Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS રવિસભા-03/12/23

પછી રઘુવીરજીએ પ્રશ્ન પૂછ્યો જે,

“હે મહારાજ! આ જીવનો મોક્ષ તે કેમ કરે ત્યારે થાય છે?”

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

જેને પોતાના કલ્યાણની ઇચ્છા હોય તેને પોતાનું દેહ, ધન, ધામ, કુટુંબ, પરિવાર એ સર્વેને ભગવાનની સેવામાં જોડી દેવાં અને ભગવાનની સેવામાં જે પદાર્થ કામ ન આવે તો તેનો ત્યાગ કરી દેવો. એવી રીતે જે ભગવાન-પરાયણ વર્તે તે ગૃહસ્થાશ્રમી હોય તોય પણ મરે ત્યારે ભગવાનના ધામમાં નારદ-સનકાદિકની પંક્તિમાં ભળે અને પરમ મોક્ષને પામે. એનો એ જ ઉત્તર છે.”

— વચનામૃત- ગઢડા મધ્ય 62

આજે અમદાવાદ ધુમ્મીલ હતું…….છેલ્લા બે દિવસ થી ત્રણેય ઋતુઓ જાણે કે હળીમળી ને અમદાવાદ પર …ગુજરાત પર રાજ કરતી હોય તેવો માહોલ છે….પણ આપણા હૃદય મન પર તો એક હરિ નું જ રાજ છે અને સદાય રહેશે……..તો એ જ મારા જગન્નાથ ના અદભુત દર્શન કરીએ…..એને વધાવીએ….

સભાની શરૂઆત પૂ.કૃષ્ણસ્વરૂપ સ્વામી અને યુવકો દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થી થઈ……મન મૂર્તિ માં સહેજે જોડાઈ ગયું…..એ પછી એ જ સંત ના શાસ્ત્રીય રાગ માં ” રહેજો..રહેજો રે….તમે સદાય સાથે રહેજો રે…..” પૂ.મહાપુરુષ દાસ રચિત પદ રજૂ થયું……આ સાવરા ગુમાની….હરિવર ને અંતર માં અખંડ રાખવો અઘરો છે અને એટલા માટે જ એની જ સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી બ્રહ્મરૂપ થવું પડે…..જો એ થાશું તો જ એ રીઝશે અને હૈયા માં અખંડ સહજ આનંદ પ્રવર્તશે…..!!! એ જ વાત ગુણાતીત ગુરુ ના સતત સાનિધ્ય ની છે…….એના માટે પણ પાત્રતા કેળવવી પડે. એ પછી યુવક મિત્ર જૈમીન અને અન્ય દ્વારા ” મોરે મંદિર આજ બધાઈ…ગાઓ મંગલ માઈ રે….” પ્રેમાનંદ સ્વામી રચિત કીર્તન પદ અને ” માઇરી મેં તો પુરુષોત્તમ વર પાયો….” અને ” મંગલ છાઈ રહ્યો ત્રિભુવન મેં….” મુક્તાનંદ સ્વામી રચિત પદો…રજૂ થયા……..શ્રીજી એકવાર રાજી થાય અને અંતર ને મંદિરિયે પધારે….બિરાજે પછી બાકી શુ રહે?? આઠો જામ બસ સુખ ની જ લ્હાણી……!!

ત્યારબાદ અમદાવાદ શહેર ના વિવિધ વિસ્તારોમાં ઉજવાયેલા અન્નકૂટ ઉત્સવો ના દર્શન કરાવતો એક વીડિયો રજૂ થયો……

અદભુત દર્શન…..!!

આજે સ્વામિનારાયણ નામ ના ડંકા બ્રહ્માંડ માં ગુંજે છે…BAPS એકલા ના જ આજે 1550 થી વધુ મંદિરો સમગ્ર જગત માં સ્થપાયેલા છે…..એ જ શૃંખલા માં આજે અમદાવાદ ના જગતપુર ખાતે બની રહેલા નવીન શિખર બદ્ધ મંદિર ની રચના વિશે વિસ્તૃત માહિતી વીડિયો ના માધ્યમ થી મળી……આજે અમદાવાદ માં 40 થી વધુ સંસ્કાર ધામો…. શાહીબાગ નું મુખ્ય મંદિર….અને 760 થી વધુ મંડળો ચાલે છે……સત્સંગ શ્રીજીની મરજી થી કૃપા થી એટલો બધો વિસ્તર્યો છે કે શાહીબાગ સિવાય પણ એક અન્ય મોટા શિખરબદ્ધ મંદિર ની જરૂર હતી જે આજે જગતપુર ખાતે રચાઈ રહ્યું છે……..!

