કરતાં અંગ્રેજી ભાષાનું સોલિડ વળગણ છે. યુ નો, આપણે બધા સેન્ટેન્સમાં વિધાઉટ એની રિઝન ઈંગ્લિશ વર્ડઝ ઘૂસાડી દઈએ છીએ. ગમે તેવું ખોટું અને વાહિયાત અંગ્રેજી બોલનારાઓને આપણે બહુ હોશિયાર ગણીએ છીએ. ગુજરાતી સારું બોલતા ના આવડતું હોય તો ચાલે પણ બકવાસ અંગ્રેજી બોલતા તો આવડવું જ જોઈએ તેવો આપણને ભ્રમ પેસી ગયો છે. બે-ચાર ગુજરાતીઓ ક્યાંક ભેગા થાય તો તેમને અંગ્રેજી બોલવાનો એટેક આવે છે. કેટલાક તો અંગ્રેજી છાંટવાળું પહોળાં ઉચ્ચારોવાળું ગુજરાતી બોલતા હોય છે અને તેનો ગર્વ અનુભવે છે.
(ઓ…કખે…ગાય્ઝ એન્ડ ગા…લ્ઝ….હું છું…ત…મા…રો…… દો…સ્ત…ઍન્ડ…હો..સ્ટ… વિનુ…વાહિયાત…. ઍન્ડતમે લિસન કરી રહ્યા છો…રેડિયો ચારસો વીસ…. ઈ…ટ…સ…રો…કિં…ગ…)

