Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS રવિસભા-03/09/23

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,

“કેવી મતિ એક પ્રકારની રાખ્યે રૂડું થાય ને તેને જો ફેરવીએ તો ભૂંડું થાય? અને કેવી મતિને વારંવાર ફેરવીએ તો રૂડું થાય ને ન ફેરવીએ તો ભૂંડું થાય?”

પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો જે,

“ભગવાનના નિશ્ચયરૂપ જે મતિ તેને તો ફરવા જ દેવી નહીં, ભગવાનનું માહાત્મ્ય સાંભળીને તેની પુષ્ટિ વારંવાર કર્યા કરવી તો રૂડું થાય; ને એ મતિને વારંવાર ફેરવે તો ભૂંડું થાય. અને પોતે પોતાના મનને જાણ્યે જે મતિમાં નિશ્ચય કર્યો હોય જે, ‘મારે આમ કરવું છે,’ તે મતિને સંતને વચને કરીને વારંવાર ફેરવવી ને સંત કહે જે, ‘અહીં બેસવું નહીં ને આ કરવું નહીં,’ તો તે ઠેકાણે બેસવું નહીં ને તે કરવું નહીં. એવી રીતે મતિને ફેરવે તો રૂડું થાય ને એ મતિને ફેરવે નહીં ને પોતાનું ધાર્યું કરે તો ભૂંડું થાય.”

—————————

વચનામૃત – લોયા 06

આજકાલ વિવાદો..અજ્ઞાન નો ઉકળાટ વધારે છે અને એમાં એક હરિ નું જ શરણું પકડવું પડે……અને આથી જ સમય પહેલા જ મંદિરે પહોંચી ગયા…..મારા વ્હાલા ના મનભરી ને દર્શન કર્યા અને હૃદયભરી ને પ્રાર્થનાઓ કરી ……સર્વે નું ભલું હો……એ પ્રાર્થના સાથે….મારા વ્હાલા ના અમીટ દર્શન…

સભાની શરૂઆત પૂ.વિવેકમુની સ્વામી અને યુવકો દ્વારા ધૂન અને પ્રાર્થના થી થઈ…..મન હરિ માં એકાકાર થઈ ગયું…….અને કેવળ એક હરિ જ રહ્યા…..!!! આ તો સમાધિ ની જાણે કે શરૂઆત છે…..પથ લાંબો છે…વિકટ છે પણ સારથી …પણ એ જ છે….!! બસ ચલતે રહો…..!!! એ પછી પૂ.વિવેકમુની સ્વામી દ્વારા જ સદગુરુ મંજુકેશાનંદ રચિત પદ ” તારી મૂર્તિ લાગે છે પ્યારી…શ્રી ઘનશ્યામ હરિ….” રજૂ થયું…..અને એ જ મરમાળી …કિશોર મૂર્તિ ના દર્શન હૃદય માં અંકિત થઈ ગયા….મહારાજ ના એક એક અંગ નું કેવું અદભુત વર્ણન…..!!! એ તો સાક્ષાત નારાયણ મળ્યા હોય તો જ આવા કેફ થાય અને આવા પદ ની રચના થાય…..! એ પછી પૂ દિવ્યકિશોર સ્વામી ના મુખે ” જેને જોઈએ તે આવો મોક્ષ માંગવા રે….” પદ રજૂ થયું…….સર્વોપરી સંપ્રદાય ….એનો સર્વોપરી સિદ્ધાંત…..કે જેમાં જીવ ના મોક્ષ…બ્રહ્મરૂપ થવા સિવાય કોઈ વાત નહીં….!! બસ બ્રહ્મરૂપ થવું….કેમ થવું….કઈ રીતે થવું….એ સર્વે અહીં સર્વ શાસ્ત્ર ના સાર રૂપે સહજ શીખવા મળે છે……તમે શીખો છો કે નહીં…?? એ તમારા પર છે…બાકી અહીં કલ્યાણ નો માર્ગ સ્પષ્ટ દેખાડ્યો છે…..એ પછી યુવકો દ્વારા ” ગાવો રે ગુણ પ્રગટ ગુરુજી ના ….અવસર નહીં મળે રે આવો રે…” ભક્તરાજ વલ્લભ દાસ રચિત કીર્તન નો લાભ મળ્યો…..! પ્રગટ નું સુખ જ સર્વોપરી છે…….માણી લેવું….!

એ પછી શ્રાવણ માસ ની પારાયણ પ્રસંગે આજે પૂ.વેદપુરુષ સ્વામી એ , શ્રીહરીલીલામૃત ગ્રંથ( આણંદ માં શ્રીહરિ નું અપમાન) પર પારાયણ નો લાભ આપ્યો….યજમાનો દ્વારા પ્રસંગોચિત પૂજા વિધિ આરતી બાદ પારાયણ શરૂ થઈ…જોઈએ સારાંશ….

  • લોયા 6 ના વચનામૃત માં શ્રીહરિ એ કહ્યું છે તેમ જીવે મનધાર્યું મૂકવું…..ભગવાન અને સંત કહે તેમ કરે તો જ સુખ થાય…..સંપ્રદાય ના ઇતિહાસ માં ઘણા પ્રસંગ છે ….ભયાવાદર ના જાદવજી….ઉપલેટા ના જોરાભાઈ વગેરે ના પ્રસંગ માં સ્પષ્ટ દેખાય છે કે એ લોકો એ ભગવાન ની આજ્ઞા લોપી અને દુઃખ આવ્યું…..
  • મોટા પુરુષ પૂર્વાપર નું જુએ છે ….આથી જ એમની આજ્ઞા મુજબ જ કરવું…મનધાર્યું ન કરવું. પોતાનું ગમતું મૂકી દેવું…..મોટા પુરુષ અને ભગવાન રાજી થાય એમ જ કરવું……..
  • સત્પુરુષ અને મહારાજ …સદાયે પોતાના ભક્તો માટે ઝુક્યા છે…..ભક્તો ની ભૂલ ને પોતાના શિરે લીધી છે અને ભક્તો ને બચાવ્યા છે……આ નિર્માની પણુ જ તો સત્પુરુષ નો ગુણ છે…એ જ રીતે સહન કરવું- એ પણ મોટા પુરુષ નો પોતીકો ગુણ છે……જે ભક્તો વિપરીત પરિસ્થિતિ માં પણ ભગવાન ને છોડતા નથી…એમને ભગવાન પણ છોડી દેતા નથી…એની રક્ષા માં રહે છે. છેક શ્રીજી મહારાજ થી લઈને આજે મહંત સ્વામી મહારાજ સુધી…..સૌએ પોતાના શિષ્યો ના સુખાકારી માટે સદાય સહન જ કર્યું છે….અને આ ગુણ જોઈને અનેક જીવ સત્સંગી થયા છે…..
  • આજના પ્રસંગ માં સ્વામી એ કહ્યું તેમ આણંદ શહેર માં દ્વેષી ઓ એ મહારાજ નું સંતો નું સાથે ના હરિભક્તો નું અપમાન ધૂળ ઢેફા થી કર્યું છતાં મહારાજે સૌને માફ કર્યા અને પરિણામ આજે આણંદ માં દેખાય છે…..આજે ત્યાં સ્વામિનારાયણ સત્સંગ સર્વોપરી છે….મહારાજ એ સમયે બોલ્યા હતા..કે ઇડરિયો ગઢ જીત્યા….!!!
  • આમ, આપણા ભગવાન ની…ગુરુ ની એ જ રિતી નીતિ છે કે ..અપમાન નો બદલો અપમાન થી ન લેવો……બસ ઊલટું એના સારા માટે ભગવાન ને પ્રાર્થના કરવી…..!!! અને એટલે જ આપણા ગુરુ…આપણા ભગવાન….આપણો સંપ્રદાય સર્વોપરી છે……!!

જાહેરાત થઈ કે- એ પછી આવતા ગુરુવારે, જન્માષ્ટમી ની વિશિષ્ટ સભા બાલમંડલ દ્વારા અતિ ભવ્ય રીતે ઉજવવા ની છે …આવતા રવિવારે પણ પારાયણ છે…..ફરાળી ભાખરી લોન્ચ થઈ છે….

