Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

આજકાલ -૩૦/૦૮/૨૦૧૮

મારી છેલ્લી પોસ્ટ ૧૯ ઓગસ્ટ ના રોજ હતી અને આજે ૩૦ ઓગસ્ટ છે……..અર્થાત ૧૧ દિવસ ના લાંબા અંતરાલ બાદ નવી પોસ્ટ આવી છે…..કારણ?? કાઈ નહિ…..બસ આળસ……!!! સાચી વાત છે….આજકાલ વાતાવરણ જ કૈક એવું છે કે- વરસાદ રોજ અંધારે છે અને પડતો નથી……એની આવી આળસ ને સાથ આપવા હું પણ આળસુ થઇ ગયો છું……થોડીક અવળવાણી……

“….અબ કરે સો આજ કરે……આજ કરે સો કલ……..;

ઇતની જલ્દી અભી  ક્યા હૈ પ્યારે…જબ જીના હૈ બરસો……”

હાહાહા………!! જે હોય તે પણ બીલ ગેટ્સ ના નામે ફરતો એક મેસેજ એવું કહે છે કે- બીલ ગેટ્સ ને આળસુ માણસો વધુ પસંદ છે કારણ કે- એ કોઈ પણ કામ ..અલગ રીતે…ઓછી મહેનતે…ઓછા સમય માં કઈ રીતે થઇ શકે ??..એની નવી રીતો શોધી કાઢે છે….!! 🙂 ….જે હોય તે…પણ આળસ સારી નથી જ એ બધાનો અનુભવ છે……હું હવે ધ્યાન માં રાખીશ કે- આળસ નામના શત્રુ ના જાસા માં આવ્યા વગર – કૈંક નવું….મનગમતું -અહી બ્લોગ  પર ટીંગાડતો રહીશ…..! તો શું ચાલે છે  આજકાલ..??