એ પછી આ નવીન જગતપુર મંદિર નિર્માણ ની વિશેષ માહિતી પૂ. નિર્મલ ચરિત સ્વામી એ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આપી. જગતપુર ના આ મંદિર માં સંત નિવાસ, ઉતારા,હોસ્ટેલ, સભા ખંડ, પ્રેમવતી અને ખુલ્લી જગ્યા છે….કુલ 104 ફૂટ ઊંચું મંદિર….135000 ઘનફૂટ માર્બલ વપરાશે…….વિશાળ અંડરગ્રાઉન્ડ પાર્કિંગ લગભગ 750 થી વધુ ગાડીઓ માટે….ની રચના 2025 ના અંત સમયમાં થશે. આ વિશાળ મંદિર ના નિર્માણ ની સેવા ની લખણી શરૂ થઈ ગઈ છે……..અચૂક લાભ લેવો….ત્યાં અભિષેક મંડપ બની ગયો છે….પૂજા વિધિ માં જોડાવા માંગતા હરિભક્તો ને ત્યાં જ પૂજન અભિષેક નો લાભ મળશે…તેનો અવશ્ય લાભ લેવો. વિશેષ માહિતી આગામી સમય માં સંતો અને કાર્યકરો દ્વારા સર્વ ને મળશે.

એ પછી કોઠારી પૂ. ધર્મતિલક સ્વામી દ્વારા આ જ કડી માં વિશેષ પ્રવચન નો લાભ મળ્યો….જોઈએ સારાંશ માત્ર….

  • આપણે અનોખા છીએ કારણ કે આપણે પ્રત્યક્ષ ગુણાતીત ગુરુ સાથે જોડાયેલા છીએ…..આવા મોટા પુરુષ માટે શું ન થાય?? ઉત્તર વચનામૃત માં શ્રીજી મહારાજે આપ્યો છે….આપણે જગતભરના સત્સંગીઓ દેખાવ,વેશ ભૂષા માં ભિન્નતા છે પણ અભિન્ન છે એ – ભગવાન અને મોટા પુરુષ માં અનન્ય નિષ્ઠા છે…..એ બધામાં એક છે……
  • આપણે આટલા મોટા મંદિરો…મોટા ઉત્સવો નું આયોજન સહેલાઇ થી થાય છે કારણ કે 1) આપણે ત્યાં ભગવાન અહીં પ્રગટ રીતે સત્પુરુષ માં પ્રત્યક્ષ બિરાજમાન છે….2) હરિભક્તો નું તન મન ધન થી સંપૂર્ણ સમર્પણ……
  • આપણું બધું ભગવાન નું આપેલું છે…..બધું એમનું ધાર્યું જ થાય છે…એમની મરજી વગર એક સૂકું પાંદડું પણ હાલી શકતું નથી…..એટલે જ એમના માટે એમની આજ્ઞા મુજબ વ્યવહાર મા થી દશાંશ વિશાંશ ભગવાન ના ઋણ માટે અવશ્ય કાઢવો જેથી વ્યવહાર મા સુખિયા રહેવાય……માટે જ દાન ધર્મ અવશ્ય કરવું…..પણ વિવેક પૂર્વક સુપાત્ર ને જ કરવું.
  • કોઈનું દાન અર્થે આપેલું ભગવાન સ્વીકારે છે અને અનેક ઘણું પાછું આપે છે…..ભગવાન તો ભક્ત વત્સલ છે..કોઈનું બાકી રાખતા નથી…એ સુદામા હોય…દ્રૌપદી હોય…કે અનેક સમર્પિત હરિભક્તો ના પ્રસંગો…..એ બધા આ વાત ના સાક્ષી છે કે ભગવાન અને સંત ને આપેલું નિમિત્ત માત્ર ગણી ને આપણ ને અઢળક લાભ …અનેક ગણું…આપે છે….આ તો આજ્ઞા માં રહે એ ભક્તો ને સુખિયા કરવા ભગવાન અને સંત ના ચરિત્ર માત્ર છે. જ્યારે કપરો સમય હતો ત્યારે બોચાસણ મંદિર નિર્માણ વખતે સોનામહોર ભરેલા ચરુ મળેલા છતાં શાસ્ત્રીજી મહારાજે એને પાછા પાયા માં મુકાવી દીધા અને એક એક રૂપિયા માટે હરિભક્તો ના ઘરે ઘરે જઈ ભિક્ષા માંગી…..શુ સ્વાર્થ હતો?? શાસ્ત્રીજી મહારાજે સ્વયં કહેલું કે જે મારી ઝોળી માં એક દાણો પણ અર્પણ કરશે તેનું મારે કલ્યાણ કરવું છે…….બસ, જીવમાત્ર નું કલ્યાણ જ એમનો સ્વાર્થ છે.
  • માટે જ મોટા પુરુષ ની આજ્ઞા મુજબ ચોખ્ખો ધર્માદો કાઢવો જ જોઈએ …..જેથી વ્યવહારે સુખી રહેવાય….શુદ્ધ ભાવે સેવા કરી લેવી…..ભગવાન અને સંત નું આપેલું જ એમને પાછું આપવા નું છે……