આવી રીતે ગુજરાતી ભાષાના સિસ્ટર મેરેજ કરવા બદલ રેડિયો જોકીઓ અને ટીવી પ્રોગ્રામના એન્કરોને તો ખાસ શૌર્યચંદ્રક આપવો જોઈએ. સરસ-મજાની વિપુલ પ્રમાણમાં શબ્દભંડોળ ધરાવતી આપણી માતૃભાષા ગુજરાતીની સૌથી વધુ અવગણના કરતાં હોય તો તે આપણે પોતે જ છીએ. (અંગ્રેજી શીખવામાં કંઈ જ વાંધો નથી, પણ ગુજરાતી ભાષાને બગાડો એ ખોટું ને, ભઈ ?!)
પરદેશી, પરદેશી ભાષા અને તેની સાથે પરદેશના ખોરાકનું પણ ગુજરાતીઓને અજબ-ગજબનું વળગણ છે. આપણે ત્યાં જે ચાઈનીઝ ખવાય છે તેવું જો કોઈ પણ ચીનો ચાખી લે તો આપઘાત જ કરી લે ! સવાસો કરોડ ચીનાઓમાંથી કોઈએ ક્યારેય ના ખાધી હોય તેવી એક ચાઈનીઝ વાનગી અહીંયા મળે છે. એ છે ચાઈનીઝ ભેળ. આપણે ઈટાલીના પિઝાના પણ આવા જ હાલ કરી નાખ્યા છે. મજાની વાત એ છે કે આપણે ત્યાં ઈટાલિયન પિઝાની સાથે જૈન પિઝા અને ફરાળી પિઝા મળે છે! અને તમને કહી દઉં બોસ, હવે મેક્સિકન અને થાઈ ફૂડનો વારો છે! થોડા જ વખતમાં આપણે ત્યાં મેક્સિકન મેંદુવડા અને થાઈ ઠંડાઈ મળતી થઈ જશે. (ટૂંકમાં આપણે વિશ્વની કોઈ પણ વાનગીનું ગુજરાતીકરણ કરવા માટે સક્ષમ છીએ, હોં ભઈ !)
સૌથી વધારે તેલથી લથબથ વાનગીઓ આરોગવાન?? શોખીન ગુજરાતીઓ ખાવાની સાથે પીવાના પણ શોખીન છે. આ પીવાનું એટલે શું તે કોઈને સમજાવવાની જરૂર નથી. દારૂબંધી હોવા છતાં પણ અહીંયા ખૂબ પીવાય છે. દૂધવાળા અને શાકવાળાની જેમ દરેક પીનારાનો પોતાનો અંગત સપ્લાયર હોય છે; જે હોમડિલિવરી કરી જાય છે… પીવું એ ગુજરાતીઓ માટે મોટું થ્રીલ છે, જેની સાથે આપણે વીરતાનો ભાવ જોડી દીધો છે. ધોનીને આઠ લિટર દૂધ પીધા પછી જેટલો ગર્વ ન થાય તેટલો આપણને બે પેગ પીધા પછી થતો હોય છે. ગુજરાતીઓ અને તેમના પીવાના શોખ પર લખવા બેસીએ તો એક અલગ લેખ લખવો પડે એટલે આ મુદ્દાને અહીંયા જ બોટમ્સ અપ કરી દઈએ.
ગુજરાતીઓનો જીવનમંત્ર છે ખઈ-પીને સૂઈ જવું. ઘણા તો બપોરે ખાધા પછી ચાર કલાક માટે કામ-ધંધા બંધ કરીને આડા પડખે થઈ જતા હોય છે. ગુજરાતીઓની રાતની સૂવાની એક ખાસિયત તો અદ્દભુત છે. આપણે ધાબે-અગાશીમાં સૂવાના શોખીન છીએ.
ઉનાળો શરૂ થતાં વેંત રાત્રે સાડા આઠ-નવ વાગ્યે ગાદલાંના પિલ્લાઓ લઈ ધાબે ધસી જતા ગુજરાતીઓને નિહાળવા એક લહાવો છે. એવું ના માનશો કે આપણે ઉનાળામાં નવ વાગ્યામાં સૂઈ જઈએ છીએ, આ તો આપણે બે કલાક માટે પથારી ઠંડી કરવા મૂકીએ છીએ. ધાબે ઠંડી પથારીઓમાં સૂવાનું કલ્ચર માત્ર આપણા ગુજરાતમાં જ છે એવું અમારું દઢ પણે માનવું છે. (મકાનમાં ઘરફોડ ચોરી થઈ જાય એનો વાંધો નહીં,પણ લાખ રૂપિયાની ઊંઘ ના બગડવી જોઈએ, હોં ભઈ!) આટલું ખઈ-પીને સૂઈ જઈએ એટલે શરીર વધી જ જાય ને! ફાંદાળા પુરુષો અને બરણી આકારની બહેનો ગુજરાતની ધરતીને ધમરોળતી જોવા મળે છે તેનું કારણ આપણા આ શોખ જ છે. એટલે જ આપણે લેંઘા-ઝભ્ભા અને સાડીઓ જેવા ‘ફ્લેક્સિબલ’ ડ્રેસ અપનાવ્યા છે જેથી શરીર વધે તો પણ કપડાં ટાઈટ પડવાની ચિંતા નહીં.
વધેલા શરીરે ટીવી સામે બેસી રમતગમત જોવાનો પણ આપણે ખૂબ શોખ છે. (આ વાક્યમાં રમતગમત એટલે ક્રિકેટ…ક્રિકેટ…અને માત્ર ક્રિકેટ…) 18 વર્ષની ઉંમર પછી ગુજરાતીઓ શારીરિક શ્રમ પડે તેવી કોઈ રમતો રમતા જ નથી. તેમ છતાંય દરેક બાપ એના દીકરાને અચૂક કહેતો જોવા મળે કે’અમે, અમારા જમાનામાં બહુ રમતા’તા હોં ભઈ!’