  • ૨૦ મી તારીખે- આ દેહ નો જન્મદિન ગયો……હજુ કેટલા બાકી?? ખબર હોત તો અહી થોડા બેઠા હોત?? જે હોય તે- પણ એવું જીવવું કે- આપણે સ્થૂળ દેહે ન હોઈએ ત્યારે આજુબાજુ વાળા ને આપણી ખોટ સાલવી જોઈએ……( સારી રીતે કે નરસી રીતે….એ પ્રશ્ન પણ થવો જોઈએ…) ….આજ તારીખે- તેજાબી લેખક ચંદ્રકાંત બક્ષી અને આપણું નાક કપાવે એવા પપ્પુ ગાંધી ના પિતાશ્રી રાજીવરત્ન ગાંધી નો પણ જન્મ દિવસ હતો…..પણ- કોઈ એ મારી સરખામણી- આમની સાથે કરવી નહિ…કેમ?? એ પણ ન પૂછવું…!
  • તો- જન્મદિવસે શું કર્યું?? સોમવારે જન્મ દિવસ હતો..આથી ઉજવણી રવિવારે જ – કરવામાં આવી……અર્ધાંગીની ને સમય મળે- એમ જ ઉજવણી થાય ને…!! હરિ તો આખા ગામ માં – સામે થી કહી આવ્યો કે- મારા પપ્પા નો જન્મ દિવસ છે…અને ચોકલેટ વિતરણ નો વ્યાપ વધારી દીધો…! હાહાહા…..
  • સ્વીમીંગ- છેવટે ૨૫૦ મીટર તરવા ની આકરી પરીક્ષા મેં પાસ કરી દીધી…આથી કહી શકાય કે- હું તરી શકું છું..પણ ક્યાં?? એ પ્રશ્ન છે…….કોચ દ્વારા સલાહ આપવામાં આવી છે કે- ભલે પરીક્ષા પાસ કરી- પણ પાણી જોઈ કુદી ન પડવું…..!! કેમ…? તમને લાગે છે કે તમને તરતા આવડે છે…પણ પાણી ને થોડી ખબર છે કે- તમને તરતા આવડે છે??? હાહાહા……જે હોય તે- પરીક્ષા પાસ કરી -પણ અમદાવાદ મહાનગર પાલિકા ના અણઘડ નિયમ તો જુઓ……શીખાઉ માટે- આખા વર્ષ નો ( માર્ચ થી એપ્રિલ જ ગણાય…) ચાર્જ-૧૮૦૦ રૂપિયા…અને ૬ માસ માટે ( માર્ચ થી સપ્ટે.-) ૧૧૦૦ રૂપિયા……અને ઓકટોબર થી માર્ચ ના – ૭૦૦ રૂપિયા…….! મેં અધ-ઓગસ્ટ માં પરીક્ષા પાસ કરી આથી…..જો મારે પૈસા ભરવા હોય તો- એક જ વિકલ્પ બચે- ઓક્ટોબર થી માર્ચ વાળો……અને એ માટે મારે એક મહિનો- તરવા નો લાભ લીધા વગર બેસી રહેવું પડે……અને ઓક્ટોબર માં ફરીથી પરીક્ષા આપી- પૈસા ભરવા ના….!!! પરીક્ષા ફરીથી આપવા ની…..એ પણ કોઈ પણ જાત ની પ્રેક્ટીસ વગર…….હવે વિચારો- કેવું અઘરું છે…….! આના કરતા- મહિના ના ફીક્ષ ચાર્જ માં તરવા ના દે??? અમદાવાદ ના વહીવટ કારો માં ક્યારે બુદ્ધિ આવશે???
  • રક્ષાબંધન- સમય અત્યારે એવો ચાલે છે કે- કોઈ ની પાસે -પોતાના પરિવાર-રીત રીવાજો માટે જાણે કે સમય જ નથી……ઘરમાં હું સૌથી નાનો……મોટી બે બહેનો-પછી મારો મોટો ભાઈ..અને હું છેલ્લો….! સમય અને સંજોગો ને લીધે -ભાઈ અને બહેન ન આવી શક્ય….માત્ર સૌથી મોટી બહેન આવી- એ પણ ખુબ મોડી……પણ એનો લાભ- આશીર્વાદ મળ્યા- એ જ મોટી વાત…..! લાગે છે- કે- રક્ષા બંધન – હવે પહેલા જેવી નહિ રહે……ઓનલાઈન રાખડી ઓ મળી જશે…..અને ઓનલાઈન સબંધો ચમકી ઉઠશે…….! જેવી હરી ઈચ્છા……..! સમય સાથે ચાલુ- એ જ સમય ની માંગ છે………..
  • શ્રાવણ માસ- દર વર્ષ ની જેમ એકટાણા – નિર્વિઘ્ન ચાલે છે…..શરૂઆત માં નક્કી કર્યું હતું કે- એકટાણું કરવું……અને બીજા સમય માં – માત્ર ફળ પર જ રહેવું……શરૂઆત તો સારી રહી પણ પછી- દેહ ભાવ વધ્યો……અને મનેકમને – વેફર્સ કે ચેવડો લેવો પડ્યો……..! જે હોય તે- પણ આજ્ઞા મુજબ થોડું ઘણું યે વર્તાય છે તેનો આનંદ છે…બાકી આ દેહ ..આ મન તો વાંદરા ને પણ શરમાવે તેવું છે…….! જે પણ કૈક ઇન્દ્રિયો પર નિયંત્રણ થાય છે તે કેવળ અને કેવળ- શ્રીજી અને સત્પુરુષ ની જ દયા છે…- હજુ શ્રાવણ ને પૂરો થવામાં ૧૦ દિવસ બાકી છે………અને હિમત ભરપુર છે……
  • સત્પુરુષ- શાસ્ત્રો જેને અક્ષરબ્રહ્મ……બ્રહ્મ…..અક્ષર…..ભગવાન ને રહેવાનું ધામ કહે છે…તે સ્વયમ મનુષ્ય દેહે- મહંત સ્વામી મહારાજ રૂપે – અમદાવાદ ને આંગણે- ૨ જી સપ્ટેમ્બર ના રોજ પધારી રહ્યું છે……અમારી સેવા છે……અને સમગ્ર અમદાવાદ ને સમીપ દર્શન નો લાભ મળવા નો છે…….પછી સુખ માં બાકી શું રહે?? આ વખતે સતત ૨૦ દિવસ સુધી – ધાર્યા કરતા વધુ સુખ મળવા નું છે………જોઈએ- હરિ ઈચ્છા શું છે??

તો- બસ….બીજું શું?? સમય ની સાથે ડગ ભરતા રહો……..થાક લાગે તો થોડોક પોરો ખાઈ લો..પણ પાછા વળવા ની વાત ન કરો……..સતત આગળ વધવું- એ જ જીવન…!

જય સ્વામિનારાયણ…………

રાજ


Leave a comment

રક્ષાબંધન…….