ત્યારબાદ પૂ. ઇશ્વરચરણ સ્વામી ના આશીર્વચન નો લાભ મળ્યો….એમણે કહ્યું કે- જગતપુર ના મંદિર ની જગ્યા પ.ભ. લાલજીભાઈ ચૌહાણ દ્વારા મળેલી……અમદાવાદ નો સત્સંગ આજે અનેકઘણો વધ્યો છે……શાહીબાગ નું આ સ્થાન મહાપ્રસાદી નું છે….શ્રીજી અને સંતો આ માર્ગે સાબરમતી માં સ્નાન માટે જતા..અહીં આંબાવાડિયું હતી અને અહીં આરામ કરતા…શાસ્ત્રીજી મહારાજ અહીં બે બે માસ રહેતા…કપરી સ્થિતિ માં અહીં મંદિર રચાયું….જગતપુર નું મંદિર આખું મકરાના માર્બલ માં બને છે…..સુંદર જાળીઓ….મોટો સભા મંડપ, બૅઝમેન્ટ માં પાર્કિંગ, ઉતારા, પ્રેમવતી બધું જ છે. ગુરુ આજ્ઞા એ આ બધું થાય છે….માટે જ સેવા નો મોકો ઝડપી લેવો…….ગુરુ ને રાજી કરી લેવા…

અમદાવાદ ના વિવિધ વિસ્તારો માં બાળ મહોત્સવ ઉજવાયો છે…ઉજવાવવા નો છે……તેનો વીડિયો દર્શન નો લાભ મળ્યો…

આપણા શહેર ને સ્વચ્છ રાખવા માટે ની શપથ – સર્વે એ લીધી……! સ્વચ્છતા અંતર ની હોય કે બહાર ની…..હરિ ને એ જ ગમે…!!!

આવતા રવિવારે સભા અહીં શાહીબાગ મંદિરે જ રાખી છે…..

આજ ની સભા- સમર્પણ….નિમિત્ત ભાવ ની હતી……બધું ભગવાન નું આપેલું છે અને એના ચરણો માં જ આપવા નું છે. એ તો ભાવ નો ભૂખ્યો છે પણ એની આજ્ઞા મુજબ , એના સંકલ્પ ની પૂર્તિ માં આપણે માધ્યમ બનવા નું છે……જો એ કરશું તો એ રાજી થશે અને એના રાજીપા થી વિશેષ શુ હોઈ શકે????

એ રાજી તો બધું જ રાજી….!!! એના રાજીપો એ જ આપણું જીવન….!!!

સદાય પ્રથમ શ્રીહરિ ને રે…..

જય જય સ્વામિનારાયણ….