વધેલા શરીરવાળા ગુજરાતીઓ માટે કસરત એટલે જમ્યા પછી પાનના ગલ્લા સુધી ચાલતાં જવું તે. મોઢામાં પાન કે મસાલો દબાવી કલાકો સુધી વિષયવિહીન ચર્ચાઓ કરવામાં ગુજરાતીઓની માસ્ટરી છે. પાનના ગલ્લા અને ચાની કીટલીઓ એ ગુજરાતીઓ માટે વૈચારિક આદાન-પ્રદાન માટેના આદર્શ સ્થાનકો છે. સાચો સમાજવાદ આ બે જગ્યાઓએ જ જોવા મળે છે. અહીંયા ગાડી, સ્કૂટરવાળા સાથે જ મજૂર પણ ઊભો રહી ચા પીતો હોય છે. (આ વાત પર બે કટિંગ ચા થઈ જાય, હોં ભઈ!)
દરેક ગુજરાતી મા-બાપને તેમના સંતાનોને ડોક્ટર, એન્જિનિયર કે સી.એ. બનાવવામાં જ રસ હોય છે. સંતાનોની કરિયર મા-બાપ જ નક્કી કરે છે. કોઈ ગુજરાતી મા-બાપને એવું કહેતા સાંભળ્યા નથી કે ‘મારે મારા દીકરાને કલાકાર બનાવવો છે, મારે મારી દીકરીને ચિત્રકાર બનાવવી છે, મારો દીકરો ફોજમાં જશે, મારી દીકરીને એથ્લિટ બનાવવી છે, મારા દીકરાને ફેલ્પ્સ જેવો તરવૈયો બનાવવો છે.’ (નાટક-ચેટક, કવિતા, સાહિત્ય-લેખનના રવાડે ચઢેલા છોકરાંવને તો આઉટલાઈનના કહેવાય છે, હોં ભઈ !)
રૂપિયા કમાવા સિવાય બીજો કોઈ પણ શોખ ન ધરાવતા ગુજરાતીઓનો એક શોખ ખૂબ જાણીતો છે રજાઓમાં ફરવા જવાનો અને તે પણ સાથે ખૂબ બધા નાસ્તા લઈને. જ્યારે અને જ્યાં પણ ફરવા જઈએ ત્યારે ડબ્બાઓના ડબ્બા ભરીને સેવમમરા, ઢેબરાં,ગાંઠિયાં, પૂરીઓ, અથાણાં સાથે લઈને નીકળીએ છીએ. ઘર બદલ્યું હોય એટલો બધો સામાન લઈ ટ્રેનમાં ખડકાઈએ છીએ અને ટ્રેન ઉપડે કે પંદર જ મિનિટમાં રાડારાડી કરતાં નાસ્તાઓ ઝાપટવા મંડીએ છીએ અને ઢોળવા મંડીએ છીએ. ગુજરાતીઓના ફરવાના શોખના કારણે પરદેશની ટૂરમાં ગુજરાતી થાળી મળતી થઈ ગઈ છે. જો ગુજરાતીઓ ફરવાનું બંધ કરી દે તો બધી જ ટ્રાવેલ્સ એજન્સીઓ અને પેકેજ ટૂર, કપલ ટૂરવાળાઓનું ઉઠમણું થઈ જાય. (આપણે ફરવાની સાથે ફરવાની સલાહ આપવાના પણ શોખીન છીએ. નવસારી સુધી પણ નહીં ગયેલો માણસ નૈનિતાલ કેવી રીતે જવું તેની સલાહ આપી શકે, હોં ભઈ!)