એક વીડિયો ના માધ્યમ થી અમેરિકા સેવામાં વ્યસ્ત સદગુરુ પૂ.ઈશ્વર ચરણ સ્વામી એ ” ક્ષમા” ના ગુણ પર પ્રવચન આપતા કહ્યું કે- માફ કરવું….સહન કરવું એ ગુણાતીત નો પોતીકો…આપણો ગુણ છે….અંતર ની શાંતિ નો માર્ગ છે. બીજા ની ભૂલ માફ કરતા શીખો….આપણા ભગવાને…ગુરુઓ એ આ જ કર્યું છે. જીવન માં કોઈના પ્રત્યે રાગદ્વેષ રાખવો નહીં….બીજાની ભૂલો ભૂલી જાઓ…..અક્ષરધામ નું નિર્માણ આ ગુણો શીખવા માટે છે….માટે જ આદર્શ સત્સંગી …બનવું…આવા ગુણ જીવન માં કેળવવા…

એ પછી એક વીડિયો દ્વારા એ જ “ક્ષમા” ના ગુણ વિશે એક સંવાદ રજૂ થયો….ભુજ ના અતિ ભયંકર ભૂકંપ પર અમેરિકા અક્ષરધામ માં એક સંવાદ સભામાં રજુ થયો હતો…એનો વીડિયો હતો. ભૂકંપ વખતે આપણી સંસ્થા એ ત્યાં તાત્કાલિક ધોરણે ભોજન શાળા શરૂ કરી સર્વે પીડિતો…સેવામાં જોડાયેલા સરકારી સ્ટાફ…સ્વયંસેવકો ને ગરમાગરમ જમવાનું પૂરું પાડ્યું. આપણા એક સંત અને એક સ્વયંસેવક ને સેવા દરમિયાન અકસ્માત થયો પણ ત્યાં ફરજ પર ના ડોકટરે એની ટ્રીટમેન્ટ કરવાની ના પાડી…..એ સંત અને સેવક પછી તો ધામ માં ગયા…કાર્યકરો માં આક્રોશ હતો અને બધાના મનમાં ગાંઠ પડી ગઈ કે આ ડૉક્ટર્સ ને આપણે હવે કોઈ સગવડ આપવી નથી…જમવાનું પણ પૂરું પાડવું નથી…….પણ આપણા ગુરુ પ્રમુખસ્વામી મહારાજે આજ્ઞા કરી કે એમની ભૂલ ભૂલી જાઓ…આપણા થી એમના જેવું ન થાય…આપણે તો સેવા કરવાની……પૂ.બ્રહ્મવિહારી સ્વામી એ પોતે એમને પીરસવા નું છે….!!! અદભુત…..અદભુત….! અતુલ્ય કરુણા….!!

એ પછી, મહંત સ્વામી મહારાજ નો યુવકો સાથે નો સંવાદ રજૂ થયો…..અમેરિકા ના આ યુવકો બાલમંડલ માં હતા ત્યારે એમને એક શિબિર માં બેસવા ઉઠવા ની અગવડ પડી હતી અને મહંત સ્વામી મહારાજે એ સમયે એમની માફી માંગી હતી…..Lesson of forgiveness…..! સ્વામીએ કહ્યું કે ક્ષમા એ ખુમારી નો ગુણ છે….હું પોતાને અને સામા વાળા ને સરખા જ સમજી ને વિચારીએ……તો ક્ષમા થઈ શકે.

આજની સભાનો એક જ સાર હતો……આપણા ગુરુ અને ઇષ્ટદેવ ની આજ્ઞા શિરસાટે રાખવી…..મનધાર્યું ન કરવું અને કોઈ આપણું અપમાન કરે તો એનું સામે અપમાન ન કરવું પણ એનું ભલું જ થાય એમ જ સદાય પ્રાર્થના કરવી….! એમાં જ સ્વામી શ્રીજી નો રાજીપો છે….અને એટલે જ આ સત્સંગ છે…..સુખ છે…

ચાલો આજની સ્થિતિ અનુસાર …સર્વે અજ્ઞાની ના કલ્યાણ માટે…એમની સદબુદ્ધિ માટે ભગવાન સ્વામિનારાયણ અને ગુરુહરી મહંત સ્વામી મહારાજ ના ચરણો માં પ્રાર્થના કરીએ…

સર્વે નું ભલું હો…..સર્વે નું કલ્યાણ હો…..

જય સ્વામિનારાયણ….. સદાય પ્રથમ શ્રીહરિ ને રે….

રાજ


Leave a comment

BAPS રવિસભા-11/06/23

…જેને અવગુણ લીધાનો સ્વભાવ હોય તેની તો આસુરી બુદ્ધિ થઈ જાય છે…….”

— ભગવાન શ્રી સ્વામિનારાયણ- વચનામૃત-ગઢડા પ્રથમ-31

આજે સભામાં થોડોક મોડો પહોંચ્યો…..સભાની શરૂઆત થઈ ગઈ હતી…..પણ સર્વ પ્રથમ મારા વ્હાલા ના મનભરી ને દર્શન કર્યા…..ચાલો તેનો ગુલાલ કરીએ…શ્વેત વસ્ત્રો માં શોભતો મારો શામળિયો…..

ધૂન પ્રાર્થના થી સભાની શરૂઆત થઈ….યુવક મિત્ર જૈમીન દ્વારા ‘ મને તમારા થાવું ગમે…..”પદ રજૂ થયું…..સત્સંગ નું હાર્દ આ જ છે….આપણે તો ભગવાન ના થાવું છે પણ આપણું જીવન એવું છે કે શ્રીજી ને આપણા થાવું ગમે??? પ્રશ્ન પોતાના અંતઃકરણ ને પૂછી જોઈએ…….!! અન્ય એક યુવક દ્વારા ” વ્હાલું લાગે મને મોહન મુખ તારું…….” બ્રહ્માનંદ સ્વમી રચિત પદ રજૂ થયું…….અદભુત પદ…..!! કોટી કોટી કંદર્પ….કામદેવ પણ શરમાય…ફિક્કા પડે એવું રૂપ તો મારા વ્હાલા નું છે…..જેના દર્શન ની એક ક્ષણ પણ પતિત જીવ ને પાવન કરી દે….બ્રહ્મરૂપ કરી દે..એટલી દિવ્યતા છે…!! પછી મિત્ર ધવલ દ્વારા ” મુને પ્યારી રે નટવર નાવ….મૂર્તિ તારી રે…”..સદગુરુ મંજુકેશાનંદ સ્વામી રચિત પદ રજૂ થયું…. બસ એ જ સુર…એ જ સાર….અનંત જન્મો…અનંત બ્રહ્માંડ નું સુખ તો એક શ્રીજી ની મૂર્તિ માં જ છે……!

ત્યારબાદ “ગુણો ના મહાસાગર મહંત સ્વામી મહારાજ.” વિષય પર એક અદભુત વીડિયો રજૂ થયો…..પ્રગટ સત્પુરુષ નો મહિમા આપણ ને સમજાય…તો એમની સાથે યથાર્થ હેતપ્રીત થી જોડાવાય……

આજની સભા માં પૂ.બ્રહ્મમુનિ સ્વામી જેવા પ્રખર વક્તા દ્વારા ” ગુણ ગ્રાહક દ્રષ્ટિ ” વિષય પર પ્રવચન નો લાભ સર્વ ને મળ્યો…..જોઈએ સારાંશ…

  • વચનામૃત માં મહારાજે કહ્યું છે કે સત્સંગ માં જેનો ગુણ ગ્રહણ કરવા નો ખપ છે તેનો સત્સંગ માં પાયો અચળ છે…..જો આવી દ્રષ્ટિ હોય…સત્સંગ માં સર્વે દિવ્ય મનાતા હોય…બ્રહ્મ ની મૂર્તિ મનાતા હોય તો ભગતજી મહારાજ ની જેમ અખંડ પરમ શાંતિ નો અનુભવ થાય ….અખંડ આનંદ નો અનુભવ થાય….
  • સત્સંગ માં એકબીજા નો મહિમા સમજવો અનિવાર્ય છે……કોઈનો સ્વભાવ કે વર્તન જોઈને તરત જ એના વિશે નિર્ણય ન લઈ લેવો…..
  • કોઈની સાથે આંટી ન પાડી દેવી……સત્સંગ 90℅ આંતરિક છે…..અંતઃકરણ શુદ્ધ હશે તો સત્સંગ પણ શુદ્ધ અને દ્રઢ થશે………માન બધો ખેલ બગાડે છે…..અને જીવ સત્સંગ માં થી પડી જાય છે. ગ.પ્રથમ 31 માં કહ્યું છે કે – સત્સંગ માં મોટયપ સમજણ થી આવે છે…ભગવાન ની આજ્ઞા…એમના નિશ્ચય થી આવે છે…..
  • આપણા સંતો નું જીવન જુઓ…..એકબીજા નો મહિમા જુઓ….અહીં સેવા કરતા હરિભક્તો નું જીવન જુઓ….તો એમનો મહિમા સમજાય…..મહંત સ્વામી મહારાજ નું જીવન જુઓ…..શતાબ્દી ઉત્સવ માં દર્શનાર્થીઓ ના ચરણ ની રજ પોતાને માથે ચઢાવી……!! કેવો મહિમા….કેવી દ્રષ્ટિ…!!

અદભુત પ્રવચન……!

ત્યારબાદ પૂ. બ્રહ્મપ્રકાશ સ્વામી રચિત એક સંવાદ “..પડવું જ નથી…” યુવકો દ્વારા રજૂ થયો……

સત્સંગ ના અભાવ અવગુણ ની વાતો..વ્યક્તિઓ થી બચવું…..કુસંગ થી બચવું…..કોઈના વિશે અભાવ અવગુણ ની વાતો થી દુર રહેવું….

ત્યાર બાદ આપણા હરિભક્ત શ્રી કનુભાઈ પંચાલ નું પૂ. શ્રીહરિ સ્વામી ને હસ્તે – લલિત અકાદમી દ્વારા ચિત્રકલા ક્ષેત્રે યોગદાન બદલ ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત કરવા બદલ જાહેર માં સન્માન થયું…..