રાજ…


Leave a comment

“મનો”રથયાત્રા ……………

તો- અમદાવાદ આજે ૧૩૬  મી રથયાત્રા નું સાક્ષી બનશે…..હરિભક્તો નો ઉમંગ જાણે કે હિલોળે ચઢ્યો છે…..અને હરિ જાણે કે રથ પર ઠાવકાઈ થી સવાર થયા છે…….અદભુત જોગ-પ્રસંગ છે આ…….ભગવાન પોતે- નગરચર્યા એ નીકળે અને એ પણ આપણા મનોરથ સિદ્ધ કરવા……! આના થી મોટી વિશેષતા કઈ હોઈ શકે…આપણા ભક્તિ સંપ્રદાય માં…..! મારી ગઈસાલ ની પોસ્ટ “રથયાત્રા- મનોરથ યાત્રા (http://wp.me/pqkxq-CZ ) એ વાત સહજ પણે…ગહન પણે કહે છે…….

તો- આજે બસ રૂટીન કામકાજ જ છે…..નોકરી માં કોઈ રજા નથી……અને આમે ય મારા વ્હાલા ની આ રથયાત્રા ને હું અંતર ને એક કોરાણે માણવા માંગું છું…..આથી ભીડ થી દુર જ રહેવા માં આવશે……પણ….આજે શ્રીજી નગરચર્યા એ નીકળવાના છે….તો પોતાના મન-હૃદય-આત્મા ના આંગણિયા ને “વાળી-ઝુળી” ને ચોખ્ખું કરી રાખજો……બ્રહ્માનંદ સ્વામી પોતાના સારંગ રાગ માં ગવાયેલા પદ માં શું કહે છે??? ચાલો એની મજા માણીએ….

“રથ પર બેઠે ઘનશ્યામ, દેખો માઈ રથ બેઠે ઘનશ્યામ;
સુંદર શ્યામ સુજાન સાંવરો, સંતન કો અભિરામ…..૦
રતન જડે રથ ચક્ર અલૌકિક , જાળી મુક્તાદામ( અર્થાત મોતીની માળા ઓ) ;
નીરખી છબી વ્રજરાજ  કુંવર કી , લાજત કોટી કામ …..૦
કહાન કુંવર કુ દેખન કારન, મિલ આયે સબ વામ ( અર્થાત સ્ત્રી ભક્ત);
રથ કી શોભા નીરખી બઢયો હે, આનંદ ગોકુલ ગામ …..૦
જોર ( અર્થાત રથે જોડાયેલા બે અશ્વ) , મસ્ત સુંદર હૈ જોરે, બાગે ( અશ્વ ની રાસ) હીર લગામ;
બ્રહ્માનંદ એહી મુરત કો , ધ્યાન રહો સબ જામ………દેખો..૦

રથ પર બેઠે બિહારી....

રથ પર બેઠે બિહારી….

સારંગપુર માં આ વખતે તો મોટો રથોત્સવ હશે…….કારણ કે- પ.પુ.પ્રમુખ સ્વામી ત્યાં બિરાજમાન છે અને હરિભક્તો ના વૃંદ ત્યાં જ હિલોળે ચઢશે……આપણે બસ એના ફોટા અને વિડીયો ની રાહ જોઈશું…..અને હરિ ના રૂપ માં..એની લીલાઓ માં ખોવાઈ જઈશું…..

ત્યાં સુધી- બધા હરિભક્તો ના શુદ્ધ હૃદય ના બધા મનોરથ પુરા થાય- એ જ શ્રીજી ને પ્રાર્થના………..કારણ કે- એ તો હવે રથ પર સવાર થઇ તમારા સુધી આવે છે…પણ તમારી એમને આવકારવા ની તૈયારી છે કે નહિ? એ તમારે જ જોવાનું છે…….ત્યાં સુધી બસ પ્રાર્થના કરતા રહીએ……

જય જગન્નાથ……જય સ્વામીનારાયણ…..

