Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS રવિસભા- 16/10/22

“….ભગવાનને વિષે જ એક કર્તાપણું સમજવું એ જ કલ્યાણનું પરમ કારણ છે…….અને જે તપ કરવું તે તો ભગવાનની પ્રસન્નતાનું કારણ છે. અને તે તપને વિષે પણ જેવો રાધિકાજી તથા લક્ષ્મીજી ભગવાનને વિષે પ્રેમલક્ષણા ભક્તિએ કરીને ભાવ રાખે છે તેવો ભાવ રાખવો. અને જો તપ ન કરે ને ભગવાનને જ સર્વકર્તા જાણે તોય પણ જન્મ-મરણના દુઃખથી તો જીવ તરી જાય, પણ તપ કર્યા વિના તે જીવ ઉપર ભગવાનનો રાજીપો થાય નહીં. અને જે જીવ ભગવાનને સર્વકર્તાહર્તા નથી જાણતો તો તેથી બીજો કોઈ પાપી નથી……

….જેનો સંગ કર્યા થકી તથા જે શાસ્ત્ર સાંભળવા થકી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈને સ્વામીસેવકભાવ ટળી જતો હોય, તો તે સંગનો તથા તે શાસ્ત્રનો શ્વપચની પેઠે તત્કાળ ત્યાગ કરવો……”

ત્યાગી ભક્ત હોય તેને તો ભગવાનને સર્વકર્તા જાણીને, તપે કરીને જ ભગવાનને રાજી કરવા અને રાધિકાજી તથા લક્ષ્મીજી તેની પેઠે ભગવાનને પ્રેમલક્ષણા ભક્તિએ કરીને ભજવા, એ અમારો સિદ્ધાંત છે………..

……અમારો તો એ જ ઇશક છે ને એ જ સિદ્ધાંત છે જે, ‘તપે કરીને ભગવાનને રાજી કરવા ને ભગવાનને સર્વેના કર્તાહર્તા જાણીને અને સ્વામીસેવકને ભાવે કરીને તે ભગવાનની ભક્તિ કરવી. અને કોઈ રીતે તે ભગવાનની ઉપાસના ખંડન થવા દેવી નહીં.’ માટે તમો પણ સર્વે આ અમારા વચનને પરમ સિદ્ધાંત કરી માનજ્યો……”

— ભગવાન શ્રી સ્વામિનારાયણ… વચનામૃત કારીયાણી 10

આજે રવિસભા પ્રત્યક્ષ રૂપે શાહીબાગ હતી પણ પરોક્ષ રૂપે શતાબ્દી મહોત્સવ નગર માં હતી , કારણ કે અડધું અમદાવાદ સત્સંગ મંડળ “ટાણા”ની સેવા કરવા નગરે ઉમટયું હતું……ચાલો એ સૌને સાષ્ટાંગ દંડવત સહિત જય સ્વામિનારાયણ કહી ને …સર્વે ના કારણ… ક્ષેત્રજ્ઞ એવા શ્રીહરિ…મારા વ્હાલા ના દર્શન કરીએ…

સભાની શરૂઆત, સંતો યુવકો દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થી થઈ…….ત્યારબાદ એક યુવક દ્વારા..” વંદન ગુરુજી…વંદન પ્રમુખજી…..સેવામાં રાખો સદાય…..” વનમાળી દાસ રચિત પદ રજૂ થયું. ગુરુ આજ્ઞા એ પ્રવૃત્તિ માં જોડાઈ , કેવળ એક હરિ ની પ્રસન્નતા અર્થે પ્રવૃત્તિ કરવી , એ પણ નિષ્કામી ભક્તિ નો એક પ્રકાર છે……..અને આ પણ બ્રહ્મરૂપ થવાનો માર્ગ છે……. ગુરુ આજ્ઞા એ થતી સર્વે ક્રિયાઓ…ભક્તિ રૂપ હોય છે…..! એ પછી પૂ. કૃષ્ણ સ્વરૂપ સ્વામી દ્વારા બ્રહ્માનંદ સ્વામી રચિત અદભુત જોશીલું પદ “આજ મને સામે મળ્યો છે અલબેલો….” રજૂ થયું……! અદભુત પદ……એ અલબેલો…રંગડા નો રેલો આપણા હૃદય માં યથાર્થ વસી જાય એટલે ભયો..ભયો…!! ત્યારબાદ સારંગપુર થી પધારેલા એક સાધક દ્વારા “પ્રમુખજી….છોજી અમારું જીવન…..” કોઠારી બાપા ભક્તિપ્રિય સ્વામી રચિત પદ નો લાભ મળ્યો…..સત્પુરુષ જો આપણો આત્મા બને તો એના જેવા ગુણ આપણા થાય અને બ્રહ્મ સંગાથે બ્રહ્મરૂપ થવાય……એમાં કોઈ શક નથી.