આજની સભાનો એક જ સાર હતો- સત્સંગ માં રહેવું હોય તો અભાવ અવગુણ છોડવા…..સદાય ગુણ ગ્રાહક દ્રષ્ટિ જ રાખવી….અવગુણ જોવા હોય તો પોતાના જ જોવા અને ગુણ જોવા હોય તો બીજા ના જ જોવા…..! એકબીજા નો મહિમા સમજવો……

આ જ સાર વ્યવહાર મા પણ લાગુ પડે છે……છેવટે આ તો જીવ ના કલ્યાણ ની વાત છે ,એમાં જો અભાવ અવગુણ નું ઝેર લાગે તો કલ્યાણ બગડે……મોક્ષ બગડે….માટે જ એમાં પડવું જ નથી….

સદાય પ્રથમ શ્રીહરિ ને રે…..

જય સ્વામિનારાયણ

રાજ


Leave a comment

BAPS રવિસભા- 23/04/2023

સાંભળ બેની હરિ રીઝ્યાની રીતડી,

મોહનવરને માન સંગાથે વેર જો

સાધન સર્વે માન બગાડે પળ વિષે,

જેમ ભળિયું પયસાકરમાં અહિ-ઝેર જો… સાંભળ꠶ ૧

દાસી થઈ રહેજે તું દીનદયાળની,

નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો;

ભવબ્રહ્માદિકને નિશ્ચે મળતી નથી,

પુરુષોત્તમ પાસે બેઠાની જાગ્ય જો…

—————————–

સદગુરુ મુક્તાનંદ સ્વામી

ગઈ બે રવિસભા નો અંગત કારણોસર લાભ લઇ ન શકાયો….. અને આજે પુનઃ સત્સંગ ના આ શીતળ માર્ગ પર , ધોમધખતી ગરમી ને બાજુ મૂકી ને હાજર થઈ ગયા….અને પરિણામ, અંતર માં પરમ શાંતિ……હૈયા માં અતિ ટાઢક….અને મારા વ્હાલા ના અતિ મનમોહક દર્શન….

અખાત્રીજ થી ચંદન વર્ષાની પવિત્ર શરૂઆત અને ચંદન આચ્છાદિત મારા વ્હાલા ના દર્શન સાથે …યુવકો દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન દ્વારા સભાની શરૂઆત…..! વાહ….શુ સંયોગ….મન એકતાર થઈ ગયું…!! ત્યાર પછી પૂ.વિવેકમુની સ્વામી ના બુલંદ સ્વરે ” પ્રભુ તમ વિના મારું કોણ છે…” સદગુરુ મંજુકેશાનંદ રચિત અદભુત પદ રજૂ થયું. બ્રહ્મસત્ય…….એ હરિ જ આપણો એક છે, જે જન્મોજન્મ સાથે જ રહે છે…દેહ ના સંબંધી તો દેહ પડશે એટલે વિસરાઈ જશે…..પણ હરિ જ સાથે રહેશે..સદાકાળ…! તો પછી એમનામાં જ જીવ ન બાંધીએ?? સમજદાર બનો…..જન્મોજન્મ નું વિચારો…! એ પછી પૂ.દિવ્યકિશોર સ્વામી ના સ્વર માં ” પ્રાણી શ્વાસોશ્વાસે સ્વામી ને સંભારી એ રે….” પ્રેમાનંદ સ્વામી રચિત પદ રજૂ થયું….! વીજળી ના ઝબકારો થાય એટલી આ જિંદગી છે, અને એટલા માં જ જીવ ના કલ્યાણ નું વિચારવા નું છે…..જો આટલા અલ્પકાળ માં લોક ની જફા છોડી ને એક ભગવાન માં જોડાઈ જવાશે તો આ જન્મારો સફળ……ફરીથી ઊંધે માથે લટકવુ નહીં પડે…!! એ પછી પૂ.કૃષ્ણસ્વરૂપ સ્વામી ના સ્વરે ” આવો મારા મીઠડા બોલા માવ……” પ્રેમસખી રચિત પ્રેમભર્યું પદ રજૂ થયું….અદભુત પદ…!!

એ પછી ગુરુહરી દર્શન -18 થી 21 એપ્રિલ , ના વીડિયો ના માધ્યમ થી લાભ મળ્યો…..

એ પછી અવિસ્મરણીય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી ઉત્સવ ના “સ્વચ્છતા વિભાગ સેવા” નો અહેવાલ પૂ.વેદાંતમુનિ સ્વામી દ્વારા રજૂ થયો……જોઈએ સારાંશ

  • નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો…..મુક્તાનંદ સ્વામી નું આ પદ અહીં લાગુ પડે છે…..આપણા ગુણાતીત ગુરુઓ ની સ્વચ્છતા પર ખાસ રુચિ અને આગ્રહ રહેતો….આ વિભાગ ના 17 જેટલા પેટા વિભાગ હતા…2100 જેટલા સ્વયંસેવકો… જેમાં 1450 જેટલા પુરુષ અને 750 જેટલી મહિલાઓ….બે શિફ્ટ માં આ સેવા ચાલતી…
  • આમા ટોયલેટ સફાઈ થી લઈને છેક ઉતારા વિભાગ ની સ્વચ્છતા સુધી ના વિભાગ હતા…124 પાકા બ્લોક તો ખાલી ટોયલેટ હતા….આપણા ગુરુ અને મોટેરા સંતો ની ખાસ રુચિ આ વિભાગ પર વધારે રહેતી….શરૂઆત માં એજન્સીઓ નું વિચાર્યું હતું , પણ સ્વયંસેવકો એ સામે થી આની સફાઈ ની માંગણી કરી…..
  • ચાલુ કાર્યક્રમો વચ્ચે, ભારે ભીડ વચ્ચે ટોયલેટ ની સફાઈ કરવી ખૂબ અઘરું હતું…..છતાં પુરુષ સ્વયંસેવકો એ મન મૂકી ને સેવા કરી….પાદરા ના મંડળે અને હિંમતનગર ગ્રામ્ય વિસ્તાર ના મંડળે ડંકો વગાડ્યો….!! કોઈ IIT ગ્રેજ્યુએટ…કોઈ અમેરિકા ના વેપારી તો કોઈ ઉદ્યોગપતિ …..સર્વે પોતાની મોટયપ બાજુ મૂકી ને આ સેવા માં જોડાઈ ગયા…..!
  • નગર સફાઈ ના વિભાગ માં – રાત્રે મોડે સુધી આ સેવા ચાલતી….મશીનો હતા છતાં, રાત્રે મહિલા મંડળ સાવરણી ઓ લઈ ને ખૂણે ખાંચરે રહેલો બધો કચરો સાફ કરી લેતા…!! એક હરિભક્ત તો ઘરે બીમાર, અશક્ત મા બાપ ની સેવા કરી ને , નગર માં રોજ 120 કિમિ નો પ્રવાસ કરી ને સેવા કરવા આવતા…!! નગર માં 1700 થી વધુ કચરપેટીઓ હતી જે રાઉન્ડ ધ ક્લોક ભરાય/ખાલી થાય…..સેવા સતત ચાલુ જ રહેતી….!! રોજ નો 27 ટન સૂકો કચરો…..આખા ઉત્સવ દરમિયાન ખાલી ડંપિંગ બેગ નું વજન જ 22 ટન થયુ હતું….!!! રોજ નો 12 થી 15 ટન ભોજન નો એંઠવાડ નીકળતો…..જેનું બાયોલોજીકલ પ્રોસેસ થી જૈવિક ખાતર બનાવી ને સપ્લાય થયું…!!
  • સુગ ચડે એવી ગંદકીઓ…. ઉબકા ઊલટીઓ/બગાડ/મરેલા પ્રાણીઓ ના શબ ખસેડવા જેવી અઘરી સેવા ઓ , કેવળ સ્વામી ને રાજી કરવા , સ્વયંસેવકો એ પાર પાડી….ગુરુ નો અઢળક રાજીપો મળ્યો….!!

ત્યારબાદ એ જ શૂરવીર સ્વયંસેવકો ની અતિ કઠિન સેવા ના દર્શન વીડિયો ના માધ્યમ થી થયા….! અદભુત વીડિયો….

આજે પ્રખર વક્તા અને અતિ વિદ્વાન સંત પૂ.જ્ઞાનવત્સલ સ્વામી સભામાં હાજર હતા અને નગર ના “કોન્ફરન્સ વિભાગ” નો અહેવાલ આપ્યો……જોઈએ સારાંશ…