રાજ


Leave a comment

રથયાત્રા- મનોરથ યાત્રા

જગન્નાથ પૂરી ની રથયાત્રા સમગ્ર દુનિયામાં પ્રખ્યાત છે અને એના પ્રભાવ..વ્યાપ અને વિસ્તાર  પર થી જ એક અંગ્રેજી શબ્દ  juggernaut (A massive inexorable force that seems to crush everything in its way)  નું અસ્તિત્વ બન્યું……પણ આ રથયાત્રા એ કેટ-કેટલા ના જીવન બદલ્યા છે? કોને ખબર…..?? જગત ના ધણી ને નગરચર્યા પર લઇ જવાના..અને એ પણ એમની બધી કાળજી ( આંખે પાટા બાંધવાના,,જાંબુ-મગ-ધાણી ખવડાવવા ના….મોસાળું….વગેરે..) સાથે…તો પછી- ભક્તો નો ઉત્સાહ કેમ ન બેવડાય..?? અમદાવાદ માં કદાચ છેલ્લા ૧૦૦ થી વધારે વર્ષો થી આ ઉત્સવ થઇ રહ્યો છે…..અને કેટલાક અમદાવાદીઓ એ તો- આ સો વર્ષ ની યાદગીરી હજુ સુધી એમ જ તાજી રાખી છે…..અદભુત વાત છે…!

પણ અંગત રીતે કહું તો મને – રથયાત્રા નથી ગમતી …કારણ બે છે…. ૧. ભીડ ૨. કોલાહલ ………… આટલા વર્ષ થી અમદાવાદ માં રહું છું પણ મને યાદ નથી કે – હું રથયાત્રા ને દિવસે- એના માર્ગ માં પણ ક્યાંય ફરક્યો હોઉં..! હા..અમદાવાદ ના જમાલપુર માં આવેલા જગન્નાથ મંદિર માં – અવારનવાર દર્શન નો અને માલપુઆં ના પ્રસાદ નો લાભ લઉં છું…..અમારા સ્વામીનારાયણ સંપ્રદાય ના છેલ્લા બસો વર્ષ ના ઇતિહાસ માં અસંખ્ય વાર- શ્રીજી મહારાજ ની નગરચર્યા અને એના ભવ્ય સ્વાગત ના વર્ણન છે. શ્રીજી મહારાજ જ્યારે પહેલા વહેલા – મોટેરા ગામ ને રસ્તે અમદાવાદ માં પધાર્યા ત્યારે – એમનું જે ભવ્ય સ્વાગત થયું હતું…..એનો ઉલ્લેખ ઇતિહાસ માં છે……શ્રીજી ને નગર શેઠ હીમાભાઈ ના માતુશ્રી એ સુવર્ણ પુષ્પો થી વધાવ્યા હતા….એ પણ આજે કીર્તન ના પદ બની ગયા છે…..” હો એક સમે અમદાવાદ માં…કે આવ્યા શ્યામ સુજાણ…..” એ પ્રખ્યાત પદ માં – આ બધો ઉલ્લેખ સાંભળી શકાય છે…..

કહેવા નું શું છે કે….શ્રીહરિ જયારે સ્વયમ- પોતાનું નિજધામ છોડી ને અવતરણ ધારણ કરે છે કે નગરચર્યા એ- પોતાના ભક્તો ના કુશળક્ષેમ પૂછવા નીકળે છે….ત્યારે એ રથયાત્રા – વાસ્તવ માં એક “મનોરથ” ની યાત્રા થઇ જાય છે. ભગવાન અવતાર કેમ ધારણ કરે છે? શું કારણ છે કે એમને સ્વયમ આવવું પડે છે? જવાબ- લાંબો છે……અને સમજો તો સહજ છે. જયારે તમે એ જગત ના ધણી આગળ- શરણાગતિ સ્વીકારો છો….એનું ધણીપણું સ્વીકારો છો અને એના રાજીપા માટે જ કર્મો કરો છો- ત્યારે એની ફરજ બને છે કે તમારા -યોગક્ષેમ એ સાચવે…..ગીતામાં સ્વયમ ભગવાને આ જ કહ્યું છે….” યોગક્ષેમમ્ વહામ્ય્હમ ……” અને આ અભય વચન છે……સ્વાધ્યાય પરિવાર માં શ્રીકૃષ્ણ ભગવાન ની મૂર્તિ…..નાથદ્વારા માં ઠાકોરજી ની મૂર્તિ કે સ્વામીનારાયણ મંદિરો માં શ્રીજી ની મૂર્તિ જુઓ…….અભયદાન ની મુદ્રા અવશ્ય દેખાશે…..!

તો- આપણા મનોરથ સિધ્દ કરવા – શું કરવાનું…????