ત્યારબાદ 28 સપ્ટેમ્બર ના રોજ મહારાષ્ટ્ર ના તીર્થસ્થાન નાસિક માં નવીન ભવ્ય મંદિર ની પ્રતિષ્ઠા વિધિ દર્શન નો વીડિયો દ્વારા સૌને લાભ મળ્યો….

ત્યારબાદ પૂ. પ્રિય સ્વરૂપ સ્વામી દ્વારા વચનામૃત કારીયાણી 10 ના આધારે રસપ્રદ પ્રવચન નો લાભ મળ્યો….જોઈએ સારાંશ….

  • શરદ ઋતુ માં રચાયેલું આ વચનામૃત છે…..શ્રીજી મહારાજ ને તાવ ની કસર જણાય છે…આમાં ભગવાન નું મનુષ્ય ચરિત્ર દેખાય છે. મહારાજ ની આ કસર જ ભક્તો ને માટે કઠણ કાળ સમાન છે…આમ ભક્ત ભગવાન નો પરમ સ્નેહ અહીં દેખાય છે.
  • આવો જ સ્નેહ આજે પણ સત્પુરુષ અને હરિભક્તો વચ્ચે જોવા મળે છે…અમદાવાદ ના રામચંદ્ર ભાઈ બારોટે, પ્રમુખ સ્વામી મહારાજ ને આંખ માં તકલીફ થાય ત્યારે ભગવાન ને પ્રાર્થના કરી કે એ આંખ ની તકલીફ અમને થાય પણ બાપા ને ન થાય….!!
  • ભગવાન ને સર્વ કર્તાહર્તા સમજી….એમના સ્વરૂપ અને મહિમા સમજી ને….કેવળ એમની પ્રસન્નતા અર્થે જ….એમને સ્વામી જાણી ને જ જે તપ થાય….સેવા થાય….તે જ ઉત્તમ છે…મોક્ષ નું કારણ છે….
  • સર્વે જીવ ના કાળ કર્મ ના ફળપ્રદ દાતા એક ભગવાન જ છે….માયા ના આવરણ થી જીવ ના સ્વભાવ ઘડાય છે….પણ સર્વ જીવ ના નિયંતા એક ભગવાન જ છે. આમ ભગવાન નું કર્તાપણું સમજવું એ મોક્ષ નું એક કારણ છે…ગ.પ્ર 65 માં કહ્યું તેમ…ભગવાન જીવ ને શક્તિ- જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ,ક્રિયા શક્તિ- આપે છે…જીવ સુષુપ્તિ માં જાય ત્યારે એને કશું જ જ્ઞાન નથી હોતું..પણ એ સુષુપ્તિ માં થી જગાડનાર એક ભગવાન જ હોય છે…..આમ મહિમા સમજવો
  • ઘણીવાર જીવ બધો મહિમા સમજે અને વર્તે તો ય દુઃખ આવે છે …કેમ?? એની પાછળ ભગવાન નો હેતુ જીવ ના કલ્યાણ માટે જ હોય છે…..શૂળી નો ઘા સોય તો ટાળવા માટે જ ભગવાન આવું કરે છે…..જીવ ના મોક્ષ માટે પણ ભગવાન આવું કરે છે….જીવ ની મોહ માયા..અહં મમત્વ તૂટે…મુક્ત થઈ પરમ પદ ને પામે એ જ ભગવાન અને મોટા પુરુષ નો સ્વાર્થ હોય છે……ગ.પ્રથમ 62 મુજબ તો ભગવાન ક્યારેક ભક્ત ની નિષ્ઠા ચકાસવા તેની કસોટી કરતા હોય છે…..!! અદભુત…અદભુત…!!
  • જીવ જો ભગવાન નો આ મહિમા..આ સ્વરૂપ…આ લીલા જાણે….સર્વ કર્તાહર્તા પણુ… સમજે… તો જીવ બ્રહ્મરૂપ થઈ એક ભગવાન ને પામે છે……જીવ નિર્ભય થઈ જાય છે……નચિંત થઈ જાય છે…..દરેક ક્રિયામાં એક ભગવાન ની આજ્ઞા માં સહજ વર્તાય છે…કોઈ સ્વભાવ નડતા નથી…મનમાં સહેજ પણ પ્રશ્ન ..સંકલ્પ કે વિકલ્પ થતા નથી……આપણા ગુણાતીત ગુરુઓ ના જીવન માં આવી નિષ્ઠા સ્પષ્ટ દેખાય છે……સદાયે હળવાફુલ…. સદાય સ્થિર….સહજ આનંદ માં દેખાય છે……
  • બસ ..આ જ સમજવા માટે ભગવાન ને સદાય પ્રાર્થના કરવી….અને વર્તવું.