  • વિવિધ ક્ષેત્ર ના પ્રોફેશનલ વ્યક્તિઓ ને નગર માં આમંત્રણ આપ્યા અને વિવિધ ચર્ચાઓ, વિચારો નું/જ્ઞાન નું આદાનપ્રદાન થઈ ને સામાજિક ,આધ્યાત્મિક લાભ થાય એવો હેતુ હતો……લગભગ 13 જેટલી મોટી કોન્ફરન્સ થઈ…….દરેક ક્ષેત્ર ના નિષ્ણાત પ્રમુખ/આગેવાનો નો સંપર્ક શરૂ થયો…એમને નગર, ઉત્સવ ની પ્રાથમિક માહિતી આપવાનું શરૂ થયું….બધાને સ્વામી પ્રત્યે ખૂબ સદભાવ….પરિણામે આપણો શુભ હેતુ અને બાપા ના આશીર્વાદ થી બધું સહેજે સફળ થયું….
  • ફેબ્રુઆરી 2022 થી મિટિંગ્સ ની શરૂઆત થઈ અને સપ્ટેમ્બર અંત સુધી માં તારીખ સાથે બધી કોન્ફરન્સ નક્કી થઈ…..અનેક મર્યાદા ઓ હતી છતાં બાપા ની કૃપા થી બધું સફળ થયું…આપણા સત્સંગી પ્રોફેશનલ હરિભક્તો ની સિસ્ટમ ઉભી થઇ…..જેમના દ્વારા સારું કોર્ડિનેશન થયું….ઓક્ટોબર -નવેમ્બર માં ઝૂમ મિટિંગ થઈ…અને એમના દ્વારા સઘન કાર્ય થયું……રજિસ્ટ્રેશન સિસ્ટમ બની…પેનલિસ્ટ નું લિસ્ટ ઊંડાણ પૂર્વક ના અભ્યાસ થી નક્કી થયું……આમંત્રણ કાર્ડ અને અંગત મુલાકાતો ગોઠવાયા….હોલ, જમવાનું…સ્પોટ રજિસ્ટ્રેશન નું અદભુત કાર્ય થયું…..દરેક કોન્ફરન્સ માં એવરેજ 800 થી 1000 સભ્યો હાજર રહ્યા…!! વકીલો ની કોન્ફરન્સ માં તો સંખ્યા 2000 થી વધુ થઈ….!
  • નગર જોઈને બધા અતિથિઓ , મહાનુભાવો અભિભૂત થયા…..બધાના ગુણ આવ્યા….અને આપણો દાખડો સફળ થયો…..

સભામાં જાહેરાત થઈ કે- 27 તારીખે શાહીબાગ મંદિર નો પાટોત્સવ છે…સવારે 5.45 થી દર્શન, મહાપૂજા ની શરૂઆત થશે….એ જ દિવસે સાંજે , ગુરુહરી મહંત સ્વામી મહારાજ અમદાવાદ પધારશે……ગાડી માં જ દર્શન થશે…..આવતા રવિવારે , રવિસભા માં બાપા ના દર્શન નો લાભ મળશે…..એ પછી બાપા , લાંબા વિદેશ પ્રવાસ માં જઈ રહ્યા છે…….બાપા નું સ્વાસ્થ્ય સારું રહે, અમેરિકા અક્ષરધામ અને સર્વે મંદિરો ની રચના નિર્વિઘ્ને થાય એ માટે એક માળા રોજ વધારા ની ફેરવવી…..માળા આવતા રવિવારે , સાથે લઈ ને સભામાં આવવું……વિશેષ માહિતી જે તે વિસ્તાર ના સંસ્કાર ધામ માં થી મળશે….

આજની સભા નો સાર હતો……ભગવાન ના કાર્ય માં નિમિત્ત માત્ર થાવું…..! મન મુકાશે.. શીશ ઝુકશે…. અને હૈયા માં નિષ્ઠા…મગજ માં માહાત્મ્ય યુક્ત જ્ઞાન દ્રઢ થશે તો નિમિત્ત ભાવ સહેજે આવશે….સ્થિતપ્રજ્ઞ સહેજે થવાશે….!

બસ, મોટા પુરુષ ની અનુવૃત્તિ માં રહી વર્તશું તો બ્રહ્મ માર્ગ અચૂક સફળ થશે…..

જય જય સ્વામિનારાયણ…….

સાષ્ટાંગ દંડવત…….

રાજ


Leave a comment

BAPS રવિસભા- 11/09/2022

આજકાલ અમદાવાદ મેઘરાજા ની છત્રછાયા થી આચ્છાદિત રહે છે અને મેઘરાજા મન આવે ત્યારે મનમૂકી ને વરસે છે….સભા શરૂ થઈ અને મેઘરાજા આજે પણ વરસી પડ્યા……સત્સંગ ની અનરાધાર વર્ષા અને સાથે મેહુલો પણ અનરાધાર….પછી કોરા કોણ રહે?? ચાલો ..જેની આ કૃપા વર્ષા છે…તે સર્વના “કારણ” કૃપાનિધિ ના દર્શન…

સભાની શરૂઆત સ્વામિનારાયણ ધૂન થી થઈ…ત્યારબાદ એક યુવક દ્વારા સદ્. મંજુકેશાનંદ સ્વામી રચિત પદ ” મુને પ્યારી રે નટવર નામ ..મૂર્તિ તારી રે…” રજૂ થયું. ભગવાન ની મૂર્તિ નું આકર્ષણ જ એવું છે કે જીવ ના બધા સંકલ્પ વિકલ્પ ઓગળી જાય…..જો કવિ દલપતરામ જેવા વિચક્ષણ કવિ ને શ્રીજી નું એક લટકું 73..73 વર્ષ સુધી ભુલાતું ન હોય તો દર્શન ના સુખ ની શી વાત કરવી??? એ પછી એક અન્ય યુવક દ્વારા ” જન્મ સુધાર્યો રે મારો….”..મુકતાનંદ સ્વામી નું પદ રજૂ થયું……આપણ ને તો શ્રીજી મહારાજ પ્રગટ પ્રમાણ મળ્યા એટલે જ જન્મોજન્મ ની તપશ્ચર્યા સફળ થઈ….જન્મારો સફળ થયો…! ત્યારબાદ પૂ.કૃષ્ણસ્વરૂપ સ્વામી ના ઘૂંટાયેલા સ્વરે ..” સત્સંગ વિના જન્મ મરણ ભ્રમજાળ ટળે નહિ…” બ્રહ્માનંદ સ્વામી રચિત પદ રજૂ થયું…..જો આ જગત ના વિષય સંકલ્પ ….અહં મમત્વ છોડી ને એક સાચા સત્પુરુષ ના સત્સંગ થકી જીવ બાંધીએ તો સંસાર ની ભ્રમજાળ તૂટે…જીવ મુક્ત થઈ … જરૂર બ્રહ્મરૂપ થાય……!

પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજે 4 સપ્ટેમ્બર ના રોજ APC છાત્રાલય માં આપેલા દિવ્ય દર્શન સ્મૃતિ નો વીડિયો ના માધ્યમ થી સર્વ ને લાભ મળ્યો…….અદભુત સ્મૃતિ….!!

ત્યારબાદ વિવિધ સંતો ના મૂખે શતાબ્દી નગર માં સેવા આપતા હરિભક્તો ની અતુલ્ય સેવા ..મહિમા નો લાભ વિવિધ સંતો ના મુખે જાણવા મળ્યો….જોઈ એ સારાંશ

  • બાંધકામ વિભાગ માં સેવા આપતા પૂ. આદર્શ મનન સ્વામી એ કહ્યું કે …હરિભક્તો એ પોતાના દેહ, સુખ સગવડ ની પરવા કર્યા વગર મેદાન પર ના ઝાડી ઝાંખળા સાફ કર્યા…..ચુના થી માર્કિંગ કરવા ની સેવા હોય કે મજૂરો પણ એકવાર માટે કામ કરતા અચકાય એવી સેવા હોય કે સતત દેહ તોડી નાખે એવા ઉજાગરા હોય ….કે 20 ફૂટ ઊંડા ખાડા માં થી પાણી ખાલી કરવાનું હોય….સર્વે સેવામાં ઉમંગ ઉત્સાહ થી જોડાયા…પોતાના દેહ કૃષ્ણાર્પણ કર્યા…અને સામે સ્વામી શ્રીજી એ સૌના વ્યવહાર સાચવ્યા…એના અનેક પ્રસંગો પ્રત્યક્ષ છે.
  • એ પછી ડેકોરેશન વિભાગ માં સેવા આપતા પૂ. સમર્થ મુનિ સ્વામી એ પોતાના અનુભવ વર્ણવતા કહ્યું કે….એક હરિભક્ત ના પત્ની દિવ્યાંગ, છતાં એમની મંજૂરી લઈ… એમની દેખરેખ ની વ્યવસ્થા કરી પોતે સેવામાં આવ્યા….!! એવા તો , અનેક પ્રસંગો કે જેમાં હરિભક્તો ના ઘર ની આર્થિક વ્યવસ્થા બરાબર ન હોય, સ્વાસ્થ્ય નો પ્રશ્ન હોય , ઘરના સભ્યો બીમાર હોય…આખો દિવસ સેવા કરી હોય તો પણ સાંજે ફરીથી સેવામાં જોડાઈ જાય…સેવા તો કરે પણ સાથે સાથે પોતાના ગજા બહાર ની આર્થિક સેવા પણ સમર્પિત કરે…!! આવા તો અનેક પ્રસંગો સ્વામી એ વર્ણવ્યા …અને હરિભક્તો ની પોતાના ગુરુ માટે સર્વસ્વ સમર્પિત કરવા ની ભાવના નો પરિચય સર્વ ને થયો…! અદભુત…..અદભુત….

એ પછી એક વીડિયો ના માધ્યમ થી જન્મ શતાબ્દી ગીત ની રજુઆત થઈ…..પ્રમુખ સ્વામી કી જન્મ શતાબ્દી ….એક નિશાન હમારા હૈ…..ગીત રજૂ થયું. પ્રખ્યાત ગાયક કલાકાર શાન દ્વારા ગવાયેલું આ ગીત અત્યારે જગત માં ગુંજી રહ્યું છે….બસ હવે તો એક જ નિશાન…..શતાબ્દી ઉત્સવ …એમા સર્વસ્વ સમર્પણ…!!

