Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS રવિસભા-31/03/24

सत्यस्य स्वात्मनः सङ्गः सत्यस्य परमात्मनः।

सत्यस्य च गुरोः सङ्गः सच्छास्त्राणां तथैव च॥८॥

विज्ञातव्यमिदं सत्यं सत्सङ्गस्य हि लक्षणम्।

कुर्वन्नेवंविधं दिव्यं सत्सङ्गं स्यात् सुखी जनः॥९॥

સત્સંગ દીક્ષા

અર્થાત- સત્ય એવા આત્માનો સંગ કરવો, સત્ય એવા પરમાત્માનો સંગ કરવો, સત્ય એવા ગુરુનો સંગ કરવો અને સચ્છાસ્ત્રનો સંગ કરવો એ સત્સંગનું સાચું લક્ષણ જાણવું. ……આવો દિવ્ય સત્સંગ કરનાર મનુષ્ય સુખી થાય છે…….

ઉનાળો હવે અમદાવાદ ને ઘેરી રહ્યો છે……પણ સત્સંગ માં તો શિર સાટે ય જવું એવો મોટા પુરુષો નો મત છે…..આખરે અહીં તો ક્ષણભંગુર દેહ ના કલ્યાણ કરતા અક્ષર એવા જીવ ના કલ્યાણ ની વાત છે…..પછી એક અમદાવાદી તરીકે જ્યાં ફાયદો મોટો હોય ત્યાં જ જાવું અને પરિણામે આજની સભામાં સમય પહેલા પહોંચી ગયા…..સૌપ્રથમ મારા વ્હાલા ના અદભુત …શાંત…શીતળ દર્શન……ચાલો તૃપ્ત થઈએ….

સભાની શરૂઆત મન ને સ્થિર કરનારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થી થઈ……..એ સ્થિર થયું એટલે જીવ મૂર્તિ માં ચોંટ્યો….. એક યુવકે ” ધર્મપતિ હરિકૃષ્ણ જી ..તમે ભક્તપતિ ભગવાન…..એ વર માંગુ છું…” પ્રેમાનંદ સ્વામી રચિત પ્રાર્થના પદ રજૂ કર્યું…….અને હૃદય એ પ્રાર્થના માં લીન થઈ ગયું…..નિર્વિકલ્પ…એકાંતિક…નિર્દોષ બુદ્ધિ યુક્ત…દાસનુદાસ ભાવે અખંડ ભક્તિ એ જ સદાય ની પ્રાર્થના છે. જો એ મળે તો બ્રહ્મરૂપ ચપટી માં થવાય…..!! ત્યારબાદ યુવક મિત્ર ધવલ દ્વારા “સદગુરુ એ સાન માં સમજાવીયું રે લોલ…..સત્સંગ વિના સુખ ક્યાંય નથી રે લોલ….” ભક્ત કવિ વલ્લભ દાસ રચિત પદ રજૂ થયું……બ્રહ્મસત્ય….! સત્સંગ વિના જીવ ને સુખ ક્યાંથી મળે??? જીવ નું પોષણ જ એ કરે છે….ત્યારબાદ મિત્ર નીરવ ના સ્વરે ” સ્વામી શ્રીજી નું આ જ્ઞાન …સિંહ ગર્જના સમાન….” પદ રજૂ થયું……ખરેખર સાચી વાત….!! વેદોક્ત સિદ્ધાંત કે જેને સ્વયં શ્રીજીમહારાજ દ્વારા સાર રૂપે આપણ ને મળ્યો છતાં તે એક ખુણિયું જ્ઞાન તરીકે અમુક વર્ષો દબાયેલું…છાનું રહ્યું…..કારણ?? આ સિદ્ધાંત સિંહ ગર્જના સમાન હતો….કાચા પોચા માણસો નું આ કામ નહોતું….લોકલાજે….સમાજ ની …જુના શાસ્ત્રો ની તંતી ના બીકે કોઈ એને જાહેર માં પ્રગટ ન કરી શક્યા….પણ ગુણાતીત પરંપરા એ પોતાના શિર સાટે આ જ્ઞાન ને છડેચોક પ્રસરાવ્યું…… અને આજે એનું પરિણામ સમગ્ર જગત માં  અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત રૂપે બ્રહ્માંડ માં ગુંજે છે……!!!!

એ પછી ગયા રવિવારે બાપા શાહીબાગ મંદિરે રવિસભામાં પધાર્યા હતા તેની સ્મૃતિ દર્શન એક વિડીયો ના માધ્યમ થી થયા……

અદભુત દર્શન…..

ત્યારબાદ, આપણા ગુણાતીત ગુરુઓ ની રુચિ મુજબ સારંગપુર માં ચાલતા યુવા તાલીમ કેન્દ્ર (YTK) વિશે વિશેષ પરિચય એક વીડિયો ના માધ્યમ થી મળ્યો…..બાપા કહે છેકે જેં ૬૦ વર્ષ માં પ્રાપ્ત ન થાય તેવા ગુણ અહી માત્ર છ માસ માં યુવકો ને મળે છે…..!!! શક્ય હોય તો આ યુવક તાલીમ કેન્દ્ર નો લાભ અવશ્ય લેવો….. જ…!!! છેલ્લા ૧૬ વર્ષ માં બે હજાર થી વધુ યુવકો અહી તાલીમ લઈ ને તૈયાર થયા છે …..બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે શરૂ કરેલી અને આજે મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રેરિત.. પોષિત…આ કેન્દ્ર ના આજે ડંકા વાગે છે.

આજે સભામાં મહામહોપાધ્યાય મહા આચાર્ય શ્રી પૂ. ભદ્રેશ સ્વામી હાજર હતા અને સત્સંગ વિશે વિશેષ પ્રવચન નો લાભ એમની જ્ઞાન સભર વાણી થી મળ્યો…..જોઈએ સારાંશ….

  • આપણે અતિ ભાગ્યશાળી છીએ કે સર્વોપરી ભગવાન….એમને ધારણ કરનાર પ્રગટ સત્પુરુષ….સર્વોપરી સિદ્ધાંત…સર્વોપરી સત્સંગ સાક્ષાત મળ્યા છે…..
  • સત્સંગ દીક્ષા ગ્રંથ માં મહંત સ્વામી એ સત્સંગ શબ્દ ની વ્યાખ્યા કરી છે….સત્સંગ એટલે…સત્ય એવો આત્મા…સત્ય એવા ભગવાન…સત્ય એવા ગુરુ…સત્ય એવા શાસ્ત્રો…મળ્યા એ જ સત્સંગ….
  • જેવો સંગ એવો રંગ….આપણે જે પણ આજે છીએ એ સંગ ને લીધે જ છીએ….વચનામૃત માં અનેક વચનામૃત માં સંગ શુદ્ધિ ની વાત કરી છે…..
  • પ્રથમ …આત્મા નો સંગ એટલે કે આત્મ વિચાર કરવો..અંતરદ્રષ્ટિ કરવી…સત્ય એટલે પોતાના આત્મા નો સંગ સદાય કરવો….આપણે દેહ નથી પણ આત્મા છીએ…એ વિચાર કરવો.
  • બીજો- સત્ય એવા ભગવાન નો સંગ…વિચાર…સમાગમ કરવો. નિત્ય પૂજા દર્શન…કથાવાર્તા…કીર્તન…..નવધા ભક્તિ…. થી ભગવાન નો સંગ સદાય કરવો…..આ સહજ થાવું જોઈએ…પરાણે નહીં. ભગવાન ના મહિમા નો નિરંતર વિચાર કરતા રહેવું. એ જ સર્વ કર્તાહર્તા છે….એ જે કરશે એ સારું જ કરશે એનું અખંડ ચિંતવન કરવું જેથી સ્થિતપ્રજ્ઞ થવાય….સુખદુઃખ માં સ્થિર રહેવાય…અભય થઈ જવાય….જીવન માં પરિપૂર્ણતા નો અનુભવ થાય છે… આપણે આપણા ગુરુઓ ના જીવન માં આ સ્થિતિ સ્પષ્ટ જોઈ શકીએ છીએ.
  • ત્રીજી વાત- સત્ય એવા ગુરુ નો સંગ કરવો……મહંત સ્વામી મહારાજ આપણા ગુરુ છે….ગીતામાં ભગવાને કહ્યું કે …શ્રેષ્ઠ મનુષ્ય નું અનુસરણ કરવું….ગુરુ નો સંગ એટલે એમની સ્મૃતિ કરવી. એમણે કરેલા ઉત્સવો..સમૈયાઓ….ની સ્મૃતિ કરવી જેથી એમની સ્મૃતિ સદાય રહે…ત્રણ લાભ થાય…1. બ્રહ્મરૂપ થવાય…2. ભગવાન ના યથાર્થ સ્વરૂપ મહિમા ની ઓળખાણ થાય…3. ભગવાન ના પ્રગટ પણા નો અનુભવ થાય છે…ગુરુ ના મહિમા..કાર્ય…આશીર્વચન.. આજ્ઞા….નો વિચાર સદાય કરવો. એમની સ્મૃતિ સદાય કરવી. જેવી ભગતજી મહારાજ ને પોતાના ગુરુ ગુણાતીતાનંદ સ્વામી વિશે નિષ્ઠા ભક્તિ હતી તેવી ભક્તિ આપણે આપણા ગુરુ ની કરવી….એમના પ્રસંગો ની સ્મૃતિ કરીએ તો ય આપણી મૂંઝવણ ટળી જાય….
  • ચોથું…..સત્ય એટલે સત્ય શાસ્ત્રો નો સંગ કરવો…આપણા માટે વચનામૃત આવું શાસ્ત્ર છે…મોક્ષ શાસ્ત્ર છે. જીવન ના દરેક પ્રશ્નો નું સમાધાન..સહજ…સાવ લોક સામાન્ય ભાષા માં અહીં આ ગ્રંથ માં થી મળે છે. યોગીબાપા તો કહેતા કે જે કોઈ 108 વાર વચનામૃત વાંચે તો તેને મહારાજ ના દર્શન થાય…!! વચનામૃત ને એની લઢણ માં જ વાંચવું તો જીવ માં દ્રઢ થાય…મહારાજ સ્વામી અને ગુરુઓ ના જીવન ચરિત્ર પણ વાંચવા……જેથી આપણી સ્મૃતિ તાજી રહે..દ્રઢ રહે…..મહિમા સમજાય.
  • આ ચારેય સંગ યથાર્થ રાખીએ તો જીવ બળિયો થાય….બ્રહ્મરૂપ થાય. એમાં ય ત્રીજો સંગ…સત્પુરુષ નો સંગ અવશ્ય…મહિમા એ સહિત કરવો. ભગવાન ને આવા સત્સંગ માટે સદાય પ્રાર્થના કરવી.

અદભુત પ્રવચન….!! સહજ ભાષા માં ગહન જ્ઞાન…..!!!

એ પછી પૂ. ઇશ્વરચરણ સ્વામી એ પ્રસંગોચિત આશીર્વચન માં કહ્યું કે ( સારાંશ માત્ર) – પૂ.ભદ્રેશ સ્વામી વિદ્વતા ની દ્રષ્ટિએ આપણા સંપ્રદાય માં અજોડ છે. ગુણાતીત સ્વામીએ એમના બીજા પ્રકરણ માં સંગ ની વાત અનેક વાર કરી છે. અંતર માં સદાય ટાઢું રહે એ માટે સદાય સત્સંગ કરવો. બ્રહ્મરૂપ થઈ..આત્મા રૂપ થઈ ને ભગવાન નું ભજન સદાય  કરવું. ભગવાન ને સર્વ કર્તાહર્તા સમજવા…..સંશય ન કરવો. આપણા ગુરુઓ એ આ જ કર્યું છે. પૂ.ભદ્રેશ સ્વામી એ આપણો સિદ્ધાંત શાસ્ત્રો ને આધારે સ્પષ્ટ કર્યો છે. આગળ પણ તેમની આ સંશોધન યાત્રા પ્રગતિ કરતી રહે….

The letter નામની એક ડોક્યુમેન્ટરી પ.પૂ. મહંત સ્વામી મહારાજે ડિસેમ્બર 2020 માં , કોરોના કાળ વખતે અબુધાબી મંદિર નિર્માણ સમયે એક પત્ર લખેલો …એ પર બની છે…..જે 5 એપ્રિલ , 2024 ના રોજ યૂટ્યૂબ અને આપણી વેબસાઈટ પર રજૂ થશે. જેનું ટ્રેલર આજે રજૂ થયું.

આજની સભાનો એક જ સાર હતો……જીવનો સત્સંગ કરી લેવો……આ અતિ દુર્લભ મનુષ્ય અવતાર અને એનાથી ય દુર્લભ આવો સર્વોપરી સત્સંગ આમ ચૂટકી માં નથી મળતો…..એ તો અનંત જન્મો ના સુકૃત ભેગા થાય ત્યારે આ ભગવદ કૃપા એ જ આ યોગ મળે છે. માટે જ સત્સંગ કરી લેવો…..આ જન્મ સફળ કરી લેવો….સ્વયં શ્રીજી જ કહે છે કે સત્સંગ વિના તો અતિ વિદ્વાન હોય તે પણ અધોગતિ ને પામે છે…….!

સમજી રાખો….સત્સંગ ના મહિમા ને સમજી રાખો…જીવ માં દ્રઢ કરી લો….

જય જય સ્વામિનારાયણ…. જય જય અક્ષરપુરુષોત્તમ….

સદાય પ્રથમ શ્રીહરિ ને રે….

રાજ


Leave a comment

BAPS રવિસભા-03/03/24

શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,

“સત્સંગમાં દૃઢ પાયો કેનો થાય ને કેનો ન થાય?” પછી એનો ઉત્તર પણ પરમહંસને ન આવડ્યો, ત્યારે શ્રીજીમહારાજે કર્યો જે, “જેમ દત્તાત્રેયે પંચભૂત, ચંદ્રમા, પશુ, વેશ્યા, કુમારી, પોતાનો દેહ ઇત્યાદિક સર્વેમાંથી પણ ગુણ લીધા……

એવી રીતે….. સંતમાં જેને ગુણ ગ્રહણ કર્યાનો સ્વભાવ હોય તેનો જ સત્સંગમાં દૃઢ પાયો થાય છે, અને જેને સંતમાં ગુણ લીધાનો સ્વભાવ ન હોય તે સત્સંગમાં રહ્યો છે તો પણ એનો દૃઢ પાયો નથી.”

વચનામૃત-લોયા-5

આજે અમદાવાદ માં ગઈકાલ ના માવઠા ની અસર રૂપે વાતાવરણ ઠંડુ હતું…….જીવન માં આમ જ માવઠા અને તડકા છાયા આવ્યા કરે છે…અનિશ્ચિતતા વચ્ચે પણ જો જીવ નું કલ્યાણ નિશ્ચિત કરતું હોય તો તે છે સત્સંગ છે…..ભક્તિ:કૃષ્ણસ્ય સર્વદા….એમ જગત નો નાથ શિક્ષાપત્રી માં કહી ગયો છે…..માટે જ અહીં હરપળ ભક્તિ..જ્ઞાન..ધર્મ અને વૈરાગ્ય યુક્ત સત્સંગ છે અને જીવ નું કલ્યાણ નિશ્ચિત છે…..એ જ સત્સંગ ને વધાવવા આજે રવિસભા માં સમયસર આવી ગયા…..સૌપ્રથમ મારા વ્હાલા ના નેણભરી…હૃદય ભરી ને દર્શન…..