  • મહિમા સહીત નું જ્ઞાન……..જે શ્રીહરિ નો મહિમા સમજાવે છે…..આપણું પામર પના નું જ્ઞાન કરાવે છે….અને એ જ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થતા જ- ભગવાન ના રાજીપા માટે થતી સેવા-ચેષ્ઠા – સમજાય છે….
  • સ્વરૂપ નિષ્ઠા……..ધણી તો એક જ…….! જેમ પતિવ્રતા સ્ત્રી ને પોતાના પતિ પ્રત્યે જેવો અને જેટલો…ભાવ અને હેત હોય….એવું પતિ ના સગા વ્હાલા પ્રત્યે ન આવે…..! એક સ્વરૂપ માં જ જીવ ગોઠવાય તો જીવ નો મોક્ષ સરળ બને …..
  • ધર્મ-નિયમ-આજ્ઞા પાલન- ખુબ જ જરૂરી છે…….કારણ કે એ તો અધ્યાત્મ અને ભક્તિ માર્ગ નું પ્રથમ પગથીયું છે કે જેનાથી તમારા માં શિસ્ત આવે છે….. અને દેહ ને પડતા ભીડા થકી જ- આ દેહ અને એનો માલિક આત્મા- એમ ભેદ પરખાય છે…..ગુરુ નું  અને એમની આજ્ઞા નું માહાત્મ્ય સમજાય છે…પુ. પ્રમુખ સ્વામી મહારાજ કહે છે એમ- સત્સંગ માં પાકા થવા- નમો, ખમો, ઘસાવો….અને મનગમતું મુકવું…..એમ ચાર વાતો નો ખટકો રાખવો…..જો કે આ ખુબ જ અઘરી વાત છે…..
  • સમજણ અને જાણ પણું…….અર્થાત- હું કોણ છું??? હું આત્મા છું…..અને જે વિષયો ની આસક્તિ મને થાય છે- એ બધી માયા છે- નશ્વરતા છે….એ સમજાય…આપનો જન્મ  શા માટે થયો છે??? કર્મ યોગ અને અનાસક્તિ યોગ શું છે????
  • સ્થિતપ્રજ્ઞતા- ઉપર ના નિયમો પડાય એટલે આત્મા માં – વૈરાગ્ય ની ભાવના આપોઆપ આવે અને જીવ ને સુખ-દુખ સમ લાગે….બધું જ સ્થિર લાગે….અને એક હરિ પર વિશ્વાસ કાયમ રહે…..

અને ઉપર ની બધી વાતો નો સાર એટલો જ છે કે….આપણા મનોરથ એવા હોય કે- સ્વયમ શ્રીહરિ રાજી થઇ ને એને સ્વીકારે અને આપણા જીવન રૂપી રથયાત્રા સફળ થાય……તો આજ ના દિવસે- ભગવાન શ્રી જગન્નાથ ને…શ્રીહરિ ને….ગુરુ શ્રી પ્રમુખ સ્વામી મહારાજ ને એ જ પ્રાર્થના…….

અને હા…..સ્વામીશ્રી આજકાલ અમદાવાદ ને સેવા નો લાભ આપી રહ્યા છે….ગઈકાલે મંદિરે જવાની ખુબ ઈચ્છા હતી પણ કામકાજ માં એવા તે અટવાયા કે – ન જઈ શકાયું…..પણ જુઓ..અદભુત દર્શન વીડીઓ…..

સૌજન્ય- બેપ્સ, શાહીબાગ મંદિર,અમદાવાદ.

જય સ્વામીનારાયણ..

રાજ


Leave a comment

મનોરથ યાત્રા…..

તો આજે અષાઢી બીજ અને ઠાકોરજી ની નગરચર્યાનો દિવસ…..માત્ર આજ ના દિવસે શ્રીહરિ ,નિજ સ્થાન છોડી ને ભક્તોને દર્શન આપવા, સામે ચાલી ને બહાર નીકળે છે!!! ભગવાન માટે એમના ભક્તો થી વધારે કંઇ નથી….!! નારદજી અને શ્રીજી મહારાજ નો સંવાદ એ જ વાત નો પુરાવો છે…અને ભક્તો માટે તો ઠાકોરજી નું મહત્વ કહેવું જ શું??? ” ગોપીઓ ને જેમ કૃષ્ણ જ વ્હાલા…ચકોર ને જેમ ચાંદ જો….” એમ જ પ્રેમ લક્ષણા…આત્મ લક્ષણા …ભક્તિ છે.!!!