અદભુત પ્રવચન…..!! ત્યારબાદ પૂ. ઈશ્વર ચરણ સ્વામી એ પ્રસંગોચિત આશીર્વચન નો લાભ આપતા કહ્યું કે- ભગવાન ને રાજી કરવા તપ કરવું…અને મોક્ષ માટે તો એક ભગવાન ને જ સર્વ કર્તાહર્તા જાણવા..સમજવા એ જ છે….આશાભાઈ.. ઈશ્વરભાઈ નું સર્વસ્વ આગમાં ખાખ થઈ ગયું છતાં શાસ્ત્રીજી મહારાજ ને સેવા કરી ને રાજી કર્યા….પ્રમુખ સ્વામી મહારાજે એમના સેવાકાળ માં અતુલ્ય કાર્યો… પ્રગતિ કરી પણ બધું જ એક શ્રીજી દ્વારા જ થયું છે એવો વિચાર સદાય રહ્યો છે…એવો ભગવાન નો સર્વ કર્તાહર્તા નો ભાવ સમજાય તો જીવ ક્યાંય પાછો ન પડે…ડગી ન જાય…! આવા પ્રમુખ સ્વામી મહારાજ નો શતાબ્દી ઉત્સવ અત્યંત ધામધૂમ થી થવાનો છે….લગભગ 50000 જેટલા સ્વયંસેવક સમૈયા માં થવાના છે…..અમેરિકા અક્ષરધામ માં પણ હરિભક્તો તન મન ધન થી સેવામાં ખૂબ મંડી પડ્યા છે…..જોરદાર સેવા સૌ કરી રહ્યા છે….સત્સંગ ની પ્રગતિ કલ્પના બહાર ની થઈ છે….હરિભક્તો..સંતો..મંદિરો ના અદભુત કર્યો થઈ રહ્યા છે…આપણે અત્યારે ટાણા ની સેવામાં જોડાઈ જવું…..

એ પછી જાહેરાત મુજબ…અમદાવાદ ના વાસુદેવ ભાઈ મિસ્ત્રી ના પુત્ર..એકના એક પુત્ર જે એન્જીનીયર… IIM માં થી MBA થયેલા હાર્દિકભાઈ મિસ્ત્રી, અને અન્ય યુવક વિજયરાજ ભાઈ , અને ભાવેશભાઈ પટેલ (વિધવા મા નો એક માત્ર પુત્ર) દીક્ષા લેવાના છે તેમનું અભિવાદન થયું……!! અદભુત….અદભુત….!! દિવાળી ઉત્સવ માં લગભગ 10000 થી વધુ હરિભક્તો શતાબ્દી નગર માં સેવામાં જોડાવા ના છે…..! અદભુત…..! 24 તારીખે સાંજે…દિવાળી ના દિવસે ચોપડા પૂજન થવાનું છે…25 તારીખે ગ્રહણ ની સભા છે….26 તારીખે સવારે નૂતન વર્ષ ની મહાપૂજા, અન્નકૂટ દર્શન નો લાભ મળશે.

આજની સભાનો એક જ સાર હતો કે– આ સત્સંગ એ શ્રીજી નો જ સંકલ્પ છે…જે કાંઈ થઈ રહ્યું છે…અને થશે એ કેવળ અને કેવળ શ્રીજી મહારાજ ના સંકલ્પ મુજબ જ…એમની મરજી અનુસાર જ થાય છે…એમ શ્રીહરિ નું સર્વકર્તા હર્તા પણુ મનાશે… સમજાશે તો જીવન માં આપણે સ્થિતપ્રજ્ઞ બનીશું…બ્રાહ્મી સ્થિતિ સહેજે પ્રાપ્ત થશે….કલ્યાણ થશે….!! એક એમની મરજી એ જ આપણું પ્રારબ્ધ….એમનો રાજીપો એ જ આપણું કર્મ….આપણું જીવન

સદાય પ્રથમ શ્રીહરિ ને રે…..

જય સ્વામિનારાયણ..

રાજ


Leave a comment

આજકાલ-09/08/2020

મારી છેલ્લી પોસ્ટ જૂન માસ માં હતી અને આજની પોસ્ટ ઓગસ્ટ માં છે…આનો અર્થ એ થયો કે છેલ્લા બે મહિના થી હું ખૂબ કામ માં હતો………ખરેખર??? ઉત્તર છે …ના …અને પ્રમાણિક પણે કહું તો – પોસ્ટ ન મૂકી શકવા માટે મહદઅંશે મારી આળસ જવાબદાર હતી…!!! ..😑😉😉….જે હોય તે આ મૂઆ કોરોના ને લીધે જીવન ની પરિસીમાઓ….પદ્ધતિઓ ..ધર્મ નિયમો બધુ જ પ્રભાવિત થયું છે અને બ્લોગિંગ પણ એનાથી અછૂતું ન રહી શકે…..એ હકીકત છે……તો જોઈએ કોરોના થી ઘેરાયેલી આ જિંદગી….આ સમય ની સરવાણી માં આજકાલ શું ચાલે છે???