સભાની શરૂઆત સ્વામિનારાયણ ધૂન થી થઈ……અને સભા આ લય માં જોડાઈ પછી એક યુવક દ્વારા બ્રહ્માનંદ સ્વામી રચિત ” પ્યારી લાગે છે તારી…..” પદ રજૂ કર્યું……ભગવાન નું સર્વે દિવ્ય છે…રુચિરં છે…..પ્રેમભીનું છે……એ પછી અન્ય એક યુવક દ્વારા ” લાગી રે લગન મને સ્વામી તારા નામ ની……”…પદ રજૂ કર્યું…..જો સત્પુરુષ માં આમ જ દ્રઢ પ્રીતિ થાય તો ભગવાન ની પ્રાપ્તિ સહેજે છેટે નથી……બસ આ બ્રહ્મ સત્ય સમજી રાખવું…..! એ પછી મિત્ર જૈમીન દ્વારા ” ભગવાન સૌનું ભલું કરો….ભગવાન ભજી લેવા…” પદ રજૂ થયું……બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ ના જીવન કવન નું આ પદ એમના ગુણાતીત કરુણા ના દર્શન કરાવે છે. સૌનું ભલું થાજો…એ જ પ્રાર્થના એમના જીવન માં સદાય વણાયેલી હતી….અને એ જ રીત એમના જીવન ની હતી. આપણા ગુરુ આવા તો આપણે કેવા થાવું???એ વિચારી લેવું……..

એ પછી પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ નાદુરસ્ત સ્વાસ્થ્ય ને લીધે અમદાવાદ યોગીજી મહારાજ હોસ્પિટલમાં આરામ માં છે…એમના 28 ફેબ્રુઆરી થી 1 માર્ચ સુધી ના દર્શન નો લાભ વીડિયો દર્શન દ્વારા મળ્યો….

આટલી મોટી ઉંમરે …નાદુરસ્ત સ્વાસ્થ્ય વચ્ચે પણ સ્વામીશ્રી ની ભક્તિ જુઓ……એ જ સ્થિરતા.. એ જ ભક્તિ ભાવ……!!! અદભુત…..!!

એ પછી સ્વયં શ્રીજી ની વાણી સ્વરૂપ એવા વચનામૃત લોયા -5 ના નિરૂપણ નો લાભ પૂ. વિવેકમુની સ્વામી જેવા વિદ્વાન…બુલંદ સ્વર ના વક્તા દ્વારા મળ્યો…..જોઈએ સારાંશ….

  • આ સત્સંગ જીવ ના જન્મ મરણ ના રોગ ને ટાળે એવો છે……ગુણાતીત તો છડેચોક કહે છે કે અમારો જન્મ જ આવા સત્સંગ થકી આ રોગ ને ટાળવા થયો છે…..શ્રીજી મહારાજ તો કહે છે કે જીવ એક દિવસ નો સત્સંગ કરે તો ય લખ ચોરાસી ટળી જાય છે…..આ સત્સંગ સુખદાયક છે….અને આપણો એક જ સંકલ્પ છે….અક્ષરધામ …! એ પ્રાપ્ત કરવા સત્સંગ અનિવાર્ય છે…..
  • ગુણાતીત સ્વામી કહે છે કે બીજે જે કાર્ય…કલ્યાણ એક કલ્પે થાય તે અહીં એક દિવસ માં થાય……અહીં સત્સંગ એ સત્પુરુષ નું શરીર છે…જો જીવ ને સત્સંગ માં ગુણ લેવા નો સ્વભાવ હોય તો તે અચૂક બ્રહ્મરૂપ થાય…..ગુણ લીધા નો સ્વભાવ હોય તો આપણા માં ગુણ ની વૃદ્ધિ થાય…આપણું અંતર સદ્ગુણો થી ભરાઈ જાય….માટે જ સદાય ગુણ ગ્રાહક દ્રષ્ટિ રાખવી…..
  • દરેક વ્યક્તિ માં કૈક તો સદગુણ હોય જ છે…જો એ ગુણ પરખતા અને ગ્રહણ કરતા આવડે તો જીવન સફળ થઈ જાય…..આપણે બંધ આંખે પણ શ્રેષ્ઠ વસ્તુ જ લઈએ છીએ..તો ખુલ્લી આંખે અને ખુલ્લી સમજણે સારા ગુણ કેમ ન લઈએ??? …કયારેક કોઈના ગુણ ચાહી એ છતાં દેખાય નહીં તો વચનામૃત ગ.પ્ર.24 મુજબ એ જીવના સત્સંગ નો ….તેનો ભગવાન નો યોગ થયો છે તેથી તેના પુણ્ય નો પાર નહીં…તેમ વિચારી ને તેનો ગુણ લેવો…..No negativity in satsang ….એમ બાપા એ કહ્યું હતું.
  • જો અવગુણ લેવા નું શરૂ થાય તો તે વધતો વધતો સત્પુરુષ અને ભગવાન ના અભાવ સુધી પહોંચે અને જીવ સત્સંગ માં થી પડી જાય…..માટે જ સત્સંગ માં સદાય ગુણ ગ્રાહક દ્રષ્ટિ રાખવી…..

એ પછી પૂ.દિવ્ય કિશોર સ્વામી અને યુવકો ના મધુર સ્વરે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી રચિત “ભાગ્ય જાગ્યા રે આજ …જાણવા….” પદ રજૂ થયું…….. બ્રહ્મ સત્ય….!! આપણા પુણ્યો નો પાર નથી….અનંત જન્મો ના પુણ્યો સફળ થાય ત્યારે આવો સત્સંગ…આવા સત્પુરુષ….આવા ઇષ્ટદેવ સાક્ષાત મળે……પ્રાપ્તિ ના મહિમા નો કોઈ પાર ન કહેવાય….કારણ કે જ્યાં આપણો હાથ સ્વયં શ્રીજી એ ગ્રહયો છે……!!!!! વાત સમજવી અઘરી છે પણ સમજો તો આ બ્રહ્મ સત્ય સમજાય…..!!!

એ પછી સભામાં ઉપસ્થિત સદગુરુ પૂ. ઇશ્વરચરણ સ્વામી એ પોતાના પ્રસંગોચિત આશીર્વચન માં કહ્યું કે…(જોઈએ સારાંશ માત્ર) – યોગીબાપા ની પ્રિય વાત હતી…સ્વામી ની વાતો ની 4/136 ની વાત-

“…ભગવાનના ભક્તના ગુણ કહેવા; તેમાંથી જીવ બ્રહ્મરૂપ થઈ જાય, ને એમાં દાખડો કાંઈ પણ ન મળે, એમ કરવાનું કહ્યું, પણ ફલાણો આવો ને ફલાણો આવો, એમ ભગવાનના ભક્તના દોષ ન કહેવા ને તેનું આપણે શું કામ છે?……. ને કોઈને નહિ સમજાતું હોય તો વળી આગળ સમજાશે; તેની શી ઉતાવળ છે? ને ક્યાં ભાગી જાય એમ છે? પણ કોઈના દોષ ન કહેવા…… તેમાં લવા ને બાદશાહની દાઢીનું દૃષ્ટાંત દીધું, તે મુખ્ય માથે લેવું…….”

….માટે જ સત્સંગ માં આવ્યા છીએ તો ગુણ જ ગ્રહણ કરવા….તો જ છૂટકો છે. સત્સંગ માં અવગુણ લીધા કરતા હોય તો તે અર્ધ બળેલા કાષ્ઠ ની જેમ અંતર માં ધૂંધવાયા કરે અને અંતે સત્સંગ માં થી પડી જાય……શુભ વાસના વાળો જીવ સર્વે ના ગુણ જ લે…..મહિમા જ સમજે…..અને એ જ સત્સંગ માં આગળ વધે….આપણા ગુરુઓ એ એ જ કર્યું છે….કોઈનો અવગુણ લીધો જ નથી…જાગા સ્વામી કહેતા કે પારકી ક્રિયા…પારકો આકાર ..પારકા દોષ કયારેય ન જોવા……! સત્સંગ માં દાસાનુદાસ….નાના માં નાના થઈને રહેવું……એમ કૃષ્ણજી અદા કહેતા….! દરેક નો મહિમા સમજવો…..શાસ્ત્રીજી મહારાજ કહેતા કે કોઈ અક્ષર પુરુષોત્તમ ના મહિમા ની વાત મારે માથે બેસી ને કરે તો ય મંજુર છે…..!  સંત તુકારામ…સંત એકનાથ…વગેરે સંતો ના આખ્યાન ..પ્રસંગો આપણ ને ખબર જ છે. તેમની ગુણ ગ્રાહક દ્રષ્ટિ ને લીધે જ એ ભક્તિ માં મોટેરા થયા….સત્સંગ નો ખપ હોય પણ જો કોઈ સત્સંગી નો અવગુણ લેતા હોય તે જીવ અભાગી છે….! ભગવાન ના ભક્ત નો કોઈ અવગુણ લે તો સ્વામી ને એ ગમે નહીં…..સત્સંગ ના ગુણ આવે તો નમ્રતા આવે….દાસભાવ આવે…..અને એ દેખાય…અને તો જ સત્સંગ કર્યો કહેવાય….!!આ વાત નું સદાય જાણપણું રાખવું……

અદભુત વાત…..!!! એ પછી પ.પૂ ડોક્ટર સ્વામી એ  લખેલ …જગતપુર મંદિર ના નિર્માણ માટે ની બાળ બાલિકા ભક્તો ની સેવા માટે ની પ્રેરણા આપતો પત્ર રજૂ થયો…..એ પછી રાયસણ ગુરુકુલ માં ભણતા તેજસ્વી વિદ્યાર્થીઓ નું જાહેર સન્માન થયું.

આજની સભાનો એક જ સાર હતો કે- આ સત્સંગ ની પ્રાપ્તિ અનંત જન્મો ના પુણ્ય ફળીભૂત થયા હોય તો જ થાય…..માટે જ સત્સંગી માત્ર દિવ્ય છે…..સર્વે ના ગુણ જ લેવા…કારણ કે આપણે સત્સંગ માં ટકવું છે…..આગળ વધવું છે……છેવટે તો આપણે સત્સંગ માં બ્રહ્મરૂપ થવા જ આવ્યા છીએ…બરોબર ને…!!!!

અહીં તો જે દાસાનુદાસ થાય તે જ મોટેરો થાય…….!! અધ્યાત્મ ની આ જ રીત છે……સમજી રાખો…..

સર્વે ને સાષ્ટાંગ દંડવત સહિત જય સ્વામિનારાયણ…..

સદાય પ્રથમ શ્રીહરિ ને રે….

રાજ


Leave a comment

BAPS રવિસભા-03/12/23

પછી રઘુવીરજીએ પ્રશ્ન પૂછ્યો જે,

“હે મહારાજ! આ જીવનો મોક્ષ તે કેમ કરે ત્યારે થાય છે?”

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

જેને પોતાના કલ્યાણની ઇચ્છા હોય તેને પોતાનું દેહ, ધન, ધામ, કુટુંબ, પરિવાર એ સર્વેને ભગવાનની સેવામાં જોડી દેવાં અને ભગવાનની સેવામાં જે પદાર્થ કામ ન આવે તો તેનો ત્યાગ કરી દેવો. એવી રીતે જે ભગવાન-પરાયણ વર્તે તે ગૃહસ્થાશ્રમી હોય તોય પણ મરે ત્યારે ભગવાનના ધામમાં નારદ-સનકાદિકની પંક્તિમાં ભળે અને પરમ મોક્ષને પામે. એનો એ જ ઉત્તર છે.”

— વચનામૃત- ગઢડા મધ્ય 62

આજે અમદાવાદ ધુમ્મીલ હતું…….છેલ્લા બે દિવસ થી ત્રણેય ઋતુઓ જાણે કે હળીમળી ને અમદાવાદ પર …ગુજરાત પર રાજ કરતી હોય તેવો માહોલ છે….પણ આપણા હૃદય મન પર તો એક હરિ નું જ રાજ છે અને સદાય રહેશે……..તો એ જ મારા જગન્નાથ ના અદભુત દર્શન કરીએ…..એને વધાવીએ….

સભાની શરૂઆત પૂ.કૃષ્ણસ્વરૂપ સ્વામી અને યુવકો દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થી થઈ……મન મૂર્તિ માં સહેજે જોડાઈ ગયું…..એ પછી એ જ સંત ના શાસ્ત્રીય રાગ માં ” રહેજો..રહેજો રે….તમે સદાય સાથે રહેજો રે…..” પૂ.મહાપુરુષ દાસ રચિત પદ રજૂ થયું……આ સાવરા ગુમાની….હરિવર ને અંતર માં અખંડ રાખવો અઘરો છે અને એટલા માટે જ એની જ સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી બ્રહ્મરૂપ થવું પડે…..જો એ થાશું તો જ એ રીઝશે અને હૈયા માં અખંડ સહજ આનંદ પ્રવર્તશે…..!!! એ જ વાત ગુણાતીત ગુરુ ના સતત સાનિધ્ય ની છે…….એના માટે પણ પાત્રતા કેળવવી પડે. એ પછી યુવક મિત્ર જૈમીન અને અન્ય દ્વારા ” મોરે મંદિર આજ બધાઈ…ગાઓ મંગલ માઈ રે….” પ્રેમાનંદ સ્વામી રચિત કીર્તન પદ અને ” માઇરી મેં તો પુરુષોત્તમ વર પાયો….” અને ” મંગલ છાઈ રહ્યો ત્રિભુવન મેં….” મુક્તાનંદ સ્વામી રચિત પદો…રજૂ થયા……..શ્રીજી એકવાર રાજી થાય અને અંતર ને મંદિરિયે પધારે….બિરાજે પછી બાકી શુ રહે?? આઠો જામ બસ સુખ ની જ લ્હાણી……!!

ત્યારબાદ અમદાવાદ શહેર ના વિવિધ વિસ્તારોમાં ઉજવાયેલા અન્નકૂટ ઉત્સવો ના દર્શન કરાવતો એક વીડિયો રજૂ થયો……

અદભુત દર્શન…..!!

આજે સ્વામિનારાયણ નામ ના ડંકા બ્રહ્માંડ માં ગુંજે છે…BAPS એકલા ના જ આજે 1550 થી વધુ મંદિરો સમગ્ર જગત માં સ્થપાયેલા છે…..એ જ શૃંખલા માં આજે અમદાવાદ ના જગતપુર ખાતે બની રહેલા નવીન શિખર બદ્ધ મંદિર ની રચના વિશે વિસ્તૃત માહિતી વીડિયો ના માધ્યમ થી મળી……આજે અમદાવાદ માં 40 થી વધુ સંસ્કાર ધામો…. શાહીબાગ નું મુખ્ય મંદિર….અને 760 થી વધુ મંડળો ચાલે છે……સત્સંગ શ્રીજીની મરજી થી કૃપા થી એટલો બધો વિસ્તર્યો છે કે શાહીબાગ સિવાય પણ એક અન્ય મોટા શિખરબદ્ધ મંદિર ની જરૂર હતી જે આજે જગતપુર ખાતે રચાઈ રહ્યું છે……..!