ટ્રાન્સપોર્ટ વિભાગ માં સેવા આપતા પૂ. ઉજ્જવલ મુનિ સ્વામીએ કહ્યું કે …રાજુભાઇ નામના એક હરિભક્તે શતાબ્દી ની સેવામાં જોડાવા પોતાના બધા ઢોર વેચી દીધા, ખેતી નો પાક બદલ્યો…ચારધામ ની યાત્રા કેન્સલ કરી…અને એક વર્ષ ની સેવામાં જોડાયા…રોજ સવારે 3 વાગ્યે ઉઠી ને નિત્યક્રમ પુરા કરી સેવામાં જોડાઈ જાય…! કિરણ ભાઈ એ 1 વર્ષ ની સેવા માટે નોકરી છોડી તો એમના પરિવાર નો વ્યવહાર અન્ય એક હરિભક્તે ઉપાડી લીધો….! આમ, આવા અનેક હરિભક્તો એ પોતાના બધા વ્યવહાર ગૌણ કરી કે છોડી ને , સેવામાં સમર્પિત થયા છે…..જે લોકો માત્ર નોકરી ધંધા અર્થે શતાબ્દી માં કામ કરવા આવ્યા હતા…એમને એવા દિવ્ય અનુભવ થયા કે એ બધા સત્સંગી થઈ ગયા…!!

એ પછી પૂ.અમૃતયોગી સ્વામી કે સંત ઉતારા ની વ્યવસ્થા સંભાળે છે ..તેમણે પોતાના અનુભવ વર્ણવતા કહ્યું કે…નિસ્વાર્થ ભાવે સેવા નો ઉત્સાહ અહીં જ જોવા મળે……હરિભક્તો એ પોતાની સારો પગાર…સારો હોદ્દો ધરાવતી નોકરીઓ છોડી અહીં સેવામાં જોડાઈ ગયા છે……એક દિશા..એક વિચાર…પરસ્પર સુહૃદભાવ…સંપ…એકબીજાની કાળજી રાખવા ની વાત…અહીં જ જોવા મળે…! અરે…હરિભક્તો એ સંતો ના ઉતારા માટે પોતાના વિશાળ બંગલા છોડી નાના ફ્લેટ માં ભાડે રહેવા નું પસંદ કર્યું…!! અદભુત….અદભુત….!

એક વીડિયો ના માધ્યમ થી પૂ.ડોક્ટર સ્વામી એ શતાબ્દી ઉત્સવ કઈ રીતે ઉજવવો એની વિશેષ માહિતી …આશીર્વચન આપ્યા….એમણે કહ્યું કે….સંપ સુહૃદભાવ થી સેવા કરીશું તો આ ઉત્સવ ધાર્યો નહિ હોય તેવો વિશેષ થશે….સફળતા થી ઉજવાશે. આપણા ગુણાતીત ગુરુઓ એ સંપ નો મોટો મહિમા કહ્યો છે…ઘસાવું, નમવું, ખમવું, મન મૂકી દેવું…એક બીજાને અનુકૂળ થવું….એમ કરવા થી સંપ વધશે…..! એકબીજાનો મહિમા સમજાય તેવી વાત કરવી, મદદ ની ભાવના રાખવી, ભૂલ માફ કરવી…સુધારો લાવવામાં મદદ કરવી..સંપ વધારવો…..શરૂઆત આપણા ઘર થી કરવી…અને તો જ આપણો શતાબ્દી ઉત્સવ સાચા અર્થ માં સફળ થશે.

પૂ.સંતે જાહેરાત કરતા કહ્યું કે આજની શતાબ્દી સ્વયંસેવક ની શિબિર હતી જે અત્યંત સફળ રહી….85% હાજરી સાથે લગભગ 2700 કાર્યકરો હાજર રહ્યા….આવતા રવિવારે પૂ.આનંદ સ્વરૂપ , બીજા ફેજ ના વિસ્તાર ની સભાનો લાભ આપશે. હવે જે હરિભક્તો 35 દિવસ ની સેવા માં જોડાઈ નથી શક્યા…..એ 15 દિવસ ની સેવામાં જોડાઈ શકશે…..આ મહંત સ્વામી મહારાજ ની આજ્ઞા મુજબ ટાણા ની સેવા છે….જેની જાહેરાત પરાસભા માં થશે. મહિના ના ઓછામાં ઓછી 2 પરાસભા …હવે થી શતાબ્દી મેદાન પર સેવા તરીકે થશે…રાત્રે 8 થી 12 સમય ગાળો રહેશે…!! ….અદભુત…અદભુત….!

પૂ. મહંત સ્વામી મહારાજે સર્વે સંતો હરિભક્તો ને એક પત્ર દ્વારા ” દિવાળી અને નવું વર્ષ …શતાબ્દી મેદાન પર..” ની હાકલ કરી છે…એનું પઠન થયું અને સમગ્ર સભા બળ માં આવી ગઈ…

આજની સભાનો એક જ સાર હતો કે જે ગુરુ એ આપણા માટે એમનું સમગ્ર જીવન કૃષ્ણાર્પણ કરી દીધું …એના માટે શું ન થઈ શકે???

વિચારો………વિચારો…..કારણ કે હવે વારો આપણો છે…

જય સ્વામિનારાયણ…. સદાય પ્રથમ શ્રીહરિ ને રે….

રાજ


Leave a comment

સદગુરુ પૂ. મંજુકેશાનંદ સ્વામી

ભગવાન શ્રી સ્વામિનારાયણ આજથી 240 વર્ષ પહેલા છપૈયા, અયોધ્યા ગામે પ્રગટ્યા અને માત્ર 11 વર્ષની ઉમરે ગૃહત્યાગ કરી, મનુષ્ય ઇતિહાસ માં સુવર્ણ અક્ષરે અંકિત થયેલી અતિ કઠિન યાત્રા કરી….. ભારત ની પુણ્ય ભૂમિ ને પાવન કરતાં ગુજરાત ની પુણ્ય ધરા પર સ્થાયી થયા ….ગુરુ રામાનંદ સ્વામી ની આજ્ઞા અનુસાર 21 વર્ષની ઉમરે ધર્મધુરા સંભાળી અને એકાંતિક ધર્મ સ્થાપન ના ……મંડાણ શરૂ કર્યા…..નિયમ ધર્મ થી દ્રઢ….તેજસ્વી-ઓજસ્વી એવો લાખો મનુષ્યો નો સતસંગ સમાજ તૈયાર કર્યો……અતિ વિધવાન..એશ્વર્ય વાન…સંત સમાજ ઊભો કર્યો……..કોઈ સંસ્કૃત ના પ્રકાંડ વિદ્વાન હતા તો કોઈ સાહિત્ય-સંગીત ના શિરમોર….કોઈ યોગનિષ્ઠ યોગી હતા તો કોઈ મહંત…..કોઈ રાજા હતા તો કોઈ ગરીબ બ્રાહ્મણ…….આવા અનેકો સિધ્ધ આત્મા ઑ ને ત્યાગ ના કઠિન માર્ગે પ્રેર્યા અને સમગ્ર સમાજ ના..ધર્મ નું….જીવમાત્ર ના “શુધ્ધિકરણ” નું અખંડ કાર્ય શરૂ કર્યું અને પરિણામ એવું આવ્યું કે – સાવ સામાન્ય એવા સગરામ વાઘ્રરી પણ પોતાના શુધ્ધ જીવન અને દ્રઢ નિયમ ધર્મ-ભક્તિ ને આધારે એકાંતિક કલ્યાણ ના વાવટા પકડી- શિવરામ ભટ્ટ જેવા વેદો ના જ્ઞાતા સામે અડીખમ ઊભો રહી શકતો……..!!!

અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી….યોગી રાજ ગોપાળાનંદ સ્વામી….કવિરાજ બ્રહ્માનંદ સ્વામી….પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી…..મહાન પ્રકાંડચાર્ય નિત્યાનંદ સ્વામી ….વૈરાગ્ય મુર્તિ નિષ્કુળાનંદ સ્વામી…..સ્નેહમુર્તિ મુક્તાનંદ સ્વામી વગેરે જેવા લગભગ 3500 થી વધુ સર્વોપરી નંદ સાધુ ઑ ને જીવમાત્ર ને બ્રહમરૂપ થવાનો માર્ગ બતાવવા સમાજ ને ભેટ આપી……

આવા સર્વોપરી નંદ સંતો ની ગાથા લખવા બેસીએ તો કદાચ આ આયખું ખૂટી પડે…..પણ આજે એ નંદ સંતો પૈકી એક એવા સદગુરુ મંજુકેશાનંદ સ્વામી વિષે ટૂંક માં જાણીશું……

સોરઠની શૌર્યવાન પુણ્ય ભૂમિમાં માણાવદર નામે એક ગામ છે…… એ ગામ માં રહેતા…અને સદગુરુ રામાનંદ સ્વામી ના સમય થી જ સતસંગે રંગાયેલા મહામુક્તરાજ શ્રી વાલાભાઈના પરિવારમાં એક એકથી ચડિયાતા સત્સંગ રત્નો થયા. વાલાભાઈ અને જેતબાઈના જ પુત્ર ઈવા મંજુકેશાનંદ સ્વામી બાળપણ થી જ સત્સંગ અને ભક્તિભાવ થી રંગાયેલા હતા….