  • કોરોના- એ તો કદાચ કાયમ આપણી સાથે જ રહેવા નો…..! એનો ડર હવે જાણે કે જીવન નો એક ભાગ બની ને આપણી સાથે વણાઈ ગયો છે….ફેસ માસ્ક હવે રંગબેરંગી થઈ ગયા છે કારણ કે એ હવે આપણા રોજિંદા પહેરણ નો એક ભાગ જ બની ગયો છે. સેનેટાઇઝર , ઘર ના કરિયાણા ની જેમ યાદી માં ગોઠવાઈ ગયું છે….! કોરોના ગ્રસ્ત સ્નેહી સ્વજનો ની યાદી લાંબી થતી જાય છે અને લાગે છે કે બસ આપણે જ રહી ગયા…!!😊😊..હરિ સ્કૂલ ભૂલી ગયો છે…..એમેઝોન પ્રાઈમ અને નેટફ્લિક્સ પર મૂવીઝ હવે વિકેન્ડ્સ નો જ ભાગ થઈ ગયા છે….કોઈના ઘરે આવવા નું..જવાનું નહિ….જીવન એક વિડીયો કોલ જેવું થઈ ગયું છે…!તહેવારો નામ માત્ર ના રહી ગયા છે…..!! ઉફ્ફ…..આ કોરોના હજુ કેવા દિવસ બતાવશે….???કોને ખબર.?.હે શ્રીજી….!સત્સંગ- બધું ઓનલાઈન થઈ ગયું છે……શ્રીજી ના દર્શન થી લઈને સંતો ની ઓનલાઈન પધરામણી સુધી…..!!! મંદિર આગળ થી રોજ નીકળું છું, પણ બાઇક પર થી જ શીશ ઝુકાવી, સંતોષ માણવો પડે છે…….સત્સંગ ગોષ્ઠિ, કાર્યકર મિટિંગો, સમૈયા ઉત્સવો…..બધું જ થંભી ગયુ છે……સત્સંગ પર મારી પોસ્ટ પણ બંધ થઈ ગઈ છે……! હવે…બસ…એની મરજી…એ જ હવે આપણું જીવન….!!!સમાચાર પત્રો- રામ મંદિર  રચના ની શરૂઆત હૃદય ને શાંતિ પમાડે એવા સુખદ સમાચાર છે….છેલ્લા 500 વર્ષ થી લટકતો પ્રશ્ન અંતે સુખદ સમાધાન ને પામ્યો…….બસ હવે ભગવાન શ્રીરામ માત્ર મંદિર માં જ નહીં પણ સર્વે ના મન હૃદય માં પણ બિરાજમાન થાય….સર્વે ને સુખિયા કરે એટલે ભયો ભયો….!! સુશાંત સિંગ ના અકાળ મૃત્યુ અનેક પ્રશ્નો છોડી ને ગયું છે….મહારાષ્ટ્ર સરકાર શંકા ના ઘેરા માં છે જ……સ્વામી શ્રીજી ને પ્રાર્થના કે સત્ય બહાર આવે….! સાલું..જે પ્રમાણે આજકાલ આત્મહત્યા ના કિસ્સા વધી રહ્યા છે…એ પર થી પ્રશ્ન થાય છે કે માણસ ને જોઈએ છે શું?? આપણે સફળતા નિષ્ફળતા ને પચાવી શકતા કેમ નથી??? આપણા માં સહનશક્તિ કેમ કુંઠિત થઈ ગઈ છે…..???વરસાદ- સર્વત્ર છે….બસ અમદાવાદમાં જ જાણે કે મેઘરાજા રિસાયા છે…….વરસાદ પડે પણ ઝાપટા જેવો જ …! સારું છે…જો વરસાદ વધુ પડે તો યે અમદાવાદ છલકાઈ જાય છે અને ભૂવા રાજ પ્રગટી ઉઠે છે…..!! હરિ ઘર ની ગેલેરી માં થી જ વરસાદ નો સ્પર્શ કરી લે છે…..!!! અને રીના…. વરસાદ માં કપડાં ક્યાં સૂકવવા એની પળોજણ માં જ ગૂંચવાઈ જાય છે………!
તો….આ રહી મારી આજકાલ…..!! તમારી કેવી છે?? એનો જવાબ શોધતા રહેજો…..