એ પછી આ નવીન જગતપુર મંદિર નિર્માણ ની વિશેષ માહિતી પૂ. નિર્મલ ચરિત સ્વામી એ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આપી. જગતપુર ના આ મંદિર માં સંત નિવાસ, ઉતારા,હોસ્ટેલ, સભા ખંડ, પ્રેમવતી અને ખુલ્લી જગ્યા છે….કુલ 104 ફૂટ ઊંચું મંદિર….135000 ઘનફૂટ માર્બલ વપરાશે…….વિશાળ અંડરગ્રાઉન્ડ પાર્કિંગ લગભગ 750 થી વધુ ગાડીઓ માટે….ની રચના 2025 ના અંત સમયમાં થશે. આ વિશાળ મંદિર ના નિર્માણ ની સેવા ની લખણી શરૂ થઈ ગઈ છે……..અચૂક લાભ લેવો….ત્યાં અભિષેક મંડપ બની ગયો છે….પૂજા વિધિ માં જોડાવા માંગતા હરિભક્તો ને ત્યાં જ પૂજન અભિષેક નો લાભ મળશે…તેનો અવશ્ય લાભ લેવો. વિશેષ માહિતી આગામી સમય માં સંતો અને કાર્યકરો દ્વારા સર્વ ને મળશે.

એ પછી કોઠારી પૂ. ધર્મતિલક સ્વામી દ્વારા આ જ કડી માં વિશેષ પ્રવચન નો લાભ મળ્યો….જોઈએ સારાંશ માત્ર….

  • આપણે અનોખા છીએ કારણ કે આપણે પ્રત્યક્ષ ગુણાતીત ગુરુ સાથે જોડાયેલા છીએ…..આવા મોટા પુરુષ માટે શું ન થાય?? ઉત્તર વચનામૃત માં શ્રીજી મહારાજે આપ્યો છે….આપણે જગતભરના સત્સંગીઓ દેખાવ,વેશ ભૂષા માં ભિન્નતા છે પણ અભિન્ન છે એ – ભગવાન અને મોટા પુરુષ માં અનન્ય નિષ્ઠા છે…..એ બધામાં એક છે……
  • આપણે આટલા મોટા મંદિરો…મોટા ઉત્સવો નું આયોજન સહેલાઇ થી થાય છે કારણ કે 1) આપણે ત્યાં ભગવાન અહીં પ્રગટ રીતે સત્પુરુષ માં પ્રત્યક્ષ બિરાજમાન છે….2) હરિભક્તો નું તન મન ધન થી સંપૂર્ણ સમર્પણ……
  • આપણું બધું ભગવાન નું આપેલું છે…..બધું એમનું ધાર્યું જ થાય છે…એમની મરજી વગર એક સૂકું પાંદડું પણ હાલી શકતું નથી…..એટલે જ એમના માટે એમની આજ્ઞા મુજબ વ્યવહાર મા થી દશાંશ વિશાંશ ભગવાન ના ઋણ માટે અવશ્ય કાઢવો જેથી વ્યવહાર મા સુખિયા રહેવાય……માટે જ દાન ધર્મ અવશ્ય કરવું…..પણ વિવેક પૂર્વક સુપાત્ર ને જ કરવું.
  • કોઈનું દાન અર્થે આપેલું ભગવાન સ્વીકારે છે અને અનેક ઘણું પાછું આપે છે…..ભગવાન તો ભક્ત વત્સલ છે..કોઈનું બાકી રાખતા નથી…એ સુદામા હોય…દ્રૌપદી હોય…કે અનેક સમર્પિત હરિભક્તો ના પ્રસંગો…..એ બધા આ વાત ના સાક્ષી છે કે ભગવાન અને સંત ને આપેલું નિમિત્ત માત્ર ગણી ને આપણ ને અઢળક લાભ …અનેક ગણું…આપે છે….આ તો આજ્ઞા માં રહે એ ભક્તો ને સુખિયા કરવા ભગવાન અને સંત ના ચરિત્ર માત્ર છે. જ્યારે કપરો સમય હતો ત્યારે બોચાસણ મંદિર નિર્માણ વખતે સોનામહોર ભરેલા ચરુ મળેલા છતાં શાસ્ત્રીજી મહારાજે એને પાછા પાયા માં મુકાવી દીધા અને એક એક રૂપિયા માટે હરિભક્તો ના ઘરે ઘરે જઈ ભિક્ષા માંગી…..શુ સ્વાર્થ હતો?? શાસ્ત્રીજી મહારાજે સ્વયં કહેલું કે જે મારી ઝોળી માં એક દાણો પણ અર્પણ કરશે તેનું મારે કલ્યાણ કરવું છે…….બસ, જીવમાત્ર નું કલ્યાણ જ એમનો સ્વાર્થ છે.
  • માટે જ મોટા પુરુષ ની આજ્ઞા મુજબ ચોખ્ખો ધર્માદો કાઢવો જ જોઈએ …..જેથી વ્યવહારે સુખી રહેવાય….શુદ્ધ ભાવે સેવા કરી લેવી…..ભગવાન અને સંત નું આપેલું જ એમને પાછું આપવા નું છે……

ત્યારબાદ પૂ. ઇશ્વરચરણ સ્વામી ના આશીર્વચન નો લાભ મળ્યો….એમણે કહ્યું કે- જગતપુર ના મંદિર ની જગ્યા પ.ભ. લાલજીભાઈ ચૌહાણ દ્વારા મળેલી……અમદાવાદ નો સત્સંગ આજે અનેકઘણો વધ્યો છે……શાહીબાગ નું આ સ્થાન મહાપ્રસાદી નું છે….શ્રીજી અને સંતો આ માર્ગે સાબરમતી માં સ્નાન માટે જતા..અહીં આંબાવાડિયું હતી અને અહીં આરામ કરતા…શાસ્ત્રીજી મહારાજ અહીં બે બે માસ રહેતા…કપરી સ્થિતિ માં અહીં મંદિર રચાયું….જગતપુર નું મંદિર આખું મકરાના માર્બલ માં બને છે…..સુંદર જાળીઓ….મોટો સભા મંડપ, બૅઝમેન્ટ માં પાર્કિંગ, ઉતારા, પ્રેમવતી બધું જ છે. ગુરુ આજ્ઞા એ આ બધું થાય છે….માટે જ સેવા નો મોકો ઝડપી લેવો…….ગુરુ ને રાજી કરી લેવા…

અમદાવાદ ના વિવિધ વિસ્તારો માં બાળ મહોત્સવ ઉજવાયો છે…ઉજવાવવા નો છે……તેનો વીડિયો દર્શન નો લાભ મળ્યો…

આપણા શહેર ને સ્વચ્છ રાખવા માટે ની શપથ – સર્વે એ લીધી……! સ્વચ્છતા અંતર ની હોય કે બહાર ની…..હરિ ને એ જ ગમે…!!!

આવતા રવિવારે સભા અહીં શાહીબાગ મંદિરે જ રાખી છે…..

આજ ની સભા- સમર્પણ….નિમિત્ત ભાવ ની હતી……બધું ભગવાન નું આપેલું છે અને એના ચરણો માં જ આપવા નું છે. એ તો ભાવ નો ભૂખ્યો છે પણ એની આજ્ઞા મુજબ , એના સંકલ્પ ની પૂર્તિ માં આપણે માધ્યમ બનવા નું છે……જો એ કરશું તો એ રાજી થશે અને એના રાજીપા થી વિશેષ શુ હોઈ શકે????

એ રાજી તો બધું જ રાજી….!!! એના રાજીપો એ જ આપણું જીવન….!!!

સદાય પ્રથમ શ્રીહરિ ને રે…..

જય જય સ્વામિનારાયણ….

રાજ…


Leave a comment

BAPS રવિસભા- 17/09/23

ગઈકાલે સાંજ થી જ મેઘ આડંબર છવાયેલા હતા અને મેઘરાજા ધૂમધડાકા સાથે છેક અત્યાર સુધી વરસી રહ્યા છે…….માહોલ ખુશનુમા છે પણ ધોધમાર વરસાદ વચ્ચે રવિસભા માટે બધા ન આવી શકે……અમે હિંમત કરી ને આવી ગયા…….બસ મેઘરાજા ની જેમ જ મારો વ્હાલો પણ નિરંતર વરસતો રહે એટલે ભયો..ભયો……!! સૌપ્રથમ એના જ દર્શન સદાય…..! આજની શોભા તો વર્ણવી ન જાય તેવી છે……કરીએ ગુલાલ….

સભાની શરૂઆત યુવકો દ્વારા ધૂન પ્રાર્થના થી થઈ…..ત્યારપછી એક યુવક દ્વારા ” ધર્મકુંવર હરિકૃષ્ણજી તમે ..ભક્તપતિ ભગવાન..” પ્રેમાનંદ સ્વામી રચિત પદ રજૂ થયું………ભગવાન ના ભક્તો પોતાના ધણી… ઇષ્ટ પાસે ન માગે તો કોની પાસે માંગે?? બસ , એ અલખ ના ધણી પાસે તો બ્રહ્મરૂપ થવાનું જ માંગવું…. એમની જ એકાંતિકી ભક્તિ..એમનું જ શરણું….એમને જ માંગવા….!!! ત્યારબાદ એક યુવક દ્વારા ” આજ શ્રીજી મહારાજ ભલે આવિયા રે……..” ભક્તરાજ નારાયણ દાસ દ્વારા રચિત કીર્તન પ્રસ્તુત થયું……આજ તો મારો નાથ મેઘરાજા ની સાથે અનરાધાર વરસી રહ્યો છે….નિજ ભક્તો ના મનોરથ પુરા કરી રહ્યો છે………..!!! એ પછી એક યુવક દ્વારા ” પ્રમુખ સ્વામી રે , તમારું નવખંડ માં નામ આજે…..” ભક્તરાજ વલ્લભ દાસ રચિત પદ રજૂ થયું……બ્રહ્મસત્ય….! જેના અંગેઅંગ માં હરિ નો વાસ હોય તેવા એકાંતિક સત્પુરુષ ના ગુણલા બ્રહ્માંડ માં ગવાય…એમાં કોઈ શંકા નથી…..! આપણા મોટા ભાગ્ય કે આવા ગુરુ આપણ ને સાક્ષાત મળ્યા છે…….!

એ પછી સપ્ટેમ્બર 6-7 ના ગુરુહરી મહંત સ્વામી મહારાજ ના અક્ષરધામ અમેરિકા વિચરણ ના દિવ્ય દર્શન નો લાભ વીડિયો ના માધ્યમ થી મળ્યો…..

એ પછી મહંત સ્વામી મહારાજ ના 18-21 એપ્રિલ ના રોજ સુરેન્દ્રનગર માં દિવ્ય વિચરણ નો લાભ વીડિયો ના માધ્યમ થી મળ્યો….

આજે સભામાં સાયબર ક્રાઈમ માં સેવા આપતા પોલીસ ઇન્સપેક્ટર શ્રી હેમંતભાઈ પંડ્યા- ગાંધીનગર અને પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી ધવલભાઈ શુકલ-ગાંધીનગર હાજર હતા…..તેમનું જાહેર અભિવાદન થયું. એમણે આજકાલ પ્રવર્તતા સાયબર ક્રાઈમ વિશે વિશેષ માહિતી આપી…એના થી બચવા ના ઉપાયો રજૂ કર્યા…..ખૂબ જ અગત્ય ની માહિતી મળી……જોઈએ સારાંશ….

  • સાયબર ક્રાઈમ એટલે શું?? એ કેમ થાય છે ?? એના કારણ- મુખ્ય ત્રણ…ડર, લાલચ અને આળસ છે……ઈન્ટરનેટ પર વધારે પડતી માહિતી નું આદાન પ્રદાન , અંગત માહિતી નું વહેંચવું, અજાણ્યા માણસો સાથે નો સંપર્ક, મફત ભેટ કે ઇનામ ની લાલચ….અધૂરી માહિતી કે જ્ઞાન ના આધારે કોઈપણ નિર્ણય….વગેરે કારણો ને લીધે તમે આવા ક્રાઈમ નો ભોગ બનો છો…..
  • અજાણ્યા વિડીઓ કોલ્સ ન ઉપાડો…. ઇન્સ્ટન્ટ લોન આપતી એપ થી બચો……કોઈપણ બોગસ એપ ડાઉનલોડ થી બચો…..અજાણ્યા માણસો જોડે ઓનલાઈન પૈસા નો વ્યવહાર ન કરો…..ઘરે બેઠા પૈસા કમાઓ….બનાવટી વેબસાઇટ્સ….કસ્ટમર કેર ફ્રોડ….બેન્ક ને કોઈ OTP, કે CVV નંબર આપવા નો હોતો નથી…..ઓનલાઈન શોપિંગ ફ્રોડ….અંગત માહિતી કે ફોટો ક્યાંય ન વહેંચો…..

સાયબર વોલન્ટિયર કોઈ પણ ભારતીય નાગરિક બની શકે છે. ગુજરાત સાયબર ક્રાઈમ સેલ દરેક સોશિયલ સાઇટ પર છે…..એની મુલાકાત કરી ને પોલીસ ને અને પોતાની જાત ને મદદરૂપ થઇ શકીશું.

ખૂબ જ ઉપયોગી માહિતી…..!!!….દરેક મંડળ ને હરિભક્તો ને સાયબર ક્રાઈમ ની બુકલેટ્સ આપવામાં આવશે. બંને પોલીસ ઓફિસર્સ નું સન્માન થયું.

ત્યારબાદ પૂ.યજ્ઞપ્રિય સ્વામી દ્વારા પ્રસંગોચિત પ્રવચન નો લાભ આપતા કહ્યું કે….મફત ઇનામો કે લોટરી લાગી એવી વાતો થી બચતા રહેવું. લાલચ અને ડર…. એના થી દુર રહેવું……લોભી વ્યક્તિ નું ધન ઘુતારા ખાતા હોય છે. સત્સંગી થઈને લોભ લાલચ માં પડવું નહીં…..

આજની સભાનો એક જ સાર – સંસાર ની વાત હોય કે સત્સંગ ની….જાણપણું સતત રાખવું…….”જાગતા” રહેશું તો કોઈ આપણ ને છેતરી નહીં શકે …….જીવન માં શોર્ટકટ ક્યારે લોન્ગ કટ બની જાય એ ખબર ન પડે. માટે જ આળસ…ડર કે લોભ લાલચ થી દુર રહેવું.

જાગતા રહેજો…..