            “હરિ બિન કૌન હરે મેરી પીડ….રક્ષા કરો ઘનશ્યામ”

સંપ્રદાય નું એક પ્રસિદ્ધ ભજન/પ્રાર્થના છે…કે જેમાં ભગવાન આગળ પોતાનું હૈયું જાણે કે ઠાલવી દેવામાં આવ્યું છે……અને ભક્ત ની સુખાકારી અને રક્ષા માટે શ્રીહરિ ને પ્રાર્થના કરવામાં આવી છે……આપણી રક્ષા માટે ભગવાને કેટ-કેટલી દયા કરી છે……..મા-બાપ, ભાઈ-બહેન, પતિ-પત્ની કે સંતાનો……સંબંધો ના નામ અલગ અલગ છે પણ હેતુ એક જ છે…….અન્ય નું સુખ….અન્ય નું હિત…! અને આપણી સંસ્કૃતિ મા આ સંબંધો ના મહિમા ગાન માટે વિવિધ ઉત્સવ પણ છે. ૨-જી ઓગસ્ટે , ભાઈબહેન ના અણી શુધ્ધ , સર્વોચ્ચ પ્રેમ ના પ્રતિક સામાન ઉત્સવ હતો……રક્ષાબંધન….કે જેમાં બહેન – પોતાના હૃદય ના ટુકડા જેવા ભાઈ ની રક્ષા માટે – એના હાથે “રક્ષા” બાંધે છે…..સુતર ના બે તાંતણા મા બહેન નો પ્રેમ જાણે કે વિધાતા ના લેખ સામે લડવા ની શક્તિ પ્રદાન કરે છે….એના થી વિશેષ શું હોય?????  એના આગળ તો મારો હરિ પણ જાણે કે ખડે પગે ઉભો રહે છે……સુભદ્રા-કૃષ્ણ નો પ્રેમ આજે ભાગવત મા પણ અનેરું સ્થાન ધરાવે છે…….

રક્ષાબંધન……

સૌજન્ય- ગુગલ ઈમેજ

ખેર….! મારી પોતાની વાત કરું તો- મારી – બે મોટી બહેનો…..આથી ઘરમાં સૌથી નાનો હોવા ને લીધે- મને સૌથી વધારે લાડ-પ્યાર મળ્યા છે…..અને જાણે કે ત્રણ ત્રણ ” મા” નો પ્રેમ મળ્યો છે……! નાના  હતા ત્યારે બહુ ઝગડતા……લડતા ( જો કે આજે પણ લડીએ છીએ……પણ ઉંમર નો તકાજો ..સહેજ નડે છે…)….પણ છેવટે – પપ્પા-મમ્મી દ્વારા બંને બહેનો ને જ – પક્ષ મળતો અને મને-મારા ભાઈ ને -ઠપકો….! એ સમયે રક્ષાબંધન હોય એટલે- બહેનો ને શું આપવાનું??? પપ્પા આપે એ  જ એમને મળે- પણ અમને તો નવી નવી રાખડી ઓ અને મીઠાઈ- ચોકલેટ્સ મા જ રસ….! બસ આમ જ ચક્ર ચાલતું રહે…..અને તમે નહી માનો- બહેનો એ બાંધેલી રાખડી ઓ – છેક દિવાળી સુધી રહેતી……! કારણ- એવું મનાતું કે જો દશેરા સુધી રાખડી રાખો તો સોના ની રાખડી પહેરવા મળે…..! અમે દિવાળી સુધી એને ટકાવી રાખી ને – ચાંદી ની રાખડી સુધી પહોંચેલા………..અને સોના ની……..દિલ્હી હજુ દુર છે…..! અને હવે રાખડી- અર્થાત રક્ષા નો મહિમા સમજાયો છે એટલે- રાખડી કયા સ્વરૂપ મા છે? એ મહત્વ નું નથી , પણ એમા બહેન નો પ્રેમ સમાયેલો છે- એ અગત્ય નું છે………!

આ વખતે – અમે બંને ભાઈ ઓ અમદાવાદ મા અને પોત-પોતાના સંસાર મા વ્યસ્ત આથી બહેનો એ રક્ષાબંધન ઉજવવા માટે -મોટાભાઈ નું ઘર પસંદ કર્યું……પોત-પોતાના ઘરે જનોઈ( યજ્ઞોપવિત- એ પણ એક રક્ષા સુત્ર છે) બદલી અને અમે ચારેય ભાઈ બહેન- બધાના સંતાનો….પત્નીઓ…..અને પપ્પા-મમ્મી – બધા ભેગા થયા અને – જુના સુવર્ણ દિવસો યાદ આવી ગયા…..! દિવસ જાણે કે માત્ર બે કલાક નો જ લાગ્યો….અને ક્યાં વીતી ગયો- એ ખબર જ ન પડી….! ઢગલાબંધ વાતો- ઝઘડમ-ઝઘડી – મીઠાઈઓ…..બસ આમ જ સમગ્ર દિવસ ગયો……! હા સાથે સાથે અફોસોસ એ વાત નો પણ થયો કે મારી અર્ધાંગિની- રીના- એના ભાઈ ને રાખડી બાંધવા – પિયર ન ગઈ…..જો કે કારણ પણ વ્યાજબી હતું અને સંજોગ પણ એવા હતા…..પણ હૃદય મા ડંખ રહ્યો જ…! સાંજે- ઘરે પરત ફરતી વખતે – મંદિરે જવાનો મોકો મળ્યો અને – મારા ઠાકોરજી આગળ – મારી બહેનો ની સુખી જિંદગી માટે હૃદય પૂર્વક ની પ્રાર્થના કરી……..