સમય તો એની ગતિ માં ચાલતો જ રહેવા નો…..ભલે તમે એની સાથે ચાલો કે ન ચાલો……!!!

તો ચાલો, એની સાથે ચાલતા રહીએ……સમય ને માણતા રહીએ…..સ્વીકારતા રહીએ…..અને એનું નામ જ જીવન છે…..

રાજ


Leave a comment

આજકાલ-28/11/2019

……??? શુ કહું?? જીવન માં અમુક પ્રશ્ન એવા હોય છે કે…ઘડીકવાર થાય કે આ પ્રશ્ન ઉભો જ કઇ રીતે થયો? ખરેખર …આવા પ્રશ્ન ની જરૂર હતી??? વગેરે…વગેરે……ચાલ્યા કરે….!આખરે જીવન ની વ્યાખ્યા જ એ છે કે…..જે અનિશ્ચિત છે..તે જીવન છે……! અને પ્રશ્ન ની માયાજાળ પર તો પ્રશ્નોપનિષદ  રચાયું છે…તો આપણે કઈ વાડી ના મૂળા??? 😊

છોડો હરિકથા…..અને ચાલો જોઈએ શુ ચાલે છે આજકાલ???

  • આજે દિવ્ય ભાસ્કર માં આવ્યું છે કે…” ઇન્ડોનેશિયા માં લગ્ન પહેલા 3 મહિના નો કોર્સ ફરજીયાત….ફેલ થાય તો લગ્ન નહીં કરી શકે…” 😊😊 હાહાહા….. મને વિચાર આવે છે કે ભારત માં આવું કર્યું હોય તો?? સાલું..પ્રશ્ન જ એવો છે કે ઊંધા થઈ જવાય…!! લગ્ન પહેલા બધે જ સારી સારી સ્કીમ ચાલતી હોય છે….અને જેમ જેમ લગ્ન માં સમય પસાર થતો જાય તેમ તેમ ચળકાટ ઉતરતો જાય અને બરછટ સપાટી ઉપર આવે અને તમને છોલી નાખે…!! ભારત માં લગ્ન ખાલી બે વ્યક્તિ વચ્ચે નથી થતો…પણ આખું ગામ એમાં ભળેલું હોય છે….આથી પ્રશ્નો એક તરફ થી નહિ પણ અણધારી દિશામાં થી યે આવી શકે….!! એમાં આવા કોર્સ ની શુ હાલત થાય…?? મારો હરિ જાણે….🙄🙄🙄
  • મહારાષ્ટ્ર માં ભવાઈ ની ભાંજઘડ– ખરેખર મહારાષ્ટ્ર ના લોકો ને જોઈ ને દયા પણ આવે છે ‘ને હસવું પણ…..!! બધા પક્ષ પોતપોતાની ચડ્ડી ઓ ધોવા મંડ્યા છે….ને બિચારી જનતા વિચારે છે કે મારા વોટ ની કિંમત શુ?? સૌથી મોટો પક્ષ જેની સાથે ચૂંટણી લડ્યો તે તેની સામે જ આજે ઉભી છે…..ચોથા ક્રમે ધકેલાયેલી પાર્ટી આજે જનતા ના માથે બેસી રહી નાચી રહી છે…..અને જનતા….???? હશે…. ઘણીવાર જનતા પણ પદાર્થ પાઠ ને લાયક જ હોય છે……ઠેબે ચડે તો જ લોકશાહી માં શુ કરવું..ન કરવું સમજાય…!!
  • ખેડુતો ની રામાયણ- સાલું….એક તર્ક શાસ્ત્ર સમજાતું નથી કે…..ઓછો વરસાદ પડે તો યે સરકારે વળતર આપવા નું……ને વધારે વરસાદ પડે તો યે ખેડૂતો ને વળતર આપવા નું…!! અલ્યા…જેમાં તમને નફો ન મળતો હોય તો એવો ધંધો બંધ કરી..બીજું કૈક કરો ને……જનતાના મફત ના પૈસે જલસા કરવા ને બદલે..!! પાછી દાદાગીરી કેવી…….કે અમારી મગફળી ભીની હોય કે સડેલી…….સરકારે તેને નિશ્ચિત ભાવે ખરીદવી જ પડશે…..નહીંતર આંદોલન કરશું…! ઓત્તા રી……કુદરતી આફત આવે કે તમારી અજ્ઞાનતા….પાક નિષ્ફળ જાય તો સરકાર જવાબદાર?? અને જો વળતર ન આપે તો સરકાર સામે દાદાગીરી થી બાંયો ચડાવવા ની??? ખેતી સિવાય ના કયા ધંધા માં આટલા બધા જલસા છે??? જનતા અહીં ટેક્સ ભરી ભરી ને મરી જાય ને…ખેતી નામે વેપલો કરતા ખેડૂતો એક પાઈ પણ ટેક્સ ચૂકવ્યા વગર……મફત નો વીમો….મફત નો લઘુતમ ભાવ….મફત નું વળતર…..ચાઉ થઈ જાય તેવી વગર વ્યાજ ની લૉન……મફત વીજળી…..વગેરે..વગેરે…..મેળવે છતાં ઉણા ને ઉણા….. રોતા ને રોતા…!! ખરેખર …ખેડૂતો ને આવી ટેવો પાડી….. વોટબેંક ની રાજનીતિ કરનાર પીંઢારાઓ ને છડેચોક લટકાવવા જોઈએ….!! ખેતી કરવી કોઈ સેવા નથી…..એ એક ધંધો છે…ધંધામાં નફો પણ હોય અને નુકશાન પણ હોય…..ખેડૂતો એ આ વાત સમજવી જોઈએ….જવાબદારી સ્વીકારવી જોઈએ….અને દેશ ને લૂંટવામાં નહિ…..એના ઘડતર માં યોગદાન આપવું જોઈએ…! ઘણા ખેડૂતો આજે વૈજ્ઞાનિક પદ્ધતિ થી ખેતી કરી લાખો રૂપિયા કમાય છે….દેશ નું નામ ઊંચું કરે છે……
  • અત્યારે ન્યુઝ ચાલે છે……ડુંગળી ના ભાવ આસમાને….!! ન્યૂઝચેનલ છેલ્લા અડધો કલાક થી આ ફાલતુ મુદ્દા પર ચર્ચાઓ કરી રહી છે…..શુ આટલું હલકું લેવલ છે આપણા મીડિયા નું??? દેશમાં બીજા અનેકો મુદ્દા છે ચર્ચા કરવા…પણ ડુંગળી….!!! ?? હદ થાય છે….એક ડુંગળી ના ભાવ વધારા ને લીધે જે દેશ ની સરકારો ને હલાવવા માં આવતી હોય…તે દેશ..તે દેશ ની જનતા નો…બસ ભગવાન જ મલિક છે….!!! 😢😢😢
  • ઠંડી…..ડિસેમ્બર શરૂ થવા નો છે…ને હજુ પંખા ચાલુ કરવા પડતા હોય તો શું વિચારવું??? મિત્રો કહેતા હતા કે…આ વખતે છેક માર્ચ સુધી ઠંડી પડશે……!! જો એવું થાય તો …કેરીઓ ક્યારે આવશે?? …હાહાહા…….જે હોય તે…..અત્યારે તો હરિ…ઠંડી નું બહાનું કાઢી….સવારે વહેલા ઉઠવા માં ચરિત્ર કરે છે…..!!!