જય સ્વામિનારાયણ

રાજ


Leave a comment

BAPS રવિસભા- 20/08/23

આજે અમદાવાદ માં મેઘરાજા ની પુનઃ પધરામણી થઈ અને આજે આ દેહ નો જન્મદિવસ…..આથી સવાર ની શરૂઆત જ શાહીબાગ મંદિરે આરતી, સંતો ના દર્શન….આંબલીવાળી પોળ ના અદભુત દર્શન થી થઈ….હૈયું બાગ બાગ થઈ ગયું….આપણે કોના?? એના ઉત્તર માં હૈયું કેફ થી ભરાઈ ગયું….મારા ઠાકરે ..મારા ગુરુએ એટલી અમીવર્ષા કરી છે કે મન માં એના સિવાય કોઈ સંકલ્પ વિકલ્પ જાણે કે થતા જ નથી……બસ આ જ રંગ માં તરબોળ રહેવું છે સદાય….અને એ જ કેફ સાથે મારા વ્હાલા શામળિયાના દર્શન….ચાલો કરીએ ગુલાલ….

સભાની શરૂઆત યુવક વૃંદ દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થી થઈ…….એ પછી એક યુવક દ્વારા ” ઝુલાવું પ્યારા હિંડોળે….હરિવર ને….” પ્રેમાનંદ સ્વામી રચિત પદ રજૂ થયું …..શ્રાવણ માસ ની હેલી થી નવપલ્લીત થયેલા તરુવર વચ્ચે ફૂલો થી આચ્છાદિત હિંડોળે ઝૂલતા….ભક્તો ના મનોરથ પુરા કરતા હરિવર ના દર્શન કેવા હશે….!!! કલ્પના માત્ર થી જ અંતર માં પરમ આનંદ નો અનુભવ થાય છે…..કદાચ આને જ બ્રહ્મસુખ કહેવાતું હશે….!!! બસ …..એ જ જોઈએ…..! મિત્ર જૈમીન વૈદ્ય દ્વારા શાસ્ત્રીય ઢાળ માં ” આવો ઘનશ્યામ ઝુલાવું રી હિંડોરના મેં……”બ્રહ્માનંદ સ્વામી રચિત પદ રજુ થયું…..એ જ હિંડોળો….એ જ મૂર્તિ..એ જ સ્મૃતિ…એ જ અદભુત દર્શન….!! ત્યારબાદ પૂ.પ્રેમવદન સ્વામી ના મધુર સ્વર માં હિંડોળા દર્શન યાત્રા આગળ વધી અને પ્રેમસખી રચિત ” ઝૂલન કે દિન આયે……” પદ નો કલાવતી રાગ માં લાભ મળ્યો…. …અને ફરીથી એ જ પૂ. સંત ના સ્વર માં ..એ જ કવિરાજ સંત ની રચના ” આયો શ્રાવણ માસ અનુપ……” પદ નો લાભ સર્વ ને મળ્યો…..હરિ અને હર ની ભક્તિ મહિમા સમજવા ના આ અતિ પવિત્ર માસ નો મહિમા આ પદ માં સ્પષ્ટ થયો……

એ પછી શ્રાવણ માસ ની શ્રીહરિ લીલામૃત (કળશ 4-ક્ષમાવાન શ્રીહરિ) પર પારાયણ ની શરૂઆત થઈ …સર્વ યજમાનો દ્વારા પ્રારંભિક પૂજા વિધિ થઈ અને વક્તા તરીકે પૂ.યજ્ઞપ્રિય સ્વામી દ્વારા પારાયણ નો પ્રારંભ થયો…..જોઈએ સારાંશ…..

  • શ્રીજી મહારાજ પોતાના ભક્તો ના મનોરથ પૂર્ણ કરવા મનુષ્ય રૂપે અહીં પધાર્યા અને તેમણે જે ચરિત્ર કર્યા તે અનેક ગ્રંથો માં ગ્રંથસ્થ થયા છે …ભક્તચિંતામણી આદિક ગ્રંથો માં આ જ લીલા ચરિત્ર છે.
  • જેતલપુર માં મહાયાગ થયો અને એ પ્રસંગ માં શ્રીજી મહારાજ ની કરુણા ના દર્શન …એ પ્રસંગ નું નિરૂપણ આજની પારાયણ માં થયું. વામમાર્ગી ઓ એ આ મહાયજ્ઞ ના આયોજન માં વિઘ્ન ઉભું કરવા અનેક પ્રયત્નો કર્યા પણ ધાર્યું તો એક ધણી નું જ થાય…એ મુજબ હરિ ની મરજી મુજબ જ મહાયજ્ઞ થયો……
  • એ અધર્મી ઓ ની ખોટી વાતો માં આવી ને અમદાવાદ ના મરાઠી સૂબા એ મહારાજ ને ભદ્ર ના કિલ્લામાં આમંત્રિત કરી ગરમ તેલ ના ટાંકા માં નાખી ને મારવાનો કારસો ઘડ્યો…..! પણ મનુષ્ય નું ધાર્યું ક્યાં થાય?? એ તો સર્વ ભગવાન નું જ ધાર્યું થાય….એની મરજી વિના તો કોઈ થી તરણું પણ તોડી ન શકાય….સૂબા નો ખેલ ખોટો પડ્યો….શ્રીજી મહારાજ ની મરજી જ ચાલી….બધું ષડયંત્ર ભાંગી પડ્યું…મહારાજે સૂબા ને કહ્યું કે…તમારું રાજ છે ત્યાં સુધી અમદાવાદ માં પગ નહીં મૂકીએ…..એમ કહી ને ચાલી નીકળ્યા…..!
  • ધન, કીર્તિ, સત્તા, પ્રતિષ્ઠા વગેરે મનુષ્ય નો મદ… અભિમાન વધારે છે…..એને મદ ને લીધે ભગવાન ની પણ બીક લાગતી નથી….ભગવાન નો પણ દ્રોહ કરી બેસે છે….એ જીવ ને ભગવાન નો મહિમા સમજાતો નથી…..પણ સમર્થ હરિ પળ માં શુ ન કરે??? બધું જ કરી શકે….માટે જ જીવે પોતાનું સ્વરૂપ સમજવું…ભગવાન નો મહિમા સમજવો…..અહંકાર નો ત્યાગ કરવો….મોટા સંત અને ભગવાન ની આજ્ઞા માં સારધાર રહેવું……

અદભુત લીલા ચરિત્ર…..!!!

ત્યારબાદ સભામાં હાજર પ.ભ. લેફ્ટનન્ટ કર્નલ મનીષભાઈ મોદી નું પૂ.યજ્ઞપ્રિય સ્વામી ના હસ્તે અભિવાદન થયું.

ત્યારબાદ અબુધાબી મંદિર ની રચના…એનો સંકલ્પ..મહિમા સમજાવતો વીડિયો રજૂ થયો….

આજે સભામાં પૂ.બ્રહ્મવિહારી સ્વામી હાજર હતા….તેમણે વાત કરતા કહ્યું કે ( સારાંશ માત્ર) – ઘણા સમય પછી અમદાવાદ ની વિરાટ ..ભવ્ય સભાના દર્શન થયા છે…..અબુધાબી નું મંદિર એ મોટા પુરુષ ના સંકલ્પ નો પ્રતાપ છે……બાપા એ કહ્યું છે કે આ મંદિર નો મહિમા બ્રહ્માંડ માં ગવાશે…….! મનુષ્ય તરીકે આપણ ને કાલ નો ખ્યાલ નથી…..મોટા પુરુષ બધું જાણે છે….અશક્ય શબ્દ વ્યક્તિ..સંજોગો મુજબ બદલાય છે…….આ મંદિર ઐતિહાસિક રીતે પણ અશક્ય લાગે….વામદેવ શાસ્ત્રી જેવા અતિ વિદ્વાન પુરુષે આ મંદિર ને લીધે અમને સંતો ને અબુધાબી શહેર ના જાહેર રોડ પર અમને પંચાંગ પ્રણામ કર્યા….!!! બે મુસ્લિમ દેશો..અબુધાબી અને બેહરિન માં મંદિર ની રચના…એ આપણી સંસ્થા ના સંસ્કાર…સિદ્ધાંતની.. મૂલ્ય ની શક્તિ દર્શાવે છે…..મોટા પુરુષ ના સંકલ્પ દર્શાવે છે…..બધા માટે આ એક ચમત્કાર જ છે….શતાબ્દી ઉત્સવ પછી તો બધા ને દેખાય છે આપણી સંસ્થામાં અશક્ય નામનો શબ્દ જ નથી….!!! આ મંદિર માં સર્વે સંતો અને હરિભક્તો નીં સેવા અતુલ્ય છે….અદભુત છે…! 70 % કાર્ય પૂરું થઈ ગયું છે….સમગ્ર દુનિયા ના નેતાઓ..પ્રતિનિધિ ઓ અહીં આવી ગયા છે…આવે છે…..! આપણા સંકલ્પ શુભ હોય તો મોટા પુરુષ અને ભગવાન એ પૂર્ણ કરે જ છે….બસ સંકલ્પ શુભ હોવા જોઈએ….આપણી શ્રદ્ધા દ્રઢ હોવી જોઈએ…..આપણા વડાપ્રધાન મોદી પણ આપણી સાથે…આપણા શુભ સંકલ્પ ને સમજે છે….આપણા ગુરુઓ ની એક જ વાત…કોઈ પણ કાર્ય કરવું હોય તો કાર્ય….દાનત હોય તો થાય…!! માટે કાર્ય કરવા દાનત રાખવી….સંકલ્પ બળિયા રાખવા…!!!!!

અદભુત….અદભુત…..!!!

આજની સભાનો એક જ સાર હતો- મોટા સંત અને ભગવાન નો મહિમા સમજવો…….એમની આજ્ઞા માં રહેવું….એ જ સત્સંગ છે…એ જ પરમસુખ છે…એ જ બ્રહ્મમાર્ગ છે…..

આપણે આ સમજવા માટે તો સત્સંગ માં આવ્યા છીએ…..દાનત શુભ રાખવી અને મંડી પડવું….!!

સર્વે નું ભલું થાય…સર્વે નું કલ્યાણ હો…….જય સ્વામિનારાયણ…

સદાય પ્રથમ શ્રીહરિ ને રે……

રાજ


Leave a comment

BAPS રવિસભા- 12/03/2023

આજકાલ અમદાવાદ માં ઠંડી, ગરમી અને અલપઝલપ વરસાદ નો અનુભવ થાય છે….ઋતુચક્ર જાણે કે આપણા જીવન ની વાર્તા જેવું થઈ ગયું છે….પણ એક વાત નિશ્ચલ છે….એ છે જીવ નું પોષણ..સત્સંગ…અને એના માટે જ આ બધું છે…..એના કેન્દ્ર માં રહેલા મારા વ્હાલા ના દર્શન સૌપ્રથમ……

સભાની શરૂઆત ધૂન દ્વારા થઈ અને ત્યારબાદ મિત્ર જૈમીન દ્વારા ” સંત જન સોઈ સદા મોહે ભાવે….” સત્સંગ ની મા મુક્તાનંદ સ્વામી રચિત પદ રજુ થયું અને શ્રીજી નો પોતાના ભક્તો પ્રત્યે નો પક્ષપાત છતો થઈ છવાઈ ગયો……સત્સંગ માં એક સ્પષ્ટ વાત- જો જીવ , હરિ ના કહ્યા માં રહેશે..એના રાજીપા માં રહેશે તો જીવ ના કલ્યાણ નું કાઈ કહેવું નહીં પડે….!! ત્યારબાદ પ્રશાંતભાઈ દ્વારા ” આજ શ્રીજી મહારાજ ભલે આવિયા રે….” પદ રજૂ થયું….ત્યારબાદ ” વ્હાલા લાગે ..વ્હાલા લાગે રે પ્રમુખ સ્વામી આજ સૌને …”ભક્તરાજ વનમાળી દાસ રચિત પદ જૈમીનભાઈ અને યુવકો દ્વારા રજૂ થયું. …પ્રમુખ સ્વામી મહારાજ ની એ સ્નેહભરી આંખો…..સહજ સ્મિત સભર ચહેરો…એક પળ પણ વિસરાતા નથી……ગુણાતીત ની એ જ તો ઓળખાણ છે..એ કદી વિસરાતા જ નથી…!

ત્યારબાદ સત્પુરુષ ની નિશ્રા માં ..સારંગપુર ખાતે ઉજવાયેલા ભવ્ય ફુલદોલ ઉત્સવ નો દિવ્ય દર્શન નો લાભ વિડીઓ દ્વારા મળ્યો…

અદભુત વીડિયો દર્શન…..!!

ત્યારબાદ શતાબ્દી ઉત્સવ ની અવિસ્મરણીય સ્મૃતિઓ માં આજે ભોજન વિભાગ નો વારો હતો…..આ એનો અહેવાલ પૂ. ધર્મરત્ન સ્વામી – અમદાવાદ મંદિર ભંડારી સ્વામી, દ્વારા રજૂ થયો….જોઈએ સારાંશ…