માતા જેતબાઈને પૂર્વ ના સંસ્કારને લીધે પોતાના આ પુત્રને શ્રીજીના ચરણોમાં સમર્પિત કરવાની પ્રબળ ભાવના હતી….તેમણે પોતાના વહાલસોયા બાળકનું ઘડતર સત્સંગના સંસ્કારો રેડીને કર્યુ….માતાના ઘડતરથી પુત્રરત્નના હૃદયમાં ધીમે ધીમે વૈરાગ્ય અને ત્યાગનો રંગ ચડવા લાગ્યો..

એ અરસામાં શ્રીજી ના સદગુરુ સંત સ્વયંપ્રકાશાનંદ સ્વામી માણાવદર પધાર્યા ત્યારે આ નવયુવકે સંસારને તિલાંજલિ આપી સંતમંડળ સાથે ગઢપુર આવ્યા. ત્યાગના થનગનાટથી નાચતા નવયુવકને જોઈ સ્વયં શ્રીહરિ અતિપ્રસન્ન થઈ દિક્ષા આપીને મંજુકેશાનંદ નામ ધરાવ્યુ.શ્રીહરિએ તેને સંગીતનું ઉચ્ચ શિક્ષણ આપ્યું.નિત્યાનંદ સ્વામી પાસે વ્યાકરણ,કાવ્ય, ઈતિહાસ વગેરેની સાથે આધ્યાત્મિક શાસ્ત્રોનું ગહન અધ્યયન કર્યુ.સંસ્કૃતની સાથે હિન્દી ભક્તિપદોનો ઉંડો અભ્યાસ કરીને તેમણે હિન્દી ભાષા ઉપર સારું એવું પ્રભુત્વ પ્રાપ્ત કર્યુ.મરાઠી ભાષામાં પણ નિપુણ થયા.શ્રીહરિના ઉદ્દેશ અને ચરિત્રો તેમના કાવ્યના વર્ણ્ય વિષય બન્યા.

એક ઉપદેશક સંતકવિ અને શ્રીહરિની આજ્ઞા ઉપાસનાના છડીદાર તરીકે જીવનભર સત્સંગના કથાવાર્તાના પડછંદા ગુંજવનાર સ્વામી મંજુકેશાનંદજીની વક્તૃત્વશક્તિ અતિમોહક હતી.તેમની વાણી સાંભળવા ભક્ત મેદની ઉમટી પડતી. સ્વામી એ પોતાના જ્ઞાન…સાહિત્ય…અને વૈદક જ્ઞાન થી કાનમ,વાકળ,ચરોતર,અને ખાસ કરીને પૂર્વખાનદેશમાં વિશેષ સત્સંગનો પ્રચાર કર્યો હતો.વાણીની સાથે સાધુતાનું લાક્ષણિક શાંત તેજ ભક્તજનોના મનમયૂરને આંજી દેતુ.સંસ્કૃત,સંગીત,કવિત્વ,સાધુત્વની ગાથા સાથે સ્વામીશ્રી પાસે એક વધારાની જ્ઞાનશક્તિ હતી.અને એ હતું ઔષધ જ્ઞાન……..ઉતમ ચિકિત્સકને જોઈએ એટલુ વૈદ્યકિય જ્ઞાન સ્વામીને સહજ હતુ.સ્વામી જાતે દવા બનાવતા અને નિઃસ્વાર્થભાવે જનમસમાજમાં વહેંચતા.

મંજુકેશાનંદ સ્વામીએ ‘ઐશ્વર્ય પ્રકાશ,ધર્મપ્રકાશ,હરિગીતાભાષા,એકાદશી મહાત્મ્ય,નંદમાલા’જેવા ગ્રંથો લખ્યા છે.તેમણે રચેલ પ્રાપ્ય પદો “મંજુકેશાનંદ કાવ્ય”નામથી પ્રસિદ્ધ થયા છે….મંજુકેશાનંદ સ્વામીના કાવ્ય માટે બૃહત્-કાવ્યદોહનકારનો અભિપ્રાય છે કે, ‘દુઃખિયાને દુઃખ વેળા ધૈર્ય પ્રેરવામાં તેમનાં પદોની શક્તિ અજબ છે.’……સ્વામી મોટેભાગે વડતાલ જ રહેતા અને વિક્રમ સંવત 1911 માં અક્ષરધામ ગમન પામ્યા…..

ચાલો માણીએ શ્રીજી મહારાજ ના અદ્ભુત સ્વરૂપ ને વર્ણવતું …એમનું એક અદ્ભુત પદ…….

તારી મૂરતિ લાગે છે મને પ્યારી રે… શ્રી ઘનશ્યામ હરિ

રૂડી ચાલ જગતથી ન્યારી રે… શ્રી ઘનશ્યામ હરિ꠶ ટેક

ઊંડી નાભી છે ગોળ ગંભીર રે… શ્રી ઘનશ્યામ હરિ

રૂડા લાગો છો શ્યામ શરીર રે… શ્રી ઘનશ્યામ હરિ꠶ ૧

તારી છાતી ઉપડતી શ્યામ રે… શ્રી ઘનશ્યામ હરિ

છે જો અક્ષર કેરું ધામ રે… શ્રી ઘનશ્યામ હરિ꠶ ૨

તારા મુખની શોભા જોઈ રે… શ્રી ઘનશ્યામ હરિ

રાખું અંતરમાં પ્રોઈ રે… શ્રી ઘનશ્યામ હરિ꠶ ૩

તારાં નેણાં કમળ પર વારી રે… શ્રી ઘનશ્યામ હરિ

મંજુકેશાનંદ બલિહારી રે… શ્રી ઘનશ્યામ હરિ꠶ ૪

તો સમજવાનું આટલું જ કે- પૂર્વના અનંત પુણ્ય ફળે તો જ આ સર્વોપરી સત્સંગ ની પ્રાપ્તિ થાય….એનો મહિમા સમજાય અને બ્રહ્મભાવ ને પામવાનો માર્ગ મોકળો થાય……..! એ સમય ના નંદ સંતો ના જીવન કવન નો કદાચ આ જ સંદેશ છે…અક્ષરમહં પુરુષોત્તમદાસોસ્મિ..!

રાજ


Leave a comment

BAPS રવિસભા-૧૧/૦૨/૨૦૧૮

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનને તથા ભગવાનના ભક્તને જે ન ગમતું હોય તે ન જ કરવું, અને પરમેશ્વરને ભજ્યામાં અંતરાય કરતાં હોય ને તે પોતાનાં સગાંવહાલાં હોય તેનો પણ ત્યાગ કરવો……., અને ભગવાનને ન ગમે એવો કોઈક પોતાનો સ્વભાવ હોય તો તેનો પણ શત્રુની પેઠે ત્યાગ કરવો, પણ ભગવાનથી જે વિમુખ હોય તેનો પક્ષ લેવો નહીં…………; જેમ ભરતજીએ પોતાની માતાનો પક્ષ ન લીધો.

અને ભગવાનનો ભક્ત હોય તેને તો સૌથી વિશેષ પોતામાં જ અવગુણ ભાસે……….. અને જે બીજામાં અવગુણ જુએ અને પોતામાં ગુણ પરઠે તે તો સત્સંગી છે તો પણ અર્ધો વિમુખ છે……………

અને ભગવાનના ભક્તને તો ભગવાનની ભક્તિ કરતાં આત્મજ્ઞાન તથા વૈરાગ્ય તથા ધર્મ તે જો અંતરાય કરતાં હોય તો તેને પણ પાછાં પાડીને ભગવાનની ભક્તિનું જ મુખ્યપણું રાખવું………… 


ભગવાન શ્રી સ્વામિનારાયણ- વચનામૃત-ગઢડા મધ્ય-૨૬

ગઢડા અંત્ય-૧૩ માં શ્રીજી મહારાજ કહે છે કે – ભગવાન ના ભક્ત માટે તો- “… ભગવાનની ઇચ્છા તે જ આપણું પ્રારબ્ધ છે, તે વિના બીજું કોઈ પ્રારબ્ધ નથી. માટે ભગવાનની ઇચ્છાએ કરીને ગમે તેવું સુખ-દુઃખ આવે, તેમાં કોઈ રીતે અકળાઈ જવું નહીં ને જેમ ભગવાન રાજી તેમ જ આપણે રાજી રહેવું…” અને આ જો જીવનમાં દ્રઢ  થાય તો- સુખ આવે કે દુખ- ભગવાન ની મરજી લોપાય નહિ અને જીવ વિપરીત પરિસ્થતિ માં  એ સ્થિર રહે ..! આજની સભા..આ સત્યને સમજવા ની …જીવ માં દ્રઢ કરવા ની હતી….અનંત જન્મો સુધી મનધાર્યું કર્યું છે હવે તો સાક્ષાત ..સંત રૂપે ભગવાન પ્રગટ પ્રમાણ મળ્યા છે  એમની મરજી..એમની અનુવૃતી..એમની આજ્ઞા મુજબ જીવીએ તો બ્રહ્મરૂપ થવાય….

ઘણા સમય બાદ આજે રવિસભા નો લાભ મળ્યો ..અને વળી આજે એકાદશી છે આથી આનંદ બેવડાઈ ગયો……સૌપ્રથમ- શ્રીજી ના દર્શન….