બજાર માં મેથી ની ભાજી સરસ મળતી થઈ ગઈ છે………………તો શું??? શું એટલે…?? યાર…..ગરમાગરમ ગોટા બનાવવા ના….ને મસ્ત મજા ની કેપેચીનો કોફી….!!! મજ્જા ની લાઈફ….!!

કેફ માં રહેવું….કેફ માં રહેવું…..!

રાજ


Leave a comment

ધન્ય ધન્ય સ્વર્ણિમ ગુજરાત…

જય જય ગરવી ગુજરાત………
આજે ગુજરાતની સ્થાપનાને પચાસ વર્ષ પુરા થયા. બૃહદ મહારાષ્ટ્ર થી ગુજરાતનું ભાષાને આધારે અલગ થવું એક સાતત્યપૂર્ણ કદમ હતું…..અને સરવાળે ફાયદો ભારતને જ થયો છે. ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્ય મહા-સંઘર્ષ પછી,આજે અલગ થયા પછી , પોત-પોતાની રીતે સર્વશ્રેષ્ઠ વિકાસ કરી રહ્યા છે.અને લોકો બંને તરફ ખુશ છે. ગુજરાત ને તો હમેંશા ખુશી હતી અને રહેશે કારણ કે ગુજરાત આજે ભૌગોલિક હદો ને વટાવી સમગ્ર વિશ્વ ફલકમાં ફેલાઈ ગયું છે…કારણ છે “ મહાજાતિ ગુજરાતી-વિશ્વજાતિ ગુજરાતી”!! જેણે પોતાની જાતને ક્યારેય બંધિયાર રાખી જ નથી..એની વેપારી બુદ્ધિ થી દુનિયા ને જીતવા નીકળેલા ગુજરાતીઓ માટે કહેવાય છે કે “ પ્રથમ અન્યમાં ભળી જવું અને ત્યાર બાદ અન્યમાં પોતાને અનન્ય સાબિત કરી અન્ય ને પોતાનામાં ભેળવી દેવું” આ વિશિષ્ટ કળા નું પેટન્ટ , એ પણ અનંત સમય માટે, એ દરેક ગુજરાતી જન્મથી સાથે જ લઈને આવે છે. ગુજરાતની હાજરી ઇતિહાસમાં લગભગ ૭૦૦૦ વર્ષ પુરાણી છે પણ શાસ્ત્રોનું માની એ તો ગુજરાત અજરામર છે !!!