  • આપણી ઉત્સવ પરંપરા છેક શ્રીજી મહારાજ ના સમય થી ચાલતી આવે છે…..શ્રીજી મહારાજે જેતલપુર નો મહાયજ્ઞ કર્યો ..લાખો લોકો ને જમાડ્યા….અને બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે , સારંગપુર મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા સમયે શિરા નો જમણવાર કર્યો…એ વગેરે પ્રસંગો હજુ યાદ આવે છે…….આપણા બધા ગુણાતીત ગુરુઓ એ દરેક સમૈયા પાછળ અતુલ્ય સેવાઓ કરી છે….
  • શતાબ્દી ઉત્સવ માં શરૂઆત માં મંદિર થી જ ભોજન જતું…એ પણ ત્રણ ટાઈમ નું..રોજ નું પાંચ હજાર થી વધુ હરિભક્તો નું….!! બાપા અહીં આવ્યા ત્યારે તો રોજ નું 22000 થી વધુ અને નગર માં શરૂ થયું ત્યારે કુલ 25 લાખ હરિભક્તો સમૈયા પહેલા જ જમી ચુક્યા હતા……છ મહિના પહેલા જ , એક મહિના ના ઉત્સવ ની તૈયારી ચાલુ થઈ ગઈ હતી…..એક મહિના માં 10 થી વધુ બોઇલરો માં બાર હજાર ટન લાકડા નો ઉપયોગ થયો…..!!! જે રસોઈ માં કલાકો લાગતા હવે તે માત્ર ગણતરી ની મિનિટો માં બની જતું…….! રસોડા વિભાગ માં 20 જેટલા પેટા વિભાગ, 120 જેટલા સંતો, 8000 થી વધુ સ્વયંસેવકો, 10 બોઇલર્સ, 400 થી વધુ નાના મોટા રસોડા ના મશીનો( એ પણ વગર ચાર્જે એક મહિના માટે સેવામાં મળ્યા…!!) , એક ટંક માં એક લાખ લોકો નું જમણ બને , 10 લાખ કિલો બટાકા મહિનાઓ પહેલા સેવામાં મળ્યા….એમના માટે કોલ્ડ સ્ટોરેજ ની વ્યવસ્થા થઈ……જે છેક જાન્યુઆરી સુધી ચાલુ રાખ્યા…!! 500 ટન ઘઉં, 60 ટન ગોળ, 150 ટન ચણા( એમાં દુબળી ભગત ની જેમ ભાદરા ગામ ના એક દેવીપૂજક ના પાંચ કિલો ચણા ની સેવા પણ હતી….) …!!!!
  • રોજ 5 ટન ઘઉં ની રોટલી,ભાખરી, 22000 લીટર રોજ ની ચા……550 રસોયા….રોજની 10 ટન દાળ, 5 ટન ભાત અને 60 ટન શાકભાજી…..!!! અરે…દોઢ લાખ પુરણપોળી એક સમય ન ભોજન માં બનતી…..દોઢ લાખ પીસ દાબેલી/સમોસા/સ્પ્રિંગ રોલ…..બનતા..!! સમૈયા માં 14 ટન જેટલું તો નમકીન વપરાયું…..!! એટોપ , બાલાજી ,હલદીરામ વગેરે જેવી કંપની ઓ એ ટન બંધ નમકીન ની સેવા કરી…..!! સંકલ્પ ઢોસા વાળા એ ત્રણ લાખ ઈડલી અને બે ટન સંભાર બનાવી આપ્યો……!! બધા કંપની વાળા આપણું રસોડું જોવા આવ્યા અને ખૂબ પ્રભાવિત થયા…..! …રસોડા ની સેવા ની માહિતી આપતો વીડિયો રજૂ થયો….
  • પ્રેમવતી- કુલ 35 પ્રેમવતી થયા….અને એમાં મળતી આઇટમો સાવ સેવા ના ભાવે …માત્ર 20 રૂપિયામાં બધાને મળે એવું આયોજન , બાપા ની ઈચ્છા પ્રમાણે થયું. પ્રથમવાર જ યુવતી મંડળે , પ્રેમવતી માં અદભુત સેવા કરી. સોફ્ટવેર, કોમ્પ્યુટર સિસ્ટમ નક્કી થયા…મિટિંગો થઈ….પણ જે આયોજન થયું હતું….તે બધા આંકડા ખોટા પડ્યા….રોજ ની લાખ લાખ ડિશ તો માત્ર ખીચડી જ થઈ…..રોજ ના 80000 તો પાઉભાજી ડિશ …લાખ સમોસા ..થતા..!! ….રોજ ના અઢી લાખ પાઉ ની જરૂર પડતી…!!! રોજના 5 લાખ થી વધુ બિલ બનતા હતા….!! પ્રેમવતી માં સપ્લાય કરતા ….બિલ બનાવતા…પીરસતા સ્વયંસેવકો બિચારા થાકી ગયા……!! પીઝા માટે કુલ 15 ટન થી વધુ ચીઝ વપરાઈ….30 ટન તો મકાઈ ની ધાણી.. પોપકોર્ન થયા….!!
  • અનેક પ્રશ્નો…સમસ્યાઓ…વિપરીત સંજોગો આવ્યા પણ કેવળ અને કેવળ બાપા ની પરમ કૃપા કે પ્રવેશ થયો કે સર્વે નું સમાધાન સામે થી મળી ગયું…….સ્વયંસેવકો એ રાત દિવસ જોયા વગર , અઢળક સેવા કરી છે………આ બધું કૈક એમને એમ ન થાય….આ તો સત્પુરુષ અને ભગવાન ની પ્રત્યક્ષ હાજરી થી જ થાય……!! જે કોઈ અહીં ભોજન નો લાભ લઇ ને ગયા છે એ સર્વે ને સત્સંગ નો યોગ થાય….!!

અદભુત….અદભુત….!! એ પછી મહિલા સંયોજક ભાસ્કર ભાઈ એ પ્રેમવતી માં બહેનો ની સેવા ની માહિતી આપી……એમણે કહ્યું કે….

  • પ્રેમવતી માટે ના સોફ્ટવેર ની ટ્રેનિંગ થઈ….2300 જેટલી યુવતીઓ પ્રેમવતી સેવામાં જોડાઈ….એ બધાની તાલીમ થઈ….સ્ટોક મેનેજમેન્ટ, કેશ મેનેજમેન્ટ, સપ્લાય વગેરે અદભુત રીતે કાર્ય થયા…..
  • એટલું બધું કામ રહેતું કે ભલભલા સ્વયંસેવકો થાકી જાય છતાં યુવતીઓ એ આ કપરું કાર્ય, દેહ ને અવગણી ને પૂરું કર્યું…..રોજના 15000 થી વધુ પીઝા બનતા…..અલગ અલગ મેનુ અને એ પ્રમાણે વિવિધ વાનગીઓ બહેનો એ બનાવી…અનેક વિપરીત સંજોગો આવ્યા…બીમારીઓ આવી છતાં બહેનો એ પોતાની સેવા છોડી નહીં…!

પૂ.જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા 24 માર્ચ, અમદાવાદ IIM માં લીડર શિપ પર એક વક્તવ્ય છે..જેમાં બેપ્સ ના યુવક યુવતીઓ , કેવળ પ્રિ રજિસ્ટ્રેશન દ્વારા લાભ લઇ શકશે…….

આજની સભાનો એક જ સાર હતો કે..જો જીવ એક ગુરુ અને ભગવાન ની પ્રસન્નતા…રાજીપા નો જ વિચાર કરી કોઈ કાર્ય કરે તો એ કાર્ય માં ભગવાન પોતે ભળે છે અને અશક્ય લાગતા કાર્ય પણ સહજ માં શક્ય બને છે…….!! છેવટે તો ભગવાન ની પ્રસન્નતા ને અર્થે થતા સર્વે કાર્ય નિષ્કામ ભક્તિ જ છે…….

ભક્તિ નો આ માર્ગ નિરાળો છે…..કૈક જુદો જ છે……જો એ સમજાશે અને એ મુજબ જીવાશે તો જીવ જરૂર બ્રહ્મરૂપ થઈ ને પરમ પદ ને પ્રાપ્ત કરશે……

જય સ્વામિનારાયણ……..

રાજ


Leave a comment

BAPS રવિસભા- 13/11/2022

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

“કીર્તન રહેવા દ્યો ને સર્વે સૂરત દઈને સાંભળો, એક વાર્તા કરીએ છીએ જે,……… જેટલા કલ્યાણને અર્થે વ્યાસજીએ ગ્રંથ કર્યા છે તે સર્વે સૂરત રાખીને અમે સાંભળ્યા. તે સર્વે શાસ્ત્રમાં એ જ સિદ્ધાંત છે અને જીવના કલ્યાણને અર્થે પણ એટલી જ વાત છે જે, આ સર્વ જગત છે તેના કર્તાહર્તા એક ભગવાન છે. અને એ સર્વે શાસ્ત્રને વિષે ભગવાનનાં ચરિત્ર છે કાં ભગવાનના સંતનાં ચરિત્ર છે. અને વર્ણાશ્રમના ધર્મની જે વાર્તા છે અને તેનું ફળ જે ધર્મ, અર્થ અને કામ છે; તેણે કરીને કાંઈ કલ્યાણ થતું નથી અને કેવળ વર્ણાશ્રમના ધર્મ વતે તો સંસારમાં કીર્તિ થાય ને દેહે કરીને સુખિયો રહે એટલું જ ફળ છે.

………અને કલ્યાણને અર્થે તો ભગવાનને સર્વકર્તાહર્તા જાણવા એ જ છે. અને જેવું પરોક્ષ ભગવાનના રામ-કૃષ્ણાદિક અવતારનું માહાત્મ્ય જાણે છે તથા નારદ, સનકાદિક, શુકજી, જડભરત, હનુમાન, ઉદ્ધવ ઇત્યાદિક જે પરોક્ષ સાધુ તેનું જેવું માહાત્મ્ય જાણે છે તેવું જ પ્રત્યક્ષ એવા જે ભગવાન તથા તે ભગવાનના ભક્ત સાધુ તેનું માહાત્મ્ય સમજે તેને કલ્યાણના માર્ગમાં કાંઈયે સમજવું બાકી રહ્યું નહીં. તે આ વાર્તા એક વાર કહ્યે સમજો અથવા લાખ વાર કહ્યે સમજો, આજ સમજો અથવા લાખ વર્ષ કેડે સમજો પણ એ વાત સમજ્યે જ છૂટકો છે………….

વચનામૃત ગઢડા મધ્ય 21

(આજે ખૂબ જ આનંદ ની વાત હતી કે આજની સભા સ્વયં સત્પુરુષ …બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ જીવંત પ્રસારણ રૂપે નિહાળી રહ્યા હતા)

આજે મારા માટે વિક્રમ સંવત 2079 ના નવા વર્ષ ની પ્રથમ સભા હતી. ગયા બે રવિસભા નો લાભ ન લઈ શકાયો….. આથી આ રવિવારે બધા કામ કાજ પડતા મૂકી સભા નો લાભ લેવા સમયસર આવી ગયા……સત્સંગ તો અમદાવાદ માં આજે ભરપૂર જામ્યો છે…શતાબ્દી નગર માં હજારો સયંસેવકો મનમૂકી ને સેવા કરી ને સત્સંગ ને ચરિતાર્થ કરી રહ્યા છે…..એ સૌને સાષ્ટાંગ દંડવત સહિત સૌપ્રથમ સર્વે કાર્ય ના કારણ એવા મારા વ્હાલા ના દર્શન….

સભાની શરૂઆત પૂ.કૃષ્ણસ્વરૂપ સ્વામી અને સંતો યુવકો દ્વારા ધૂન પ્રાર્થના થી થઈ…..મન એકતાલ થઈ ગયું….ત્યારબાદ એક સ્વામી એ એક નવું જ કીર્તન કે જે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના વડતાલ ત્યાગ ને દર્શાવતું કીર્તન ….”વૃતાલય સે ચલા સ્વામી શુદ્ધ ઉપાસના ધારી….” રસિક દાસ રચિત રજૂ કર્યું…આજની જ તિથિએ … માત્ર 5 સાધુઓ …અને મુઠ્ઠીભર હરિભક્તો સાથે ભારે હૃદયે …એક હરિકૃષ્ણ મહારાજ ની મરજી અને મૂર્તિ ને હૃદય માં ધારી …શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસે કેવળ એક સિદ્ધાંત ને પ્રવર્તન અર્થે વડતાલ થી મહાપ્રયાણ કર્યું અને એક બ્રહ્માંડ માં અક્ષર પુરુષોત્તમ ના વાવટા ફરકાવી દીધા….જે આજે બુલંદ ઊંચાઈ એ પુરજોર ફરકે છે અને એની ગુંજ નવખંડ માં સંભળાય છે….!! ત્યારબાદ પૂ. કૃષ્ણસ્વરૂપ સ્વામી ના સ્વરે…” દયાળુ પ્રભુ અક્ષર પુરુષોત્તમ…” રજૂ થયું…એ જ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત મૂર્તિ મંત થયો…એ સુવર્ણ ગાથા ની રજુઆત થઈ……એક હરિભકતે ” કરે પાપી અતિશય પોકાર….” દેવાનંદ સ્વામી રચિત ઉપદેશ કીર્તન રજૂ કર્યું….

એ પછી અબુધાબી મંદિર અને અમદાવાદ મંદિર માં ઉજવાયેલા દિવાળી અને અન્નકૂટ ના દિવ્ય વીડિયો દર્શન નો લાભ મળ્યો….

અદભુત વીડિયો…..!!

ત્યારબાદ આપણી સંસ્થા ના વરિષ્ઠ સંતો પૈકી એક સારંગપુર મંદિર કોઠારી પૂ.જ્ઞાનેશ્વર સ્વામી દ્વારા “સંજીવની રૂપ સમજણ- ભગવાન સર્વકર્તાહર્તા ” વિષય પર આધારિત પ્રવચન વચનામૃત ગઢડા મધ્ય 21 ના આધારે થયું…….જોઈએ સારાંશ…

  • સુખ ના અર્થે એક જ વાત છે….ભગવાન સર્વકર્તાહર્તા છે…..ભગવાન જે પ્રગટ પ્રમાણ છે..એ જ સર્વકર્તાહર્તા છે..આ વિચાર દ્રઢ થયો, મહિમા સમજાયો તો કલ્યાણ પાકું….અંતર માં શાંતિ રહે…કેફ રહે….એ જ વાત સત્સંગ દીક્ષા માં પણ છે…
  • આપણા સર્વે પ્રશ્નો નું મૂળ…અજ્ઞાનતા છે….બધું હું જ કરું છું….સર્વે મારા થી જ થાય છે…આમ માને એટલે અહંકાર દેખાય…દંભ છતો થાય…પણ પોતાની ભૂલો પોતાના દોષ…દેખાય જ નહીં…!! આને જ આસુરી વૃત્તિ કહે છે….હિરણ્યકશિપુ અને રાવણ આવી જ આસુરી વૃત્તિ વાળા હતા….જેમની હાર થઈ અને ભગવાન ને જ સર્વકર્તાહર્તા માનનાર પ્રહલાદ જી જેવા ભક્ત નો જય થયો….
  • આપણા સંકલ્પ વિકલ્પ પણ લૌકિક હોય છે અને ભગવાન ને કરેલી પ્રાર્થના એની પરીપૂર્તિ માટે જ હોય છે…પણ ભગવાન તો પોતાના ભક્ત નું સારું કરવા જ બેઠા છે…જે આપણા માટે સારું હશે એ જ આપશે….બાકી નહીં આપે.. અને આપણી પ્રાર્થના સફળ ન થાય એટલે આપણે સત્સંગ માં થી પડી જઈએ છીએ….એ જ અજ્ઞાનતા છે. …સદાય યાદ રાખવું કે…દાસ ના દુશ્મન હરિ કોઈ દી હોય નહીં..!!
  • માટે જ જો સવળો વિચાર હોય કે એક ભગવાન જ સર્વકર્તાહર્તા છે તો પછી માનઅપમાન..સુખ દુઃખ..હરખ શોક.. શાને થાય??
  • આપણી પ્રાપ્તિ મોટી છે….સત્પુરુષ અને એમના થકી પ્રગટ પ્રમાણ ભગવાન મળ્યા છે પછી દુઃખ શાનું?? આ પ્રાપ્તિ અને એની પ્રતીતિ ..એનો મહિમા સદાયે દ્રઢ કરવો ….