સભાની શરૂઆત યુવકો દ્વારા ધુન્ય અને પ્રાર્થના થી થઇ…યુવક મિત્રો દ્વારા “..શ્રીહરિ જય જય જય જયકારી.”….અને મંજુકેશાનંદ સ્વામી રચિત “તારી મૂર્તિ લાગે છે મુને પ્યારી રે….” કૈંક અલગ જ અંદાજ માં રજુ થયું……”સ્વામી તારો જગ માં જય જયકાર…” રજુ કરી યુવકો એ પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા થયેલા વિરાટ વિશ્વવ્યાપી કાર્યો નો મહિમા સુંદર રીતે રજુ કર્યો…..અને આજે જ સ્વામી ના સંકલ્પ થી અબુ ધાબી માં આપણા પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શિલા ન્યાસ થયેલા મંદિર એ વાત નો દ્યોતક છે……ત્યારબાદ એક યુવકે પ્રેમાનંદ સ્વામી રચિત  -કીર્તન “મન વસિયો રે મારે મન વસિયો સહજાનંદ મારે મન વસિયો….” રજુ કર્યું અને શ્રીજી..એની મનમોહક મુરત  ખરેખર મન માં વસી ગઈ …..

ત્યારબાદ સારંગપુર માં સંસ્કૃત વેદાંતનો  અભ્યાસ કરતા  પુ.જ્ઞાનાનંદ સ્વામી દ્વારા બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ના દિવ્ય ચરિત્ર પ્રસંગો નું નિરૂપણ થયું…..સ્વામીએ કઈ રીતે સાધક-સંતો ને સમજાવ્યું કે- ગમે તે સાધન કરો પણ સત્પુરુષ વગર આત્યંતિક કલ્યાણ શક્ય જ નથી…..એ અદ્ભુત પ્રસંગ હતો….પુ.ચિદાનંદ સ્વામી નો અનુભવ હોય કે- સ્વામી ના ધામ ગમન બાદ એમના પાર્થિવ દેહ ના દર્શને આવેલ કહેવાતા નાસ્તિક લોકો ના જીવન પરિવર્તન ની વાત હોય…..બધું અદ્ભુત હતું. ..! ખરેખર સત્પુરુષ નો મહિમા – શ્રીજી એ અનેક વચનામૃત માં સ્પષ્ટ વર્ણવ્યો છે એ બધો જ સ્વામી ના જીવન માં સાર્થક -યથાર્થ દેખાય છે…..

ત્યારબાદ પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ના -૧-૩ ફેબ્રુઆરી વચ્ચે દિલ્હી અક્ષરધામ સમય ના વિચરણ ના વિડીયો દર્શન નો લાભ સર્વ ને મળ્યો…..જે નીચેની લિંક થી જોઈ શકાશે…..

ત્યારબાદ કોઠારી પુ.આત્મકીર્તિ સ્વામી એ ગઢડા મધ્ય ૨૬ ના આધારે અનેક પ્રસંગો ની મદદ થી અદ્ભુત પ્રવચન કર્યું…જોઈ સારાંશ માત્ર….

  • સત્સંગ માં શું સવળું છે..અને શું અવળું છે તે જાણી રાખવું….
  • શ્રીજી એ કહ્યું છે કે- ભગવાન ની આજ્ઞા થી થતી પ્રત્યેક પ્રવૃત્તિ એ ભક્તિ છે અને એમાં સુખ છે પણ આપણે સત્સંગ માં અનેક વર્ષ થી છીએ છતાં સત્સંગ નું જેવું જોઈએ તેવું સુખ આવતું નથી…..કારણ??? આપણે આજ્ઞા તો પાળીએ છીએ પણ શ્રીજી ની મરજી મુજબ વર્તતા નથી….
  • ભગવાન ભજતા…ભક્તિ કરતા જે જે વસ્તુ આડી આવે તેનો ત્યાગ કરવો પણ એ આપણા માટે અઘરું છે કારણ કે- આપણે શ્રીજી ની મરજી મુજબ નથી વર્તતા પણ આપણું મનધાર્યું કરીએ છીએ…..
  • માટે જ સત્સંગ માં સાચું સુખ જોઈતું હોય તો મોટા પુરુષ ની અનુવૃતી પારખવી…એમની મરજી મુજબ જ વર્તવું..એમને જ રાજી કરવા જેથી ગમે તેવો દેશકાળ આવે પણ સત્સંગ ચૂંથાઈ ન જાય …ડગી ન જવાય….
  • જેતલપુર  ના વચનામૃત માં શ્રીજી કહે છે કે- સમગ્ર બ્રહ્માંડ માં અમારું ધાર્યું થાય છે માટે ભગવાન ના ભક્તે તો સમજી રાખવું કે- ભક્તિ કરતા સુખ આવે કે દુખ- એ તો ભગવાન ની મરજી થી જ આવે છે……”દાસ ના દુશ્મન હરિ કોઈ દી હોય જ નહિ..” એમ સમજી એમની મરજી પ્રમાણે જીવી જવું …..
  • સત્સંગ માં જેમ આજ્ઞા થઇ હોય તેમ આવક અને આયુષ્ય નો ધર્માદો કાઢવો……અને પ્રત્યક્ષ અનુભવ એમ કહે છે કે- એમ કરવા થી ભક્તો ના દુખ ટળ્યા છે…..
  • વળી, પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ની મરજી…કે સંપ રાખવો- જો એ જીવન માં દ્રઢ થાય તો કોઈ પરિવાર હોય કે સત્સંગ મંડળ- ક્યાય દુખ ન રહે ….આમ, મોટા પુરુષ ની અનુવૃતી પારખવી અને આજ્ઞા મુજબ જ જીવન જીવવું એમાં જ સુખ છે…….મોક્ષ છે…..

અદ્ભુત…અદ્ભુત…….! કદાચ સમગ્ર સત્સંગ નો સાર જ આ છે……..આટલું જીવન માં સમજાય તો એ- જીવ બ્રહ્મરૂપ થઇ જાય..!

સભાને અંતે અમુક જાહેરાત થઇ….

  • પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે- યોગયજ્ઞ નિયમ દરેક હરિભક્તો લેતા હોય છે..આ વખતે પણ જે તે વિસ્તાર ની પરા સભાઓ માં આની જાહેરાત થઇ ગઈ હશે અને નહિ થઇ હોય તો થશે…..યથા શક્તિ નિયમ ગ્રહણ કરવા…
  • તારીખ- ૧૭-૧૮ ફેબ્રુઆરી- આવતા શની-રવિ – પુ. ભદ્રેશ સ્વામી જેવા અતિ વિદ્વાન સંત દ્વારા – અક્ષર પુરુષોત્તમ દર્શન પર વિશેષ સત્ર છે…સમય- શનિવારે- સાંજે ૮ થી ૧૦-૩૦ અને રવિવારે સાંજે- ૫ થી ૭-૩૦ …..સર્વ ને આમંત્રણ છે…….અચૂક પધારજો…..શાહીબાગ મંદિર,અમદાવાદ

IMG-20180210-WA0005

  • અને “અક્ષર પુરુષોત્તમ દર્શન” નો ટૂંક માં સાર સમજાવતી એક બુકલેટ પ્રગટ થઇ છે…..અવશ્ય વસાવવી………

તો આજની સભા- એ બ્રહ્મ સત્ય ની સમજુતી માટે હતી કે- સાચા ભક્ત માટે તો પોતાના ઇષ્ટદેવ ની અને પોતાના ગુરુ ની મરજી જ પોતાનું પ્રારબ્ધ -એમ દ્રઢ કરી જીવન ને સફળ-સુફળ-સ્થિતપ્રજ્ઞ બનાવી શકાય…….

આટલું સમજાશે તો એ- જીવ માં આત્યંતિક કલ્યાણ માટે નું બળ રહેશે……

જય સ્વામિનારાયણ…

રાજ


Leave a comment

BAPS રવિસભા-તા ૧૭/૦૬/૨૦૧૨

ગઈકાલે ધોધમાર વરસાદ પડ્યો અને તન-મન સંતૃપ્ત થઇ ગયા….આજે પણ અપેક્ષા હતી કે વરસાદ પડશે , પણ ન પડ્યો અને બફારો અસહ્ય લાગ્યો. આજે સભામાં જવાની તાલાવેલી વધારે હતી કારણ કે – પૂ. પ્રમુખ સ્વામી મહારાજ , છેલ્લા ત્રણ-ચાર દિવસ થી અમદાવાદ ના આંગણે છે, અને કદાચ….કદાચ…..સ્વામીશ્રી – રવિસભામાં પણ દર્શન નો લાભ આપે……! આથી વધારે ભીડ , ની અપેક્ષા હતી જ…અને એટલા માટે જ અમે વહેલા સભામાં પહોંચી ગયા. સર્વપ્રથમ, હમેંશ ની જેમ ઠાકોરજી ના અદભુત દર્શન……..

આજ ના મનોહર દર્શન….