અરે મને લાગે છે કે દુનિયાનો કોઈ એક ખૂણો પણ એવો નહિ હોય કે જેના પર ગુજરાતીના “પાવન” પગલા ન પડ્યા હોય!! મને યાદ છે કે, અમે અમુક વર્ષ પહેલા અમે ઉત્તરાંચલ ના પ્રવાસે ગયેલા અને બદ્રીનાથ માં ગુજરાતી બોલતા પંડાઓ અને જોશીમઠમાં ગુજરાતી ડીશ રાત્રે ૧૧ વાગે ખાધેલી…ત્યારે આશ્ચર્ય થયેલું. છેવટે ખબર પડેલી કે ત્યાં આવતા ૯૦% પ્રવાસીઓ ગુજરાતીઓ જ હોય છે અને ગુજરાતી ન જાણનાર ત્યાં ધંધો કરી જ ન શકે એવું વાતાવરણ ઉભું કરનાર આપણે જ હતા…સને ૨૦૦૯મા હાર્દિક( મારા સાળા) યુરોપ પ્રવાસે હતો અને સ્વીત્ઝરલેન્ડમાં માઉન્ટ તીતલીસ ની તળેટીમાં ગુજરાતી ખમણ,સમોસા ની લહેજત એણે માણેલી….તો આ છે ગુજરાતી પ્રવાસીઓ ની તાકાત.!!!!
તો આ ગુજરાત- ના સ્વર્ણિમ જયંતી અદભૂત જયંતી છે….આ અવસર છે ગુજરાત ના ખમીર ને સન્માનવાનો…ગુજરાતના મિજાજ ને સમજવાનો..અને મહાજાતિ ગુજરાતી ને સર્વોચ્ચ સ્થાને સ્થાપિત કરવાનો…..મને યાદ છે કે જયારે ૨૦૦૧ મા આવેલા ભૂકંપે ગુજરાતના પાયા થોડા હચમચાવી નાખેલા પણ ગુજરાતીઓ આવી વિપદામાં પણ ડગ્યા,તૂટ્યા ન હતા…હું રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ ના કાર્યકર હોવા ને નાતે રાપર ગયો હતો. ત્યાં આગળ મદદ કરતી વખતે જોયું અને સમજ્યો કે ગુજરાતીઓ ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે પણ પોતાનું ખમીર ત્યજતા નથી. એક ગામ તો સમગ્ર પણે નાશ પામ્યું હતું પણ લોકો મદદ લેવા તૈયાર નહોતા…એમનું કહેવું હતું કે એ જાતે જ આખું ગામ ફરીથી ઉભું કરશે…!!! અમે બધા ને સમજાવ્યા તો છેવટે જે ખુબ જ જરૂરિયાત મંદ હતા એ મદદ લેવા આગળ આવ્યા અને એ પણ સંકોચ સાથે.!! વર્ષો પછી હું ભુજ ગયો તો આશ્ચર્ય ચકિત થઇ ગયો , ભુજ પહેલા થી વધુ સારું,સુઘડ અને વ્યવસ્થિત લાગતું હતું…..આ છે ગુજરાત નો મિજાજ…જે શબ્દો દ્વારા નહિ પણ કાર્ય દ્વારા દેખાય છે…
અત્યારે પૂ.મોરારી બાપુ ની રામ-માનસ કથા કર્ણાવતી ક્લબ,અમદાવાદમાં ચાલી રહી છે અને તેમણે “ગુજરાત” શબ્દ નું વિસ્તૃતીકરણ કરી દેખાડ્યું…..મને ખુબ ગમ્યું…
ગુ- ગુણવાન… અહીં લોકો ગુણવાન છે..
જ- જવાબદારી…લોકો અહીં જવાબદારી સમજે છે અને જવાબદારી પૂર્વક વર્તે છે…
રા- રાહ દેખાડનારા….ગુજરાતે દુનિયાને રાહ દેખાડી છે ..પોતાના નીતિ-ધર્મ છોડ્યા વગર કઈ રીતે ,કોઈ પણ દેશકાળમાં જીવવું એ ગુજરાતે શીખવાડ્યું છે…
ત- તપશ્ચર્યા ….ગુજરાતી ઓ પોત-પોતાના ક્ષેત્ર માં “તપશ્ચર્યા” કરી જાણે છે…કર્મ કરે છે અને ઈચ્છિત ફળ મેળવે છે..અને પોતાની જવાબદારી સમજી એ ફળ નો અમુક હિસ્સો ધર્મ-નિયમ ,સમાજ માટે ખર્ચે છે…”પોતાના વિકાસની સાથે અન્યનો પણ વિકાસ” એ આપણો મંત્ર રહ્યો છે અને કદાચ આથી જ ગુજરાત માત્ર વિકાસ નથી કરતુ…વિકાસ કઈ રીતે કરવો એ શીખવાડે પણ છે…..નરેન્દ્ર મોદી વિષે ચાહે કોઈ ગમે તે કહે પણ એ “ગુજરાતી” ઓ નો સાચો ચહેરો છે…એ બધા સમજી ચુક્યા છે….