મહંત સ્વામી મહારાજે હાકલ કરી હતી કે દિવાળી અને નવું વર્ષ તો નગર માં જ…! અને 14000 થી વધુ હરિભક્તો એ એનો અદભુત લાભ લીધો…..એના વીડિયો દર્શન રજૂ થયા…

ત્યારબાદ સભામાં ઉપસ્થિત સદગુરુ વિવેકસાગર સ્વામી એ સભાને પ્રસંગોચિત આશીર્વચન નો લાભ આપ્યો…જોઈએ સારાંશ

  • કેંનોપનિષદ નો એક પ્રસંગ છે કે દેવો ભગવાન ને લીધે વિજય ને પામ્યા પણ વિજય ને અંતે ભગવાન ને ભૂલી ગયા તો ભગવાને તેમને એ જ્ઞાન કરાવવા લીલા રચી….અહંકાર થી ગ્રસ્ત દેવો એક તણખલું પણ હલાવી ન શક્યા…અને છેવટે ભગવાન નો મહિમા સમજાયો….આપણું મન કહો કે ક્રિયા ..એ સર્વે પાછળ ભગવાન ની મરજી જ છે….એમનું જ બળ છે….જીવ ને કર્મ કરવા ની સ્વતંત્રતા આપે છે પણ ફળ તો ભગવાન જ આપે છે..
  • ભગવાન નું જ આ બધું છે…એમનું જ કરેલું છે….અને ભક્તો માટે જે કાંઈ થાય છે એ ભગવાન ની જ મરજી છે….જગત ના સર્વે રંગ રીતિઓ… રચનાઓ…ઋતુઓ કે વ્યવસ્થાઓ પાછળ ભગવાન જ છે….ભગવાન ને આમ કર્તાહર્તા સમજીએ તો જ અંતર માં શાંતિ રહે…..એ જે કરશે એ સારું જ કરશે પછી ફિકર કાહે કી??? લંડન માં મંદિર માટે લીધેલી જમીન નો કેસ હારી ગયા પણ પ્રમુખ સ્વામી મહારાજ નું રૂવાળું ય ન ફરક્યું….!!! અને છેવટે નિસડેન માં વિશાળ જગ્યા મળી…..
  • ભગવાન જે કરે એ સારા માટે જ હોય છે…..લાંબુ..શાંતિ થી વિચારો તો બધું સમજાય……કારણ કે ભગવાન પોતાના ભક્તો નું અહિત કરે જ નહીં……જે કરતા હશે એ સારા માટે જ હશે. ….કશું પોતાના પર લેવું જ નહીં….મેં કર્યું..મારા દ્વારા જ થયું…એમ વિચારી એ તો અહંકાર આવે અને પતન થાય…….પ્રમુખ સ્વામી એ મહાન કાર્ય કર્યા પણ ક્યારેય મેં કર્યું ..એવું કહ્યું નથી……સદાય નિર્માની રહ્યા…બધું ભગવાન ને જ સર્વકર્તાહર્તા સમજી ને જ વર્ત્યા…!!

સભામાં જાહેરાત થઈ કે- નવો વિભાગ ઉભો થયો છે…પસ્તી વિભાગ….ઘરની બધી પસ્તી નગરમાં રસોડા પાસે જમા કરાવવી…..સેવક તરીકે સેવા માટે લાભ લેવાનું ચાલુ જ છે….70 વર્ષ સુધી ના સશક્ત વ્યક્તિઓ સર્વે પોતાના નામ નોંધાવી શકશે. દર્શનાર્થીઓ કે જે બપોરે 2 વાગે થી ફ્રી… મફત એન્ટ્રી છે….કોઈ પૈસા લેવાના નથી….ખોટા મેસેજ લોકો થી ચેતજો…..દર્શનાર્થીઓ પોતાના નામ નોંધાવી શકશે. ….બાલી ઇન્ડોનેશિયા માં G20 દેશોના ધાર્મિક ગુરુઓ ભેગા થયા હતા…..જેમાં આપણા મહામહોપાધ્યાય ભદ્રેશ સ્વામી ગયા હતા……આવતા રવિવારે એ પોતે આપણી રવિસભા માં લાભ આપશે…

આજની સભા નો એક જ સાર……આપણા થી તો એક સૂકું તરણું પણ ઉપડે તેમ નથી…એક ભગવાન જ સર્વકર્તાહર્તા સમજીશું તો જ જીવન જીવવા માં…સર્વે ક્રિયામાં નિમિત્ત ભાવ રહેશે….સુખ શાંતિ રહેશે….બ્રહ્મરૂપ થવાશે…..

સર્વ હરિ નું જ……માર્ગ પણ એ જ ….ગંતવ્ય પણ એ જ…..! સર્વે ક્રિયા એની પ્રસન્નતા ના અર્થે જ કરવી…..એ જ નિમિત્ત ભાવ….સાક્ષીપણું…. સ્થિતપ્રજ્ઞતા….

સદાય પ્રથમ શ્રીહરિ ને રે……

જય સ્વામિનારાયણ

રાજ


Leave a comment

BAPS રવિસભા- 16/10/22

“….ભગવાનને વિષે જ એક કર્તાપણું સમજવું એ જ કલ્યાણનું પરમ કારણ છે…….અને જે તપ કરવું તે તો ભગવાનની પ્રસન્નતાનું કારણ છે. અને તે તપને વિષે પણ જેવો રાધિકાજી તથા લક્ષ્મીજી ભગવાનને વિષે પ્રેમલક્ષણા ભક્તિએ કરીને ભાવ રાખે છે તેવો ભાવ રાખવો. અને જો તપ ન કરે ને ભગવાનને જ સર્વકર્તા જાણે તોય પણ જન્મ-મરણના દુઃખથી તો જીવ તરી જાય, પણ તપ કર્યા વિના તે જીવ ઉપર ભગવાનનો રાજીપો થાય નહીં. અને જે જીવ ભગવાનને સર્વકર્તાહર્તા નથી જાણતો તો તેથી બીજો કોઈ પાપી નથી……

….જેનો સંગ કર્યા થકી તથા જે શાસ્ત્ર સાંભળવા થકી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈને સ્વામીસેવકભાવ ટળી જતો હોય, તો તે સંગનો તથા તે શાસ્ત્રનો શ્વપચની પેઠે તત્કાળ ત્યાગ કરવો……”

ત્યાગી ભક્ત હોય તેને તો ભગવાનને સર્વકર્તા જાણીને, તપે કરીને જ ભગવાનને રાજી કરવા અને રાધિકાજી તથા લક્ષ્મીજી તેની પેઠે ભગવાનને પ્રેમલક્ષણા ભક્તિએ કરીને ભજવા, એ અમારો સિદ્ધાંત છે………..

……અમારો તો એ જ ઇશક છે ને એ જ સિદ્ધાંત છે જે, ‘તપે કરીને ભગવાનને રાજી કરવા ને ભગવાનને સર્વેના કર્તાહર્તા જાણીને અને સ્વામીસેવકને ભાવે કરીને તે ભગવાનની ભક્તિ કરવી. અને કોઈ રીતે તે ભગવાનની ઉપાસના ખંડન થવા દેવી નહીં.’ માટે તમો પણ સર્વે આ અમારા વચનને પરમ સિદ્ધાંત કરી માનજ્યો……”

— ભગવાન શ્રી સ્વામિનારાયણ… વચનામૃત કારીયાણી 10

આજે રવિસભા પ્રત્યક્ષ રૂપે શાહીબાગ હતી પણ પરોક્ષ રૂપે શતાબ્દી મહોત્સવ નગર માં હતી , કારણ કે અડધું અમદાવાદ સત્સંગ મંડળ “ટાણા”ની સેવા કરવા નગરે ઉમટયું હતું……ચાલો એ સૌને સાષ્ટાંગ દંડવત સહિત જય સ્વામિનારાયણ કહી ને …સર્વે ના કારણ… ક્ષેત્રજ્ઞ એવા શ્રીહરિ…મારા વ્હાલા ના દર્શન કરીએ…

સભાની શરૂઆત, સંતો યુવકો દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થી થઈ…….ત્યારબાદ એક યુવક દ્વારા..” વંદન ગુરુજી…વંદન પ્રમુખજી…..સેવામાં રાખો સદાય…..” વનમાળી દાસ રચિત પદ રજૂ થયું. ગુરુ આજ્ઞા એ પ્રવૃત્તિ માં જોડાઈ , કેવળ એક હરિ ની પ્રસન્નતા અર્થે પ્રવૃત્તિ કરવી , એ પણ નિષ્કામી ભક્તિ નો એક પ્રકાર છે……..અને આ પણ બ્રહ્મરૂપ થવાનો માર્ગ છે……. ગુરુ આજ્ઞા એ થતી સર્વે ક્રિયાઓ…ભક્તિ રૂપ હોય છે…..! એ પછી પૂ. કૃષ્ણ સ્વરૂપ સ્વામી દ્વારા બ્રહ્માનંદ સ્વામી રચિત અદભુત જોશીલું પદ “આજ મને સામે મળ્યો છે અલબેલો….” રજૂ થયું……! અદભુત પદ……એ અલબેલો…રંગડા નો રેલો આપણા હૃદય માં યથાર્થ વસી જાય એટલે ભયો..ભયો…!! ત્યારબાદ સારંગપુર થી પધારેલા એક સાધક દ્વારા “પ્રમુખજી….છોજી અમારું જીવન…..” કોઠારી બાપા ભક્તિપ્રિય સ્વામી રચિત પદ નો લાભ મળ્યો…..સત્પુરુષ જો આપણો આત્મા બને તો એના જેવા ગુણ આપણા થાય અને બ્રહ્મ સંગાથે બ્રહ્મરૂપ થવાય……એમાં કોઈ શક નથી.

ત્યારબાદ 28 સપ્ટેમ્બર ના રોજ મહારાષ્ટ્ર ના તીર્થસ્થાન નાસિક માં નવીન ભવ્ય મંદિર ની પ્રતિષ્ઠા વિધિ દર્શન નો વીડિયો દ્વારા સૌને લાભ મળ્યો….

ત્યારબાદ પૂ. પ્રિય સ્વરૂપ સ્વામી દ્વારા વચનામૃત કારીયાણી 10 ના આધારે રસપ્રદ પ્રવચન નો લાભ મળ્યો….જોઈએ સારાંશ….

  • શરદ ઋતુ માં રચાયેલું આ વચનામૃત છે…..શ્રીજી મહારાજ ને તાવ ની કસર જણાય છે…આમાં ભગવાન નું મનુષ્ય ચરિત્ર દેખાય છે. મહારાજ ની આ કસર જ ભક્તો ને માટે કઠણ કાળ સમાન છે…આમ ભક્ત ભગવાન નો પરમ સ્નેહ અહીં દેખાય છે.
  • આવો જ સ્નેહ આજે પણ સત્પુરુષ અને હરિભક્તો વચ્ચે જોવા મળે છે…અમદાવાદ ના રામચંદ્ર ભાઈ બારોટે, પ્રમુખ સ્વામી મહારાજ ને આંખ માં તકલીફ થાય ત્યારે ભગવાન ને પ્રાર્થના કરી કે એ આંખ ની તકલીફ અમને થાય પણ બાપા ને ન થાય….!!
  • ભગવાન ને સર્વ કર્તાહર્તા સમજી….એમના સ્વરૂપ અને મહિમા સમજી ને….કેવળ એમની પ્રસન્નતા અર્થે જ….એમને સ્વામી જાણી ને જ જે તપ થાય….સેવા થાય….તે જ ઉત્તમ છે…મોક્ષ નું કારણ છે….
  • સર્વે જીવ ના કાળ કર્મ ના ફળપ્રદ દાતા એક ભગવાન જ છે….માયા ના આવરણ થી જીવ ના સ્વભાવ ઘડાય છે….પણ સર્વ જીવ ના નિયંતા એક ભગવાન જ છે. આમ ભગવાન નું કર્તાપણું સમજવું એ મોક્ષ નું એક કારણ છે…ગ.પ્ર 65 માં કહ્યું તેમ…ભગવાન જીવ ને શક્તિ- જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ,ક્રિયા શક્તિ- આપે છે…જીવ સુષુપ્તિ માં જાય ત્યારે એને કશું જ જ્ઞાન નથી હોતું..પણ એ સુષુપ્તિ માં થી જગાડનાર એક ભગવાન જ હોય છે…..આમ મહિમા સમજવો
  • ઘણીવાર જીવ બધો મહિમા સમજે અને વર્તે તો ય દુઃખ આવે છે …કેમ?? એની પાછળ ભગવાન નો હેતુ જીવ ના કલ્યાણ માટે જ હોય છે…..શૂળી નો ઘા સોય તો ટાળવા માટે જ ભગવાન આવું કરે છે…..જીવ ના મોક્ષ માટે પણ ભગવાન આવું કરે છે….જીવ ની મોહ માયા..અહં મમત્વ તૂટે…મુક્ત થઈ પરમ પદ ને પામે એ જ ભગવાન અને મોટા પુરુષ નો સ્વાર્થ હોય છે……ગ.પ્રથમ 62 મુજબ તો ભગવાન ક્યારેક ભક્ત ની નિષ્ઠા ચકાસવા તેની કસોટી કરતા હોય છે…..!! અદભુત…અદભુત…!!
  • જીવ જો ભગવાન નો આ મહિમા..આ સ્વરૂપ…આ લીલા જાણે….સર્વ કર્તાહર્તા પણુ… સમજે… તો જીવ બ્રહ્મરૂપ થઈ એક ભગવાન ને પામે છે……જીવ નિર્ભય થઈ જાય છે……નચિંત થઈ જાય છે…..દરેક ક્રિયામાં એક ભગવાન ની આજ્ઞા માં સહજ વર્તાય છે…કોઈ સ્વભાવ નડતા નથી…મનમાં સહેજ પણ પ્રશ્ન ..સંકલ્પ કે વિકલ્પ થતા નથી……આપણા ગુણાતીત ગુરુઓ ના જીવન માં આવી નિષ્ઠા સ્પષ્ટ દેખાય છે……સદાયે હળવાફુલ…. સદાય સ્થિર….સહજ આનંદ માં દેખાય છે……
  • બસ ..આ જ સમજવા માટે ભગવાન ને સદાય પ્રાર્થના કરવી….અને વર્તવું.

અદભુત પ્રવચન…..!! ત્યારબાદ પૂ. ઈશ્વર ચરણ સ્વામી એ પ્રસંગોચિત આશીર્વચન નો લાભ આપતા કહ્યું કે- ભગવાન ને રાજી કરવા તપ કરવું…અને મોક્ષ માટે તો એક ભગવાન ને જ સર્વ કર્તાહર્તા જાણવા..સમજવા એ જ છે….આશાભાઈ.. ઈશ્વરભાઈ નું સર્વસ્વ આગમાં ખાખ થઈ ગયું છતાં શાસ્ત્રીજી મહારાજ ને સેવા કરી ને રાજી કર્યા….પ્રમુખ સ્વામી મહારાજે એમના સેવાકાળ માં અતુલ્ય કાર્યો… પ્રગતિ કરી પણ બધું જ એક શ્રીજી દ્વારા જ થયું છે એવો વિચાર સદાય રહ્યો છે…એવો ભગવાન નો સર્વ કર્તાહર્તા નો ભાવ સમજાય તો જીવ ક્યાંય પાછો ન પડે…ડગી ન જાય…! આવા પ્રમુખ સ્વામી મહારાજ નો શતાબ્દી ઉત્સવ અત્યંત ધામધૂમ થી થવાનો છે….લગભગ 50000 જેટલા સ્વયંસેવક સમૈયા માં થવાના છે…..અમેરિકા અક્ષરધામ માં પણ હરિભક્તો તન મન ધન થી સેવામાં ખૂબ મંડી પડ્યા છે…..જોરદાર સેવા સૌ કરી રહ્યા છે….સત્સંગ ની પ્રગતિ કલ્પના બહાર ની થઈ છે….હરિભક્તો..સંતો..મંદિરો ના અદભુત કર્યો થઈ રહ્યા છે…આપણે અત્યારે ટાણા ની સેવામાં જોડાઈ જવું…..