રક્ષાબંધન ના દિવસે- દરેક બહેન નો હક છે કે- એ એના ભાઈ ને રૂબરૂ મળી શકે…………પોતાના હાથે જ એને રાખડી બાંધી શકે………..!     ઘણીવાર થાય છે કે- કારકિર્દી ની આગ આપણા હૃદય ને કોઈક ખૂણા મા થી બાળી રહી છે…..અને આપણે કશું જ નથી કરી શકતા…….આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ???? ખબર નથી…….સંબંધો- નામ માત્ર ના થવા લાગ્યા છે……અને એ આપણા માટે – દુખદ વાત છે…..જીવન ના અંત સમયે જયારે સરવાળો માંડશું ત્યારે- ચોક્કસ ખોટ જ જવાની……

જે હોય તે……..પણ રક્ષાબંધન – એક અદભૂત ઉત્સવ છે….એનો મહિમા કયારેય ઓછો ન થવો જોઈએ……મારો વ્હાલો પણ એમાં જ રાજી છે……! બહેન મોટી હોય કે નાની- પણ એ હમેંશા આપણા હૃદય ની નજીક જ રહેવાની……એના હિત માટે- એની રક્ષા માટે- આપણી જિંદગી ની અમુક પળો ખર્ચાય – તો એ પણ એ ઓછી નથી જ….! સ્વામિનારાયણ સંપ્રદાય મા – દાદા ખાચર જેવા પરમ ભક્ત નો એમની બહેનો પર નું જે  હેત હતું…..એના ઉદાહરણ આજે પણ સંપ્રદાય મા ગવાય છે…..! આ રક્ષાબંધને- પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદ મા હતા અને – હરિભક્તો ને “રક્ષા” સુત્ર નો લાભ આપ્યો…..

બસ- યાદ રાખો- જીવન ની આ ધમાચકડી મા – સંબંધો અને સ્નેહીઓ ક્યાંક ભૂલાઈ ન જાય……..કારણ કે – એ બધા શ્રીજી ની મરજી થી જ આપણ ને મળ્યા છે…….અને અમુલ્ય છે…….

સાથે રહેજો……

રાજ


Leave a comment

રક્ષાબંધન…

તો આજે રક્ષાબંધન હતી, અને મારી બંને બહેનો, રવિવારે જ મને રાખડી બાંધી ને ગઈ….આથી આજે માત્ર જનોઈ બદલવા ની વિધિ જ મેં કરી….મહાપુજા ના પુસ્તકમાં થી વાંચતો ગયો, અને નવી યજ્ઞોપવિત ધારણ કરી. આજકાલ નવી પેઢી ને , આ “સુત્ર” ના મહત્વ ની જાણકારી નથી, અને આથી જ એમને , યજ્ઞોપવિત કે જનોઈ ધારણ કરવામાં શરમ અનુભવાય છે…..ચાલ્યા કરે…..પરિવર્તન નો યુગ છે….તો આજે શું કર્યું?

  • સવારે આરામ થી ઉઠ્યા…આમે ય ૯.૩૦ વાગ્યા પછી નું જ મુહુર્ત હતું…રાખડી અને જનોઈ માટે નું…
  • જનોઈ બદલ્યા પછી, બંને મામા ને ઘરે , રાખડીઓ આપી આવ્યો…
  • બપોરે જમ્યા બાદ , આરામ….ભરપુર આરામ….!!
  • સાંજે, શાહીબાગ મંદિરે દર્શન કરવા ગયા…મન-હૃદય ખુશ થઇ ગયું…નીચેના ફોટા જુઓ…..

ઠાકોરજી ને રાખડીના વાઘા...

રાખડીના હિંડોળા

  • સાંજે મારી પિતરાઈ બહેન ને આવ્યા અને રાખડી બાંધી…તો ટૂંકમાં મહારાજની દયા થી રક્ષાબંધન ને દિવસે જ રાખડી બંધાઈ ખરી….!!!

આવતી કાલ થી રૂટીન કામકાજ ચાલુ….!!

બરોબરને….!

રાજ