ધન્ય ધન્ય આ ગુર્જર ધરા..સ્વર્ણિમ ધરા

________________________________________


“ જય જય ગુણવંતી ગુજરાત, અમારી ગુણવંતી ગુજરાત….૦
ચમકતી,છલકતી, નાજુક નમણી નાર શી..મિજાજ મહેકાવતી..
જગ જીત્યાની ખેવ એવી, થઇ પ્રવાહિત સમગ્ર શ્રુષ્ટિ મહી..૦.
છાપ એવી રૂડી છાપી કે ,એના નામ કેરું નાણું, જગે વખાણ્યું…
મહેતા નરસૈયાનો નાથ આવી વસ્યો હોંશે એના રુદિયા માહી…૦
સહજાનંદ કેરી કાર્ય ભૂમિ , આજ ગુંજતી ગાજતી ચતુર્દીસ વહી..
ધર્મ-સંસ્કારના વાવટા ખોડ્યા એવા ,ડગે ધરા,મનડા કદી નાહિ…૦
નર્મદ,દુલા,અખાના ચાબખા ચમકાવતી, પળેપળ ધબકતી અતિ,
કવિ દલપત, ઝવેર મેઘાણી ના કસુંબી રંગે રાગતી ,ઝમકતી..૦
ગાંધી ,સરદારે સિધ્ધાંત થકી અંગ્રેજોની નાક લીટી એવી તો તાણી…
રચ્યો સ્વર્ણિમ ઇતિહાસ,રચી ધન્ય ધરા ભારતની સરવાણી….૦
દાંડીથી શરુ ગાંધી ની કથા , લોક રાગમાં એવી તો સમાણી…
પહોંચી અમુલ કેરી શ્વેત ક્રાંતિ ભણી, બની એ ઘર ઘર થી જગ-વાણી..૦
અહીં ધર્મ સંસ્કાર સંગ વ્યવહાર સહજ સમજાતો,જીવાતો..
મુલ્ય લક્ષ્મી કેરું રગે રગ ઘોળાતું, પણ હરિ પળે ન વિસરાતો..૦
અહીં જીવન મનાતુ એક ઉત્સવ પળે પળ અને ઉમળકે ઉજવાતું,
ઉતરાણ, દિવાળી, ગરબે ઘૂમતું સઘળું વિશ્વ એક સમજાતું….૦
સમજો,માનો આ ગુજરાતી મિજાજના દરિયા ને હો “રાજ”
જન્મ માત્ર સફળ લેખાતો હર કોઈનો  ,આ ધન્ય ધરા નો જો રંગ લાગતો…..૦.

_______________________________________________________________________

અમુલ દ્વારા પબ્લિશ થયેલી એડ…સ્વર્ણિમ ગુજરાત માટે..

સ્વર્ણિમ ગુજરાતની શ્વેત ક્રાંતિ...અમુલ..The taste of India..

સૌજન્ય-અમુલ


તો ગુજરાત એની ઓળખ બનાવી ચૂક્યું છે અને આ ઓળખનો ફલક વિશ્વથી ઓછો તો તો ન જ હોય…એ હવે સ્વાભાવિક લાગે છે. તો આ મહાન ભૂમિ ગુજરાત નું ઋણ કોઈ કાળે નહિ ચુકવાય અને ગુજરાતીઓ આ ઋણ ચુકવવામાં ક્યારેય પાછા નહિ પડે એ હકીકત છે….અમે વિપદા સામે ઝૂકવાનું શીખ્યા નથી અને સંકટો સામે ઝઝૂમવા માં થાકતા નથી…ગુજરાતી હોવા નું સુખ છે ,ગર્વ છે અને અભિમાન છે….ઘમંડ છે…!!!!

હું ગુજરાતી…સવાયો ગુજરાતી…ગર્વીલો ગુજરાતી…..

રાજ