એ પછી જાહેરાત મુજબ…અમદાવાદ ના વાસુદેવ ભાઈ મિસ્ત્રી ના પુત્ર..એકના એક પુત્ર જે એન્જીનીયર… IIM માં થી MBA થયેલા હાર્દિકભાઈ મિસ્ત્રી, અને અન્ય યુવક વિજયરાજ ભાઈ , અને ભાવેશભાઈ પટેલ (વિધવા મા નો એક માત્ર પુત્ર) દીક્ષા લેવાના છે તેમનું અભિવાદન થયું……!! અદભુત….અદભુત….!! દિવાળી ઉત્સવ માં લગભગ 10000 થી વધુ હરિભક્તો શતાબ્દી નગર માં સેવામાં જોડાવા ના છે…..! અદભુત…..! 24 તારીખે સાંજે…દિવાળી ના દિવસે ચોપડા પૂજન થવાનું છે…25 તારીખે ગ્રહણ ની સભા છે….26 તારીખે સવારે નૂતન વર્ષ ની મહાપૂજા, અન્નકૂટ દર્શન નો લાભ મળશે.

આજની સભાનો એક જ સાર હતો કે– આ સત્સંગ એ શ્રીજી નો જ સંકલ્પ છે…જે કાંઈ થઈ રહ્યું છે…અને થશે એ કેવળ અને કેવળ શ્રીજી મહારાજ ના સંકલ્પ મુજબ જ…એમની મરજી અનુસાર જ થાય છે…એમ શ્રીહરિ નું સર્વકર્તા હર્તા પણુ મનાશે… સમજાશે તો જીવન માં આપણે સ્થિતપ્રજ્ઞ બનીશું…બ્રાહ્મી સ્થિતિ સહેજે પ્રાપ્ત થશે….કલ્યાણ થશે….!! એક એમની મરજી એ જ આપણું પ્રારબ્ધ….એમનો રાજીપો એ જ આપણું કર્મ….આપણું જીવન

સદાય પ્રથમ શ્રીહરિ ને રે…..

જય સ્વામિનારાયણ..

રાજ


Leave a comment

BAPS રવિસભા-12/06/2022

” આપણે સૌએ ઝેર ખાઈ ને પણ સંપ રાખવો પડશે…..”

— બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ

આજ ની સભા સત્પુરુષ ને સંગાથે ..આપણા સત્સંગ નો મધ્યવર્તી વિચાર પૈકી નો એક….સંપ…વિષય ની ગહનતા ને સમજવાની હતી..સંપ એ એક દૈવી લક્ષણ છે…મોક્ષ પ્રાપ્તિ નો એક માર્ગ છે અને ..આપણા ગુણાતીત ગુરુઓ નો.રાજીપો એ જ હતો…..અને સભાનો સમય અહીં ઉપર લખ્યા મુજબ 6 થી 8 નો હતો…પણ જેમ લોહચુંબક નો પર્વત હોય અને સર્વે લોહતત્વ ખેંચાઈ આવે તેમ આજે સત્પુરુષ ની પ્રત્યક્ષ હાજરી ને માણવા સભાગૃહ ના બંને માળ લગભગ 5 વાગ્યા થી જ છલોછલ ભરેલા હતા….! ચાલો એ મોજ સાથે મારા વ્હાલા ના આજના દર્શન…

સભાની શરૂઆત યુવકો દ્વારા સ્વામિનારાયણ ધૂન થી થઈ …ત્યારબાદ મિત્ર ધવલ દ્વારા પરમ ભક્તરાજ મોતીભાઈ દ્વારા રચિત …પ્રસિદ્ધ એવું.. ” અમે સૌ સ્વામી ના બાળક…” પદ રજૂ થયું….! આપણે તો આપણા ગુરુ જ આપણી માં અને શ્રીજી આપણા બાપ…..! સત્સંગ માં આ સમજણ હોય તો બાકી શુ રહે?…ત્યારબાદ યુવકો દ્વારા…જેને સમગ્ર જગત જાણે છે અને ઓળખે છે ..એ પદ…” અમારો બીએપીએસ પરિવાર…સંપીલો પરિવાર…” રજૂ થયું. …આ પદ એ બ્રહ્મસત્ય છે….અને આ પરિવાર ભાવના ને હજુ પણ વધુ મજબૂત કરવાની છે….સત્પુરુષ અને શ્રીજી ની અનુવૃત્તિ…રાજીપો એ જ છે.

આજે સભામાં સદગુરુ વિવેકસાગર સ્વામી હાજર હતા અને સંપ , સુહર્દ ભાવ અને એકતા- પર એમના પ્રવચાન નો લાભ મળ્યો…જોઈએ સારાંશ…

  • સંપ એ સૃષ્ટિ ના સંચાલન ..અસ્તિત્વ માટે અનિવાર્ય છે.
  • આપણા ગુણાતીત ગુરુઓ નો રાજીપો આ જ છે…..યોગી બાપા તો પોતાનો રાજીપો ખાસ દર્શાવતા….ગુણાતીતાનંદ સ્વામી તો તિર ના ભાથા ની વાત કરતા …..
  • સંઘ માં બધાના મન એક હોવા જોઈએ…..એક અવાજ આવવો જોઈએ…..એક નિષ્ઠા હોવી જોઈએ..
  • જો નિષ્ઠા માં ગડબડ હોય તો સંપ તૂટી જાય…..ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર અને સહજાનંદ સ્વામી એ જ પુરુષોત્તમ…એમ દ્રઢ હોવું જોઈએ …ન હોય તો સમસ્યા થાય
  • એક જ ગુરુ…એક જ સિદ્ધાંત હોય તો સંપ સદાય રહે….
  • પ્રમુખ સ્વામી મહારાજે બધા વર્ણ..દેશ..ભાષા …રંગ…સમાજ ના સાધુ કર્યા…જે બધા આજે એક છે….એક રુચિ છે….કોઈ ભેદ નથી..કોઈના કોઈ અંગત મંડળ નથી……
  • 1905 માં શાસ્ત્રીજી મહારાજ વડતાલ થી અલગ પડ્યા અને એ પછી ઘણા વર્ષો બાદ બંધારણ ઘડાયું….છતાં કોઈનો વિચાર અલગ ન પડ્યો…કોઈ વિવાદ ન થયો…
  • પ્રમુખ સ્વામી એ એક પત્ર લખ્યો અને લાખો હરિભક્ત કોઈ વિવાદ કે અવળા વિચાર વગર મહંત સ્વામી માં એક થઈ જોડાઈ ગયા…..આવી એકતા આપણે ત્યાં છે.
  • શ્રીજી મહારાજે કહ્યું કે સુહર્દ પણુ મારો ભાવ છે…..સુહર્દ ભાવ એટલે મિત્ર ભાવ…..યોગીબાપા એ આ માટે સહન કર્યું…માર ખાધો…નમ્યા..ખમ્યા…. ગુણ જ જોયા….અવગુણ સહેજ પણ ન જોયો….
  • ભગવદીમાં સુહર્દ પણુ…ને ગુણાતીતાનંદ સ્વામી એ જીવ નું જીવન કહ્યું છે…..
  • પ્રમુખ સ્વામી કહેતા કે બધા નો મહિમા હોય તો સંપ, સુહર્દ ભાવ ની વાત જ ન કરવી પડે….અભાવ અવગુણ ની વાત કરવા થી સુહૃદભાવ તૂટે…
  • યોગીબાપા કહેતા કે જેના હૃદય માં આજ્ઞા ઉપાસના દ્રઢ હોય તેનો સુહર્દ ભાવ રાખવો….સત્સંગ માં ઠાઠા ઠાબળા જેવો હોય તેનો.પણ અવગુણ ન લેવો…
  • ગુણાતીત પુરુષો સંપ…એકતા…સુહર્દ ભાવ ના ભૂખ્યા હોય છે…..એના વગર સત્સંગ થશે જ નહીં…બધા નો મહિમા સમજવો…
  • પ્રમુખ સ્વામી કહેતા કે મહિમા હોય તો- ઘસાવું… ખમવું….મનગમતું મૂકી દેવું…અનુકૂળ થવું…….એ બધું સહેજે થાય……યોગી ગીતા માં તો કહ્યું છે કે પોતાનો એકડો સાચો કરવાનો આગ્રહ રાખવો નહિ…
  • મહંત સ્વામી તો કહે છે કે સંપ રાખે એ બુદ્ધિમાન…નહીતો બુદ્ધુ….!! કામ ક્રોધદિક વિકાર સંપ થી ટળે…અંત્ય 7 માં સંપ કે પક્ષ માટે આ જ વાત કરી છે…
  • સંપ કેમ તૂટે- ધ્યેય અસ્પષ્ટ હોય….અહં મમત્વ હોય…ગુરુ ના વચનો માં વિશ્વાસ ન હોય….મન મૂકી ન શકતો હોય…
  • જીવ સાટે પણ સત્સંગી નો પક્ષ રાખવો……આપણા સંપ્રદાય નો ઇતિહાસ આવા પ્રસંગો થી ભરપૂર છે……સ્વામી શ્રીજી નો રાજીપો મેળવવો હોય તો ભગવદી નો પક્ષ રાખવો….
  • આપણી સંસ્થા નો આજે જે વિકાસ થયો છે..એનું કારણ સંપ રાખવો……માટે જ બાપા કહેતા એમ ઝેર ખાઈ ને પણ સંપ રાખવો….

ત્યારબાદ પ.પૂ.સ્વામી શ્રી ની સભામાં પધરામણી થઈ….અને પ.ભ.રાજેશભાઇ જેઠવા દ્વારા લિખિત ” સંપ એટલે શું” વિષય આધારિત એક સંવાદ રજૂ થયો….ચાર ભાઈઓ સંપ ને આધારે દરિયાદેવ ને પ્રસન્ન કરી ગરીબીમાં થી બહાર આવ્યા….એ વાર્તા પર આધારિત અદભુત સંવાદ હતો. પરિવાર માં સંપ ..એકતા હશે તો બધુંય સુખ હશે……

આપણા ગુરુ અને સદગુરુ ઓ ..સંતો વચ્ચે જે સંપ છે..તેને કોઈ તોડી ન શકે….એ પ્રસંગ પાર આધારિત એક પ્રશ્નોત્તરી થઈ…..સદગુરુ સંતો ને વિવિધ પ્રસંગો ને આધારે પ્રશ્નો પૂછ્યા અને તેનો ઉત્તર મળ્યા તેના પર થી આપણ ને એમની વચ્ચે સંપ છે…એનો મહિમા જાણવા મળ્યો. જોઈએ સારાંશ માત્ર…

  • પૂ.ઘનશ્યામ બાપા એ કહ્યું કે….ત્યાગ સ્વામી બધાને મહિમા થી જ જુએ…..નાના માં નાનો હરિભક્ત હોય…પણ બધાને સાચવે….એટલે જ આપણી સંસ્થાનું આ ગૌરવ છે
  • પૂ.વિવેકસાગર સ્વામી એ કહ્યું કે- પૂ.કોઠારી સ્વામી ખાસ મિત્ર..સાથે રહ્યા છીએ…કોઠારી સ્વામી સાધુતા ની મૂર્તિ..અતિ નિષ્કામી…પૂ.ડોક્ટર સ્વામી પણ અતિ નિષ્ઠાવાન…સાધુતા ની મૂર્તિ….એમની આગળ આપણું કાઈ ન ચાલે….એમના થી અમારું નભે…
  • પૂ.ઇશ્વરચરણ સ્વામી એ કહ્યું કે- યોગીબાપા એ બધાના માહિમાની વાતો કરી…જેથી અમારામાં ગુણ આવ્યા…બધા સદગુરુ સંતો નો મહિમા જાણી એ સમજીએ છીએ….એ મુજબ જ મોટેરા ઓ ને પૂછી ને જ કાર્ય કરવું….સર્વે ની નિષ્ઠા, સાધુતા, નિર્માની પણુ, દાસભાવ…વગેરે ગુણો પ્રત્યક્ષ જોયા છે….માટે જ મહિમા છે…યોગીબાપા ની કૃપા છે
  • પૂ.ત્યાગ વલ્લભ સ્વામી એ કહ્યું કે– જોગી બાપા એ આજ્ઞા કરી અને સાથે ના સંતો નો દાખડો જોયો…ગુણ આવ્યા..અને આ સંતો ની મદદ..સહકાર થી રસોઈ સેવામાં જોડાઈ ગયા….
  • પૂ.કોઠારી બાપા એ કહ્યું કે- જોગીબાપા એ એવું ઘડતર કર્યું કે..દાસ ના દાસ થઈ ને રહ્યા….દરેક નો મહિમા સમજ્યા…મોટા પુરુષ ને રાજી કરવા બધું કરવું…..સેવા મોટા ભાગ્ય થી મળી છે….એમ સમજી ને સેવા કરી લેવી…
  • પૂ.ડોક્ટર સ્વામી એ કહ્યું કે- જોગીબાપા સંપ…ની વાત સદાય કરતા….એને સમજતા…મહંત સ્વામી ની આજ્ઞા માં રહેવાની વાત કરતા પછી સંશય શાનો? જોગીબાપા ને કોઈના અવગુણ ની વાત કરવી સાંભળવી ગમતી જ નહીં…અને આપણે એમની આજ્ઞામાં જ રહેવાનું ….એમને જ રાજી કરવાનું. સંપ નો મહિમા સમજ્યા….એ છે તો બધું જ છે.
  • પ.પૂ.મહંત સ્વામી મહારાજે કહ્યું કે- આ બધું યોગીબાપા ના હેત થી જ થયું છે…જોગીબાપા સંપ..સુહર્દ ભાવ એકતા ની રોજ વાત કરતા અને અમે બધા ઘડાઈ ગયા….આ બધા ગુણ પહેલા આપણે પોતે કેળવવા પડે પછી બીજા ને વાત થાય…..

ત્યારબાદ પૂ.સંતો દ્વારા વિવિધ હાર થી સ્વામીશ્રી નું અભિવાદન થયું….અને મહંત સ્વામિ મહારાજ નું માનીતું ..ગુણાતીત નું પોતીકું -એવા સંપ અને BAPS એક પરિવાર – ના સૂત્ર ને ચરિતાર્થ કરતાં- સર્વે સંતો અને હરિભક્તો એ એકબીજા ના હાથ પકડી- સર્વે એક પરિવાર ના સભ્ય હોવાનું રજૂ કર્યું…..સ્વામીશ્રી ના મુખારવિંદ પર આ જોઈને અખંડ શાંતિ અને સંતોષ ની લાગણી સ્પષ્ટ દેખાતી હતી..!…અને છેલ્લે સ્વામીશ્રી નીચેના સભાગૃહ માં બેઠેલા હરિભક્તો ને લાભ આપવા ત્યાં પધાર્યા…સૌએ baps એક પરિવાર- ના સૂત્રો થી અને માનવ સાંકળ થી એમને ખૂબ ખૂબ રાજી કર્યા….