ગુજરાતીઓના લેટેસ્ટ બે શોખ. એક – ટુ વ્હીલર અને બીજો – મોબાઈલ. જગતમાં સૌથી વધારે ટુ વ્હીલર ગુજરાતમાં ફરે છે. આપણું ચાલે એક રૂમમાંથી બીજા રૂમમાં જવા માટે પણ ટુ-વ્હીલર વાપરીએ. પહેલાના જમાનામાં એવું કહેવાતું તું કે દેવું કરીને પણ ઘી પીવું. હવે એવું કહેવાય છે કે દેવું કરીને પણ બાઈક લેવું. ગુજરાતીઓના ‘દિલની સૌથી નજીક’ જો કોઈ હોય તો તે છે મોબાઈલ (કેમકે આપણે મોબાઈલને હંમેશાં શર્ટના ઉપલાં ખિસ્સામાં જ રાખીએ છીએ.) જાત-જાતના મોબાઈલ, ભાતભાતની રિંગટોનનો આપણને જબરજસ્ત ક્રેઝ છે. મોબાઈલની સૌથી વધુ સ્કિમ આપણા ગુજરાતમાં જ છે અને તેનો સૌથી વધુ લાભ પણ ગુજરાતીઓ ઉઠાવે છે. જો સ્કિમમાંફ્રીલખ્યું તો તોલ્લા‘. રાત્રે દસથી સવારે છ, ‘મોબાઈલથી મોબાઈલ ફ્રી’ એવી સ્કિમ જાહેર થાય એટલે ગુજરાતીઓ મચી જ પડે.. બાજુ-બાજુમાં બેઠા હોય તો પણ મોબાઈલથી મોબાઈલ વાતો કરે ! (હે…લો…, અને જ્યારે બિલ આવે ત્યારે કંપનીવાળા જોડે સૌથી વધુ બબાલ પણ આપણે જ કરીએ છીએ, હોં ભઈ !)

ગુજરાતીઓની સ્વભાવગત ખાસિયત પણ અનોખી છે. આપણે એવર ઓપ્ટિમિસ્ટ એટલે કે સદાય આશાવાદી માણસો છીએ. શેરબજાર ક…ડ…ડ…ડ…ભૂ…સ…કરતું તૂટે તો પણ આપણે આશા રાખીએ છીએ કે ‘કશો વાંધો નહીં, કાલે બજાર ઉપર આવી જ જશે.’ આ સાથે આપણે ગુજરાતીઓ એટલા જ ખમીરવંતા પણ છીએ. ભૂકંપ આવે, પૂર આવે કે બોમ્બ બ્લાસ્ટ થાય, આપણે ત્યાં બીજા દિવસથી તો બધું રાબેતા મુજબ….

ગુજરાતીઓની એક સૌથી મોટી ખાસિયત, ખૂબી, વિશેષતા, વિલક્ષણતા એ છે કે આપણે ગુજરાત?ઓ ક્યારેય પણ કોઈનાથી ઈમ્પ્રેસ થતા નથી. સાદા શબ્દોમાં કહીએ તો આપણે ક્યારેય કોઈથી ઘીસ ખાતા નથી. ગમે તેવો મોટો ચમરબંધી હોય પણ આપણે તેનાથી અંજાઈ જતા થી. ‘એ લાટસા’બ હોય તો એના ઘેર, મારે શું ?’ આવી તાસીર જ આપણને ‘જીદ કરી દુનિયા બદલવાની’ શક્તિ આપે છે અને તેના લીધે જ ગુજરાતની ધરતી પર ગાંધીજી, સરદાર અને ધીરુભાઈ જેવી હસ્તીઓ પાકી છે. (શું કહો છો, બરાબરને ભઈ?)
હાચુ કઉં તો મને તો ઍક ગુજરાતી હોવાનો બહું ગર્વ છે, તમને છે?
જો હા તો, ઍક સાચા ગુજરાતી તરીકે તમે પણ આપણી આ ગુજરાતી ગૌરવ ગાથાને આગળ ધપાવો

(ગુજરાતી ભાગ-સૌજન્ય- વિનય દવે ..ગુજરાતી રીડ..૨૦૦૮..માહિતી આપવા માટે વિનય ખત્રીનો આભાર…)

love…

Raj

2 thoughts on “The “Dayaro”..ડાયરો….

    • આભાર, વિનયભાઈ…મેં મારી આ પોસ્ટ અપડેટ કરી છે અને ગુજરાતી માહિતી નો શ્રેય તેના કર્તા ને આપ્યો છે…..ફરી થી આભાર…

Leave a reply to વિનય ખત્રી Cancel reply