ખેર !! તો રથયાત્રા વાસ્તવમાં “મનોરથયાત્રા ” છે….ભક્તો ના મનોરથ પુરા કરવા ઠાકોરજી ની દયા …કૃપા …જે છલકાય છે એનો આ ઉત્સવ છે. ભગવાન જગન્નાથ નિજ મંદિરે થી બહાર નીકળે છે અને ભક્તો નો જે મહેરામણ ઉમટે છે , એ આજે ટીવી પર તાદ્રશ્ય જોયો. અંગત રીતે હું ભીડ નો માણસ નથી, એકલતા ગમે છે પણ આજે માહોલ જ કંઇ અલગ હતો. છતાં કામકાજ ચાલુ હતું અને “મનો” રથયાત્રા ના દર્શન ટીવી સુધી જ સીમિત રાખવા પડ્યા. સાંજે સમય મળતા હું શાહીબાગ મંદિર , ઠાકોરજી ના દર્શને ગયો….એમના વાઘા, વસ્ત્રો, શણગાર મન ને મોહી લે એવા હતા.

"મરમાળી મોહન તારી મૂર્તિ........"

સૌજન્ય- બેપ્સ

કેટલાક સંપ્રદાયો વચ્ચે એક વૈચારિક લડાઈ છે કે ……

” ભગવાન સાકાર છે કે નિરાકાર…????”

અમારો સ્વામિનારાયણ સંપ્રદાય કે જે શુધ્ધ વૈષ્ણવ સંપ્રદાય છે , એ પુષ્ટી માર્ગીય વૈષ્ણવ સંપ્રદાય ની જેમ જ મને છે કે ભગવાન હમેંશા “સાકાર”..”સર્વ ગુણ સંપન્ન” જ હોય છે અને જયારે એ મનુષ્ય રૂપે અવતરિત થાય છે ત્યારે પોતાનું ઐશ્વર્ય અને ધામ-ધામી, સંપન્નતા સાથે લઇ ને જ આવે છે…..”કૃષ્ણ” તત્વ સાંગોપાંગ,સંપૂર્ણ જ હોય…આથી જ ભગવાન ના ભોગ,શણગાર,સુખ-સંપન્નતા પર વધારે ધ્યાન અપાય છે…આખરે આ લડાઈ નથી…એક સંવાદ ની શરૂઆત છે….અપૂર્ણ થી પૂર્ણ સુધી પહોંચવા ની “યાત્રા” ની શરૂઆત છે…..તો આ “મનો”રથ યાત્રા નો શું સાર????

સાર-

  • એક એવી યાત્રા કે જે પ્રતીત કરાવે છે કે ઠાકોરજી એમના ભક્તો ને અનેકઘણું ચાહે છે…..
  • એક એવી યાત્રા કે જે મનુષ્ય ને “અપૂર્ણતા” નો અહેસાસ કરાવી “પૂર્ણતા” તરફ દોરે છે…..
  • પોતાના માટે બધા “ઘસાય” પણ પારકા માટે “ઘસાવા” નો મોકો એટલે “મનો” રથયાત્રા…..
  • કણેકણ ,માં વ્યાપ્ત “કૃષ્ણ” તત્વ ને સ્પર્શવા નો સામે ચાલી ને મળતો મોકો….એટલે “મનો” રથ યાત્રા…..
  • જીવન એક યાત્રા છે પણ એ યાત્રા કેવી હોવી જોઈએ….એ સમજવા નો પ્રયાસ…

બસ ઠાકોરજી ના રથ જ્યાં જ્યાં સ્પર્શ્યા …એ ધૂળ ની રજકણ પણ આપણા મોક્ષનું માધ્યમ બને…એટલે આ ” મનોરથ યાત્રા ” સિદ્ધ કહેવાય….!!

યાત્રા અનંત છે પણ આપણી શ્રદ્ધા ના પૈડા…અડગ છે આથી ઠાકોરજી ની આ “મનો” રથ યાત્રા સફળ છે જ….!!!

સાથે રહેજો………

રાજ