ટૂંકમાં- આજની સભાનો એક જ સાર હતો…કે સત્પુરુષ અને ભગવાન ના ગમતા માં જ રહેવું…પોતાનું મનધાર્યું મૂકી જ દેવાનું….સંપ એ ગુણાતીત ..દૈવી ગુણ છે….જો પરિવાર હોય કે સત્સંગ..આપણે એક હોઈશું તો બધું જ લેખે લાગશે……!

સમજતા રહેજો….સંપ…એકતા…સુહર્દભાવ શબ્દ સામાન્ય લાગે છે પણ…મોક્ષમાર્ગ માં એનું મહત્વ સર્વોપરી છે…એની હાજરી અનિવાર્ય છે….એ સિવાય આપણી બ્રહમરૂપ થવાની સાધના અધૂરી રહેશે….

સદાય …પ્રથમ શ્રી હરિ ને રે….

જય સ્વામિનારાયણ

રાજ


2 Comments

BAPS રવિસભા-29/05/2022

“..ભગવાનનું જે એક નિમિષમાત્રનું દર્શન તે ઉપર અનંત કોટિ બ્રહ્માંડનાં જે વિષયસુખ છે તે સર્વેને વારીફેરીને નાંખી દેઈએ અને ભગવાનના એક રોમમાં જેટલું સુખ રહ્યું છે તેટલું સુખ જો અનંત કોટિ બ્રહ્માંડનાં વિષયસુખ ભેળાં કરીએ તો પણ તેના કોટિમા ભાગની બરોબર પણ થાય નહીં…..”

ભગવાન શ્રી સ્વામિનારાયણ- વચનામૃત-સારંગપુર-1

સૌ અમદાવાદી હરિભક્તો ના હૈયા ના ઉમળકા ની વાત…..ગુરુ મહંત સ્વામી મહારાજ , સૌ અમદાવાદીઓ ના મનોરથ પુરા કરવા 1 લી જૂન થી અમદાવાદ ના આંગણે પધારી રહ્યા છે….અને એની અંતિમ તૈયારીઓ આજે સભામાં દેખાતી હતી…..સભાગૃહ છલોછલ ભરેલો હતો અને ઉત્સાહ પણ….!!! આ ઉત્સાહ અને આનંદ સાથે મારા વ્હાલા ને વધાવીએ….તેમના દિવ્ય દર્શન દ્વારા…

સભાની શરૂઆત , યુવક મિત્રો દ્વારા ધૂન અને પ્રાર્થના થી થઈ….માહોલ દિવ્ય દિવ્ય થઈ ગયો….!! એક યુવક મિત્ર જૈમીન વૈદ્ય દ્વારા …વલ્લભદાસ રચિત પદ ” જોગીડા નો જાદુ મારા હૃદયે રમે…..” રજૂ થયું……! જોગીબાપા ના સ્નેહ નો જાદુ …આજે આપણી સંસ્થા ના વરિષ્ઠ …સદગુરુ સંતો ને જોઈએ ત્યારે સમજાય છે કે……એ જાદુ કેવો હતો..!! કેવળ એમના સ્નેહ ને કારણે અનેક ભણેલા ગણેલા યુવકો એ સમય માં દુનિયા ની ચકાચૌધ છોડી વૈરાગ્ય ને પંથે હાલી નીકળ્યા……..! એ એક ચમત્કાર થી ઓછું નથી જ…..પૂ.ડોક્ટર સ્વામી કહેતા કે…અમે કોઈ સાધુ થાય એવા જ નહોતા….આ તો જોગીબાપા નો જ ચમત્કાર હતો…!..

આજે આપણી સભા માં પ્રસિદ્ધ ટીવી કલાકાર દિલીપભાઈ જોશી હાજર હતા….પૂ.યજ્ઞપ્રિય સ્વામી દ્વારા એમનું સ્વાગત થયું. એ એક સંનિષ્ઠ હરિભક્ત છે અને દરેક રવીસભા માં એ નિયમિત હાજર રહે છે….એમની સાથે સત્સંગ ને લગતી પ્રશ્નોત્તરી થઈ….અને એમના ઉત્તરો દ્વારા સર્વ ને પ્રેરણા મળી….જોઈએ માત્ર સારાંશ..એમના ઉત્તરમાં થી

  • દરેક રવિસભા અચૂક ભરવી….પ્રશ્નો અનેક આવે પણ મોટા પુરુષ ની આજ્ઞા પ્રમાણે રવિસભા માં હાજર રહેવું….આપણા બધા પ્રશ્નો ના ઉત્તર અહીં મળશે…સાઈકીયાટ્રિક પાસે જવાની જરૂર નહીં પડે….બીજો વિચાર કરવો જ નહીં…
  • ધર્માદો આપણી આવક ને શુદ્ધ કરે છે……ઘરમાં શુદ્ધ લક્ષ્મી આવે એમાં જ સુખ છે….આમે ય આપનાર પણ એ જ છે…અને એને જ પાછું આપવા નું છે….આપણે તો નિમિત્ત માત્ર છીએ….લક્ષ્મી નો સારા..સાચા માર્ગે અહીં ઉપયોગ થાય છે…
  • અન્ય ને સત્સંગ નો મહિમા કહેવો…આપણ ને જે પ્રાપ્ત થયું છે, એને બીજા સાથે વહેંચવું….એનું પણ કલ્યાણ થાય. સમય નો સદુપયોગ કરવો…ભગવાન અને બાપા માટે કાઢવો…
  • આહાર શુદ્ધિ સત્સંગ માં શક્ય છે…ઘરના લોકો સાથે હોય …એમનો સાથ હોય તો આ શક્ય છે….જમવાનું બનાવતી વખતે, બનાવનાર ના વિચાર પણ ખાનાર ને અસર કરે છે…માટે શરીર ના લાભ માટે…આહાર ઘર નો જ લેવો….
  • પ્રમુખ સ્વામી મહારાજ વિશે વિશેષ માં “જેને ગુણે રીઝયા ગિરધારી” પુસ્તક થી જાણ્યું…ઘણો પ્રભાવિત થયો…બીજાના ભલા માં આપણું ભલું- જો જીવન માં ઉતરે તો બાકી શુ રહે?? ગુરુ નો મહિમા સમજાયો પછી બાકી શુ રહે?? પૂર્વ ના પુણ્ય હોય ત્યારે આવો સત્સંગ મળે….બાપા કહે છે તેમ ..ભગવાન કરે તે સારું જ કરે…જીવન માં શાંતિ રહે તેનું કારણ એ જ છે
  • તિલક ચાંલ્લો…આપણી શાન છે…આપણું ગૌરવ છે…એમાં શરમ શાની?? એ ન હોય તો કૈંક ખૂટતું હોય એમ લાગે..
  • પ્રમુખ સ્વામી મહારાજ ની મુલાકાત મિત્ર નીતિન દેસાઈ દ્વારા થઈ…રૂબરૂ દર્શન નો લાભ નહોતો મળ્યો પણ સ્કૂટર ચલાવતી વખતે ..બાપાની વાત થઈ તો બાજુ ની જ એક ગાડી માં બાપા ના સાક્ષાત દર્શન થયા…!! ગુરુ એ સામે થી દર્શન આપ્યા….! આઠમ નો ઉપવાસ હતો અને શૂટિંગ માં એ જ દિવસે જમવાનો સીન કરવા નો હતો…આ ધર્મસંકટ માં બાપા એ માર્ગ બતાવ્યો અને સીન સફળતા થી ભજવાઈ ગયો.
  • મહંત સ્વામી મહારાજ સાથે નો પ્રસંગ- દિલ્હી મંદિર તરફ થી બાળકો ની સભા માં જવાનું હતું પણ એ જ દિવસે શૂટિંગ હતું. બાપા ની દયા થી શૂટિંગ કેન્સલ થયું અને આ સભામાં હાજર રહી શક્યો…..એ જ રીતે બાપા ની કૃપા થી મન ના સંકલ્પ મુજબ એમની દ્રષ્ટિ પડી….રૂબરૂ મળવાનું થયું અને બાપા એ હાર પહેરાવ્યો…સંકલ્પ પુરા કર્યા..
  • શતાબ્દી ઉત્સવ આવ્યો છે….બાપા એ જે કાર્ય કર્યું છે તે અતુલ્ય છે….કદાચ આપણ ને પૃથ્વી પર મનુષ્ય અવતાર મળ્યો છે એ આ ઉત્સવ માટે જ મળ્યો છે..એમ સમજવું….આપણા મોટા ભાગ્ય છે કે આપણ ને આ સેવા મળી છે….બસ , હવે આપણો વારો છે…..હાકલ છે…જોડાઈ જવું….

અંતે પૂ.કોઠારી સ્વામી ધર્મતિલક સ્વામી એ સ્મૃતિ ભેટ આપી એમનું સન્માન કર્યું…..! અદભુત વ્યક્તિત્વ…અદભુત નિષ્ઠા….અદભુત વાતો…!!

ત્યારબાદ વીડિયો ના માધ્યમ થી પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજ ના અમદાવાદ ખાતે ના દિવ્ય વિચરણ ની સ્મૃતિ ઓ ના દર્શન થયા…! અદભુત વીડિયો…!! અનંત સ્મૃતિઓ….અખંડ સ્મૃતિઓ….સર્વોપરી સ્મૃતિઓ….એક પળ પણ ન વિસરાય તેનું ધ્યાન રાખજો…

એ પછી પૂ.વિવેકજીવન સ્વામી એ પોતાના પ્રવચન માં કહ્યું કે…..( સારાંશ..)

  • સત્પુરુષ નો પ્રભાવ જ એવો છે કે આપણી સર્વ ઇન્દ્રિયો..અંતઃકરણ એમનામાં ખેંચાઈ જાય…
  • ભગવાન અને સંત 4 સાધન દ્વારા પોતાના ભક્તો ને સુખ આપતા હોય છે…– દર્શન, મળવું,વાતો અને પ્રસાદી..
  • ભગવાન નું નિમિષ માત્ર નું દર્શન ….સર્વોપરી છે એના તોલે કઇ ન આવે….એનું સુખ સાંગોપાંગ અનુભવાય છે…જીવ પુરણકામ થઈ જાય છે જ્યારે વિષય નું સુખ તો જે તે ઇન્દ્રિય પૂરતું જ હોય છે…..
  • મોટા પુરુષ ના અંગેઅંગમાં ભગવાન રહ્યા છે…એમના દર્શન માત્ર થી પણ આપણા સંકલ્પ સિદ્ધ થાય…અંતર માં શાંતિ થાય…..દર્શન એકાગ્રતા થી કરવા…મૂર્તિ અંતરમાં ઉતારવી….આડાઅવળા ડોલવું નહિ…..સ્થિર નેત્રો એ …દ્રષ્ટિ ને નિયમ માં રાખી ને ..મનન કરતા કરવું. સારંગપુર-2 ના વચનામૃત માં કુશલકુંવર બાઇ ની જેમ દર્શન કરવા.
  • મુંબઈમાં મહંત સ્વામી મહારાજે , સાત દિવસ ના અલગ અલગ સાત હાર બનાવ્યા હતા….યોગીજી મહારાજે આ સાતેય દિવસ ના હાર નું વર્ણન એક સાથે તાદ્રશ્ય કરી બતાવ્યું હતું…..કેવા દર્શન કર્યા હશે બાપા એ..!! આવી રીતે એકાગ્ર મને દર્શન કરવા ના છે….
  • એકાગ્રતા હોય….દર્શન ની તાલાવેલી હોય…લગની હોય તો દર્શન નું યથાર્થ સુખ આવે છે….મહિમા સાથે દર્શન કરવા થી…..એનું મનન કરવા થી…. દર્શન સુખ સદાય એવું ને એવુંજ રહે છે….
  • મહંત સ્વામી મહારાજ પધારવાના છે ….જગ્યા થોડીક ઓછી છે અને સત્સંગ ઘણો મોટો…માટે નિયમ ની મર્યાદા માં રહી…કાર્યકરો ની સૂચના મુજબ..વ્યવસ્થા જાળવી ને દર્શન નો લાભ લેવો….! નાની મોટી અગવડો જોઈને દર્શન ..સત્સંગ નું સુખ ન ગુમાવવું….મોટું મન રાખી..સ્વભાવ છોડીને…વ્યવસ્થા જાળવી ને આ અમૂલ્ય લાભ લઇ લેવો…

ત્યારબાદ સભામાં જાહેરાત થઈ કે…

  • શતાબ્દી સેવામાં સિવિલ એન્જીનિયરો ની તાત્કાલિક જરૂર છે….કાર્યાલય માં સંપર્ક કરવો
  • સ્વામીશ્રી..1 જૂન શાહીબાગ પધારવાના છે….સાંજે 6 થી 7 સ્વાગત સભા છે…વ્યવસ્થા પ્રમાણે સાથ આપવો…
  • કાર્યક્રમ મુજબ સવારે 6 વાગે આરતી..કથાવાર્તા…બાપા ની પૂજા દર્શન નો લાભ મળશે…સાંજે 6 થી 8 વિદ્વાન સંતો ના મુખે પારાયણ નો લાભ…બાપા ના સમીપ દર્શન નો લાભ મળશે…કાર્યકરો પાસ આપના વારા મુજબ પાસ આપને પહોંચાડશે….પાસ વગર પ્રવેશ મળશે નહીં….તારીખ પ્રમાણે જ પ્રવેશ મળશે….પાસ સાથે પ્રાર્થના પત્ર પણ મળશે…ઘરે થી લખી ને લાવવી…..ભોજન માટે પાસ અનિવાર્ય છે જે મંદિર સામે ના મેદાન માં આયોજન કરેલું છે…
  • જે તે વિસ્તાર ના પરા સભાઓ ચાલુ જ રહેશે…..વિવિધ સેવાઓ ની માહિતી કાર્યકરો દ્વારા આપ ને મળશે….

આજની સભાનો સાર એક જ હતો……..સત્પુરુષ અને ભગવાન ના રાજીપા અર્થે જીવાય એટલું જ જીવન આપણું સફળ જીવન…….! બસ , એ જ સત્પુરુષ અને ભગવાન ની મૂર્તિ ના એકાગ્ર ..સ્થિર મને દર્શન કરી ને અંતર માં સ્થિર કરવા….જેથી એ મૂર્તિ ની અખંડ સ્મૃતિ રહેશે તો ય આપણું કલ્યાણ પાકું…!!

અધ્યાત્મ ગહન શાસ્ત્ર છે, પણ જો ગુરુ ના રાજીપા માં રહેવાશે તો આ શાસ્ત્ર સહજ થઈ જશે….પહેલી નજરે ટાઈમપાસ લાગતી વાતો….જીવ ના મોક્ષનું કારણ બનશે….

સમજતા રહો……એમાં જ સુખ છે….

સદાય પ્રથમ શ્રીહરિ ને રે….

જય સ્વામિનારાયણ

રાજ