સભામાં ગોઠવાયા ત્યારે- બસ કીર્તન-ધૂન ની શરૂઆત જ હતી. પ્રસિદ્ધ બાળ ગાયક ધવલ કઠવાડીયા અને તેના પિતાશ્રી – ભરતભાઈ, કીર્તન નો લાભ આપવા ના હતા….સ્વામીશ્રી ની તબિયત હવે સારી છે, અને એનો ઉત્સાહ હરિભક્તો પર સ્પષ્ટ દેખાતો હતો, અને એ ઉત્સાહ ને કાયમ રાખતું એક કીર્તન- ધવલે રજુ કર્યું…”પ્રભુ તમ વિના મારું કોણ છે….એ જાણો છો હરિ હરિ…” પૂ.મંજુકેશાનંદ સ્વામી દ્વારા રચિત આ કીર્તન એ વાત નો પડઘો પડે છે કે- આપણા  તારણહાર – સર્વ ના કર્તા હર્તા – એક હરિ જ છે…અને બધું એમની મરજી થી જ થાય છે. ત્યારબાદ- લંડન મંદિર ના કોઠારી સ્વામી, પૂ. યોગવિવેકદાસ , સભામાં હાજર હતા અને પૂ. પ્રમુખ સ્વામી મહારાજ ના લંડન વિચરણ ના પ્રસંગો યાદ કરતા કહ્યું કે…..

  • અમેરિકામાં હૃદય ની શસ્ત્રક્રિયા પછી જયારે સ્વામીશ્રી લંડન મંદિર પધાર્યા ત્યારે ત્યાના કિશોરો એ- સ્વામી ના રાજીપા માટે પ્રાર્થના કર્તા કહ્યું કે “સ્વામીશ્રી- તમને સદાયે તન-મન થી જુવાન રાખવા…શું કરવું” કેટલાકે – કીર્તન,ધૂન,સેવા કે સંપ નો માર્ગ બતાવ્યો- તો જયારે આ પ્રશ્ન – સ્વયં સ્વામીશ્રી નું પુછાયો તો એમનો એક જ જવાબ હતો- સત્પુરુષ મા આત્મબુદ્ધિ અને નિષ્ઠા રાખવી…” સત્યવચન….જો ઊંડાણપૂર્વક વિચારો તો – આ વાત પાછળ નું ગહન રહસ્ય ખુલે….સત્પુરુષ જ આપણ ને જીવન નો માર્ગ બતાવે….પ્રેરણા,બળ,હામ આપે અને તેથી જ સત્સંગમાં ચિરકાળ સુધી “યુવાન” રહેવાય…..અને સ્વામીશ્રી નો સાથ પણ સદાયે તાજો રહે…..
  • વડતાલ ૧૧ -મા વચનામૃત પ્રમાણે- સત્પુરુષ મા હેત- એ એની સાથે પ્રીતિ થી જ આવે છે- જીવ ત્યારે , એ મોટા પુરુષ ની આજ્ઞા મા રહે, નિષ્ઠા રાખે અને વચન પાળે- ત્યારે જ એ સત્ય સાબિત થાય ….અને પરમેશ્વર ની સાક્ષાત્કાર નું કારણ પણ એ જ બને છે….આ હેત ના કારણે જ – સુવર્ણતુલા ના પ્રસંગ વખતે- બે બે વાર- સ્વામીશ્રી એ યુવકો ને સેવા નો લાભ આપેલો……અને એ જ રીતે CFI વેળા એ – યુવકો ને ખુબ જ બળ પૂરું પાડેલું…..

ફરીથી કીર્તન નો લાભ મળ્યો…..વલ્લભદાસ દ્વારા રચિત – યોગીબાપા ના મહિમા નું કીર્તન- ભરતભાઈ એ સંભળાવ્યું…”જોગીડા ના જાદુ હૃદયે રમે….” અને ધવલે ..”ખોળો બાપા નો અમે ખુંદતા રે લોલ” કિરતન દ્વારા વર્ણવ્યું કે – યોગીજી મહારાજ નું સર્વસ્વ એવા પ્રમુખ સ્વામી મહારાજ – આજે સત્સંગ મા ગુણાતીત પરંપરા નો પ્રગટ અનુભવ કરાવે છે.

ત્યારબાદ- અત્યંત તેજસ્વી એવા પૂ. વિવેકસાગર સ્વામી દ્વારા એમની રસાળ શૈલી મા ” હરિનું દર્શન કઈ રીતે કરવું?” એના પર પ્રવચન થયું……એના અમુક અંશ…..

  • પૂ. યોગીબાપા કે પ્રમુખ સ્વામી ને – ભગવાન ના દર્શન કરતા  જુઓ- એનો પણ એક લ્હાવો છે…..હરિ ની મૂર્તિ ને નખશીખ – તન-મન-હૃદય થી નિહાળી ને -અખંડ મનોવૃત્તિ મા કઈ રીતે રાખવી- એ આ મોટા પુરુષો શીખવાડે છે…..દર્શન માત્ર એક-બે સેકંડ નો ખેલ નથી- પણ સાક્ષાત ભગવાન સાથે નું તાદાત્મ્ય સાધવા ની ક્ષણ છે…..આથી એનો સદુપયોગ કરો…..
  • પૂ. પ્રમુખ સ્વામી મહારાજે અત્યાર સુધીમાં ૧૭૦૦૦ થી વધારે ગામ/નગર , ૨.૫૦ લાખ થી વધારે ઘર મા – અત્યંત ભીડો વેઠી ને- નાદુરસ્ત તબિયત સાથે પણ પધરામણી ઓ કરી છે…..અને ભક્તો ના મનોરથ પુરા કર્યાં છે….હવે વારો આપણો છે- કે સ્વામીશ્રી ને સંપૂર્ણ પણે આરામ મળે- એ રીતે એમના દર્શન કરી એ- અને “સંત તે જ હરિ” એ આપણા શાસ્ત્રો ની ઉક્તિ ને અનુભવીએ…..
  • ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે- જોવા જેવા તો એક ભગવાન છે અને એના ધારક સંત છે……એમ આપણે જેટલી ઉત્કંઠા કે તલ્લીનતા – માયિક પદાર્થોમાં રાખીએ  છીએ- એટલી જ ભગવાનમાં રાખીએ…..ઇતિહાસ સાક્ષી છે કે – શ્રીજી મહારાજ ના એક લટકા થી અનેક જીવો નું કલ્યાણ થઇ ગયેલું…..કચ્છ નો ઈમામ, વંથલી ની જુલેખા, માંચા ખાચર કે અમરો પટગર ….લીસ્ટ અનંત છે…….બધા અમર થઇ ગયા…….કવિ દલપતરામ – ૮ વર્ષ ના હતા અને શ્રીજી નો માત્ર એક લટકો – સાંભળેલો -એ આજીવન ભૂલ્યા ન હતા…..તો આવી તલ્લીનતા – ભગવાનમાં રાખવી……
  • આમ, દર્શન મોટું વિજ્ઞાન છે……એ સમજો…….અને હવે જયારે પણ દર્શન કરવા જાઓ ત્યારે પોતાની બધી ઇન્દ્રિયો અને મન – એમાં જોડી દો……સારંગપુર નું ૨,૩,૫ મુ વચનામૃત અને ગ.પ્ર.નું ૩૭ મુ વચનામૃત પણ દર્શન ના મહિમા વિષે સમજાવે છે……

ત્યારબાદ અમુક જાહેરાતો થઇ………

  • પૂ. અક્ષરવત્સલ સ્વામી એ – સ્વામીશ્રી ના સ્વાસ્થ્ય વિષે, હરિભક્તો ના દર્શન માટે ની વ્યવસ્થા વિષે જણાવ્યું…..સ્વામીશ્રી અચોક્કસ મુદ્દત માટે અમદાવાદ ખાતે જ બિરાજમાન છે….ત્યાં સુધી રોજ સવારે એમના દર્શન નો- કથાવાર્તા નો લાભ મળશે જ……
  • બાળ મંડળ માટે આયોજિત- પ્રમુખ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ મા ક્ષેત્ર ૪ ( વટવા,ઇસનપુર) ના બાળકો વિજેતા થયા અને બંને હરીફ ટીમો ને – એવોર્ડ -પૂ.કોઠારી સ્વામી, અને પૂ.વિવેકસાગર સ્વામી દ્વારા મળ્યા……
  • બાળકો માટે “સત્સંગ વિહાર-૧” નું પ્રકાશન થયું છે…….
  • આવતા રવિવારે – સારંગપુર ખાતે કીર્તન સ્પર્ધા મા વિજયી થયેલા કિશોર/યુવકો દ્વારા – ભવ્ય કીર્તન આરાધના નો પ્રોગ્રામ છે……..!!!! ભાઈ…..આવતા રવિવારે જરા જલ્દી જવું પડશે………….

અને અંતે- પૂ. સ્વામીશ્રી નો આજ સવાર ના દર્શન નો લાભ- સુંદર  વીડીઓ દ્વારા મળ્યો………..હરિભક્તો ની ભીડ જોવા જેવી હતી અને નાદુરસ્ત તબિયત સાથે પણ સ્વામીશ્રી નો જુસ્સો જોવા જેવો હતો……જુઓ નીચે ની લીંક…….

તો, શ્રીહરિ ને પ્રાર્થના કે- બસ આમ જ સદાયે રાજી રહેજો……અને મોટા પુરુષો ના જીવન થકી, આપણ ને પણ જીવન ને સફળ બનાવવા ની પ્રેરણા મળે…..બસ હર પળ- હર ક્ષણ – એક શ્રીજી મા અખંડ મનો વૃતિ રહે…..એ જ પ્રાર્થના…..

જય સ્વામિનારાયણ……